ફિર આઈ હસીન દિલરૂબા
- રાકેશ ઠક્કર
2021 માં જ્યારે તાપસી પન્નુની રોમેન્ટિક થ્રીલર ફિલ્મ ‘હસીન દિલરૂબા’ ને OTT પર રજૂ કરવામાં આવી ત્યારે એમ કહેવામાં આવ્યું હતું કે એને થિયેટરમાં રજૂ કરવાની જરૂર હતી. અને એને વ્યૂઅરશીપ સારી મળી હતી. પણ એની સીકવલ ‘ફિર આઈ હસીન દિલરૂબા’ ને જોયા પછી એવો સવાલ જરૂર થશે કે એને પાછી લાવવાની શું જરૂર હતી? ફિલ્મના ટ્રેલરમાં એમ કહેવામાં આવ્યું હતું કે ‘બ્લોક બસ્ટર ફિલ્મ’ પાછી આવી છે. નિર્દેશક બદલાયા હોવા છતાં ફરી આવેલી ફિલ્મ એના પહેલા ભાગ જેવી જ વધારે લાગે છે. 2021 ની ‘હસીન દિલરૂબા’ ની સફળતાને વટાવવાનો પ્રયત્ન થયો છે.
પહેલા ભાગ પછી બીજા ભાગનો ઇંતજાર જરૂર હતો પણ હવે ત્રીજા ભાગની શક્યતા આપી છે એ માટે કોઈ ઉત્સુકતા બનતી નથી. મજબૂત વાર્તા વગર નિર્દેશક જયપ્રદ દેસાઇએ સીકવલ બનાવવાનું જોખમ લેવું જોઈતું ન હતું. ગઈ વખતે ક્લાઇમેક્સમાં જબરદસ્ત સસ્પેન્સ ખૂલ્યું હતું. નવી વાર્તામાં જૂની વાત જ વધારે આવે છે. અગાઉની ફિલ્મ જેવો જ પ્લોટ અને ટ્વીસ્ટ છે.
રિશૂ હવે રવિ તરીકે નવી જિંદગી જીવી રહ્યો છે. રાની પોતાનું બ્યુટી પાર્લર ચલાવે છે અને બંને પોલીસથી છુપાઈને રહે છે. હવે કંપાઉન્ડર અભિમન્યુ રાનીને પાગલપનની હદ સુધી પ્રેમ કરવા લાગે છે. રાની એને ભાવ આપતી નથી. ત્યારે રિશૂની મકાન માલિકણ એની સાથે સંબંધ બાંધવા બેકરાર બને છે. પોલીસ રાની અને રિશૂની શોધમાં છે ત્યારે બંને પૈસા કમાઈને થાઈલેન્ડ ભાગવાની ફિરાકમાં છે. ઈન્સ્પેકટર કિશોરનો સામનો થતાં એમનું આયોજન ઠપ થાય છે. અને એમાં મોન્ટુ ચાચાનો પ્રવેશ થાય છે. બંને પોતાના બચાવની કોશિશમાં લાગી જાય છે. પોલીસનું ધ્યાન ભટકે એ માટે રાની અભિમન્યુ સાથે લગ્ન કરવાનો મોટો નિર્ણય લે છે. પણ રાની રિશૂ એક થશે કે નહીં? અભિમન્યુ સામે રહસ્ય ખૂલશે ત્યારે એ શું કરશે? એ જાણવા ફિલ્મ જોવી પડશે.
આ ફિલ્મનો પહેલો ભાગ ઠીક છે પણ ઇન્ટરવલ પછી પકડ જમાવી શકતી નથી. અભિમન્યુ સામે રિશૂનું રહસ્ય ખૂલ્યા પછી વાર્તા ઢીલી પડે છે. ક્લાઇમેક્સ લૉજિક વગર જોવામાં આવશે તો ગમશે. બાકી જે લોકો ફિલ્મો વધારે જુએ છે એમને અંતનો અંદાજ આવી જાય છે. ‘હસીન દિલરૂબા’ ટાઇટલ આ વખતે કોઈ રીતે બંધબેસતું નથી. ઘણા દ્રશ્યો તર્કબધ્ધ નથી. રાની અભિમન્યુને મળે છે અને બીજી વખત એ લગ્ન માટે પૂછે ત્યારે માની પણ જાય છે. મગરનો એક એંગલ છે એને રોમાંચ માટે અંતમાં બતાવાય છે. એ જ વાત રોમાંચ ઓછો કરે છે. પોલીસ જે રીતની તપાસ કરે છે એ હાસ્યાસ્પદ લાગે છે.
તાપસીએ પહેલા ભાગ જેવું જ કામ કર્યું છે. ફિલ્મના પ્રચારના એક કાર્યક્રમમાં એને પૂછવામાં આવ્યું કે તું સ્ટીરીયો ટાઈપ રોલ સ્વીકારતી નથી? ત્યારે એણે ના પાડી હતી અને ઉદાહરણ આપ્યું હતું કે ‘પિંક’ પછી શોષણનો શિકાર થયેલી છોકરીની એવી જ અનેક ભૂમિકાઓ ઠુકરાવી દીધી હતી. તો પછી ‘ફિર આઈ હસીન દિલરૂબા’ કેમ સ્વીકારી હતી? એ પ્રશ્ન પૂછવા જેવો હતો. તાપસી પહેલા ભાગ જેટલી હસીન અને રંગીન પણ લાગી નથી. ‘રાની’ તરીકે એ અંદાજથી બહુ નમકીન લાગી નથી.
તાપસીની જેમ વિક્રાંત મેસ્સી સારો અભિનય કરવા માટે જાણીતો છે. એને દમદાર દ્રશ્યો મળ્યા નથી. બંનેનું કામ આ વખતે યાદગાર નથી. સાયકો લવર જેવું સની કૌશલનું કામ સારું નહીં જોરદાર છે અને ફિલ્મ જોવાનું તે એક કારણ બને છે. પહેલી વખત એને સારી તક મળી છે. તે પોતાને વિકી કૌશલનો ભાઈ સાબિત કરે છે. જીમી શેરગીલ ટૂંકી ભૂમિકામાં પોતાને સોંપાયેલું કામ કરી જાય છે.
‘એક હસીના થી’ ગીતનો ઉપયોગ સારો થયો છે. માત્ર સમય પસાર કરવા ‘ફિર આઈ હસીન દિલરૂબા’ એક વખત જોઈ શકાય એવી છે.