વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ’
દેશમાં આવતીકાલે 15 ઓગસ્ટ ના રોજ 78મો સ્વતંત્રતા દિવસ મનાવવામાં આવશે.ત્યારે આપણને ભેદભાવ, વૈમનસ્ય અને દુર્ભાવનાના ઝેરને ખતમ કરવા માટે પ્રેરિત કરવા અને તેનાથી સામાજિક સદભાવના અને માનવીય સંવેદના મજબૂત કરવાના હેતુ સાથે વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ’ મનાવવામાં આવશે. આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી વખતે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ દેશભરમાં 14મી ઓગસ્ટને ‘વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ’ (Partition Horrors Remembrance Day) તરીકે મનાવવાની જાહેરાત કરી હતી. તેમણે ટ્વીટ કરીને કહ્યું કે, ભાગલા દરમિયાન લોકોના સંઘર્ષ અને બલિદાનની યાદમાં આ દિવસ મનાવવામાં આવશે. તેનાથી ભેદભાવ અને દુર્ભાવનાનું ઝેર ઓછું થશે. “દેશના ભાગલાનું દુઃખ ક્યારેય ભૂલાવી ન શકાય. નફરત અને હિંસાને પગલે આપણા લાખો ભાઈઓ અને બહેનોએ વિસ્થાપિત થવું પડ્યું હતું અને પોતાનો જીવ પણ ગુમાવવો પડ્યો હતો. તે લોકોના સંઘર્ષ અને બલિદાનની યાદમાં 14મી ઓગસ્ટના દિવસને ‘વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ’ તરીકે મનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.”
ઉલ્લેખનીય છે કે આશરે 200 વર્ષ પછી ઓગસ્ટ 1947માં અંગ્રેજો ભારત છોડીને ગયા હતા. ત્યારે હિન્દુ બહુમતિવાળો વિસ્તાર ભારત અને પાકિસ્તાન બહુમતિવાળો વિસ્તાર પાકિસ્તાન એમ બે ભાગલા પડ્યા હતાં. જે બાદમાં સ્થળાંતર શરૂ થયું હતું. જેમાં લાખો મુસ્લિમો પશ્ચિમ અને પૂર્વ પાકિસ્તાનમાં જતા રહ્યા હતા. તો હિન્દુ અને શીખો બીજી દિશામાં ગયા હતા. જોકે, અનેક લોકો એવા હતા જે પોતાની સફર ક્યારેય પૂરી કરી શક્યા ન હતા. આ દરમિયાન અનેક લોકો માર્યાં ગયા હતા.14 ઓગસ્ટ 1947નો દિવસ એ દિવસ હતો જ્યારે એક તરફ દેશ સ્વતંત્રતા મેળવવાની તૈયારી કરી રહ્યો હતો ત્યાં બીજી તરફ દેશમાં ભાગલાના કારણે અરાજકતાનો માહોલ હતો અને લાખો લોકોએ તેનો ભોગ બનવું પડ્યું હતું. વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસને લઈને કેન્દ્રીય ગૃહમંત્રાલય તરફથી ભારતનું રાજ્પત્ર પણ જારી કરવામાં આવ્યું છે. 14 ઓગસ્ટ 2021ના રોજ વડાપ્રધાનના એલાન બાદ કેન્દ્રીય ગૃહમંત્રાલયે એક ગેઝેટ જારી કર્યું હતું, જેમાં કહેવામાં આવ્યું છે કે ભારત સરકાર ભારતની વર્તમાન અને ભવિષ્યની પેઢીઓને વિભાજન દરમિયાન લોકોએ સહેલી યાતના અને વેદનાનું સ્મરણ કરાવવા માટે 14 ઓગસ્ટને વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ તરીકે ઘોષિત કરે છે. આ દિવસે લાખો લોકોએ રાતોરાત ભાગવું પડ્યું અને લાખો લોકો માર્યા ગયા હતા. 14-15 ઓગસ્ટે ભારતને બ્રિટિશ રાજમાંથી મુક્તિ તો મળી જ પરંતુ તેની સાથે દેશનું વિભાજન પણ થયું અને ભારત અને પાકિસ્તાન એમ બે દેશો અસ્તિત્વમાં આવ્યા. વિભાજનથી દેશના બે ટુકડા કરી દેવામાં આવ્યા અને પૂર્વ-પશ્ચિમ બંને તરફ અમુક વિસ્તારને પાકિસ્તાનને અલગ ઇસ્લામિક રાષ્ટ્ર તરીકે માન્યતા આપવામાં આવી. પછીથી 1971ના યુદ્ધમાં ભારતની જીત બાદ પૂર્વ પાકિસ્તાન બાંગ્લાદેશ તરીકે સ્વતંત્ર રાષ્ટ્ર બન્યું હતું.ભાગલા પડ્યા તેની સાથે જ ઇતિહાસનું સૌથી મોટું સ્થળાંતરણ જોવા મળ્યું હતું અને રાતોરાત લોકોએ પોતાના ઘરબાર છોડીને ભાગવું પડ્યું હતું. સૌથી વધુ અસર પંજાબ અને બંગાળમાં જોવા મળી હતી કારણ કે આ બંને રાજ્યોની સરહદ પાકિસ્તાન સાથે જોડાયેલી છે. આ આખા પ્રકરણમાં દોઢ કરોડ લોકોએ ઘર-સંપત્તિ છોડીને ભાગવું પડ્યું હતું. બાળકો, વૃદ્ધો, મહિલાઓ તમામ હિંસાની ચપેટમાં આવ્યા હતા અને લાખો લોકોએ પોતાના સ્વજનો ગુમાવ્યા હતા.
માનવ ઇતિહાસના સૌથી મોટાં વિસ્થાપનો પૈકીના એક આ વિભાજનના કારણે કરોડો લોકો, લાખો પરિવારો અને સેંકડો ગામો, શહેરો, કસ્બાઓ પ્રભાવિત થયા. લોકોએ રાતોરાત પૈતૃક સ્થળો છોડી દેવાં પડ્યાં અને શરણાર્થી તરીકે એક નવું જીવન જીવવા મજબુર બનવું પડ્યું. વિભાજન બાદ થયેલાં રમખાણોમાં 20 લાખથી વધુ લોકો માર્યા ગયા હતા. મહિલાઓ સાથે બળાત્કાર થયા હતા તો ક્યાંક શરણાર્થીઓ ભરેલી ટ્રેનમાં નરસંહાર થયા હતા. બંગાળ, બિહાર, પંજાબ વગેરે ક્ષેત્રોમાં સાંપ્રદાયિક રમખાણો થયાં હતાં. પાકિસ્તાનથી લોહીથી લથબથ ટ્રેન પણ ભારત આવી હતી.
15 ઓગસ્ટનો દિવસ આપણે સ્વતંત્રતા દિવસ તરીકે ઉજવીએ છીએ. કોઈ પણ રાષ્ટ્ર માટે તેની સ્વતંત્રતાનો દિવસ અનેરું મહત્વ ધરાવે છે અને આનંદનો અવસર હોય છે. પરંતુ સ્વતંત્રતા સાથે-સાથે દેશે વિભાજનનો એ આઘાત પણ સહન કરવો પડ્યો અને શરૂઆત તેની હિંસક પીડાઓ સાથે થઇ, જેણે લાખો ભારતીયો પર પીડાનાં નિશાન છોડી દીધાં. સ્વતંત્રતાનો આનંદ તો છે જ, પરંતુ સાથેસાથે વિભાજનની પીડા અને હિંસા પણ દેશ માટે એક ખરાબ સ્મૃતિ બનીને રહી ગયાં છે. આમ તો દેશ ભૂતકાળને પાછળ છોડીને બહુ તેજ ગતિથી આગળ વધી રહ્યો છે અને આવનારાં અમુક વર્ષોમાં વિશ્વના નકશા પર મોખરાનું સ્થાન ધરાવશે, પરંતુ વિભાજનની આ પીડા ક્યારેય ભૂલી ન શકાય તે માટે આ દિવસને કેલેન્ડર પર સ્થાન મળે એ જરૂરી છે.
આજના દિવસે 1947 માં ભારતમાતાની છાતી વીંધાઈ, દેશના બે ટુકડા થયા. દેશના ઈતિહાસમાં 14 ઓગસ્ટની તારીખ આંસુઓથી લખવામાં આવી છે. આ તે દિવસ હતો જ્યારે દેશનું વિભાજન થયું અને એક પૃથક રાષ્ટ્ર જાહેર કરી દેવામાં આવ્યું હતું. આ વિભાજનથી ન માત્ર ભારતીય ઉપ-મહાદ્વીપના બે ટૂકડા થયા પરંતુ બંગાળનું પણ વિભાજન થયું અને બંગાળનો પૂર્વ ભાગ ભારતથી અલગ થઈ પૂર્વી પાકિસ્તાન બની ગયો, જે 1971ના યુદ્ધ બાદ બાંગ્લાદેશ બન્યો હતો.કહેવા માટે તો આ દેશનું વિભાજન હતું, પરંતુ હકીકતમાં આ દિલોનું, પરિવારોનું, સંબંધોનું અને ભાવનાઓનું વિભાજન હતું. ભારતના માતાની છાતી પર વિભાજનનો આ ઘાવ સદીઓ સુધી રહેશે અને આવનારી પેઢી આ તારીખના સૌથી દર્દનાક અને રક્તરંજિત દિવસની ટીસ અનુભવતી રહેશે.
આજે વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસે દેશ એ બલિદાનીઓને યાદ કરી રહ્યો છે જેમણે અરાજકતાના એ માહોલ વચ્ચે જીવ ગુમાવ્યા હતા. ‘વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ એ ભારતવાસીઓને શ્રદ્ધાપૂર્વક સ્મરણ કરવાનો અવસર છે, જેમનું જીવન દેશના ભાગલાની બલિ ચડી ગયું. તેમની સાથે જ આ દેશ એ લોકોના સંઘર્ષ અને કષ્ટોની પણ યાદ અપાવે છે, જેમને વિસ્થાપનનો દંશ સહન કરવા મજબુર થવું પડ્યું. આવા તમામ લોકોને કે જે આપણાં ઈતિહાસના તે દુઃખદ સમયમાં પીડિત એવા સૌને અને તેમના ધૈર્ય તથા સ્થિતિને આધીન જીવવાના ગુણને શત-શત નમન. 'વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ' સમાજમાંથી ભેદભાવ અને નફરતની દુષ્ટ ઇચ્છાનો અંત લાવશે અને શાંતિ, પ્રેમ અને એકતાને મજબૂત કરશે"