ધારાવાહિક:- મારા અનુભવો
ભાગ:- 8
શિર્ષક:- કાશી.
લેખક:- શ્રી સ્વામી સચ્ચિદાનંદ
રજૂ કરનાર:- શ્રીમતી સ્નેહલ રાજન જાની
મારા અનુભવો…
પ્રકરણઃ…8. "કાશી "
🙏 સ્વામી શ્રીસચ્ચિદાનંદજી.
આટલા દિવસના ભ્રમણ પછી ગુરુજીની બાબતમાં હું નિરાશ થવા લાગ્યો હતો. શ્રીરામકૃષ્ણ પરમહંસનું એક વાક્ય મારા કાળજામાં ચોંટી ગયું હતું “કાંચનકામિનીનો ત્યાગી હોય તે જ ગુરુ થઈ શકે." હું જ્યારે લોકોને મારી વાત કહેતો ત્યારે લોકો હસી પડતા. “અરે મહારાજ ! આ તો કળિયુગ છે. કળિયુગમાં તમે કહો છો તેવા માણસ દુર્લભ છે.' મને થતું કે હું ગુરુ વિનાનો રહી જઈશ. કોઈ મઠના મહંત ગુરુ થવા તૈયાર થઈ જતા, પણ મને મઠો વગેરે પ્રત્યે ભારે ચીડ હતી. રહી રહીને થતું, ત્યારે હવે શું કરવું ? એક ઇચ્છા એવી થતી કે ચાલો ત્યારે કાશી જઈને ભણીએ. મને સંસ્કૃત ભણવાનો ખૂબ જ ભાવ હતો. અમારા ગામમાં સંસ્કૃત પાઠશાળા હતી તેમાં થોડાક શ્લોકો હું શીખેલો, એટલે સંસ્કૃતના સંસ્કારો તો હતા જ. પણ હું એમ સમજતો કે હવે હું મોટો થઈ ગયો છું. અને ભણવાની ઉંમર વીતી ગઈ છે. (તે સમયે મને એકવીસમું વર્ષ ચાલી રહ્યું હતું.) એટલે થોડી નિરાશા આવી જતી. છતાં કંઈક ભણવાની તાલાવેલી ખરી.
રાતના બાર-એક વાગ્યે કાશીના રાજઘાટ સ્ટેશને હું ઊતર્યો. કોઈ જ ઓળખીતું ના હોવાથી તથા અત્યારે મોડી રાત થઈ ગઈ હોવાથી મેં રેલવેના બાંકડા ઉપર જ સૂઈ જવાનું ઉચિત માન્યું.
સવાર થયું અને રેલવેના મજૂરોએ મને કહ્યું કે ઇધર થોડે હી દૂર તુમ્હારા મંદિર હૈ.' મને કોઈની સાથે કરી દીધો. ‘ગુજરાતિયોં કા મંદિર' નામ સાંભળીને મને હરખ થયો. ગઈ કાલે મને બરાબર જમવાનું મળ્યું ન હતું, અને હવે ગુજરાતી મંદિરમાં જવાનું-ઊતરવાનું થશે. ગુજરાત શબ્દે જ આત્મીયતાનો ઊભરો આવી ગયો. મારા પગમાં ગતિ આવી. પેલા ભાઈએ દૂરથી ઊંચા શિખરવાળું મંદિર બતાવી વિદાય લીધી. હજી પણ પગ બરાબર થયા ન હતા, તોપણ ગુજરાતિયોં કા મંદિર” સાંભળીને ઉતાવળો-ઉતાવળો મંદિરમાં પ્રવિષ્ટ થયો. ઊંચી સીડીઓ ચડીને ભગવાનનાં દર્શન કર્યાં, પ્રદક્ષિણા કરી અને પછી મંદિરના ઓટલે બેઠો. મને એમ હતું કે હમણાં કોઈ ગુજરાતી આવશે, મને સમાચાર પૂછશે અને પછી ઉમળકાભેર ઉતારો આપશે. પણ ત્રણ કલાક એ ઓટલા ઉપર બેઠો છતાં કોઈએ કાંઈ જ પૂછ્યું નહિ. મારી આગળથી જ અનેક વાર સાધુઓ આવ-જા કરતા હતા. મેં એક-બે વાર ઊભા થઈને તેમને પ્રણામ કર્યા, પણ ધ્યાન આપ્યું, ના આપ્યું અને ચાલતા થયા.
મારો હરખ ઓગળી રહ્યો હતો. ‘ગુજરાતિયોં કા મંદિર’ અને એક ભૂલેલા - ભટકેલા ગુજરાતી છોકરાને “કોણ છો ?” “શું કામ છે ?” એટલુંય કોઈ પૂછનાર નહિ ! એટલામાં મંદિરની સીડી નીચેના નાના રૂમમાંથી એક શુક્લવસ્ત્રધારી પ્રૌઢ વ્યક્તિ નીકળી. લોકો તેમને બ્રહ્મચારીજી કહેતા હતા. મારી પાસે આવ્યા, અને હિન્દીમાં પ્રશ્નો પૂછ્યા. મારી જ્ઞાતિ, ગૌત્ર, વેદ, શાખા, પ્રવર વગેરે વગેરે.
હું ગુરુની શોધમાં નીકળ્યો છું અને મારે સંન્યસ્ત દીક્ષા લેવી છે તેવી વાત જાણીને તેમણે કહ્યું, દેખો ભૈયા, યહ તો સ્વામીનારાયણ કા મંદિર હૈ, તુમ બ્રાહ્મણ હો, તુમ્હેં દંડી સ્વામીઓં મેં દીક્ષા લેની ચાહિયે, યહાં તો શૂદ્ર ભી સાધુ હોતા હૈ " દંડી કોને કહેવાય એની મને ખબર ન હતી. પણ ત્રણ કલાકના ઉપેક્ષાભર્યા અનુભવ પછી મને થયું કે અહીં રહેવા જેવું નથી. બીજી કોઈ જગ્યા હોય તો સારું. પેલા બ્રહ્મચારીજી યુ.પી.ના બ્રાહ્મણ હતા અને આ ગુજરાતિયોં કા મંદિરમાં રહેતા હતા. એક દંડી સ્વામીએ તેમને ભલામણ કરેલી કે હું વૃદ્ધ થયો છું. અને કોઈ યોગ્ય-સુપાત્ર બ્રાહ્મણનો દીકરો મળે તો મારે મારા મઠનો ઉત્તરાધિકારી બનાવવો છે.
પેલા બ્રહ્મચારીજીને લાગ્યું કે આ છોકરાને ત્યાં ગોઠવી દેવો જોઈએ. મને કહે કે “દેખો, મૈં તુમ્હેં એક દંડી સ્વામી કે મઠ મેં લે ચલતા હૂં વહીં દીક્ષા લેના આખિરકાર તુમ બ્રાહ્મણ હો..મને લઈને તે ચાલ્યા. ગંગાના કિનારે કિનારે કેટલાય ઘાટો પાર કરીને એકદમ ગંગાકિનારે આવેલા ગૌમઠમાં અમે પહોંચ્યા. જીવનમાં પહેલી વાર મેં ગંગાજીનાં દર્શન કર્યાં. માઈલો સુધીના લાંબા ઘાટો અને વળાંકો લેતી ગંગાજી દૂર દૂર સુધી દેખાતી હતી.
ગૌમઠના અધ્યક્ષ એક ગુજરાતી સંન્યાસી હતા. પેલા બ્રહ્મચારીજીએ મારો પરિચય કરાવી દીક્ષા સંબંધી વાતો કરી. વૃદ્ધ સ્વામીજી પ્રસત્ર થયા. તેમના અતિ વૃદ્ઘ ગુરુ પણ પાસે જ હતા. દંડી સ્વામીએ મને ઘણા પ્રશ્નો પૂછ્યા, ઉત્તરોથી સંતોષ થયો હશે એવું મને લાગ્યું. બ્રહ્મચારીજી તો વિદાય થયા, અને અમે સૌ જમવા માટે એક સજ્જનને ત્યાં ગયા. જમાડનાર કોઈ શ્રીમાળી બ્રાહ્મણ હતા. વીસ-પચ્ચીસ દંડી સ્વામીઓ જમવા આવેલા. હું પણ સાથે જ હતો. પેલા સ્વામીજી મને કહે કે, 'તું મોટો ભાગ્યશાળી છે. અહીં કાશીમાં તો લુખ્ખા રોટલાય મળતા નથી અને તને તો પહેલા જ દિવસે લાડવા મળી રહ્યા છે.'
મિષ્ટાન્ન નહિ ખાવાનો મેં નિયમ રાખેલો પણ પગપાળાચાલવાના નિયમ પ્રમાણે તે પણ હવે છોડી દેવો પડશે તેવું લાગ્યું. હું આજે એમ કહી શકું કે ઘણા અને કઠોર નિયમોથી પોતે અને લોકો અગવડમાં મુકાતાં હોય છે. જીવનવિકાસ માટે અમુક નિયમો જરૂરી છે, પણ જડતાપૂર્વક વિવેકહીન નિયમોથી ત્યાગ-વૈરાગ્ય નહિ પણ અવરોધને જ પોષણ મળતું હોય છે. તેમાં પણ ખાસ કરીને ભ્રમણશીલ વ્યક્તિએ તો ખાવાપીવાની બાબતમાં કઠોર નિયમો ન રાખવા ઘટે.
મારા પતરાળામાં પણ લાડુ પીરસાયા. ઘણા દિવસે આજે મિષ્ટાન્ન જમવું પડશે. જમાડનાર સજ્જન સૌને ચાર ચાર આના આપતા આપતા અમારા સુધી આવ્યા. મેં સ્વામીજીને કહ્યું કે હું લક્ષ્મીને અડતો નથી. એટલે મારે દક્ષિણા નથી જોઈતી.” સ્વામીજી કહે કે, “કાંઈ વાંધો નહિ, પતરાળા ઉપર દક્ષિણા મૂકે પછી હું ઉપાડી લઈશ. મારા ગુરુજી તમાકુ ખાય છે, તેમને તમાકુ લાવી આપીશ. તેમ જ થયું. પતરાળા ઉપર દક્ષિણા મૂકી અને જોડેના સ્વામીજીએ તે લઈને કપડાના છેડે ગાંઠે લગાવી દીધી. પેલા જમાડનાર શ્રીમાળી સજ્જનને હું પણ શ્રીમાળી બ્રાહ્મણ છું તેવું જાણતાં ખૂબ આનંદ થયો. સમાન જ્ઞાતિપણાનું આકર્ષણ અસમાન જ્ઞાતિઓ વચ્ચે ખૂબ વધી જતું હોય છે.
આભાર.
સ્નેહલ જાની