કાંતા ધ ક્લીનર - 5 SUNIL ANJARIA દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કાંતા ધ ક્લીનર - 5

5.

રાધાક્રિષ્નન સાહેબના આ સત્તાવાહી ભાવમાં ઠંડા કલેજે કહેવાયેલા શબ્દો સાંભળતાં જ કાંતા બરફ જેવી થીજી ગઈ.

એક જ નાની ઘટનાએ તેની જિંદગી અને કારકિર્દી જાણે મોટો ભૂકંપ આવી જમીનદોસ્ત થઈ ગઈ.

"સર, હું છેલ્લી ગયેલી એ વાત સાચી છે પણ મેં તેમને મૃત્યુ પામેલા જોયા નથી. મેં એમને મારી પણ નાખ્યા નથી. પછી…" તે ડરતાં ડરતાં બોલી.

"ઠીક છે. અત્યારે તું મારી સાથે, મારી કેબિનમાં આવ." કહેતા રાધાક્રિષ્નન સાહેબ ચાલવા લાગ્યા. પઠ્ઠી સાથે આવવા ગઈ, સાહેબે એને હમણાં રોકાવા કહ્યું. મોના મોં ચડાવી જોઈ રહી.

કેબિનમાં આવતાં જ સરે બારણું બંધ કર્યું અને કાંતાને સામે બેસવા કહ્યું.

"મૂળ તારી સાંજની ડ્યુટી હતી કે અત્યારની?" તેમણે પૂછ્યું.

કાંતાએ સવારની હતી તેમ કહ્યું.

"તો તું રાત્રે ચેન્જ કેમ થઈ?" સાહેબે પૂછ્યું.

"હું તો આજની શિફ્ટમાં આવવા મારે ઘેર જ હતી ત્યાં મોના મેડમનો જ ફોન આવ્યો કે તારી ડ્યુટી ચેન્જ કરીએ છીએ અને તું રાત્રે આવી જા. મને પણ નવાઈ લાગી."

"એમ કેમ કહ્યું?"

"ખાનગીમાં કહું તો આજે અગ્રવાલ ફેમિલી ચેક આઉટ કરે ત્યારે સારી એવી ટીપ આપે એમ હતું. સુપરવાઈઝર હોવા છતાં તેમની નજર ટીપ પર હોય છે. સારી એવી ટીપ મળવાની આશા હોય ત્યાં ક્યારેક તેઓ ધરાર આગળ થઈ જાય છે. બીજું કારણ મને ખ્યાલ નથી આવતું."

"તો મિસિસ અગ્રવાલ તું ગઈ ત્યારે નહાતાં હતાં. તું જાઉં છું કહી નીકળવા ગઈ ત્યારે તેઓ બહાર આવ્યાં. પછી અને તું રૂમમાં ગઈ ત્યારે તેં શું જોયું એ ફરીથી, ટુંકમાં મને કહે. તારે માટે કદાચ કામ લાગે."

"મને હું ઘર માટે રસોઈ કરી બહાર નીકળવાની તૈયારી કરતી હતી ત્યાં સાંજે સાત વાગે જ મેડમે ડ્યુટી પર બોલાવી. મારી ડ્યુટી 5 થી 7મા ફ્લોર માટે હતી. અગિયાર વાગ્યા આસપાસ હું સ્ટાફ એરિયામાં બેઠેલી ત્યાં મને મેડમ અગ્રવાલે હાઉસકીપિંગને ઇન્ટરકોમ કરી બોલાવી. હું ગઈ ત્યારે રૂમ અધખુલ્લો હતો. મને લાગ્યું કે ગેસ્ટ ચેક આઉટ કરી ગયા હશે.

મેં કહ્યું તેમ રૂમમાંથી વિચિત્ર ગંધ આવતી હતી. રૂમમાં ઘોર અંધારું હતું. ત્યારે તો નહાવાનો અવાજ પણ નહોતો આવતો. મેં ડોર પાસે આવી લાઈટ કરી. બેડરૂમનું ડોર ખુલ્લું ફાટ હતું. એ તરફ ડોકીયું કરી જોઉં તો સાહેબ ઊંધા પડેલા. બધું અસ્તવ્યસ્ત હતું.

બાથરૂમમાં પાણીનો અવાજ કદાચ ત્યારે જ શરૂ થયો. બાથરૂમની બહાર ટુવાલ અને કપડાં ગમે તેમ પડેલાં. અરે, મેડમની લિંગરી પણ. થોડું વિચિત્ર લાગ્યું. મેં તે કપડાં ઉપાડી વોશિંગ બાસ્કેટમાં નાખ્યાં. રૂમની ગંધ દૂર કરવા નજીક શેલ્ફ પર પડેલ રૂમ ફ્રેશનરનો તાત્કાલિક સરખો એવો સ્પ્રે કર્યો."

"સર ચત્તા પડેલા કે ઊંધા?" રાધાક્રિષ્નને પૂછ્યું.

"બરાબર યાદ છે. ઊંધા જ. ચાદર ગમે તેમ ચોળાયેલી હતી. સર આમથી તેમ ખૂબ અમળાયા હોય એમ લાગ્યું હતું. પણ સર ભર ઊંઘમાં હોય એમ લાગ્યું. સુતા હોયતો ચાદર તો હું ન જ ઉપાડી શકું ને? મેં બાથરૂમ પાસે કપડાંઓનો ડૂચો પડેલો તે ઉપાડ્યો. નજીકની રૂમ 709 બહાર એક સર્વિસ ટ્રોલી પડેલી તેમાં એ ડૂચો અને બાસ્કેટ મૂક્યાં. મેડમે બહાર આવતાં જ મને બધું સરસ સાફ કર્યું એમ કહીને જવા કહ્યું." આમ કહી કાંતાએ શ્વાસ લીધો અને વગર પૂછે સર સામે મુકેલ જગમાંથી પાણી ગટગટાવ્યું.


"અને હા, મેં કોઈને કહ્યું નહીં પણ બહાર આવતાં તેમણે મને બે મોટી બંધ કોથળીઓ આપી જે કદમાં મોટી હતી પણ ખાસ વજન ન હતું. તે સરિતા મેડમે આજની રાત મારા વોલ્ટમાં રાખવા કહેલું. કોઈ અંગત વસ્તુઓ હશે. તેમણે તો બધું સરસ રીતે કર્યું એટલે તારે માટે, એમ કહેલું." કાંતા મનમાં વિચારી રહી. એ એને સરને કહેવું જરૂરી ન લાગ્યું. ગિફ્ટ હોઈ શકે એટલે. શું હશે એમાં? હવે તો તેનો વોલ્ટ પણ સીલ થઈ ચૂકેલો.

"વાત વિચિત્ર છે. તેં નીકળી ત્યાં સુધી તેમને ઊંધા સુતા જોયેલા, અત્યારે ચત્તા સુતા છે, લાશ તરીકે. મોં પણ ખુલ્લું છે. ચાદર પણ એવી ચોળાયેલી નથી. પાછું સર્વિસ ટ્રોલીમાં ચાદર ડાઘા વાળી હતી.


કાંતા, હું એક વ્યકિત તરીકે તને ઓળખું છું. પણ અત્યારના સંજોગોમાં શું થયું, કોણ સાચું - બધું ઊંડી તપાસથી જ નીકળશે. અત્યારે તો તું રૂમમાં ગયેલી અને બધે સફાઈ કરેલી એટલે તારાં ફિંગર પ્રિન્ટ પણ મળશે. સીસી ટીવી બેડરૂમની અંદર નથી ચલાવ્યું. પેસેજમાં છે એમાં તો તું જ આવે છે. ઠીક છે, તું ક્યાંય જતી નહીં. તને કાફેમાંથી સર્વિસ ટી આપવા કહું છું. ઇન્સ્પેકટરની સૂચના મુજબ તું બીજી સૂચના સુધી મારી કેબીનની અંદરની રૂમમાં જ રહેશે અને રૂમ બહારથી લોક રહેશે." કહેતાં રાધાક્રિષ્નન સર બુટ ચમચમાવતા નીકળી ગયા. બહારનું બારણું બંધ થઈ ચાવી લોક થવાનો અવાજ આવ્યો.

ક્રમશ: