સરપ્રાઈઝ Sagar Mardiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સરપ્રાઈઝ

*સરપ્રાઈઝ* 

પ્રેક્ષાનો શ્વાસ રુંધાવા લાગ્યો. એ બેડ પર હાથ પછાડવાં લાગી. અવાજથી પંકજની ઊંઘ ઉડી ગઈ. તેણે ઝડપથી ઇન્હેલર આપ્યું.  પ્રેક્ષા સ્વસ્થ થઈ નિંદ્રામાં સરી ગઈ. 

       
છેલ્લાં થોડા મહિનાઓથી અસ્થમાથી પીડાતી પત્નીને જોઈ પંકજ દુઃખી થયા કરતો. માંડ જમાવેલા ગારમેન્ટ્સના ધંધામાં બરોબર ધ્યાન આપી શકતો ન હતો.

દરવાજે નોક થતા તેની તંદ્રા તૂટી.

“પંકજભાઈ, આસિસ્ટન્ટ માટે ન્યૂઝપેપરમાં એડ આપેલી. તેનાં માટે એક યુવતી ઈન્ટરવ્યું આપવા આવી છે." દુકાનના કલાર્કે કહ્યું.

પંકજે તેને અંદર મોકલવાનું કહી તેનો ઈન્ટરવ્યું લીધો.  યુવતીના જવાબો આપવાની રીત કરતા તેને જોઇને જ પંકજે નોકરી આપી દીધી.

   ****
      પ્રેક્ષા અસ્થમાના રોગથી વધું પીડાવા લાગી એ જ ગાળામાં પંકજ અને કામ્યા વધુ નિકટ આવી ગયા એટલાં કે પંકજે એને બર્થડે પર ફ્લેટ પણ ગિફ્ટ કર્યો!

   એક દિવસ કામ્યા ઓફિસે ન આવતા પંકજે કોલ કર્યા પરંતુ સામેથી ફોન ન ઉપડ્યો. બેચેનીમાં સાંજ પડી.  માધવને ઓફિસમાં બોલાવ્યો, “માધવ, હું જાઉં છું. તું કામ પતાવી નીકળી જજે.”

“ કેમ પંકજભાઈ આજે વહેલા? ભાભીને સારું છે ને?” માધવને પંકજ સાથે ઘર જેવો સંબંધ હોવાને કારણે તે પ્રેક્ષાની બીમારી વિષે જાણતો.

"સારું છે, પણ ક્યારે શું થઇ જાય તે કાઈ કહી નક્કી ન હોય." પંકજ ભાવુક થઈને બોલ્યો, “તેની કુખ ખાલી રહેવાની  પીડામાં વધુ એક દુઃખનો સરવાળો થયો. મારાથી તેની હાલત કેમેય કરીને જોવાતી નથી,  પણ શું કરું?" આમ કહી ચેમ્બરની બહાર નીકળ્યો.

કાર રસ્તા પરના ટ્રાફિકને ચીરતી કામ્યાના ફ્લેટે અટકી. બે-ત્રણવાર નોક કરી દરવાજો ખુલવાની રાહ જોયા પછી કામ્યાએ દરવાજો ખોલ્યો.

“કામ્યા! કેમ આજે ન આવી ? મેં કેટલા કોલ કર્યા, એય રીસીવ નાં કર્યા? શું થયું અચાનક?

પંકજની જાણવાની ઉત્કટતા જોઈ.કામ્યા ચુપચાપ સાંભળી મરકતી હતી.

“સોરી, તને જાણ કરવાની રહી ગઈ. સવારથી માથું દુખતું હતું, ચક્કર આવતાં હતાં. આંખો દિવસ આરામ કર્યો. વળી મોબાઈલ પણ સાયલેન્ટ મોડમાં હતો. હમણાં તારા મિસકોલ જોયા. ફોન કરું ત્યાં તું જ આવી ગયો.”

કામ્યાનાં જવાબથી પંકજે રાહત થઈ. તે ફટાફટ રસોડામાં જઈ કોફી બનાવી લાવી. કોફી પીતાં જ તાજગીનો અહેસાસ થયો. ખાલી કપ ટીપોઈ પર મૂકી પંકજે કામ્યાનો નાજુક હાથ પકડ્યો.

“હું રસોડામાં કપ મુકીને આવું છું. ત્યાં તમે...”જાણે પંકજ એની વાત સમજી ગયો હોય તેમ બેડરૂમ તરફ ડગલાં માંડ્યા.

     પંકજની છાતી પર માથું ઢાળીને સુતેલી કામ્યા બોલી,” એક સરપ્રાઈઝ છે તમારા માટે..!”

   “ શું?” પંકજને જાણવાની ઉત્કંઠા જાગી. તે
શરમાઈને બોલી,"તમે પિતા બનવાના છો!”

પગ પાસે બોમ્બ ફૂટ્યો હોય તેમ કામ્યાને દુર કરી સફાળો બેઠો થયો.

“વ્હોટ..? આ શું બકવાસ કરી રહી છો, તને ભાન છે? 

“ પંકજ, આ બકવાસ નથી, એકદમ સાચી વાત છે.” કહેતા બાજુના ડ્રોવરમાંથી પ્રેગ્નન્સી ટેસ્ટ કીટ કાઢી બતાવી. 
  
તે જોતા જ પંકજના પગતળે જમીન સરકી ગઈ. લાંબો વિચાર કરી એણે કામ્યાને એબોર્શન માટે સમજાવવાનો પ્રયત્ન કર્યો, પણ કામ્યા એકની બે ન થઈ ને લગ્નનું દબાણ ચાલુ કર્યું.
   
પંકજને તે મંજુર ન હતું, કારણકે પ્રેક્ષાને આ વાતની જાણ થાય તો? એ વિચારથી ધ્રુજી ઉઠ્યો.

“મી. પંકજ મને અપનાવો નહિતર હું તારી પત્નીને બધી જાણ કરી દઈશ. તારા આ કરતૂત જાણ થયા પછી બિચારી, બીમાર પત્નીની હાલત શું થશે તે તું સારી રીતે સમજી શકે છે.” કામ્યાના શબ્દોમાં છુપાયેલી ધમકીથી પંકજ હચમચી ઉઠ્યો.

****
પ્રેક્ષા સુઈ ગઈ છે તેની ખાતરી કરીને તે તેની બાજુમાં લંબાયો. આંખો બંધ કરી સુવાનો પ્રયત્ન કર્યો, પરંતુ કામ્યાએ આપેલ સરપ્રાઈઝથી ઉંઘ ઊડી ગઈ હતી. મોડીરાત સુધી પડખા ઘસતો રહ્યો.

સવારે છ વાગ્યાના અલાર્મના અવાજથી તંદ્રા તૂટી. એણે બાજુમાં જોયું તો પ્રેક્ષા હજુ સુતી હતી. એણે પ્રેક્ષાને ઉઠાડવાનો પ્રયત્ન કર્યો, પણ તે ઉઠી નહી. પંકજે તેનો હાથ પોતાના હાથમાં લીધો. તે એકદમ થીજી ગયો, કારણકે પ્રેક્ષા નિષ્પ્રાણ હતી!

પ્રેક્ષાની  અંતિમવિધિનાં થોડાં દિવસો સુધી કામ્યા ઓફિસે ન આવી. બધું શાંત થયા બાદ પંકજે ફોન કર્યો, પરંતુ કોઈ જવાબ નહી! એક,બે, ત્રણ એમ દિવસો પછી દિવસો વિતતા ગયા, પણ તેનો કોઈ પતો નહી.  કામ્યાએ ફ્લેટ પણ પોતાના નામે કરાવ્યો હતો અને પોતાના આવનાર સંતાન માટે એફ.ડી. પણ મુકાવી હતી.
   
       કામ્યાએ પંકજને પોતે પ્રેગ્નેટ છે એવી વાતમાં ફસાવી બરાબરનો ખંખેર્યા પછી પોતાનાં નામે કરેલ ફ્લેટ વેચી, તમામ રૂપિયા લઇ તેના પ્રેમી સાથે બીજા રાજ્યમાં નાસી ગઈ. 

     આ કારસ્તાનની જાણ થતા પંકજને શ્વાસ રુંધાવા લાગ્યો ને તેની સામે એ રાતનું દ્રશ્ય આંખ સામે તરવરવા લાગ્યું જ્યારે પ્રેક્ષાને અડધી રાત્રે શ્વાસ રૂંધાયો છતાં ઇન્હેલર નહોતું આપ્યું!

                *સમાપ્ત*