મારા અનુભવો - ભાગ 13 Tr. Mrs. Snehal Jani દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મારા અનુભવો - ભાગ 13

ધારાવાહિક:- મારા અનુભવો

ભાગ:- 13

શિર્ષક:- માસી મળી

લેખક:- શ્રી સ્વામી સચ્ચિદાનંદ

રજૂ કરનાર:- શ્રીમતી સ્નેહલ રાજન જાની



મારા અનુભવો…

🙏 સ્વામી શ્રીસચ્ચિદાનંદજી

પ્રકરણઃ…13.. "માસી મળી"


કાશીની નિરાશા કરતાં પણ બેલુડની નિરાશાએ મને ભારે ધક્કો આપ્યો. મને થવા લાગ્યું હતું કે મારામાં જ કાંઈક ખામી છે. હું મારી જ ખામીઓને જાણી શકતો ન હતો એટલે દુઃખી થતો હતો તેવું મને લાગ્યા કરતું. વારંવાર હું મારું નિરીક્ષણ કરતો અને વિચારતો, મારે શું કરવું જોઈએ ? કાંચનકામિની વાળી વાતને છોડી દેવી જોઈએ ?' શ્રીરામકૃષ્ણદેવના શિષ્યો તો કરોડોની સંસ્થા ચલાવે છે. કાંચનનો ત્યાગ તો માત્ર રામકૃષ્ણદેવ સુધી જ રહ્યો. તે પછી તો લક્ષ્મીના વિપુલ ઢગલાઓનાં માનવતાવાદી કાર્યોમાં સંન્યાસીઓ લાગી ગયા. હવે કાંચનના ત્યાગ ઉપર ભાર નથી દેવાતો. કાંચનના સદુપયોગ ઉપર ભાર દેવાય છે. હું કશો નિર્ણય કરી શકતો નહિ. હજી પણ હું માનતો હતો કે હું સાચા માર્ગ ઉપર છું. મારે મારા પ્રયત્નો ચાલુ રાખવા જ જોઈએ.




ફરતો ફરતો હું કલકત્તા પહોંચ્યો. હાવડાનો પુલ જોઈને આશ્ચર્યચકિત થઈ ગયો. ચાર જ થાંભલા ઉપર આટલો મોટો અને આટલો પહોળો પુલ મેં કદી જોયો ન હતો. ઘણા સમય સુધી ઊભો ઊભો જોતો જ રહ્યો. તેના ઉપરથી ચાલતાં વાહનોનો ઘુઘવાટો મને જુદો જ ભાવ આપતો હતો. તે જ પુલની નીચે હુગલી-ગંગામાં સ્નાન કર્યું. હવે ક્યાં જવું ? આટલા મોટા શહેરમાં મારા માટે પગ મૂકવાની પણ જગ્યા ન હતી. ના કોઈ ઓળખીતું કે ના કોઈ પાળખીતું. લક્ષ્મીનો સ્પર્શ ન કરવાના નિયમને કારણે પાસે એક પૈસો પણ નહિ.



બિહારમાં ભ્રમણ કરતાં એક વાર પંડિતજીએ મને પૂછેલું, આપ સંન્યાસી હૈં ?” મેં હા પાડેલી, તો તેમણે પૂછ્યું, 'કૌનસે સંન્યાસી હૈં ?” આ ‘કૌનસે' શબ્દે મને ગૂંચવણમાં નાખી દીધો હતો, સંન્યાસના કેટલા પ્રકાર તેની તો મને ખબર જ ન હતી. પણ કાશીમાં દંડીસ્વામીઓમાં રહીને હું આવેલો એટલે દંડી સંન્યાસી એવું જાણતો હતો એટલે મેં ઝટ દઈને કહી દીધું, “દંડીસ્વામી.' પંડિતજીએ પૂછ્યું, “તો આપ કા દંડ કહાં હૈ ?” પકડાઈ ગયા. હવે શું જવાબ આપવો ? મેં મારી બધી વાત તેમને કરી કે હજી મેં સંન્યસ્તદીક્ષા લીધી નથી. ગુરુની શોધમાં ફરી રહ્યો છું વગેરે. તેમણે બહુ જ સ્નેહથી મને દશ નામ ગણાવ્યાં તથા બધા પ્રકારો બતાવ્યા. જોકે તે બધું મને યાદ ન રહ્યું, પણ પહેલાં કરતાં મારી મૂંઝવણ વધી ગઈ. પ્રત્યેક સ્થળે આશ્રમોવાળા મને પૂછે છે કે 'કૌનસે સાધુ હો ?' તો મારે શું કહેવું ? કહેતો કે હજી મેં ગુરુ કર્યા નથી.' તો કેટલાક સજ્જન પ્રકૃતિના સાધુઓ હમદર્દી બતાવતા પણ કેટલાક બીજા તો નિગુરા હૈ. નિગુરા હૈ... કરીને ઘૃણા પણ કરતા. એટલે મારી સામે કોઈ ગુરુ ન મળે ત્યાં સુધી આ 'નિગુરાપણું' ચાલુ રાખ્યા વિના છૂટકો જ ન હતો. ચોટી કાપીને ગુરુ થઈ જનારા તો અસંખ્ય હતા, પણ મારે તો 'કાંચનકામિનીનો ત્યાગી' ગુરુ જોઈતો હતો.




હુગલી નદીમાં સ્નાન કરીને હેરિસન રોડ ઉપર હું ચાલવા લાગ્યો. ક્યાં જવું કે ક્યાં ઊતરવું તેની કશી જ ખબર ન હતી. મારો સરસામાન એક પોટકામાં બાંધીને તેના ઉપર પલાળેલો રૂંછાંવાળો ટુવાલ સૂકવીને હું હૅરિસન રોડની બન્ને તરફની દુકાનો જોતો જોતો આગળ વધી રહ્યો હતો. મંઝિલ ના હોય ને ચાલવાનું શરૂ કરો તો વહેલા થાકી જાઓ. પણ મંઝિલ નક્કી હોય તો હવે આટલું જ બાકી રહ્યું, હમણાં પહોંચી જઈશું નું આશ્વાસન મળે, એટલે પગમાં જોર રહે. મારે ક્યાં સુધી ચાલ ચાલ કરવું ? મારે ક્યાં જવું છે ? ક્યાં ઊતરવું છે ? કશી જ ખબર નથી.




અંતે એક નાનો સરખો બગીચો આવ્યો. મને થયું કે લાવ, બગીચાના બાંકડે બેસું. બગીચામાં ઘણા માણસો આડાઅવળા બેઠા હતા. અને ગપાટા ચલાવ્યે રાખતા હતા. તે સૌની વચ્ચેથી હું જેવો બગીચામાં પ્રવેશ્યો કે મારા દીદાર જોઈને એક ભૈયાએ વ્યંગ કર્યો, સાધુ ભયે હૈ... ઔર કિતના બોઝ ઉઠાતે ફિરતે હૈં' મને આ શબ્દો લાગી આવ્યા. મારી પાસે શિયાળાના પ્રમાણમાં સામાન હતો, ખરેખર તો તે ઓછો જ હતો, છતાં વ્યવસ્થિત ગોઠવીને થેલો ભરતાં નહીં આવડેલું એટલે તે ફુલાવેલો હોવાથી વધારે લાગતો હતો. ભૈયાની વાત સાંભળી મને થયું કે, મારે આ સામાન ઓછો કરી નાખવો જોઈએ. એક બાંકડા ઉપર હું બેઠો અને મારો પલળેલો ટુવાલ મેંદી ઉપર સૂકવ્યો. તરત જ એક માણસે મને કહ્યું, “મહારાજ, યહ કલકત્તા હૈ. જરાસી નજર ઉધર હુઈ નહીં કી તોલિયા ઉઠા નહીં. સમાલકે રખો.' તેની વાત સાચી હતી. યુરોપ-અમેરિકામાં સોનાનો દાગીનો પડ્યો હોય તોપણ કોઈ અડે નહિ તેવો તે સમય હતો; પણ ભારતમાં અને તેમાં પણ કલકત્તામાં તો નૈતિકતાની વાત જ શી કરવી ?

પેલા ભૈયાના વ્યંગની મારા ઉપર અસર હતી એટલે મેં ઉપેક્ષાથી કહી દીધું, “લે જાને દો, કોઈ ચિંતા નહીં.”



બગીચામાં હું ઘણો સમય બેસી રહ્યો. માણસો બદલાતા રહ્યા, હું બેઠો બેઠો અવલોકન કરતો રહ્યો. મોટા ભાગે આ બગીચામાં સહેલ-સપાટો કરવા ભદ્ર લોકો નહિ પણ સામાન્ય મજૂર વર્ગના માણસો, નવરાશનો સમય વિતાવવા આવતાં તેવું મને લાગ્યું. સમય પસાર થઈ રહ્યો હતો. હવે જમશો ક્યાં ? આવડા મોટા કલકત્તામાં કઈ માસી બેઠી છે જે ઉમળકાભેર આવીને કહે કે, હેંડ ભાણા, ઢેબરાં જમી લે!”




બાંકડા ઉપર બેઠો બેઠો હું ગીતાનો પાઠ કરતો હતો ત્યાં મારી જ ઉંમરના છોકરા જેવા, શ્યામ વર્ણના, માતાનાં ચાઠાંવાળા, જરા કદરૂપા દેખાતા એક સાધુ આવ્યા અને મારી પાસે બેઠા. આડીઅવળી વાતચીત કર્યા પછી તેમણે પૂછ્યું, ભોજન કહાં કરોગે ?” મેં કહ્યું કે, પતા નહીં.” તે ચિંતા નહિ કરવાનું જણાવીને ‘હમણાં આવું છું' એમ કહીને ઊઠ્યા અને ગયા. દશેકમિનિટમાં પાછા આવ્યા. એક પતરાનો પાસ આપતાં કહેવા લાગ્યા, લો યહ પાસ, સામને મંદિરમે ઘંટી બજે તો યહ પાસ લે કે જાના, ભોજન મિલ જાયેગા.’ મેં પાસ લીધો. તેઓ વિદાય થયા. લગભગ એક વાગ્યાના સુમારે ઘંટડી વાગી. પાસ લઈને હું ગયો. એક મારવાડી શેઠ દ્વારા સંચાલિત મંદિરમાં રોજ બપોરે સાધુ-સંતોને ભોજન કરાવવાની પ્રથા હતી.




મારા જેવા બીજા પણ પાસવાળાઓ આવ્યા હતા. વ્યવસ્થાપક કોણ જાણે કેમ પણ સૌની સાથે બેઠેલા મને ઉઠાડીને મેડા ઉપર લઈ ગયો. સરસ મખમલનું આસન, મોટો બાજઠ અને સુંદર થાળી-વાટકી વગેરે મૂકીને અત્યંત માનથી બેસાડી જમાડ્યો. પછી કહે, જબ તક કલકત્તા મેં રહેં યહીં આકે ભોજન કર જાના.' આ શબ્દોએ મને હળવો ફૂલ જેવો કરી નાખ્યો. મનમાં ને મનમાં થયું, લ્યો તારે માસી મળી ખરી!”




પરમેશ્વર પોતે જ મારી માસી થયા હતા. તે જ ચલાવતા ચલાવતા આ બગીચા સુધી મને લઈ આવ્યા હતા. તેણે જ પેલા સાધુને મોકલ્યા હતા અને તેણે જ આ મારવાડી મૅનેજરને મને જુદો બેસાડીને પ્રેમથી જમાડવાની પ્રેરણા આપી હતી, અને તેણે જ કાયમ જમવાની વ્યવસ્થા પણ કરી આપી હતી, ખરેખર તે માસી થઈને બધે જ આગળ ને આગળ ઢેબરાં બનાવી મૂકતો હતો.





આભાર

સ્નેહલ જાની