કાંતા ધ ક્લીનર - 10 SUNIL ANJARIA દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કાંતા ધ ક્લીનર - 10

10.

પોલીસસ્ટેશનથી છૂટીને કાંતા પહેલાં તો હોટેલ ટુરિસ્ટ હેવન ગઈ. તેને અંદર ઊંડેઊંડે એ આશા હતી કે રાધાક્રિષ્નન સર તેને આજથી જ, કોઈ બ્રેક વગર ડ્યુટી પર ગણી લેશે. તેની માત્ર પૂછપરછ થઈ હતી અને તે ખૂન માટે શંકાસ્પદ આરોપી નથી એટલે. તેનો મોબાઈલ તો કસ્ટડીમાં લઈ લેવાયેલો. તે નીકળતા પહેલાં તેને પાછો આપવામાં આવ્યો.

તેણે તરત જ સરને ફોન લગાવ્યો. સરનો ફોન ઉપડે જ નહીં. સ્વીચ ઓફ. તેણે રિસેપ્શન ડાયલ કર્યું. એંગેજ. તેને થયું કે સીધી હોટેલ પર પહોંચું.

હોટેલ આવતાં જ તેણે જોયું કે બહાર મોટું ટોળું હતું. કેમેરા સાથે ચેનલો વાળા ઊભેલા. કોઈ 'પત્રકાર' હાથો પહોળા કરી બૂમો પાડતો હતો. તે પરિસ્થિતિ સમજી ગઈ અને બાજુની શેરીમાંથી પાછલા દરવાજા તરફ ગઈ. હજી પેસેજમાં જાય ત્યાં રાઘવ તેને મળ્યો. "હાશ! તું આવી ગઈ! મને હતું જ કે તું આવીશ." આમ કહેતાં તેણે કાંતાને કમરેથી પકડી પોતાની નજીક ખેંચી. તેની પીઠ પર હાથ મૂકી હજી નજીક ખેંચી રહ્યો.

આ અવસ્થામાં ટેન્શન મુક્ત થતાં કાંતા પણ તેનો એક માત્ર સારો પરિચિત ફ્રેન્ડ રાઘવ મળતાં ખુશ થઈ ગઈ. હળવેથી પોતે આલિંગનમાંથી મુક્ત થઈ.

"આ આગળ શું છે બધું? અને મેં ફોન કર્યો.."

તે કહે ત્યાં રાઘવે જ કહ્યું " તું પાછળ તરફ આવી ગઈ તે બહુ સારું કામ કર્યું. આગળ ચેનલવાળાઓએ હલ્લો બોલાવ્યો છે. પાછું હજી તો તને પૂછવા પોલીસ લઈ ગયા ત્યાં તને આરોપી ગણી પકડી ગયા, પોલીસની ઝડપી કામગીરી વગેરે શરૂ થઈ ગયા છે વગેરે વાતો વહેતી થઈ છે. તને જોત તો તારું આવી બનત. ઘેરી વળ્યા હોત."

"મારે સરને તાત્કાલિક મળવું છે. તેમને ખબર આપવા છે." કહેતી કાંતા પેસેજમાં થઈ સરની કેબિન તરફ જવા લાગી.

"અત્યારે સર નહીં મળે. કોઈને મળતા નથી. તેઓ પણ આ ઇન્વેસ્ટીગેશન સાથે બીઝી છે. પેલો સ્યુટ પણ સીલ છે." કહેતો રાઘવ કાંતા સાથે ચાલવા લાગ્યો.

"તો પછી સરિતા મેડમ ક્યાં?" કાંતાએ પૂછ્યું.

"તેઓને કદાચ ચેકઆઉટ કરાવી દેવાયું હશે. આમ પણ આજે જવાનાં હતાં. હવે ઘેર નહીં પણ બીજાં કોઈ ખાનગી સ્થળે હોટલે રાખ્યાં હોઈ શકે. તું થાકી ગઈ હોઈશ. ચાલ, આપણી પેન્ટ્રીમાં. તને સરસ કોફી પાઉં." વગર કહ્યે રાઘવ કાંતાનો હાથ પકડી જવા લાગ્યો. અત્યારે તેઓ ચોરીછૂપીથી કિચનમાંથી કચરો બહાર ફેંકવા કે જરૂરી માલસામાનની વાન માટેના નાના ગેટમાં થઈ પ્રવેશ્યાં.

કિચનમાં સવારે રૂમ ચાર્જમાં સમાવિષ્ટ બ્રેકફાસ્ટ હોય, સાંજે કિચન ખાલી હોય. તેમણે શાંતિથી કોફી પીધી. થોડી વાર પછી કાંતા હળવાશ અનુભવતી ઊભી થવા ગઈ. "હવે ભીડ નહીં હોય. હું સરને મળી લઉં. ડ્યુટી પર જોઈન થવાનું હોય તો.." તેણે સ્કર્ટ સંકોરતાં કહ્યું.

"આમેય 712 પર કોઈ આવવાનું નથી. કદાચ આખી લોબીમાં કોઈને પ્રવેશ નહીં હોય. તો 709 ની ચાવી તારા વોલ્ટમાંથી આપને? જીવણ હંમેશ મુજબ રાત કાઢે.." રાઘવ માગી રહ્યો.

"આજે નહીં. મારો વોલ્ટ સીલ હશે. એક થાય બિચારા માટે, તારે ઘેર થાય તો રાખ. બાકી રાતના દસ અગિયાર વાગ્યા સુધી તું રહે ને તારી પેન્ટ્રી કે નજીક રહે, પછી એ જ પેસેજની બહાર સોફા પર. મને ચાવી મળે એટલે તો સરને મળવું છે." તે ફરી કેબિન તરફ ગઈ. કેબિન તરફ પોલીસ ગાર્ડ ઊભેલો, કાંતાને જવાની ના પાડી. તે hrm ની અને મસ્ટર ઓફીસ હતી તે તરફ જવા લાગી. તે પણ બંધ.

તેણે મેઈન ગેટ પર જોયું. કોઈ ન હતું. તે હળવેથી આજુબાજુ જોઈ બહાર નીકળી. વ્રજકાકા તેને જોઈ ખુશ થયા. "કાંતા, આવી ગઈ? પોલીસે હેરાન નથી કરી ને?" તેમણે વ્હાલથી પૂછ્યું.

"ના, કાકા. બધું બરાબર રહ્યું. મારે રાધાક્રિષ્નન સરને મળવું છે. ડ્યુટી જોઈન માટે." તેણે કહ્યું.

"આજે કોઈ નહીં મળે. મને તું સસ્પેન્ડ છો તે ખબર છે. સાહેબ સામેથી ફોન કરશે. અત્યારે તો તું કોઈ કોર્સ કરતી હતી એમાં ધ્યાન દે, મારી ડોટરનો સંપર્ક કર. એ બધા ગમે તે સારું સારું કહે પણ ફરી નોકરીએ લેવા વખતે સો ગળણે ગાળીને પાણી પીવે.

અને હા, તું પેલા રાઘવની બહુ નજીક ન જતી. મને એ ઠીક લાગતો નથી. વધુ ફસાવી દે એવો લાગે છે." વ્રજકાકા એમ કહે ત્યાં કોઈ ટેક્સી આવીને ઊભી. તેઓ સેલ્યુટ કરતા ગેટ ખોલવા ઊભા રહ્યા.

કાંતાથી નિઃસાસો નખાઈ ગયો.

નિરાશ થઈ તે ભારે પગે ઘર તરફ ગઈ.

ઘેર આવતાં જ મમ્મીએ દરવાજો ખોલ્યો.

"આવી ગઈ બેટા! થોડી વાર કહીને લગભગ આખો દિવસ લીધો એ લોકોએ! હોય બેટા, કામ ક્યારેક વધુ હોય અને કરી આપીએ તો જ આગળ વધાય." મમ્મી કહી રહી.

'મમ્મીને કેમ કહેવું કે કાલથી નોકરી નથી? ઘરમાં હાંડલા કુસ્તી કરે છે.' તે વિચારી રહી.

ક્રમશ: