ભીતરમન - 28 Falguni Dost દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ભીતરમન - 28

હું નશાથી ચકચૂર રોજની માફક જ ઘરે આવ્યો હતો. મા જાણતી જ હતી કે હું ઘરેથી નીકળી ગયો છું. જેવી ડેલી ખખડી કે તરત જ મા બહાર આવી હતી. તેજો અને મા બંને ભેગા થઈને મને મારા ઓરડા સુધી મૂકી ગયા હતા. મને તુલસીના સહારે મૂકી મા અને તેજો ત્યાંથી પરત ફર્યા હતા. 

તુલસીએ મને પલંગ પર ઉંઘાડ્યો હતો. મારા પગમાં પહેરેલ મોજડી એણે કાઢી અને મારા ચરણને સ્પર્શ કરી પગે લાગી હતી. નશો એટલો બધો વધુ કર્યો હતો છતાં રોજ નશો કરતો હોવાથી એની એટલી બધી અસર નહોતી કે હું તુલસીના નરમ ઠંડા હાથનો સ્પર્શ જાણી ન શકું! પણ હા, એ વાત નક્કી જ હતી કે, એનું આટલું સુંદર રૂપ હજુ ઝુમરીના પ્રેમમાંથી મને બહાર ખેંચી શક્યું નહોતું. તુલસીએ મને પલંગ પર સરખી રીતે ઉંઘાડ્યો અને મારુ માથું એના ખોળામાં રાખી મારા ચહેરાને ધ્યાનથી એકનજરે જોઈ રહી હતી. મારી અર્ધખુલ્લી આંખે હું મારા શબ્દો ગોઠવતો માંડ એને બોલી શક્યો,"કેમ હજુ જાગતી હતી?"

તુલસી મારી સાથે વાત કરવાની રાહમાં જ હોય એમ બોલી, આ ચહેરાને ધ્યાનથી ક્યારેય જોયો જ નહોતો, આજે મને આ પળ મળવાની હોય અને મને ઊંઘ આવે એ ક્યાં શક્ય હતું? તમે તમારા મનની લાગણી ઝુમરી માટે છે એ જણાવી, ઝુમરી કોણ છે એ હું નથી જાણતી, જે પણ એ વ્યક્તિ હશે એ ખરેખર ખુબ જ ભાગ્યશાળી હશે. મને તમારી કોઈ વાતથી તકલીફ થઈ નથી. હું તો જયારથી મારુ નામ તમારી સાથે જોડાયેલ છે ત્યારથી તમને જ મારુ સર્વસ્વ માની ચુકી છું. તમારા જ પ્રેમમાં તરબોળ હું મારા દરેક ધબકાર તમારા નામને જ કરી બેઠી છું. મારો દરેક શ્વાસ તમને જ અર્પણ કર્યો છે. મારો પ્રેમ નીસ્વાર્થ છે, જે એકતરફી હોય તો પણ હું ખુદને તમારી અર્ધાંગિનીનું ભાગ્ય પામી ખુબ જ ખુશ છું. પ્રેમ સમર્પણ આપે છે, મેળવવાની ચાહના સાથે થયેલ પ્રેમ, એ ધંધાગીરી કહેવાય! હું તો મારુ સર્વસ્વ તમારા પર જ ન્યોછાવર કરવા ઈચ્છું છું, કોઈ જ અપેક્ષા વગર મારે ફક્ત આપવાની જ ભાવના છે." તુલસી એકદમ મીઠા અને શાંત સ્વરે મને કહેતી હતી. હું આંખ ખુલ્લી રાખી શકતો નહોતો પણ બંધ આંખે એના દરેક શબ્દ મારા હૃદય સુધી પહોંચ્યા હતા. એની શાંત અને નિર્દોષ વાત મને ક્યારે ગાઢ નિંદર તરફ ઢસડી ગઈ એનો મને ખ્યાલ જ નહોતો. 

હું ઘણા સમય બાદ ખુબ જ શાંતિથી આજે ઊંઘ્યો હોઉં એવો અહેસાસ મને થયો હતો. મારી ઊંઘ પુરી થયા બાદ હું જાગ્યો ત્યારે હું તુલસીના ખોળામાં જ હજુ પણ હતો. તુલસી પલંગના સહારે ટેકો લઈને બેઠા બેઠા જ હજુ ઊંઘતી હતી. જેવો હું ઉભો થયો એ પણ જાગી ગઈ હતી. હું અત્યારની પરિસ્થિતિમાં શું બોલું ન બોલું એ અસંમજસમાં હતો. મારા મનના ભાવ એ જાણી ગઈ હોય એમ એણે  મને કહ્યું, "તમે જરા પણ ચિંતિત ન થતા હું તમારી પાસેથી ઝુમરીનો હક ક્યારેય છીનવાની કોશિશ નહીં કરું! મને જેટલું પણ સૌભાગ્ય મળ્યું છે એનાથી હું ખુબ જ ખુશ છું. અને હા, બીજી એક વાત કે, આપણી વચ્ચે રહેલ સમજદારી આપણી વચ્ચે જ રહે ફક્ત એટલી જ આશા હું રાખું છું. આ ઓરડાની બહારની કોઈ પણ વ્યક્તિ આપણા અંગત મનને ન જાણે એ વાતનું ઘ્યાન હું તો રાખીશ જ તમે પણ રાખો એટલી હું ઈચ્છા રાખું છું." એકદમ શાંતિથી મારી સમક્ષ એની વાત રજુ કરી એ રૂમની બહાર હું કોઈ પ્રતિઉત્તર આપું છું કે નહીં એની આશા વગર એ જતી રહી હતી.

તુલસી એનું નિખાલસ મન સરળતાથી ઠાલવીને જતી રહી અને મારો રાતનો નશો એક જ ક્ષણમાં ઉડી ગયો હતો. કેટલું બધું ધૈર્ય અને સમજણથી વર્તનારી તુલસી ખરેખર બધાથી અલગ હતી. સ્ત્રીનો જેટલો ઈર્ષાળુ સ્વભાવ હોય એટલો પુરુષનો નથી હોતો, તુલસીને ઝુમરીની કોઈ જ વાતથી તકલીફ થઈ નહોતી એ જાણી હું ખુબ જ અચરજ પામ્યો હતો.

હું થોડીવાર પછી બહાર નીકળ્યો ત્યારે મા અને બાપુજી તુલસીની માફી માંગી રહ્યા હતા. હું દૂર જ ઉભો અટકી બાપુ શું કહે છે એ સાંભળવાનો પ્રયાસ કરવા લાગ્યો હતો. બાપુ તુલસીને બોલ્યા, "તું મને માફ કરી દેજે! મેં તારું જીવન દલદલમાં નાખી દીધું. મને એવો જરા પણ અંદાજ નહોતો કે મારુ લોહી તારી સાથે આમ વર્તન કરશે. બાપુએ શું કહ્યું એ તુલસીને કદાચ સમજાણું પણ નહીં હોય! એ બાપુ માફી માંગે છે સેટલું સમજી એમને એમ ન કહેવા સમજાવી રહી હતી.

મને માંડ થોડો બાપુ માટેનો ગુસ્સો ઓછો થતો હતો ત્યાં બાપુએ ફરી પોતાનો જ અહમ સંતોષ્યો એ જોઈને મને ફરી એમ થયું કે, બાપુ શું ઈચ્છે છે? આટલા પથારીવશ છે છતાં એમના સ્વભાવમાં મારા માટે કોઈ લાગણી જ નથી! હું દાબે ડગલે ફરી ઓરડામાં જતો રહ્યો હતો. કારણકે, બાપુના શબ્દો મને ખુબ તકલીફ આપી રહ્યા હતા.

હું મારા ઓરડામાંથી બહાર જ ન નીકળ્યો એટલે થોડી વાર પછી મા મારી પાસે આવી હતી. માએ મારી માફી પણ માંગી હતી. એમને એ વાતનો ખુબ અફસોસ હતો કે, એમણે બાપુનું વેણ પાળવા મને મજબુર કર્યો હતો. આ ઘડી સુધી એમને એમ હતું કે, હું તુલસીના રૂપમાં મોહીને ઝુમરીને ધીમે ધીમે ભૂલી જઈશ! મા એમના મનની જે ધારણાઓ ખોટી પડી એ માટે મારી અને તુલસીના જીવનની ખુશીઓ પોતાને લીધે દુઃખમાં ફેરવાય એ વાતનો ખુબ જ અફસોસ કરી રહ્યા હતા. દુઃખ એમને ખુબ થતું હતું. પણ ન્યાય કોઈને આપી શકે એમ નહોતા.

મેં માને શાંત થવા કહ્યું અને હું એમને બોલ્યો,"મા મારે આજે જ જામનગર જવાનું છે ત્યાંથી હું રાજસ્થાન જઈશ! ૧૫/૨૦ દિવસે આવીશ તું મારી ચિંતા ન કરજે!" 

"હજુ કાલ તો તારા લગ્ન થયા છે, તુલસીને સમય આપ દીકરા, કામ તો ચાલ્યા જ કરશે."

મેં માની વાત વચ્ચેથી જ કાપી નાખી હતી. અને હું બોલ્યો, "જો તું ઈચ્છે છે કે, તુલસી સુખેથી આ ઘરમાં જ રહે તો મને ખોટી રીતે વિવશ ન કરજે!"

હું એ દિવસે જ ઘરેથી નીકળી ગયો અને પછી કોઈને કોઈ બહાનાથી હું ઘરથી દૂર જ રહેતો હતો. મને તુલસી સાથે મારા દ્વારા થતા અન્યાયનું ખુબ દુઃખ થતું હતું અને જો એને ન્યાય આપવા વિચારું તો ઝુમરીના પ્રેમને હું ઠેસ મારુ એવી હીનભાવનામાં ઘરે રહેવું એના કરતા હું ઘરથી દૂર જ રહેતો. બે એકમહિને ઘરે આવતો હતો. અને જયારે પણ આવતો ત્યારે રાત્રે તો બહાર જ ભટકતો રહેતો હતો. 

અમારા લગ્નને ત્રણ વર્ષ થઈ ગયા હતા છતાં તુલસી ખરેખર એની વાત પર અટલ જ રહી હતી. મારી ઈચ્છા વિરુદ્ધ એને ક્યારેય ઝુમરીનું સ્થાન મેળવવાનો પ્રયાસ  કર્યો નહીતો. એ વાતનો અફસોસ એને જરાય નહોતો કે, મેં હજુ એનો સ્વિકાર કર્યો નથી. મેં જેવી પહેલા એને જોઈ હતી એટલા જ નિખાલસ સ્વભાવ અને ચહેરા પરનું એનું લાવણ્ય એવું જ ચળકતું એણે રાખ્યું હતું. એ ખરેખર જે ભાગ્યમાં મળ્યું એનાથી ખુશ હતી એ એને જોઈને જણાતું હતું. પણ એના મનમાં શું અનુભવાતું હોય એ ફક્ત એજ જાણતી હતી. ખુબ સરળતાથી એણે અમારા ઓરડાની ભીતરની વાત છુપાવી હતી.

તુલસીના પ્રેમનો વિવેક સ્વીકાર કેવી રીતે કરશે? તથા વિવેકના સ્વભાવમાં પરિવર્તન ક્યારે આવશે?

વિવેકના જીવનમાં આવનાર ઉતારચઢાવને જાણવા જોડાયેલ રહો ભીતરમન સાથે... મિત્રો ફરી મળશું નવા પ્રકરણ સાથે તો ત્યાં સુધી જય શ્રી રાધેકૃષ્ણ.🙏