મારા અનુભવો - ભાગ 14 Tr. Mrs. Snehal Jani દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મારા અનુભવો - ભાગ 14

ધારાવાહિક:- મારા અનુભવો

ભાગ:- 14

શિર્ષક:- ખરો અકિંચન થયો.

લેખક:- શ્રી સ્વામી સચ્ચિદાનંદ

રજૂ કરનાર:- શ્રીમતી સ્નેહલ રાજન જાની




મારા અનુભવો…

🙏 સ્વામી શ્રીસચ્ચિદાનંદજી

પ્રકરણઃ…14  "ખરો અકિંચન થયો.."



જમીને હું ફરી પાછો પેલા બગીચામાં આવ્યો. કલકત્તામાં રહું ત્યાં સુધી જમવાની તો વ્યવસ્થા થઈ ગઈ હતી. આ દેશમાં આવાં અસંખ્ય નાનાંમોટાં અન્નક્ષેત્રો ચાલી રહ્યાં છે. ધાર્મિક દૃષ્ટિકોણથી ચાલતાં આ અન્નક્ષેત્રો અંતે તો માનવતાવાદી કાર્ય જ કરી રહ્યાં છે. તેમાં કેટલાક અંશે દુરુપયોગ પણ થતો હશે. પણ તેથી શું ? એવું કર્યું કામ છે જેમાં કશો જ દુરુપયોગ ન થતો હોય ? પાંચ-દશ ટકા દુરુપયોગ તરફ જ જે લોકો દૃષ્ટિ રાખ્યા કરે છે, તે કદી પણ કોઈ સારું કામ સ્થિરરૂપે નથી કરી શકતા.




જેણે ગરીબી જોઈ નથી, બેકારી કે લાચારીનો અનુભવ કર્યો નથી તેને જીવનની ઊંડી સૂઝ નથી હોતી. એવા લોકો તકતીઓ મૂકવા માટે હજારો- લાખોનાં દાન તો કરી શકતા હોય છે, પણ કોઈ ભૂખ્યાને રોટલો નથી આપી શકતા હોતા. જે સાધુઓ પણ રખડ્યા ભટક્યા વિના સીધા જ ગાદી ઉપર બેસી જાય છે, તેમને પણ જીવનની ખબર નથી પડતી હોતી. જીવનનો સંદેશ વેદનામાંથી પ્રગટતો હોય છે. વેદના જ જીવનનો પર્યાય છે અને વેદનાને દૂર કરવાનું નામ ધર્મ છે. આ સિવાયની તમામ ક્રિયાઓ, આડંબરો અને માન્યતાઓ પાણી વલોવીને માખણ કાઢવાની વ્યર્થ પ્રક્રિયા માત્ર છે.




જમીને હું પાછો પેલા બગીચામાં આવ્યો અને એક ખાલી બાંકડે બેઠો. થોડી જ વારમાં મારી આજુબાજુ બે-પાંચ-દશ માણસો આવવા અને બેસવા લાગ્યા. પ્રશ્નચર્ચા શરૂ થઈ. લોકોને રસ પડ્યો હશે એટલે માણસો વધતા ગયા. મારાથી થોડે દૂર કોઈ બીજા સંત પણ આવી જ ચર્ચા કરતા હતા. તેમનું ટોળું મારા તરફ વળવા લાગ્યું. સતત ચાર વાગ્યા સુધી ચર્ચા ચાલતી રહી. મને રહી રહીને ચિંતા થતી હતી કે રાત્રે હું સૂઈશ ક્યાં ? ચર્ચામાં ભાગ લેનારા અનુકૂળતા પ્રમાણે બેસીને વિદાય થતા હતા. જૂનાની જગ્યાએ નવા આવીને બેસતા હતા. મોટા ભાગે તે બધા નિમ્ન મધ્યમ વર્ગના માણસો હતા. સાંજે આ બગીચો બંધ કરી દેવાતો એટલે સૂવાની ચિંતા થયા કરતી હતી. વળી અહીં સૂર્યાસ્ત વહેલો થતો તથા ઠંડી પણ વધારે પડતી હતી.




પાંચેક વાગ્યાના સુમારે પાછા પેલા સંત આવ્યા. આ જ સંતે બપોરે મારી જમવાની વ્યવસ્થા કરી આપી હતી. તેમને જોઈને મને હિંમત આવી તેમણે મને પૂછ્યું કે, રાત્રે ક્યાં સૂવાના છો ? મેં કહ્યું કે, મને ખબર નથી. તેમણે કહ્યું કે, ચિંતા ન કરશો. ગંગાકિનારે એક સ્થળ છે ત્યાં આપણે સૂવા જઈશું. સાંજે જમવાની ચિંતા તો હતી નહિ. અમે બંને ચાલ્યા અને રાત પડતાંસુધીમાં એક એવી જગ્યાએ પહોંચ્યા જે કોઈ પુલ જેવું હતું. ઉપરથી બંધ પણ બન્ને તરફથી વાહનોની અવરજવર માટેનો માર્ગ તેના ફૂટપાથ ઉપર અમારે સૂવાનું હતું. મેં જોયું કે પેલા સંત પાસે ઓઢવા પાથરવાનું ખાસ કંઈ નથી. મેં નક્કી કર્યું કે સવારમાં મારા સામાનમાંથી અડધો સામાન તેમને આપી દઈશ. તે કલકત્તાના ખૂબ ભોમિયા હતા, બહુ મોડે સુધી કલકત્તામાં કયા કયા શેઠ શું-શું આપે છે તે સંભળાવતા રહ્યા. મને નવાઈ એ હતી કે આટલા બધા ધાબળા આપનારાઓને ઓળખતા હોવાથી એ ધાબળા જરૂર લાવ્યા હશે, તોપણ તેમની પાસે એક ધાબળો કેમ નથી?




અમે સૂઈ ગયા. થોડી વારમાં મને લાગ્યું કે મારા ઓશીકાને કોઈ ખેંચી રહ્યું છે. મેં બેઠા થઈને જોયું તો કોઈ માણસ દોડીને ભાગી રહ્યો છે. આ કલકત્તા છે, અહીં ગરીબાઈનો પાર નથી અને ચોરોનો પણ પાર નથી તેવું પેલા સંતે મને સમજાવ્યું હતું. બિહાર-ઓરિસ્સા અને યુ.પી.નાં ગામડાંની ગરીબાઈ અહીં ઢસડાઈ આવે છે, અને અહીં તેમાંથી ગરીબાઈ, ચોરી, અસામાજિકતા, ઠગાઈ અને બીજું ઘણું ઘણું સંમિશ્રિત થઈને કલકત્તાનું એક જુગુપ્સિત રૂપ પ્રગટ થાય છે. એક વિદેશીએ “ઓહ, કલકત્તા !” નામનું પુસ્તક લખ્યું છે, તેથી આપણી આંખો ખૂલવી જોઈતી હતી.




સવારે અમે ઊઠ્યા. શૌચ-સ્નાન કરવાનો પ્રશ્ન હતો. જે સ્થળે અસંખ્ય માણસોને માથું ઢાંકવાની જગ્યા ન હોય તે સ્થળે વ્યવસ્થિત શૌચાલયોની અપેક્ષા કેમ રખાય ! વિશ્વમાં ભાગ્યે જ કોઈ સ્થળે જોવા મળે તેવાં જુગુપ્સિત દશ્યો કુદરતી હાજતે જતાં ટોળાંબંધ સ્ત્રી-પુરુષોનાં, રેલવેના પાટાની સાથે સાથે, રોડ ઉપર કે અન્યત્ર જોઈ જોઈને આપણે હવે લજ્જાથી મુક્ત થઈ ગયા છીએ.




આફ્રિકા જેવા પછાત દેશોમાં પણ મેં કોઈને ખુલ્લામાં લઘુશંકા કે દીર્ઘશંકા (સંડાસ) કરતો નથી જોયો. અહીં તો ગામડાં તથા શહેરોમાં ગૃહનિર્માણ વખતે પડેલો પ્રત્યેક ખૂણો જાણે કે ગંદકીનો અને નિર્લજ્જતાનો ગઢ જ હોય તેવું દેખાય છે. માર્ગના બન્ને કિનારાઓ વિષ્ટાથી ખદબદતા હોવાથી ક્યાં પગ મૂકવો તેની મૂંઝવણ પણ ઘણી જગ્યાએ જોઈ શકાય છે. પુરુષોની વાત તો ઠીક પણ સ્ત્રીઓની દુર્દશાની કોઈ સીમા નહિ. બે-પાંચ વાર ઊઠ-બેસ કરે ત્યારે તેનું કાર્ય પતે. મંદિરો, ધર્મશાળાઓ વગેરે બાંધવાનું પુણ્ય તો ખરું જ પણ શૌચાલયો બાંધવાનું પણ પુણ્ય મળે તેવું લખવાનું કોઈ ભૂલી ગયું લાગે છે. એટલે શૌચાલયો વિનાનાં ગામડાં અને નગરો પોતાની જ ગંદકીથી ગંધાઈ રહ્યાં છે.




પહેલાં પેલા સંત રેલવેના ડબ્બાઓની પાછળ શૌચ જઈ આવ્યા. પછી મારો સામાન વગેરે તેમને સોંપીને હું ગયો. પાછો ફર્યો અને જોયું તો પેલા સંત ગાયબ ! આડું-અવળું ચારે તરફ જોયું, ક્યાંય નહિ. સામાન લઈને તે ભાગી ગયા હતા. મારે તો તેમને અડધો સામાન આપવો હતો પણ તે પૂરો જ લઈ ગયા.




એ વખતે મારી મનોદશાનો મને આજે પણ સ્પષ્ટ ખ્યાલ છે. હું ખૂબ હસ્યો, ખૂબ ખુશ થયો, પેલા ભૈયાનો વ્યંગ યાદ આવ્યો. સારું થયું, હાશ ! હવે ખરો અકિંચન થયો.




હવે મારી પાસે શરીર ઉપર પહેરેલાં મલમલનાં બે વસ્ત્રો તથા સંડાસ જવા લઈ ગયેલો એક મોટો લોટો માત્ર હતાં. તે વખતે મને તીવ્ર વૈરાગ્ય થઈ આવ્યો હતો. હું હુગલી નદીમાં સ્નાન કરવા ગયો, ત્યાં અસંખ્ય ભિખારીઓ બેઠા બેઠા કીર્તન વગેરે કરતા હતા. તેમાંથી એક આંધળા ભિખારીના હાથમાં પેલો લોટો ઘસ્યા વિના જ મૂકી દીધો. હવે બે વસ્ત્ર સિવાય કશું ના રહ્યું. થઈ ગયો કરપાત્રી. હુગલીમાં સ્નાન કર્યું. એ જ પલાળેલાં વસ્ત્રો પાછાં પહેરી લીધાં. ઠંડી કહે મારું કામ ! આવી ઠંડીમાં લોકો ગરમ સ્વેટર વગેરે પહેરીને ફરતા હોય ત્યાં હું પલળેલાં કપડાં પહેરીને ફરું તે સ્ક્રૂ ઢીલો હોય તો જ બને ને ? થોડી જ વારમાં ટાઢ ચડી દાંત કટકટ થવા લાગ્યા. સૂર્યના તડકે જઈને બેઠો. સૂર્યની તથા મારા શરીરની ગરમીથી કપડાં સુકાયાં ત્યારે પાછો પેલા બગીચામાં ગયો. ગઈ કાલની માફક લોકો ચર્ચા કરવા આવીને બેસવા લાગ્યા. તેમાંથી જ કોઈ એક વ્યક્તિએ બપોરે મને આગ્રહ કરીને જમાડી દીધો એટલે પેલા મંદિરમાં જવાની જરૂર ન પડી.




ધીરે ધીરે સાંજ થઈ રહી હતી. મને ચિંતા હતી. હવે તો મારી પાસે ઓઢવા-પાથરવાનું કશું જ નથી રહ્યું. આ ઠંડીમાં રાત કેમ વીતશે ? ભારતમાં દર વર્ષે ઠંડીથી, લૂથી અને રેલથી હજારો માણસો મરી જાય છે. કદાચ હું પણ તેમાંનો જ થઈ જઈશ. રાત્રે ધીમે ધીમે ઠંડી વધતી જશે અને મારું શરીર વધુ ને વધુ ઠંડું થતું જશે, કદાચ ઠરીને ઠીકરું પણ થઈ જાય. અને પછી મ્યુનિસિપાલિટીવાળા બીજી અનેક લાશોની સાથે મારી લાશને પણ ઠેકાણે પાડી દેશે. ચાલો સદ્ગુરુની શોધ પૂરી થઈ જશે !!




આમ તો – જો હું બેઠેલા માણસોને વાત કરું તો તેઓ જરૂર કાંઈક વ્યવસ્થા કરે, પણ પ્રાર્થના નહિ કરવી એવી હઠ પણ ખરી. સાંજના ચાર વાગી ગયા હતા, સૂર્ય નિસ્તેજ થઈને અસ્તાચળમાં ડૂબી જવા ઉતાવળો થઈ રહ્યો હતો. મારા અંતરમાં અત્યારથી જ રાત્રિના ઓછાયા ઊતરી આવ્યા હતા. એક તરફ ચિંતા થતી હતી તો બીજી તરફ ખુમારી પણ હતી. એ જ ખુમારીએ મને યાચક થતો અટકાવ્યો હતો. એ ખુમારી હતી મરણિયાપણાની. હું ઘેરથી નીકળ્યો ત્યારથી જ એક શબ્દ મારી જીભે હતોઃ મરી જઈશ.' માણસ મરણિયો  બને તો બધી ચિંતા ટળે, અને બધું અશક્ય શક્ય બને. અત્યારે મારી એવી જ દશા હતી.




એટલામાં પેલા વ્યંગ કરનાર ભૈયાએ પૂછ્યું, “મહારાજ, તુમ્હાર પુટરિયા કહાઁ બા” મહારાજ તમારું પોટલું ક્યાં છે ?  તેણે વ્યંગ તો કર્યો હતો પણ હવે તે ભક્ત થવા લાગ્યો હતો. સૌની સાથે તે ચર્ચા કરવા બેસતો.




મે રાત્રે બનેલી બધી વિગત કહી. એક સામાન્ય દૂધ-દહીંની સામાન્ય ડેરી ચલાવનાર ભૈયાજી ઊઠ્યા અને અડધાએક કલાકમાં પાછા ફર્યાં. તેમના હાથમાં શેતરંજી તથા ઓઢવાનો ઘૂસો હતો. કોઈ એક માણસ ઍલ્યુમિનિયમનું ડોલચું લઈ આવ્યો. કોઈ બીજું કાંઈ લઈ આવ્યો. જોતજોતામાં મારી સામાન્ય જરૂરિયાત પૂરી થઈ ગઈ.



મારાં નેત્રો હર્ષથી છલકાઈ ઉઠ્યા. જેણે મને ગૃહત્યાગ કરાવ્યો છે. તે એમ ઠંડીમાં મને મરવા દેવા નથી માગતો. તે મને જિવાડવા માગે છે તેની પ્રતીતિ થઈ, પણ હવે સૂવું ક્યાં ? આ બાગ તો હમણાં બંધ થશે.



આભાર

સ્નેહલ જાની