મારા અનુભવો - ભાગ 7 Tr. Mrs. Snehal Jani દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મારા અનુભવો - ભાગ 7

ધારાવાહિક:- મારા અનુભવો

ભાગ:- 7

શિર્ષક:- અણગમો અને ગમો.

લેખક:- શ્રી સ્વામી સચ્ચિદાનંદ

રજૂ કરનાર:- શ્રીમતી સ્નેહલ રાજન જાની





મારા અનુભવો…


પ્રકરણઃ…7. "અણગમો અને ગમો."


🙏 સ્વામી શ્રીસચ્ચિદાનંદજી.



હું મહારાષ્ટ્રની ધરતી ઉપર હતો. આ ધરતીએ અસંખ્ય સંતો આપ્યાઃ તુકારામ, જ્ઞાનેશ્વર, નામદેવને તો સૌ જાણે જ છે. પણ તે સિવાયના પછાત ગણાતી જ્ઞાતિઓમાં અસંખ્ય સંતો થયા, જેમની વાણી અને ગાથાઓથી મહારાષ્ટ્ર ઉજ્જ્વળ થયું છે. આ ધરતીએ અનેક પંડિતો, વિદ્વાનો, વિચારકો અને રાજનેતાઓ આપ્યા. છત્રપતિ શિવાજી અને વીર મરાઠા સરદારોની આ ભૂમિ, ગોખલે, તિલક અને સાવરકરની આ ભૂમિ. સમાજસુધારકોની આ ભૂમિ. અહીં જુનવાણી માનસ ધરાવનારનો તોટો નથી પણ સુધારકોની પણ એટલી જ ફળદ્રુપતા અહીં જોઈ શકાય છે. ધરતીના રૂપમાં તે ઊબડ-ખાબડ અને પથ્થરિયા એટલે આર્થિક રીતે ગુજરાત જેટલી દુધાળ નહિ. આર્થિક કઠિનાઈની અસર સમગ્ર પ્રજાના જીવન ઉપર પડતી જ હોય છે.



ગાડીમાંથી ઊતરીને મારી સામે પ્રશ્ન હતો, ક્યાં જવું ? અને પગ તો મંડાતા જ ન હતા. કોઈ ભલા માણસે મને કહ્યું, આ નદીને કિનારે કિનારે જાઓ. દૂર એક પંડિતજીએ મંદિર બાંધ્યું છે, ત્યાં રાત રહેજો. મેં તેમ જ કર્યું. સાવધાનીથી પગ મૂકું તોપણ એકાદ નાની કાંકરી પણ જો ફોલ્લાને અડી જાય તો પ્રાણ નીકળી જાય તેવી વેદના થાય.



લગભગ સૂર્યાસ્ત સમયે હું મંદિર પહોંચ્યો. પંડિતજી સપરિવાર મંદિરમાં રહેતા હતા. ભલા હતા, પણ આવતા-જતા સાધુઓના ત્રાસથી ત્રાસી ગયેલા હતા.



આપણે ત્યાં એક કક્ષાનો સાધુસમાજ નથી. ઊંચામાં ઊંચી ભૂમિકાવાળા વિરલ સંતો છે, તો બીજી બાજુ ઉઘરાણાં કરનારા, ભૂતપ્રેત કાઢનારા. જ્યોતિષના નામે ચરી ખાનારા, વૈદકના નામે લોકોને ઉલ્લુ બનાવનારા અને છોકરાઓને પકડી જનારા પણ આ સમાજમાં છે. તેમાં પણ માત્ર પૈસા માટે ભટકતા-ફરતા સાધુઓ જ્યાં ઊતરે ત્યાં ત્રાસ વર્તાવ છે. હઠ કરીને માગે.આટલું તો આપવું જ પડશે, ના આપો તો ત્રાગું કરે. આવા લોકોનો બે-ચાર વાર કડવો અનુભવ થાય એટલે સ્થાનધારીઓ આવનાર સાધુથી સાશંક થઈ ઊઠે. ગાંજા-ચરસ પીનારાની તો પછી વાત જ શી કરવી!



મને જોઈને પંડિતજીને આનંદ ના થયો, પણ જાકારો પણ ના કર્યો.કદાચ મારી ઉંમર, આકૃતિ તેમાં કારણ હોય. મને તો લાગે છે કે મારો પરમાત્મા જ તેમાં કારણ હતો. કારણ કે જો તેમણે જાકારો ભણ્યો હોતે તો હવે મારા પગ પગલાં ભરવાની હિંમત વિનાના થઈ ચૂક્યા હતા. મારા પૂર્વગામીઓના કડવા અનુભવો છતાં તેમણે મને રહેવા કહ્યું.



મેં સ્નાન કરી સંધ્યા કરી. સાંજે જમવાનું તો હતું જ નહિ. હું એક તરફ ચુપચાપ બેઠો હતો. પંડિતજી મારી સાથે કશી જ વાત કરતા ન હતા. મારે પણ કશુ બોલવાનું ન હતું. મૂંગા મૂંગા અડધોએક કલાક વીતી ગયો હશે. અમે બંને મૂંગા હતા તોપણ અમારું અંતરમન એકબીજા સાથે સ્પર્શતું હતું. મને થતું હતું કે કાંઈક સત્સંગ થાય તો સારું, કદાચ પંડિતજીને પણએવું જ થતું હશે. બે મૂંગી વ્યક્તિઓ પણ ઘણી વાર અંદરથી પ્રબળ આકર્ષણ અનુભવતી હોય છે. અમારું કદાચ એવું જ હતું.



ગામમાંથી બે-ચાર સજ્જનો આવ્યા. પંડિતજીના એ પરિચિત હતા. તેમની નજર મારા ઉપર પડી. પંડિતજીના જેવો કડવો અનુભવ તેમને થયો નહિ હોય એટલે તેમાંથી એકે મારી સાથે વાત કરવી શરૂ કરી. હવે ગુજરાત ન હતું, એટલે મારે હિન્દીમાં જ વાતો કરવાની હતી.



હિન્દી ભાષા વ્યવસ્થિત રીતે ભણ્યા વિના પણ મને સિનેમાના માધ્યમથી તેનો થોડો મહાવરો હતો. હું સિનેમા ટાઇપનાં હિન્દીમાં ગીતો લખતો અને ગાતો પણ ખરો. મારું ગાયેલું લોકોને ગમતું એટલે ઘણી વાર તે ગાવા માટે આગ્રહ પણ કરતા. ગૃહત્યાગના પંદરેક દિવસ પહેલાં અંબિકા નદીના કિનારે બેસીને જે ગીત મારાથી રચાયું હતું તે આજે પણ મને યાદ છે. વાચકોને તે ઉપરથી મારી હિન્દીનો ખ્યાલ આવશે.



દિલ ચાહતા હૈ હરદમ એકાન્ત મેં રહૂં મેં,ઝમેલા છોડ જગ કા, જંગલ મેં જા રહૂ મૈં.

કોઈ ના હો જહાં પર બસ મૈં રહૂ વહાં પર,ઈશ્વર કો યાદ કર કે નિશદિન મગન રહૂ મૈં ....દિલ૦

ઓઢન આકાશ હોગા, બિસ્તર જમીન હોગી,ફૂલમૂલ કંદ ખાકર બસ મસ્ત બન ઝૂમૂ મેં......દિલ૦

બનેંગે દોસ્ત મેરે ગજ કેસરી તિતરે,મૈના પપીહા કોયલ કી બાંસરી સુનૂ મૈં.....દિલ૦

પર્વત પહાડી નાલે, વૃક્ષોં કી નીલ ઘટાએઁ,સાગર નદી ઔ” નાલેકે ઓષ્ઠકો ચૂંમૂ મૈં....દિલ૦

સુનેગી ચાંદરાતે મેરે જિગર કી બાતેં,દુઃખદર્દ દિલ કા ખોકર બસ મસ્ત બન હસૂ મૈં...દિલ૦

મહફિલ અનોખી હોગી, દિલ મેં તસલ્લી હોગી,તબ ઓમનામ કી મૈં ભરભર પ્યાલી પીઊં મૈં ...દિલ૦


આ ગીત (જો તેને ગીત કહી શકાય તો) ઉપર સિનેમાની અસર છે જ. એક વાર થોડા સમય માટે મને સિનેમાનાં ગીતો લખવાનો ચસકો લાગેલો. બે નોટો ભરીને મેં જુદા જુદા વિષયો ઉપર ગીતો લખેલાં પણ ખરાં. પણ એમાંનું આજે કશું નથી રહ્યું.



અમારી વાતચીતમાં પંડિતજી પણ સામેલ થયા. હું ગુજરાતી છું તેવું સ્વીકારવા તેઓ તૈયાર ન હતા. તેમનું કથન હતું કે ગુજરાતી આવી હિન્દી બોલી જ ન શકે. મોડી રાત સુધી અમારો સત્સંગ ચાલતો રહ્યો. તેમનાં પત્ની તથા પુત્રી વગેરે પણ સત્સંગમાં ભળ્યાં. સૌની મારા ઉપર લાગણી થઈ. પંડિતજી વિદ્વાન હતા, મારા પ્રત્યે તેમનો ખૂબ ભાવ વધી ગયો. થોડા દિવસ રોકાઈ જવા તેમણે ભાવથી કહ્યું. પણ મારે તો ગુરુજીની શોધ માટે કુંભમેળામાં પહોંચતું હતું.



બીજા દિવસે ભાવભર્યું મહારાષ્ટ્રી ભોજન જમીને મેં વિદાય લીધી. એ પછી હું મહારાષ્ટ્રમાં ફર્યો ત્યાં સુધી ફરી આવું ભોજન ન મળ્યું. એમ કહુ  કે ભોજનની બાબતમાં તકલીફ જ પડી, તો વધુ ઠીક ગણાશે. મહારાષ્ટ્રમાં વસતા તમાકુના ગુજરાતી વેપારીઓ ભોજનની બાબતમાં બહુ સરળતા તથા સહજતાથી અનુકૂળતા કરી આપતા.



આભાર.

સ્નેહલ જાની