ભીતરમન - 27 Falguni Dost દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ભીતરમન - 27

હું બાપુનું કામ જોઈ રહ્યો હતો અને મન અચાનક વિચારે ચડી ગયું હતું. મનમાં જ એમ થવા લાગ્યું કે, જે વ્યક્તિને હું આટલી નફરત કરું છું હું એના કામની પણ ઉપાધિ શા માટે મારે માથે લઈને બેસું? મારે તો એમને પરેશાન જ કરવા છે. તો પછી એમનું કામ કરીને મારે એમનુ સારું કરવાની શું જરૂર? અનેક પ્રશ્નોની જાળમાં હું ફસાઈ ગયો હતો એ સમયે મનના ખૂણેથી જ એક જવાબ મને મળ્યો, જે ખુદ જ પરેશાન છે એમને પરેશાન કરું એ વાત તો મારુ ધાવણ લજવે! સામસામા સરખા જોડે જીતવામાં મર્દાનગી કહેવાય! એમને હું કઈ જ ન કરું તો પણ એ પુત્રપ્રેમ માટે તો હવે આજીવન તરસવાના જ! 

"ચાલ! બેટા જમી લે! તારા બાપુના ચોપડાના હિસાબ પછી કરજે!" માના પ્રેમભર્યા સાદે મારી વિચારધારા તોડી હતી.

"હા મા! ચાલ આવ્યો. મારે પણ જામનગર જવાનું મોડું જ થાય છે. જમીને હું નીકળી જઈશ." માને જણાવતા મેં કહ્યું હતું.

"દીકરા! તું જામનગરનું કામ બંધ કરી દે ને! તારા બાપુનું કામ તું બે મહિનાથી સંભાળે જ છે ને! તો એમાં જ ધ્યાન દે ને દીકરા!" માએ મને સમજાવવાના સૂરે એમના મનની વાત કહી હતી.

"ના મા! મારુ કામ જે છે એ તો મારે કરવું જ પડે એ કામ હું કોઈપણ સંજોગોમાં મૂકી ન શકું! થોડા સમયમાં ત્યાં એક સરસ મોટું મકાન પણ લઇ લેવું છે પછી કાયમ આપણે ત્યાં જ રહેશું! મા તને જામનગર ગમશે ને?" મેં ફરી પ્રેમથી વાત ટાળી અને માને જામનગર રહેવા જતા રહેશુ એ પણ જણાવી દીધું હતું.

મને તું જ્યાં હોય ત્યાં ગમે જ! દીકરા તારા વિના મન ક્યાંય લાગતું જ નહોય! રોજ માંડ માંડ તારી રાહે દહાડો નીકળતો હોય છે.

મા બોલતી હતી અને હું મનોમન જમતા જમતા વિચારતો હતો, ભગવાને આ લાગણી જ ન ઘડી હોત તો? આ લાગણીવશ જ વધુ દુઃખ વેઠવું પડે છે. મા મારી લાગણી માટે દુઃખી થાય અને હું ઝુમરી... અમુક જ મુલાકાતની લાગણી મને ભવોભવના પ્રેમબંધનમાં બાંધી ગઈ. 

"દીકરા! રોટલો આપું?" માના  શબ્દોએ મારી તંદ્રા તોડી હતી.

"ના મા! બસ મેં જમી લીધું. હું મોડી રાત્રે આવીશ. મારી ચિંતા ન કરજે હો ને!" મેં માને પગે લાગીને મારી હોન્ડાને જામનગર તરફ દોડાવી હતી.

હું જામનગર પહોંચીને મુક્તારને મળ્યો અને આજના કામની ચર્ચા કરવા લાગ્યો હતો. આજની ગાડીની ટ્રીપ રાજસ્થાન તરફ જવાની હતી. ચૂંટણી નજીક આવતી હોવાથી પોલીસ બંદોબસ્ત પણ ખૂબ જ રહેતો હતો. મારી માના આશીર્વાદ કે માતાજીની મહેરબાની મને ક્યારેય કોઈ જગ્યાએ અડચણ આવી નહોતી. મારુ કામ સરળતાથી જ થઈ જતું હતું. અને જો ક્યારેય કોઈ પણ ચેકિંગમાં ઝડપાઈએ તો પણ માલ તો એમને ગાડીમાંથી મળતો જ નહીં અને અમે સરળતાથી નીકળી જતા હતા.

હું બંને કામ સંભાળતો દિવસ વિતાવતો અને રાત્રે મારા રોજના નશાઓ મને પુરી વફાદારીથી સાથ આપતા હતા. 

મારી સગાઈને વર્ષ પૂરું થવા આવ્યું હતું. તુલસીના બાપુએ લગ્નની તારીખ નક્કી કરવાનું બાપુને કહ્યું હતું. હવે એમને લગ્ન ઉતાવળે લેવા હતા. તુલસીના બાપુને બહારથી કદાચ મારા સમાચાર પણ મળ્યા હશે. જો કદાચ સગપણ તૂટે તો નાતમાં ખુબ બદનામી થાય એ ડર બધાને રહેતો હતો. પોતાની દીકરી સાસરાની હકીકત જાણ્યા બાદ ત્યાં ખુશ રહેશે કે નહીં એ ડર એ સમયે જવલ્લે જ કોઈને રહેતો! 

મારા અને તુલસીના લગ્ન વૈશાખ મહિનામાં જ ખુબ જ સાદાઈથી કરવાનું નક્કી કર્યું હતું. મને તો લગ્નનો હરખ હતો જ નહીં, આથી લગ્ન સાદાઈથી થાય તો મને કોઈ જ તકલીફ નહોતી. બંને પરિવારના અંગત લોકોની હાજરીમાં જ અમારા લગ્ન થઈ ગયા હતા. તુલસીના ગળામાં મારા નામનું મંગળસૂત્ર અને પાથીમાં સેંથો પુરાઈ ગયો હતો. મારી ઈચ્છા વિરુદ્ધ હું મારા મન પર ખૂબ કાબુ રાખીને બધા કહે એમ અનુસરી રહ્યો હતો. મન મારુ બેચેન રહી દર્દની સીમાને પાર કરી ચૂક્યું હતું. 

વિદાઈ વખતે માંડવો વધાવીને તુલસી બધાને મળીને ખુબ રડી રહી હતી. તુલસીને રડતી જોઈ મને એના પર દયા ઉપજી આવી હતી. મને થયું કે, આના જેટલી પાગલ છોરી કોઈ નહીં હોય, જે જાણી જોઈને દુઃખને સ્વીકારે! એના પર અને મને ખુદ મારા તકદીર પર પણ ગુસ્સો આવી રહ્યો હતો.

 

માની ઈચ્છા મુજબ આજે દ્વારકાધીશજીના મંદિરે દર્શન કરીને પછી ઘરે જવાનું હતું. હું મંદિરે પ્રભુના દર્શન કરી રહ્યો હતો ત્યારે મને તુલસી સાથે થયેલ પહેલી મુલાકાત યાદ આવી ગઈ હતી. કુદરતની લીલા આજે મને સ્પષ્ટ સમજાઈ રહી હતી. મેં આજે પણ પ્રભુને એજ પ્રાર્થના કરી કે, તારી લીલા તું જાણે! મને કઈ જ જોતું નથી પણ મારી ઝુમરીની આત્માને શાંતિ આપજો. હું પ્રાર્થના કરી બહાર આવી ગયો હતો, પણ તુલસી હજુ ભગવાનને વિનવી રહી હોય એવું મને લાગી રહ્યું હતું. 

અમે મોડી સાંજે ઘરે પાછા ફર્યા હતા. ઘરે આવ્યા બાદની ગૃહપ્રવેશની બધી રીત માએ પતાવી દીધી હતી. તુલસી ઘરમાં કંકુપગલા કરીને અંદર આવી હતી.  મારા જીવનની એ અર્ધાંગિની નો હક મેળવી ચુકી હતી પણ મારા એક માથાના વાળ જેટલો હક મેં એને હજુ આપ્યો જ નહોતો. 

અમારા રૂમને સુંદર રીતે સજાવી રાખ્યો હતો. નવી ચાદર, સુંદર ફુલદાની અને એમાં સાચા ગુલાબના ફૂલોથી આખો રૂમ સરસ ધમધમી રહ્યો હતો. ફાનસના આછા પ્રકાશ અને બારી માંથી આવતી ચંદ્રની ચાંદની સામાન્ય રૂમની સજાવટને પણ રોમાંચિત કરવા પૂરતી હતી. મેં તુલસીને રૂમ સુધી પહોંચાડી હતી. હું એને બોલ્યો, "હું બહાર જાઉં છું. મારે આવતા મોડું થઈ જશે. મારી રાહ ન જોજે!"

"રાહ તો હું આજીવન જોઇશ! હવે તો હક પણ મળ્યો છે! તમારી અર્ધાંગિની બની ગઈ ને!"

"તને અર્ધાંગિની બનવાનો જ હક મળ્યો છે. હું ક્યારેય તારો સ્વીકાર નહીં જ કરી શકું."

"હું તમારી અર્ધાંગિની છું એજ મારુ સૌભાગ્ય! અહોભાગ્ય છે! હું ક્યારેય તમને મારી કોઈ પણ બાબતે દુઃખ પહોંચાડીશ નહીં. અને રહી વાત સ્વીકારની તો એની મને પુરી ખાતરી છે કે, એકદિવસ તો હું તમારું મન જીતી જ જઈશ."

હું એની વાતનો કોઈ જ જવાબ આપ્યા વગર જ રોજની જેમ બહાર નીકળી ગયો હતો. હું સીધો જ તેજા પાસે ગયો હતો. તેજાને લઈને આજે નદીકાંઠે ગયો હતા. તેજો મારો ચહેરો જોઈને મારી તકલીફ સમજી ગયો હતો. એ મને સમજવાના હેતુથી બોલ્યો, "આજે તારે ઘરે રહેવું જોઈતું હતું."

"તું તો મારી પરિસ્થિતિનો વિચાર કર, હું શું અનુભવું છું એ કોઈક તો સમજો!" આવું કહેતા રીતસર મારો અવાજ ગળગળો થઈ ગયો હતો. મેં મારી સાથે લીધેલી દારૂની બોટલ કાઢી અને આખી જ ગટગટાવી ગયો હતો. મારુ મગજ શાંત નહોતું થતું. એક બીજી બોટલ પણ સાથે હતી એ પણ મેં પી જ લીધી હતી. તેજો મને ફક્ત સાથ આપવા જ અહીં મારી સાથે આવ્યો હતો. એ બાવલી સાથે ખુબ જ ખુશ હતો આથી હવે એના વ્યસનો સાવ છૂટી જ ગયા હતા. એ મને હવે વધુ ન પીવા વારે વારે ટોકતો હતો, પણ મારે તો જ્યાં સુધી મારા મનમાં ઝુમરીના વિચારો શાંત ન થાય તથા સુધી મારે નશો કરવો જ હોય! રોજ મારુ શરીર થાકી જતું પણ ઝુમરી એક ક્ષણ માટે પણ મારા મનમાંથી જતી નહોતી.

તુલસીના મનમાં વિવેક માટે કેવી લાગણી હશે?

વિવેકના જીવનમાં તુલસીનું આગમન કેવો બદલાવ લાવશે?

વિવેકના જીવનમાં આવનાર ઉતારચઢાવને જાણવા જોડાયેલ રહો ભીતરમન સાથે... મિત્રો ફરી મળશું નવા પ્રકરણ સાથે તો ત્યાં સુધી જય શ્રી રાધેકૃષ્ણ.🙏