મારા અનુભવો - ભાગ 15 Tr. Mrs. Snehal Jani દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મારા અનુભવો - ભાગ 15

ધારાવાહિક:- મારા અનુભવો

ભાગ:- 15

શિર્ષક:- તાંત્રિકોની વચ્ચે

લેખક:- શ્રી સ્વામી સચ્ચિદાનંદ

રજૂ કરનાર:- શ્રીમતી સ્નેહલ રાજન જાની





મારા અનુભવો…


🙏 સ્વામી શ્રીસચ્ચિદાનંદજી


પ્રકરણઃ…15  "તાંત્રિકોની વચ્ચે"




જવાબદાર વ્યક્તિ નિશ્ચિત ન રહી શકે. ઉચિત ચિંતા તથા કાંઈક મૂંઝવતા પ્રશ્નોનો ભાર વ્યક્તિને સ્વચ્છંદી થતાં રોકે છે. કશી જ ચિંતા ન હોય અને કાંઈ જ ભાર પણ ન હોય, જવાબદારીશૂન્ય જીવન હોય તો તેવું જીવન વરદાન નહિ, અભિશાપ જ સમજવું. ભારતમાં જે પ્રકારની ફિલસૂફી વિકસાવાઈ છે તેમાં જવાબદારીથી છટકીને, માત્ર ઉદરભરી જીવન જીવવાને જીવનમુક્તિ ગણાવી છે. આવા માણસો પૂજ્ય – અતિપૂજ્ય થઈ જાય છે. આવી અકર્મણ્ય અને જવાબદારીહીન વ્યક્તિ કરતાં, સમાજનાં સુખસગવડો તથા વિકાસનાં કાર્યો માટે ઝઝૂમનાર કાર્યકર્તા ઘણો ઉત્તમ છે. તેનું સમાજને પ્રદાન છે. ખરેખર તો તે પૂજ્ય ગણાવો જોઈએ.




હું મારા જ પોતાના દ્વારા નિમંત્રેલી આપત્તિઓમાં મહાલી રહ્યો હતો. ચાર વખત જમવાની ટેવની જગ્યાએ અત્યારે એક વખત જમવાનું પણ અનિશ્ચિત થઈ ગયું હતું. ક્યાં સૂવું તે પ્રશ્ન જમવાથી પણ વધુ વિકટ હતો. કલકત્તા જેવા નગરમાં ઘણી વ્યવસ્થા હશે જ, પણ “યોજકસ્ત  દુર્લભઃ”, તેમ કોઈ સંયોજક ન હતો.




એક મિલના પહેરેગીર ભૈયાજીએ કહ્યું કે, 'મહારાજ, ચલો હમરે સંગ, ગેટ પર સોનેકી સુવિધા હૈ.' હું તેમની સાથે ગયો. મિલ બહુ દૂર હતી. રોડને અડીને જ તેનો દરવાજો હતો. ફૂટપાથ ઉપર મારા માટે એક પાટ બિછાવી દીધો. ભૈયા લોકો પહેરો ભરતા અને હું બહાર સૂતો. રોડની સામે મુખ્યતઃ ગુજરાતી વગેરે પ્રજા રહેતી.




એક વાર રાતના દશ વાગ્યે જ્યારે અમે બધા બેઠા બેઠા સત્સંગ કરી રહ્યા હતા, ત્યારે ફૂટપાથ ઉપર જતી એક વ્યક્તિને જોઈને હું ચમક્યો. થોડે દૂર સુધી જવા દઈને, ‘આવું છું' એમ કહીને હું ઊઠ્યો અને ઉતાવળે ઉતાવળે પેલી વ્યક્તિની સાથે થઈ ગયો. મેં તેના ખભા પર હાથ મૂક્યો. તે વ્યક્તિએ મારા સામું જોયું અને ડઘાઈ ગઈ. આ એ જ સંત હતા જે મારો બધો સામાન લઈને ભાગી ગયા હતા એમ - સમજીને કે આ અજાણ્યો માણસ આટલે દૂર ક્યાં આવશે ? તેઓ કલકત્તાના આ ભાગમાં આવી ગયા હતા. પણ વિધાતાએ મને પણ જાણતાં-અજાણતાં અહીં મોકલી દીધો હતો. તેમના ખભે મારો જ થેલો હતો. જે પોણા ભાગનો ખાલી થઈ ચૂક્યો હતો. અર્થાત્ ધાબળો વગેરે ચોરાઈ ગયું હતું. અમારી આંખો મળી એ ગભરાયા. મેં કહ્યું, ગભરાઈયે મત. મૈં કુછ નહીં કરુંગા બસ ઇતના હી કહના હૈ, સાધુ કે વેશમેં કિસીકે સાથ વિશ્વાસઘાત મત કરના – આટલું કહીને હું ચાલ્યો આવ્યો.




હું જાણતો હતો કે જો આ ભૈયાજીઓને ખબર પડશે તો પેલાની ચટણી કરી નાખશે. એટલે તેમને કહ્યા વિના જ હું પેલા સંતને મળવા ગયો હતો. જ્યારે પાછો ફર્યો ત્યારે ભૈયાજીઓએ પૂછ્યું કે ઓચિંતાના ક્યાં ગયા હતા ? મેં હવે બધી સાચી હકીકત કહી દીધી. “અરે, મહારાજ, પહિલે હી કહના થા. સસુરકી હડ્ડીહડ્ડી તોડ દેતે.”




કલકત્તામાં પંદરેક દિવસ હું રહ્યો, તેમાં એક દિવસ એક તાંત્રિક બાવાજી મળી ગયા. ચાળીસેક વર્ષની ઉંમર, ગૌર વાન, જટાઓ, આકૃતિ પ્રભાવશાળી. હું જે બગીચામાં બેસતો ત્યાં જ તે પણ થોડે દૂર બેસતા. સંસ્કૃતના વિદ્વાન પણ ખરા. પણ તેમના કરતાં મારી પાસે સત્સંગીઓની ભીડ વધારે રહેતી હોવાથી તે મારા તરફ આકર્ષાયા. મારી પાસે વધારે ભીડ રહેવાનું મુખ્ય કારણ મારો ત્યાગ અને નિઃસ્પૃહતા હતી. જ્યારે માણસો ઓછાં થયાં ત્યારે તેઓ મારી પાસે આવ્યા અને મને કહે કે, “ચલો હમારે સાથ, બડી અચ્છી જગહ હૈ.' મને થયું કે ચાલો ત્યારે, જોઈએ તો ખરા કે શું છે ? અમે બન્ને ચાલ્યા. ઘણે દૂર એક મહાદેવનું મંદિર આવ્યું. અહીં અસંખ્ય બ્રાહ્મણો, સાધુઓ ચિક્કાર ભરાઈને બેઠા હતા. સૌ કોઈ ને કોઈ શેઠના લાભ માટે જુદા જુદા જાપ કરતા હતા અથવા કોઈ ઘરાકની રાહ જોતા હતા.




ધાર્મિક ક્ષેત્રમાં દુઃખોની નિવૃત્તિ તથા સુખોની પ્રાપ્તિ માટે વ્યક્તિને વાસ્તવિક અભિગમ આપવાની જગ્યાએ કોઈ તમારા માટે જાપ કરે, કોઈ અનુષ્ઠાન કરે, કોઈ કાંઈ તંત્રમંત્ર કરે કે કોઈ આશીર્વાદ આપે તેવી હવા વધારે પડતી ઊભી કરાઈ છે. આના પરિણામે સામાન્ય વ્યક્તિ પુરુષાર્થવાદી થઈ શકી નથી. તે દૈવી ચમત્કારોની ઝંખના કરતી ફરે છે. અસંખ્ય પુરોહિતો, બાવાઓ અને બીજાઓ લોકોની આ દુર્બળતાને વધારે છે અને પોતાના માટે દક્ષિણાઓ ઊભી કરે છે.




શિવાલયનું દૃશ્ય સારું ન લાગ્યું. એક તો પ્રદક્ષિણાના ચોતરફ ભાગમાં ખીચોખીચ તાંત્રિકો બેઠા હતા, તેમની અસ્વચ્છતા તથા પરસેવાથી વાતાવરણ ગંધાતું હતું. એકેએકના ચહેરા ઉપર વિતૃષ્ણા દેખાતી હતી. કેટલાક મારવાડી શેઠો પોતપોતાના તાંત્રિકો આગળ ગુપચુપ વાતો કરી રહ્યા હતા. સૌ પોતપોતાની સાધના કરાવતા હતા.




પેલા મહારાજે એ ભીડમાં માંડ જ્ગા કરીને મને પણ બેસાડ્યો, અને કહે કે, “અભી આતા હું, મેરે બહોત પરિચિત મારવાડી સેઠ હૈં, કોઈ ન કોઈ અનુષ્ઠાન મિલ જાયેગા.' એમ કહીને તે ચાલ્યા, તથા દરવાજા પાસે આવતા-જતા વ્યાપારીઓ સાથે વાતો કરવા લાગ્યા.




હું સમજી ગયો કે તે કોઈ જાપ કે અનુષ્ઠાનની ઘરાકી કરવા મથી રહ્યા છે. અને તે પણ મારા માટે!! કોઈ દુઃખી માણસ પાસેથી સો-બસો રૂપિયાનું અનુષ્ઠાન લઈને મને કરવા આપે. હું તેમના કહ્યા પ્રમાણે અનુષ્ઠાન કરું. પૈસા તે લે, હું તો પૈસા રાખતો જ નહિ. આ રીતે તે પોતે પણ વ્યાપાર કરવા માગતા હતા.




દુનિયા જ્યાં સુધી રહેશે ત્યાં સુધી ઓછાવત્તા અંશે અંધશ્રદ્ધા રહેવાની જ. અસંખ્ય સુધારકો, પડકારકો અને વિજ્ઞાનના વિકાસ પછી પણ તેનું અસ્તિત્વ સમાપ્ત નથી થયું. ભારતમાં અને તેમાં પણ ગુજરાતમાં વધ્યું છે. સાચા સાધુઓ કરતાં ઠગ, ધૂર્ત અને દંભીઓનું સામ્રાજ્ય વિસ્તરી રહ્યું છે. આ તાંત્રિકોની અસર હવે તો ઠેઠ ગાંધીનગર તથા દિલ્હી સુધી પહોંચી છે.




સૌની વચ્ચે બેઠો બેઠો હું પરિસ્થિતિનું નિરીક્ષણ કરતો રહ્યો સૌને પૈસાની જરૂર હતી. વ્યાપારીઓને લાખોની જરૂર હતી. તે પૂરી કરી આપવા આ તાંત્રિકો તેમની પાસેથી ૨૫-૫૦ પડાવતા હતા. તાંત્રિકોને પણ પૈસાની ભારે જરૂર હતી. પેલા વ્યાપારીઓને કોણ સમજાવે કે જે પોતાના માટે ૨૫- ૫૦ નથી મેળવી શકતા, તે તમને લાખો રૂપિયા કેવી રીતે કમાઈ આપશે ! અંધશ્રદ્ધાના ક્ષેત્રમાં ભોળા માણસો કરતાં લોભિયા માણસો વધુ ફસાતા હોય છે. પેલા મહારાજ થોડી થોડી વારે મારી તપાસ કરી જતા અને ફરી પાછા કોઈ અનુષ્ઠાન કરાવનારની શોધમાં ચક્કર લગાવતા, મને થયું કે બસ હવે અહીંથી વિદાય થવું જોઈએ.



હું ઊભો થયો. મારી ખાલી પડેલી જગ્યાને ભરી દેવા કેટલાય ઉત્સુક હતા. પેલા મહારાજને મળ્યો અને કહ્યું, મેં જાતા હૂં. મેરે લિયે યહ ઉચિત સ્થાન નહીં હૈ, મેં અનુષ્ઠાન કરનેવાલા નહીં હૂં' કહીને વિદાય થયો ખાસ્સું ત્રણચાર માઈલ ચાલીને પાછો પેલા બગીચામાં આવ્યો. ધીરે ધીરે બગીચામાં મારા પ્રત્યે શ્રદ્ધાભાવ રાખનારું સારું એવું વર્તુળ તૈયાર થયું હતું. હવે તો આખો દિવસ લોકોની અવરજવરમાં વીત્યા કરતો. મને થયું કે હવે કલકત્તા છોડવું જોઈએ. કુંભમેળો નજીક આવી રહ્યો છે અને હવે મારે પ્રયાગરાજ પહોંચવું જોઈએ.



આભાર

સ્નેહલ જાની