કાંતા ધ ક્લીનર - 43 SUNIL ANJARIA દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કાંતા ધ ક્લીનર - 43

43.

કાંતા હોટેલ પરથી પાછી ફરી. તેણે બીજે ક્યાંય જવાનું ન હતું. હોટેલની સામે જ એક સસ્તી ઉડિપીમાં જઈ તે  બારી પાસેનું એક ટેબલ શોધી તેની પર ગોઠવાઈ ગઈ. આ બારીમાંથી હોટેલના મેઇન એન્ટ્રન્સનો વ્યુ સારો આવતો હતો.

સાંજ ઢળી ચુકી હતી. ધીમેધીમે ગેઇટ પર આવતો તડકો  અદ્રશ્ય થયો. અંધારું પથરાતાં જ બહારના કાળા નકશીદાર કેસમાં ના લેમ્પ પ્રકાશિત થયા.

અગાઉથી નકકી કર્યા મુજબ તેને ચારુનો વોટસએપ આવ્યો "👍?"

તેણે તરત જવાબ મોકલ્યો "👍". જો કે મનમાં તો અંગૂઠો નીચે હતો. અત્યાર સુધી બધું બરાબર ચાલ્યું હતું. હવે જ ખરેખર જોવાનું હતું.

તેણે ઈડલી અને કોફીનો ઓર્ડર આપ્યો. એમ ને એમ કોઈ થોડા લાંબો સમય બેસવા દે?

સામે જ નાનું ટીવી ચાલતું હતું તેમાં હોટેલ ટુરિસ્ટ હેવનનાં અંદરનાં દૃશ્યો દેખાતાં જ તે ઊઠીને ટીવી બરાબર  સામે, નીચે ગોઠવાઈ ગઈ. એંકર મોટે મોટેથી બરાડતો હતો "તો આવો, જુઓ પોલીસની સિદ્ધિ. જાણીતા બિઝનેસમેન   અર્ચિત અગ્રવાલની હત્યાનો ઉકેલ ખૂબ ઓછા સમયમાં.

માસૂમ દેખાતી નારી પિશાચ, હોટેલની ક્લીનર કાંતા સોલંકીએ ઠંડે કલેજે કરેલી હત્યા. બોલો, હોટેલ તમને શાંતિની નિદ્રા આપે છે, હંમેશ માટે. ટૂરિસ્ટ હેવન તમને હેવનમાં  પણ પહોંચાડી દેશે."

કાંતા ફાટી આંખે જોઈ રહી.

અગ્રવાલ અને હેવન? સાલો રૌરવ નરકમાં જવો જોઈએ." તેણે મનમાં કહ્યું.

પેલા અધિકારી દેખાયા. તેઓએ જાહેર કર્યું કે પોલીસને ઘટના સ્થળેથી કાંતાએ  છુપાવેલી પિસ્તોલ, તેની ટ્રોલી પરથી નશાકારક ડ્રગના અવશેષો પણ  મળ્યા છે. "અમે હત્યા કરવાનું કારણ તપાસ કરી રહ્યા છીએ. અત્યારે તો કાંતા જામીન મેળવવામાં સફળ રહી છે. તેને હોટેલ દ્વારા ફરજમુક્ત જાહેર કરવામાં આવી છે." તેઓએ કહ્યું.

કાંતાને એક ઉબકો આવી ગયો. આંખે અંધારાં આવી ગયાં.

તેણે તરત ચારુને ફોન લગાવ્યો જે ઉપડ્યો નહીં.

સાલું છેલ્લી ઘડીએ બધું ઊંધું પડ્યું. ચારુ ક્યાં હશે? હવે શું થશે? તે વિચારી રહી.

તે ખૂબ ગુસ્સે થઈ. પોતાને ફસાવી હટી જનારી કમબખ્ત સરિતાને તો એકવાર  સંભળાવી જ દઉં એમ વિચારી તેણે સરિતાને ફોન લગાવ્યો.

ફોન ઉપડતાં જ કાંતા એ કહ્યું "મેડમ, હું કાંતા."

"વળી મેડમ? પણ તું અત્યારે ક્યાં છો? મને તારી ચિંતા થતી હતી."

"દીદી કહેવરાવવાનો  હક્ક તમે ગુમાવી દીધો છે. કોઈની નહીં ને મારી સાથે છેતરપિંડી? રાઘવ સાથે તમારી આટલી ગાઢ મિત્રતા હતી તે તમે મારાથી છુપાવ્યું?"

તે એક સાથે બોલી ગઇ.

"હા. હું કબુલ  કરું છું કે મેં એ વાત છુપાવી. અર્ચિત આમેય મારો ઉપયોગ ક્લાયન્ટસને ખુશ કરવા ને મારો ઉપભોગ પોતાની વાસના શાંત કરવા જ કરતો હતો. આખરે મને બધામાં મદદ કરે એવો અને જોતાં જ ગમી જાય એવો રાઘવ મળ્યો. અમે સાથે મળીને સુંદર સંસાર.."

"એટલે સાથે મળીને અગ્રવાલનો કાંટો કાઢી નાખ્યો? પાછી ફસાવી મને. પિસ્તોલ મારી પાસે ઉપાડાવી, છુપાવરાવી અને હવે ખુનનો આરોપ મારી ઉપર." કાંતાએ ગુસ્સામાં કહ્યું. હવે તેઓ ન તો ગેસ્ટ અને ક્લીનર હતાં ન દીદી અને નાની બહેન.

"બહેન, સાંભળ. અર્ચિતની હત્યામાં હું સામેલ ન હતી. મને થયું કે આ બધી ગોતાગોતીમાં પિસ્તોલ હાથે ચડી જશે તો મારું નામ ફીકસ  થઈ જશે. એ તો મારે નામે રાઘવે પરાણે ખરીદાવેલી. બીજું કાઈં કામ ન લાગે તો છેવટ કોઈ ન જુએ એમ એનો ઉપયોગ હાથ પર મોજાં પહેરી રાઘવ કરવાનો હતો. એ પહેલાં તો  વીલા મારે નામે થઈ ગઈ, શેર મળી જવાના હતા. અમે ચાલ્યાં જઈએ એ પહેલાં પિસ્તોલ હાથ કરી લેવી જરૂરી લાગી અને હું તો એ રૂમમાં જઈ શકવાની ન હતી. દિલગીર છું કે મેં તને એ કરવા કહ્યું અને તું ફસાઈ ગઈ. પણ મોનાને એ ખબર કોણે આપી અને પોલીસના હાથમાં કેવી રીતે  આવી એ ખબર નથી. સાચે, I am very sorry."

"અને  તેં મારી પાસે ડ્રગની હેરાફેરી કરાવી! તારી પર અંધ વિશ્વાસ મૂક્યો એનો દુરુપયોગ કર્યો, સરિતા, તેં અને તારા હવે તને ભોગવનારા xxx (ગાળ) રાઘવે મળીને મને જેલમાં મોકલી. છટ્ટ! આવું કરતાં શરમ ન આવી?" કહી દેવું તો પેટ છૂટું. હવે શું બાકી છે! કાંતા વિચારી રહી.

"તું માનીશ નહીં, હું જીંદગીમાં આ બીજીવાર છેતરાઈ ગઈ છું. મને એના ગોરખધંધાની ખબર છેક હમણાં પડી. એમાં જીવણ પાસે કામ કરાવી, તને  ભોળવીને ફસાવી  અને  પોતે છટકી જવાનો ઈરાદો ધરાવે છે એ જાણતાં અમારી વચ્ચે ખૂબ ઝગડો થયો. આ વખતે તો તે મારી ઉપર હાવી થઈ ગયો. અર્ચિત હવે અહીંથી ધંધો સંકેલવા માગતો હતો અને રાઘવને પેમેન્ટનો વાંધો પડ્યો. પછી શું થયું? ભયંકર વાત છે.

ક્રમશ: