યુધ્રા Rakesh Thakkar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

યુધ્રા

યુધ્રા

- રાકેશ ઠક્કર

  ‘એનિમલ’ અને ‘કિલ’ પહેલાં સિધ્ધાંત ચતુર્વેદીની ‘યુધ્રા’ આવી હોત તો કદાચ વધુ પસંદ કરવામાં થઈ હોત. કેમકે બંને હિંસાથી ભરપૂર ફિલ્મોથી અગાઉ ‘યુધ્રા’ બની ચૂકી હતી. એની રજૂઆત મોડી થઈ છે. પરંતુ ફિલ્મમાં એક્શન અને અભિનયને બાદ કરતાં વાર્તામાં નવું કંઇ ન હોવાથી પસંદ થઈ શકી હોત એ અંગે શંકા છે.

 ફિલ્મમાં હિંસાના દ્રશ્યો ખતરનાક છે. અલબત્ત ‘એનિમલ’ અને ‘કિલ’ની સરખામણીમાં ઓછા છે. એટલે જ ‘યુ/એ’ સર્ટી મળ્યું હશે. જોકે, એ વહેલી આવી હોત તો એમાં એક જણની ગળામાં વાંસળી નાંખીને અને બીજાની આંખમાં લોલીપોપ મારીને મોત નીપજાવવાની ઘટના વધારે ચોંકાવી ગઈ હોત. એક્શન અને લોહીયાળ હિંસામાં ‘કિલ’ એક નવો જ માપદંડ ઊભી કરી ગઈ હતી. તેથી ‘કિલ’ માં નકારાત્મક ભૂમિકામાં છાપ છોડી જનાર રાઘવ જુઆલ પડદા પર આવે છે ત્યારે સીટીઓ જરૂર વાગે છે. એને પૂરતો સમય મળ્યો નથી અને સિધ્ધાંત સામે એના ખતરનાક દ્રશ્યો રચાયા નથી. તેથી ‘કિલ’ ની ભૂમિકા સામે એ ફિક્કો પડે છે. ‘ગ્યારહ ગ્યારહ’ પછી તો દર્શકો માટે એની નકારાત્મક ભૂમિકામાં કશું નવું લાગતું નથી.

     આ ફિલ્મ સસ્તામાં જોઈ શકાય એવી હતી. તા.20/9/24 ના રોજ ‘રાષ્ટ્રીય સિનેમા દિવસ’ પ્રસંગે રજૂ થઈ હોવાથી રૂ.99 ની ઓછા ભાવની ટિકિટમાં જોવાનો લાભ લેનારા દર્શકોની સંખ્યા વધુ હોવાથી પહેલા દિવસે રૂ.4.52 કરોડ મેળવનારી ‘યુધ્રા’ બીજા દિવસે રૂ.1.5 કરોડ મેળવી ઠંડી પડી ગઈ હતી. રૂ.99 માં એકસો ટકા મનોરંજન મેળવવાની આશા રાખી પણ ના શકાય.

    ‘યુધ્રા’ માં એક્શન સાથે ઇમોશનની જરૂરિયાતની નિર્દેશક રવિ ઉદયાવરે અવગણના કરી છે. ફિલ્મ ‘મૉમ’ થી પ્રભાવિત કરનાર રવિએ વર્ષો પછી એક્શન ફિલ્મ પર હાથ અજમાવ્યો છે. એના પર ‘ડોન’ થી લઈ ‘એનિમલ’ ની છાપ છે. અત્યાર સુધીની હિન્દી ફિલ્મોમાં એક્શન કરતા ‘એંગ્રી યંગમેન’ પાસે ગુસ્સે થવાનું ઠોસ કારણ રહેતું હતું. ‘યુધ્રા’ માં સિધ્ધાંતનો ગુસ્સો લક્ષ્ય વગરનો દેખાય છે. ઘણી જગ્યાએ એને જરૂર વગર સનકી બતાવ્યો છે.

     સિધ્ધાંતને રણવીર સિંહ સાથે ‘ગલી બૉય’થી લોકપ્રિયતા મળી હતી. આમ તો એ દીપિકા પાદુકોણ જેવી સ્ટાર સાથે ‘ગહરાઇયાં’ માં આવી ચૂક્યો છે. એ ઉપરાંત તેની સાઈડ હીરો તરીકેની ‘બંટી ઔર બબલી 2’ અને ‘ફોન ભૂત’ કોઈ કમાલ કરી શકી ન હતી. સોલો એક્શન હીરો તરીકેની પહેલી ફિલ્મ તરીકે ‘યુધ્રા’ નબળી વાર્તાને કારણે સિધ્ધાંતની કારકિર્દીને ખાસ મદદરૂપ બની શકે એમ નથી.

     ફિલ્મની વાર્તા બે લીટીમાં કહી શકાય એવી છે. વિલન સિકંદર છે. એણે કોઈના કહેવાથી એક પોલીસવાળાની હત્યા કરી હોય છે. બસ પોલીસમેનનો પુત્ર કેવી રીતે બદલો લે છે એ બતાવવામાં આવ્યું છે. ફિલ્મની શરૂઆતની પંદર મિનિટ પછી કોઈપણ દર્શક એના અંત સુધીની વાર્તા સમજી શકે એમ છે. ટ્વીસ્ટ અને ટર્ન્સ જરૂર છે પણ દર્શક એને સરળતાથી પકડી લે છે. તર્ક કરનારા દર્શકો નિરાશ થાય છે. યુધ્રા એકપણ વખત પોતાના માતા-પિતા વિશે જાણવાની કોશિશ કરતો નથી. એના પિતાના મિત્ર કહે છે ત્યારે પણ એ પૂછતો નથી. તે જે રીતે વિલનને મારે છે એ બાલિશ લાગે છે. જોરદાર એક્શન દ્રશ્યો કર્યા પછી પણ એનું કોઈ દ્રશ્ય યાદગાર બની શક્યું નથી. 

       ફિલ્મના સંવાદ અને સંગીત જેવા પાસાઓ પર ધ્યાન આપવામાં આવ્યું નથી. ફરહાન અખ્તરના સંવાદો સાવ સામાન્ય છે. સિધ્ધાંતના ક્રોધી અને બદલો લેતા પાત્ર પ્રમાણે અનેક તાળીમાર સંવાદ જરૂરી હતા. ગીતો એવા બીનજરૂરી જગ્યાએ આવે છે કે માંડ આગળ વધતી વાર્તામાં બમ્પ બની રહે છે. હિન્દી ફિલ્મોમાં પંજાબી ગીતોનું ચલણ ક્યાં સુધી ચાલુ રહેશે? એવો સવાલ થશે. જાવેદ અખ્તરના ગીતો હોવા છતાં એનો યોગ્ય ઉપયોગ ના થયો એ વાત ખટકે છે. ગીતો જબરદસ્તી નાખવામાં આવ્યા છે. ગીતોને કારણે ફિલ્મને ઇન્ટરવલ સુધી પહોંચવામાં વધુ સમય લાગે છે. બીજા ભાગમાં એક રોમેન્ટિક ગીત દુ:ખના પ્રસંગ પછી જોડી દીધું છે.

        રોમાન્સના દ્રશ્યોમાં સિધ્ધાંત સામાન્ય હોવાથી ગીતોમાં એની હીરોઈન માલવિકા સાથે કેમેસ્ટ્રી જામતી નથી. માલવિકા મોહનન ગીતોમાં ગ્લેમર પૂરું પાડવા સાથે પોતાની ભૂમિકાને ગંભીરતાથી ભજવી ગઈ છે. દીપિકા જેવી દેખાતી માલવિકા એની કમી પૂરી કરી શકે એવી હોવાથી ભવિષ્ય ઉજળું ગણાય છે. રાજ અર્જુનને ‘ફિરોઝ’ના પાત્રમાં જેટલો ભયાનક કહેવામાં આવ્યો છે એટલો લાગતો નથી. ગજરાજ રાવ અને રામ કપૂર પોતાની ભૂમિકાને ન્યાય આપી જાય છે. 

      એક્શન ફિલ્મ ‘યુધ્રા’ માં કલાકારો ઘણા દ્રશ્યોમાં કારણ વગર લાઉડ થતા દેખાયા છે. શું એમ કર્યા વગર એ સાબિત થતું ન હતું કે આ એક કમર્શીયલ ફિલ્મ છે?! ક્લાઇમેક્સ હજુ વધુ મજબૂત રાખવાની જરૂર હતી. આ એક મસાલા ફિલ્મ હોવાથી તર્ક કરવા જતાં મનોરંજન મળતું નથી. બાઇક રેસ, સાયકલ ચેઝીંગ, જેલમાં સિલાઈ મશીનનું દ્રશ્ય, કન્ટેનર પરનું દ્રશ્ય વગેરે સાથે સિધ્ધાંતના એકશનની લોલીપોપ હોવાથી યુવા દર્શકોને પસંદ આવે એવી છે.