કાંતા ધ ક્લીનર - 44 SUNIL ANJARIA દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કાંતા ધ ક્લીનર - 44

44.

"એટલે મેં નવી કે કોઈ પણ નોટો આપવાની રાઘવને ના પાડી. એની સાથે મારે ખૂબ ઝગડો થયો. એ કહે આપણે અહીંથી અગ્રવાલને પડતો મૂકી ભાગી જઈ એની વિલામાં સુખી સંસાર વસાવશું. આ વીલ હાથ કરી લે અને હું કહું તેમ કર.  મેં ના પાડી." સરિતાએ એની સાચી આપવીતી ફોન પર આગળ ચલાવતાં કહ્યું.

"હા. મને પાછળથી ખબર પડી. અર્ચિત વારેવારે આ શહેરમાં આવવાનું હોય તો સારો બંગલો ભાડે રાખવાને બદલે આ હોટેલ, એમાં પણ આ સ્યુટનો જ આગ્રહ કેમ રાખતો. એણે રાઘવને સાધી ભાગીદારીમાં  આ હોટેલમાંથી ડ્રગનો ધંધો શરૂ કરેલો. મીઠાબોલા અને પરગજુ દેખાતા રાઘવે તારો અને જીવણનો ઉપયોગ  કરી લીધો. બેયની જાણ બહાર. મારો પણ ઉપયોગ થાય છે એ ખબર પડી એટલે મેં ના પાડી દીધી." સરિતા એક શ્વાસે બોલી ગઈ

"પણ એમાં હું પોલીસની અને હવે દુનિયાની નજરે ખુની ઠરી ગઈ ને? મેં ખૂન નથી કર્યું." કાંતા બોલી.

"તો મેં પણ નથી કર્યું. સોગંદ ખાઉં છું મારી જાતના."

"પણ તમને એ ખ્યાલ આવેલો કે રાઘવ મને ફસાવી દેશે?"

"મને એ અને અર્ચિત ડ્રગનું કામ કરતા હતા એ છેક મને નજરકેદ કરી અને એ દરમ્યાન રૂમ સફાઈ કરવા તે પોતે આવ્યો ત્યારે જ પાકી ખબર પડી. એ સાથે મેં કહ્યું કે હું આ કામમાં સાથ નહીં આપું. હવે અર્ચિત નથી રહ્યા. એણે  અર્ચિત  ન રહ્યા ત્યાં સુધીનું  પેમેન્ટ માગ્યું. કશું આપવાનું  બાકી હતું જ નહીં. મેં નોટ રાખેલી. એણે ઝગડો ચાલુ રાખ્યો.

એ કહે "સીધી રીતે માની જા  નહીં તો ગળું દબાવી તારા ટુકડા કિચનની ભઠ્ઠીમાં ફેંકી દઈશ." 

એમ કહેતો એ આગળ આવ્યો અને મેં  મારી છુટ્ટી  પર્સ  તેને  મારી. એની ચેઇન એની આંખ પર વાગી. એટલામાં હું ભાગી છૂટી. મારો તને ફસાવવાનો ઇરાદો હતો જ નહીં."

કાંતાને રાઘવની આંખ પરની ઇજાનું કારણ હવે સમજાયું.

"હું માનું છું કે તમે જે કહ્યું એ સાચું છે. અત્યારે તો હું જામીન પર છું. પોલીસે તો મને ફરીથી ખુની જાહેર કરી."

કાંતા કહે ત્યાં વચ્ચેથી જ સરિતા બોલી, "મને આ કાવતરાંનો ખ્યાલ બહુ મોડો આવ્યો. હું રાઘવના કહેવામાં આવી ગયેલી અને એક વાર મારાથી બે ત્રણ વર્ષ નાના દેખાવડા અને પ્રેમાળ યુવાન રાઘવ સાથે સુખી સંસાર માંડવાનાં સ્વપ્નાં જોતી  થઈ ગઈ હતી. હું અર્ચિતના પૈસા પર મોહી પડી તો રાઘવના મોહી લે તેવા દેખાવ અને મધમીઠી વાણીમાં ભોળવાઈ ગઇ. મેં પણ ખૂનનો વિચાર સુદ્ધાં નહોતો કર્યો.

એટલું રાઘવ કહેતો હતો કે એક જ મોકો અને પછી હું અને તું. બંદૂકની ગોળી નહિ જોઈએ, બીજી કોઈ ગોળી બસ છે. મને શું ખબર કે એ  કઈ ગોળી ની વાત કરે છે? અને એ અર્ચિતને મારી નાખીને ભાગી જવાનો પ્લાન કરતો હશે!"

"પણ ભાગીને સંસાર વસાવવા ક્યાં જવું હતું?" કાંતાએ પૂછ્યું.

"દૂર એ દરિયા કિનારાનાં શહેરમાં. ત્યાં રાઘવ કોઈ ધંધો લઈ લે અને હું બ્યુટી પાર્લર ચલાવું એમ પ્લાન હતો. તેણે મારી પાસે જ ટિકિટ પણ બુક કરાવેલી."

"સરિતા, વધુ વાતનો સમય નથી. તમારી પાસે વિલા  તમારે નામે થઈ ગયાનો કોઈ મેસેજ છે? વીલ  ભલે ચોરાઈ ગયું."

"હા. એ અર્ચિતના ફોનમાં ટ્રાન્સફર એન્ટ્રી નો આવેલો. તે મેં લઈ લીધો છે."

"તમારી એર ટિકિટ રેડી છે? આ વિલા છે તે શહેર ની?"

"હા. ઓપન ટિકિટ. અમારા બેયની. હું અને રાઘવ. મારી પાસે છે. અને હું અત્યારે આ હોટેલમાં કેદ છું."

કાંતાને તેણે એક વાર જોયેલી અને પછી ગુમ ટિકિટ યાદ આવી.

"તો ભાગ, દીદી! પહોંચ એરપોર્ટ જે કાઈં   કપડાં લત્તા હાથમાં આવે એ લઈને. સમય નથી. મારું થઈ રહેશે. હજી તારું નામ નથી ઉછળ્યું ત્યાં ભાગ. રાઘવને ખબર પડે તે પહેલાં. એ તારો પણ એક પ્યાદાં તરીકે ઉપયોગ કરી રહ્યો છે." કાંતાએ કહ્યું અને પોતે આખરે કોઈ સારું કામ કર્યું એ વાતનો સંતોષ લીધો.

તેણે બારીની બહાર જોયું. હવે તો એ જ  ઇસ્ત્રીબંધ યુનિફોર્મમાં વ્રજલાલ ગેટ પર  ઊભી ગયેલા. તેઓ પોતાની દિશામાં જોઈ રહેલા. શું તેઓ કોઈ ઈશારો કરી રહ્યા હતા?

પોતે આ શું જોઈ રહી છે? કાંતાએ બારી પાસેથી ડોક હોટેલની દિશામાં કરી. થોડી વારમાં  પોલીસોનો કાફલો પગથિયાં ઉતરવા લાગ્યો. વચ્ચે.. એ જ  બાંય ચડાવેલા સફેદ શર્ટમાં ગોરા ગોરા હાથો હાથકડીમાં કેદ થઈ રાઘવ નીકળ્યો. પાછળ જ રાધાક્રિષ્નન અને સ્ટાફ, બધા પોર્ચમાં ઊભી ગયા. એક સફેદ કારમાં રાઘવને મુંડી નીચી કરાવી બે પોલીસોએ બેસાડી દીધો. આગળ બેસવા ગીતાબા જાડેજા રોફથી અત્યારે સર્વિસ રિવોલ્વર પર હાથ રાખી ડોર ખોલતાં ઊભાં. તેમણે પણ કાંતાની દિશામાં જોયું, ડોક નમાવી.  તેઓ કાઈંક કહેવા ઈશારો કરતાં હશે?  પોતાને જોઈ શકતાં હશે?

અત્યારે તો કાંતાની ઈડલી ખવાઈ ગયેલી. તે બીજી બાજુ મોં ફેરવીને  કોફીના ઘૂંટ ભરી રહી. હમણાં તેને છુપાઈ રહેવું યોગ્ય લાગ્યું.

ક્રમશ: