કાંતા ધ ક્લીનર - 9 SUNIL ANJARIA દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કાંતા ધ ક્લીનર - 9

9.

"તને કેવી રીતે ખબર? તું સીધી બેડરૂમમાં એમની નજીક તો ગઈ નહોતી!" ગીતાએ પૂછ્યું.

"કોઈ પણ ન જાય. મેં બહારથી નોક કર્યું, કોઈએ જવાબ ન આપ્યો, અંદર અંધારું હતું વગેરે હું કહી ચૂકી છું."

"તેં જોયા ત્યારે અગ્રવાલ ભર ઊંઘમાં હતા એમ કેમ લાગેલું? નસકોરાં બોલતાં હતાં?"

"ના. સાવ શાંત. એક પગ આડો, બીજો સીધો, બે હાથ ફેલાવી ઊંધા પડેલા. મને બહાર જવા કહી સરિતા મેડમ તરત જ

તેમની તરફ ગયેલાં અને તે પહેલાં હું નીકળી એટલે ડોર બંધ કરી દીધેલું." કાંતાએ બે કોથળી આપ્યાનો ઉલ્લેખ ન કર્યો.

"એમ બને કે તું ગઈ એ વખતે તેઓ મૃત અવસ્થામાં હોય?" અધિકારી પૂછી રહ્યા.

"ચોક્કસ કહી શકું નહીં. આખી રાત સરિતા શબ પાસે બેસી રહી વહેલી સવારે રિસેપ્શન પર જાણ કરે એ બહુ શક્ય નથી લાગતું." કાંતા થોડી અસમંજસમાં જમીન ખોતરતી બોલી.

"અચ્છા, તારા અને સરિતાના સંબંધો કેવા હતા?" ગીતાબા બોલ્યાં.

"તેઓ મને નાની બહેન કહેતાં. પહેલી મુલાકાતમાં જ મને સારી એવી ટીપ આપી કહેલું કે 'તું કામ બહુ ચીવટપૂર્વક કરે છે. મઝાની છોકરી છે. આજથી તું મને સરિતા દીદી કહેજે. હું તને કાંતા.' એમ કહેતાં મારા ગાલે હળવો ચોંટીયો ભરી લીધેલો.

એક બે મુલાકાત પછી કહેલું કે હું એમની ગેરહાજરીમાં પણ બધું એકદમ વ્યવસ્થિત અને આરામદાયક રીતે ગોઠવી દઉં છું એટલે તે બન્ને મારાથી ખુશ છે. એકવાર એમણે જ કહેલું કે સાહેબ વિચિત્ર માણસ છે પણ પોતે એમને અનુકૂળ બની રહે છે.

મને એકવાર પૂછ્યું કે "ભણી હોવા છતાં આ ક્લીનર ની નોકરી કેવી લાગે છે? "

મેં કહેલું કે 'અઘરી તો છે પણ ફાવી ગઈ છે. હવે તો મઝા આવે છે.'

તેઓ મને એકવાર એમ જ ફરતી જોઈ સાથે લઈ ફિલ્મ જોવા પણ ગયેલાં. ત્યારે અગ્રવાલજી સાથે નહોતા. સરિતા એકલાં હતાં. મને કહે કે તેમને મારી ઈર્ષ્યા આવે છે. કહે કે 'તારી જિંદગી કેટલી મુક્ત છે? મારે તો સોનાના પાંજરાંમાં કેદ છે. સાહેબની પાછળ પાછળ, બધે કેમેરાની ઝબકતી લાઈટો વચ્ચે શણગારીને ફરવાનું, એમની સુચના મુજબ એમના ક્લાયન્ટસને એન્ટરટેઈન કરવાના અને ન કરી શકો તો એકલાં પડીએ ત્યારે સજા ભોગવવાની!

બધાને એવું લાગે કે પૈસાદારની પત્ની બની એટલે સુખની છોળોમાં આળોટતી હશે પણ મન જાણે છે. સાહેબ બહુ જુલ્મી છે. પીને ક્યારેક ફટકારવા માંડે તો ક્યારેક શરીર ચુંથી નાખે. બધું સહન કરવાનું અને એમને ખુશ રાખવાના.'

મારી ડ્યુટી શરૂ થતી હતી એટલે મને પોતાની સાથે ટેકસીમાં હોટેલ લઈ ગયાં. રૂમમાં જઈ મને પોતાનું બ્લાઉઝ ઊંચું કરી ઇજા બતાવી. સોળ ઉઠી આવેલા. મેં એમને સાંત્વન આપ્યું. મને પોતાના બાર માંથી કાઢી મોંઘી શરાબ પણ પાઈ. મેં કોઈને કહ્યું નથી."

બન્ને પોલીસકર્મીઓ નોંધ ટપકાવી રહ્યા.

"પછી થોડો વખત તેઓ દેખાયાં નહીં. સર કોઈ નવી કંપનીઓ સાથે આવતા, ઉતરતા એ જ એમના ફેવરિટ સ્યુટ 712 માં.

ફરી થોડા મહિના પહેલાં સરિતા સાથે આવ્યાં. સર કોઈ મોટી ડીલ કરવાના હશે. તેઓ સ્યુટમાં એકલાં હતાં. હું સફાઈ કરીને નીકળતી હતી ત્યાં મારી પાસે આવીને કહે 'તારી સ્કિન કેટલી સુંવાળી છે! ઘઉંવર્ણી તો પણ નજર ચોંટી રહે તેવી. મને કહે ચાલ, તને સરસ મેકઅપ કરી દઉં. ત્યારે તો મારો લંચ અવર પૂરો થતો હતો એટલે હું જવા લાગી તો મને પરાણે મુઠ્ઠીમાં 500 ની નોટ આપેલી. 'જા, મઝા કર' એમ કહીને. હા, એ વખતે એમણે કોઈ બંધ ચિઠ્ઠી આપેલી જે મે હોટેલની બહાર કોઈ લેવા આવ્યું એને આપેલી. એમ તો એ લાલી પણ લાભ વગર લોટે નહીં એવી લાગી.

પોલીસકર્મીઓ હસ્યા.

એ પછી એકવાર મને ઊભી રાખી ખભે હાથ મૂકી કહે 'તું બહુ નજીક ઊભી વાત કરે છે. સાચી મેનર્સ આ તારી ટ્રોલી જેટલું ડિસ્ટન્સ રાખી ઉભવાની છે.' મને એમણે સારાં પોશ્ચર સાથે ઊભતાં શીખવ્યું, પોઝ આપતાં શીખવ્યું જે કસ્ટમર સર્વિસ ટ્રેનિંગ વખતે મને કામ લાગ્યું.

એક વખત મારી ડ્યુટી પૂરી થવાને વાર હતી પણ કામ પતી ગયેલું. સરિતાએ મને સામે બેસાડી મેકઅપ પણ કરેલો અને વાળ પણ ટ્રિમ કરી આપેલા. પછી હળવી લિપસ્ટિક લગાવી મારી સામે અરીસો ધરી કહે કેવી ઢીંગલી જેવી લાગે છે!

એના કહેવા મુજબ એણે બ્યુટીપાર્લરનો કોર્સ કર્યો છે અને બિઝનેસ પણ. અગ્રવાલે એવી જ કોઈ રીતે તેને પકડેલી. તેને પોતાનો ખ્યાલ રાખે એવો સાથે પૈસાદાર પતિ જોઈતો હતો જેથી જેનું સપનું હતું તે બધી મોજમઝા એ કરી શકે અને અગ્રવાલજીને કોઈ શોપીસ પોતાના ક્લાયન્ટસ સામે પેશ કરવા. આમ જોડી ચાલતી હતી. તો પણ બેય વચ્ચે પ્રગટ ઝગડો મેં જોયો નથી."

"આ ઇન્વેસ્ટીગેશન, તારા અને સરિતાના સંબંધો, સરિતા અને અગ્રવાલના સંબંધો - કોકડું વધુ ગૂંચવાતું જાય છે. એ કુદરતી મૃત્યુની શક્યતા નથી લાગતી. પણ તો તેં કહેલી વાતો પ્રમાણે તું અને સરિતા સાથે મળીને પણ.." અધિકારી બોલી રહ્યા.

"એને આપણે વિચારીએ એ બધું કહેવાની જરૂર નથી. છોકરી, તું અત્યારે જઈ શકે છે." ગીતાબા બોલ્યાં અને કાંતાએ ઊંડો શ્વાસ લઈ હાશ કર્યું.

ક્રમશ: