નાયિકાદેવી - ભાગ 29 Dhumketu દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

નાયિકાદેવી - ભાગ 29

૨૯

વિધિની રમત

ગંગ ડાભી અને સારંગદેવ સોઢાની ઓળખાણ સોમનાથની જાત્રા કરવા આવનારા તમામ રાજારજવાડામાં તાજી રહેતી. એમાં આજે તો બંને જણા પાટણથી સંદેશો લઈને આવ્યા છે એમ ડાભીએ કહેવરાવ્યું હતું. મહારાજ સોમેશ્વરને પોતાના નાનાની મહાન સિદ્ધરાજની એક અત્યંત મીઠી યાદ હજી પણ હ્રદયમાં બેઠી હતી: એમની આંગળીએ વળગીને એ પાટણની બજારમાં ફર્યો હતો. એટલે એને પાટણ પ્રત્યે માન હતું. અજયપાલ મહારાજે એને હરાવીને સોનાની મંડપિકા લીધી હતી. એ વાતને હજુ બહુ વખત થયો ન હતો. અજમેરમાં સૌને એ ઘા વસમો જણાયો હતો. પણ સોમેશ્વરે એ વાત વિસારી લઈને, પાટણ સાથે મિત્રાચારી જેવો સંબંધ રાખ્યો હતો. જોકે કોઈ પાટણને હંફાવવા તૈયાર થતું હોય તો એ તક પકડી લેવામાં એ પાછો પડે તેમ ન હતો. છતાં અત્યારે પાટણ-અજમેર, મિત્રાચારીના નહિ તો એકબીજાની વાત સાંભળવાના પંથે હતા, એટલે મહારાજ સોમેશ્વરે તરત ડાભીને અને સોઢાને બોલાવવા અધિકારી દરજ્જાના એક સરદારને જ મોકલ્યો હતો.

ડાભીને એ ગમ્યું, એને લાગ્યું કે મહારાજ સોમેશ્વરને વાળ્યા વાળી શકાય તેવું છે. પણ અજમેરમાં પાટણના વિરોધની ઘણી વાતો એણે સાંભળી હતી. વળી એનું આ સંદેશવાહકપણું તો સ્વૈચ્છિક હતું, એટલે એણે જોઇને પગલું ભરવાનો નિર્ણય કર્યો. એના સ્વભાવમાં જે ન હતું, મુત્સદીપણું, એ તો એ કાંઈ કરી શકવાનો ન હતો. પણ ભગવાન સોમનાથના દ્વારપાલ લેખે, આવી રહેલી તુરુષ્કસવારીની વાત કરવી, સૌને ચેતવવા, એ એનાથી થાય તેમ હતું. સૌ એમાં આંહીં ગૂંચવાઈ રહે તો પાટણવિરોધી બળને ઉત્તેજના પણ મળે. એને આટલું કરવાનું હતું. તે વિચાર કરતો મહારાજ સોમેશ્વરના સાંનિધ્યમાં ગયો.

એક વિશાળ ખંડમાં મહારાજ સોમેશ્વર બેઠા હતા. એના અકાળે વૃદ્ધ થયેલા ચહેરામાં થોડો થાક જણાતો હતો. એમણે ઘણા ભવ્ય દિવસો જોયેલા હોવા જોઈએ. એ એમની અનાખની મીઠાશમાંથી પ્રગટ થતું હતું. તો અનેક સંકટો વિના એ કોરા રહ્યા નથી, એ વાત પણ એમના ચહેરા ઉપરની અનેક રેખાઓમાં સ્પષ્ટપણે દેખાતી હતી. એના પાસે કર્પૂરદેવી બેઠી હતી. નાનકડી પ્રેમસરિતા જાણે સાગર પાસે આવી હોય એવી એ જણાતી હતી. રાજદંપતીનો જીવનરસ અખંડ અને અખૂટ હતો. એ એમના લાક્ષણિક, પ્રસન્ન વાતાવરણમાંથી હરકોઈને તાત્કાલિક નજરે પડે તેમ હતું. 

ડાભી અને સોઢો ત્યાં ઊભા રહ્યા. એમણે બંનેને બહુ જ પ્રેમથી નમન કર્યું.

મહારાજ બોલ્યા, ‘આંહીં પાસે આવો સોઢાજી! પાસે આવો! ક્યારે આવ્યા છો? ક્યાંથી સોમનાથથી આવો છો?’

‘ગઈ કાલે જ આવ્યા મહારાજ! સોમનાથ ભગવાન તમને સંભારે છે. ક્યારે આવવું છે, પ્રભુ!’

‘એક વખત આવવું તો છે. એ દેવધામ છે. પણ કેવળ સ્વર્ગના અધિકારી હોય એમને ભગવાન એ દેખાડે છે. ત્યાં ભગવાન ભાવબૃહસ્પતિનું મંદિર ચાલતું હતું, એ પૂરું થયું?’

‘હા પ્રભુ! એ તો પૂરું થઇ ગયું, ને અત્યારે તો એક મોટો નવો મંડપ બંધાય છે.’

‘એમ? કોણ બંધાવે છે?’

‘મહારાણીબાની આજ્ઞા છે. ભીમદેવ મહારાજના નામે તૈયાર થઇ રહ્યો છે. મેઘનાદ મંડપ. પણ ત્યાં ચારે તરફથી ઊડતી વાતો કાને પડી અને મનને ધરપત ન રહી. થયું કે હાલ જીવ! ખબર કાઢી આવું. અત્યારે તો સંધના રણમાંથી આવું છું, પ્રભુ!’

‘સંધના રણમાંથી? ત્યાં ગયા હતા?’ કર્પૂરદેવીએ પૂછ્યું.

‘હા મા!’ ડાભી હાથ જોડીને બોલ્યો, ‘ભગવાનનું રખોપું માથે લીધું છે ને! એક વખત ઘા મારી ગયો’તો એમ વળી કોક ધોડતો ઘા મારી જાય, તો અમારી એકોતેર પેઢી સુધી કહેણીરહેણી રહી જાય! કે’શે મોટે ઉપાડે રખોપું લેવા ગયા’તા, એટલે હું ને સોઢોજી બેય જઈ આવ્યા!’

‘ક્યાં સુધી ગ્યા’તા?’

‘એમ સમજોને પ્રભુ! છેક તુરુકના તંબુને અડીને આવ્યા!’

‘હા! ક્યાં પડ્યો છે તુરુક?’

‘તુરુક પડ્યો છે મુલતાન પાસે. એની પાસે લાવલશ્કરનો કોઈ પાર નથી. નવી-નવી તરકીબો પણ ગોઠવી રહ્યો છે. એને આડું રણ નડે છે. એટલે એ રણને પડતું મૂકશે. કાં તો આ બાજુથી નીકળશે પ્રભુ! એ સોમનાથ આવે ને આપણે ઊભા જોયા કરીએ, તે દી પછી ભારતખંડની રજપૂતીને ફટ કે’વાની રહી. મારે માથે સામૈયાનું રખોપું છે, એટલે આંહીં આવ્યો છું મહારાજ!’

‘કેમ આંહીં?’

‘આ બાજુથી નીકળે તો આંહીંથી એને ચસકવા ન દેતા, એટલું કહેવા આવ્યો છું. પછી એ સોમનાથ ક્યાંથી જવાનો હતો? એ રેતરણને ઓળંગવાની હિંમત હવે કોઈની હાલે તેમ નથી! હજારો ઊંટનો ઘાણ કાઢ્યા વિના એ બનવાનું નથી. પણ મનમાં કીધું મહારાજને મળતો જાઉં!’

‘પણ ગંગ ડાભી! આ ગઢને કોઈ નહિ સતાવે! એ તો અમને એક તરફ રાખીને ચાલ્યા જાશે.’

‘મહારાજ! આનો ભરોસો કરવા જેવો નથી. એ તો રસ્તામાં મળે તે, એવી વાતમાં માનનારો છે. એટલે ભરોસે રહેવા જેવું નથી. તૈયાર રહીને એની આંહીં વાટ જોવી પડે. આંહીંથી આઘાપાછા થાઓ, તોય મારી દીએ. તૈયાર ન હો તોય મારી દીએ. પણ જો આવે તો તેને ખસવા ન દેવો. મહારાજ, એટલું વેણ આપો.’

‘અમારા ઉપર આવશે તો-તો અમારે અમારું સંભાળવાનું જ છે. એમાં તમારે કહેવાનું શું હોય?’

‘એવું છે પ્રભુ! હું એની કૈંક રમત જોઇને આવ્યો છું. પૂછો આ સોઢાજી રહ્યા. કાં સોઢાજી! પેલી ઘોડાવાળી વાત!’

‘શું છે ઘોડાવાળી વાત?’ સોમેશ્વરે કહ્યું.

‘એવું છે મહારાજ! કે આ ગર્જનકના સોદાગરો ઠેકાણે-ઠેકાણે ફરે છે. એવા એકનો અમને ત્યાં રેતમાં ભેટો થઇ ગયો. એની પાસે એક ઘોડો હતો. પણ શું કહું મહારાજ! જાણે...’

ગંગ ડાભી બોલતો અટકી ગયો. સામેથી રાજકુમાર આવી રહ્યો હતો. જે રૂપ એણે જોયું હતું તે ફરીથી આંહીં પ્રગટતું દીઠું. તેર-ચૌદ વરસનો અત્યંત તેજસ્વી અને રૂપમધુરો કિશોર સામેથી આવી રહેલો જણાયો. એની વાણી ઘડીભર થંભી ગઈ.

‘અરે મા! મા!’ રાજકુમાર બોલતો-બોલતો કર્પૂરદેવી પાસે આવી રહ્યો હતો. ગંગ ડાભી તો એને જોઈ જ રહ્યો. ભગવાને એ દેહ ઉપર શું રૂપ મૂકી દીધું હતું! એક-એક અંગ જુએ ને માણસ છક્ક થઇ જાય. આંખ, નાસિકા, નેણ, મોં રેખા, હાથ, પગ અંગેઅંગમાં જાણે સૌંદર્યનું એક કાવ્ય પ્રગટતું હતું!

‘મા! આપણે ત્યાં એક ઘોડાનો સોદાગર આવ્યો છે. શું એની પાસે ઘોડા છે મા! એક જુઓ ને બીજો ભૂલો! પણ એક ઘોડો છે મા!... આ હા હા! શું એનું...’ રાજકુમારની દ્રષ્ટિ ગંગ ડાભી ઉપર ને સોઢા ઉપર પડી. તે બોલતો અટકી ગયો. ‘આ કોણ છે?’

કર્પૂરદેવીએ તેને અત્યંત પ્રેમથી બોલાવ્યો: ‘આંહીં આવ, પૃથ્વીરાજ! હું તને કહું છું. એ પાટણના છે!’

‘પાટણ? જૈન જાતિડાઓનું પાટણ? કે સોમનાથ...’

‘શું પ્રથિમ! બેટા! તું પણ પાટણનું નામ આવતાં ખારો ઘુઘવાટ થઇ જાય છે! પાટણ તો તારી મોટી માનું પિયર, બેટા! તું જાણે છે, તું મહારાજ સિદ્ધરાજના દોહિત્રનો પુત્ર છે. દોહિત્ર આ બેઠા, જો તારા પિતા!’

‘પણ આ કોણ છે? કેમ આવ્યા છે? શું છે એમને?’

‘મહારાજ! અમે ભગવાન સોમનાથના દ્વારપાલ છીએ.’ ગંગ ડાભી પૃથ્વીરાજને નમીને બોલ્યો, ‘મહારાજ પાસે એક યાચના કરવા આવ્યા છીએ!’

પૃથ્વીરાજ તેની સામે જોઈ રહ્યો. ડાભી હવે આશ્ચર્યમાં ડૂબી ગયો. પૃથ્વીરાજે એની સામે જોયું. ત્યારે ડાભીને લાગ્યું કે વાતાવરણમાં એક હજાર શમશેરની વીજળી જાણે ચમકી રહી છે. અત્યાર સુધી એ રાજકુમારની સુંદરતા જોઈ રહ્યો હતો. હવે એને લાગ્યું કે આ સુંદરતા આકાશ ફાડીને જતી વીજળી જેવી છે!

‘શાની યાચના કરવી છે?’ પૃથ્વીરાજે પૂછ્યું.

‘મહારાજ! ગર્જનક આવવાનો ભો વરતાય છે. અમે છેક એના મુકામ સુધી તપાસ કરી આવ્યા. એ તૈયારી કરી રહ્યો છે. એટલે એ આ રસ્તે નીકળે...’

‘એ આ રસ્તે નીકળે?’ પૃથ્વીરાજે આશ્ચર્ય પામતો હોય તેમ કહ્યું: ‘અરે! નીકળ્યા! નીકળ્યા! આંહીં તો એના લાવલશ્કરની લો પડી જાય. આંહીં અજમેરને પાદરથી એનું જીવતું માણસ ન જાય. કેવળ મડદાં જ જાય! આંહીંથી એ નીકળી રહ્યો.’

પૃથ્વીરાજની વાણીના વજ્જરને મનમાં ને મનમાં ગંગ ડાભી પ્રશંસી રહ્યો. પણ એને લાગ્યું કે આ ઊંધો થાય તો પાટણને રોળ્યા વિના ન રહે. તેને હાથ જોડીને ફરીને કહ્યું. 

‘મહારાજ! અમે એ જ કહેવા આવ્યા છીએ. એક વખત તુરુક, ભગવાન સોમનાથને રોળી ગયો છે. હવે જો બીજી વખ એ રોળી જાશે, તો પછી ભારતભરની રજપૂતીએ ચૂડલા પહેરવા બાકી રહેશે!’

‘ભગવાન સોમૈયો બધાનો છે.’

‘આંહીં કોઈ નીકળવાનું નથી. નીકળે તો ચસકવાનું નથી. ચસકે તો જીવવાનું નથી. અમે ગર્જનકથી ડરતા નથી, કોઈને અમે રસ્તો આપતા નથી, કોઈ અમારી પાસે રસ્તો માગી શકતું નથી. તમારી રંડવાળ રાણીને કહો, એનું એ સંભાળે!’

‘અરે! પણ પ્રથમિરાજ! પ્રથમિરાજ!’ કર્પૂરદેવીએ એના માથા ઉપર હાથ મૂક્યો, ‘બેટા! આપણે ને પાટણ અત્યારે તો એક છીએ, દીકરા!’

‘પૃથ્વીરાજ! તું ભૂલી જાય છે બેટા! મહારાણી નાયિકાદેવીના સંદેશવાહક છે!’ સોમેશ્વરે ધીમેથી કહ્યું.

‘જુઓ બાપુજી! એમનો સંદેશો આપણા આંખ-માથા ઉપર. પણ આપણે ક્યાં કોઈને રસ્તો આપવાના છીએ? એ ખાતે એ નિરાંત રાખે, બાકી આપણું પંડ રેઢું મૂકીને ક્યાંય જવા નવરા નથી, કાં મા?’

કર્પૂરદેવી હસી પડી: ‘હવે તું જાણે દીકરા! મને કાંઈ આમાં થોડી સમજણ પડે છે? ત્યાં નાયિકાદેવી મહારાણીબાએ ભીમદેવ મહારાજને સેન સોંપ્યું છે. આંહીં અમે તને સોંપી દઈએ છીએ. તમે બેય પાટણના મહારાજ સિદ્ધરાજના અંગ છો એ ભૂલતા નહિ. એ સિદ્ધરાજ મહારાજના ભત્રીજાનો પૌત્ર, તું દીકરાનો પૌત્ર, બેય જણા એક લોહીના છો. રાજ કરો, આનંદ કરો, ને નામના કરો!’

‘જુદ્ધ વિના ક્યાંય નામના થઇ સાંભળી છે, મા? પણ હું તમને શું કહેતો?’

‘પેલી ઘોડાની વાત!’

‘હા, મા! એ ઘોડો અદ્ભુત છે. આપણે એ લેવો છે.’

‘મહારાજ!’ ગંગ ડાભીએ હવે હાથ જોડ્યા, ‘તમારા આવ્યા પહેલાં જ એ વાત થઇ રહી હતી, પ્રભુ! ઘોડો, ઘોડો નથી!’

‘ત્યારે શું છે?’ પૃથ્વીરાજને એની આડખીલી ગમી નહીં.

‘એ રાજ ડૂબાડનારો ગધેડો છે, એ ઘોડો જ નથી!’

‘તમારા કહેવાથી? તમે ઘોડો જોયો છે?’

‘મહારાજ! હું સંધના રણમાંથી સુરત્રાણની ભાળ મેળવતો આંહીં સૌને ચેતવવા આવ્યો છું. સુરત્રાણ ઘા મારી જાવાનો છે. પણ એની ઘા મારવાની અનેક રીત છે. આ ઘોડો એવી રીતનો છે...’

એટલામાં પેલો ઘોડાનો સોદાગર ને પાછળ એક પ્રતિહાર દેખાયા. પૃથ્વીરાજે એને રાજમહાલયમાં આવી જવાનું કહેલું હોવું જોઈએ. ગંગ ડાભી એમને આવતા જોઇને શાંત થઇ ગયો.

ગંગ ડાભીની હાજરી હવે વધારાની હતી. પૃથ્વીરાજે કર્પૂરદેવીના કાનમાં ધીમેથી કહ્યું, ‘મા! આ સોમનાથના દ્વારપાલોને હવે વિદાય આપો. આપણે આ ઘોડો લેવો છે. એવી જાતનો છે કે એવી જાત આપણે ત્યાં છે તેની લેશ પણ ગંધ કોઈને મળવી ન જોઈએ, આ પાટણવાળાને તો નહિ જ. કદાચ એ એટલા માટે જ શંકા ઊભી કરતો લાગે છે. આપણે ઘોડો ન લઈએ તો એ લઇ લીએ?’

‘એમ કેમ?’

‘એ તો મા! દેવપંખાળી જાત છે, આવે એક-બે ઘોડા જ રહ્યા છે!’

‘કોણ કહેતું હતું?’

‘આપણે ત્યાં ઘોડાના વર્ણન ચંદબારોટ આપે છે. એમાં દેવપંખાળી જાતની વાત આવે છે. આવો ઘોડો હિંદભરમાં ક્યાંય નથી. આપણે આને ઉપાડી લઈએ મા! નહિતર સોદાગર પાટણ જવાનો!’

‘ગંગ ડાભી! ત્યારે તમે પછી મળવાનું રાખો.’ રાણી બોલી. ‘અને તમારા ઉતારાપાણીની વ્યવસ્થા કરવાનું કહેવરાવી દીધું છે. તમે ત્યાં રહેવાનું રાખજો ને સાંજે મહારાજને મળો, કાં મહારાજ?’

‘અમારે તો મહારાણીબા! આ નાનકડા મહારાજનું એક-એક વેણ સાંભળવું છે. ને આ વાત અત્યારે હું કરી રહ્યો હતો, એ પ્રત્યે તેમનું ધ્યાન ખેંચવાનું છે. અમે પછી મળીશું.’

ગંગ ડાભીના વાક્યે સોદાગર ચમકી ગયેલો જણાયો. પણ તરત જ પાછો સ્વસ્થ થઇ ગયો.

ગંગ ડાભી ગયો ને પૃથ્વીરાજે સોદાગરને પાસે આવવાની નિશાની કરી.

ગંગ ડાભીના વાક્યને મહારાણીએ કે પૃથ્વીરાજે ઉત્તેજન આપ્યું ન હતું એટલે ગંગ ડાભી જરા ખાસિયાણો પડી ગયો હતો. એને થયું કે એના બોલ પ્રત્યે અવિશ્વાસથી જોવાય છે. તે મૂંગો થઇ ગયો. થોડી વાર પછી એ નમીને ચાલતો થયો.

‘સોદાગરજી! માને વાત કરો!’

સોદાગર હોશિયાર હતો. ગંગ ડાભીએ કાંઈક વાત ખાલી હોવી જોઈએ, એ અનુમાન કરીને જ એ બોલ્યો:

‘હું વાત તો કરીશ પૃથ્વીનાથ! પણ હવે દૂધમાં ઝેર ભળી ગયું છે.

‘એમ કેમ બોલ્યા?’

‘પૃથ્વીનાથ! આ ગયા એ પાટણના છે. એમને એમના રાજા માટે આ દેવપંખાળો જોઈએ છે એટલે.’

‘એમણે એ જોયો છે?’

‘જોયો છે? અરે! એ તો એ લેવા માટે આવ્યા હતા. મેં ના પાડી. એમનો વિચાર મને પાટણમાં લઇ જવાનો છે. મારે દખ્ખણમાં જવું છે. આંહીંનું તો એ ઢોળી ગયા લાગે છે.’

‘એમ કેમ બોલ્યા?’

‘મહારાજ, જેને ત્યાં આ પાંખાળો હોય, અને ત્યાં નરભે વરતે. એના પારખા કોક સંકટ સમે થાય. ભલેને પાછળ દસ હજારની વહાર ચડી હોય. પંખાળાને કોઈ પહોંચે. આ વાતમાં માલ શું છે? એમને આ પંખાળો જોઈએ છે. મહારાજ આવ્યા પહેલાં એ જોઈ રહ્યા હતા. એટલે એમણે આંહીં વાતમાં શંકા નાખી દીધી હોત તો થઇ રહ્યું! મારું બોલવું ફોક જાય! એ રાજના માણસ છે. એટલે વાત તો સમજે નાં? એટલે મહારાજ! હવે મારી વાત રાજમાતાને ઠીક નહિ લાગે. રજા આપો તો હું દખ્ખણને પંથે પડું. મને બીક લાગે છે કે આમાં ક્યાંક હું લૂંટાઈ જઈશ!’

‘આવ્યા હતા તમારે ત્યાં?’

‘પૃથ્વીનાથ! એમને પૂછીને ખાતરી કરી શકાય છે. મારું કહેવું નકામું છે! એમને તો આ ઘોડો પોતાને ન મળે તો બીજાને પણ ન મળે, એટલે બસ!’

ગંગ ડાભી ઘોડા વિશે બોલી ગયો હતો. એટલે વાત એવી બંધબેસતી આવી જતી હતી કે કર્પૂરદેવીને પણ લાગ્યું કે આવા ઉત્તમોત્તમ ઘોડાની વાત હોય, તો કોઈ પોતાને ત્યાંથી જવા દેવા જ ન ઈચ્છે એ સ્વાભાવિક હતું અને એમાં ભોળિયો ભીમદેવ તો રણરસિયો ગણાતો હતો!

‘પણ પ્રથમિરાજ! ગંગ ડાભીને પૂછીએ તો ખરા!’ કર્પૂરદેવીએ ધીમેથી કહ્યું.

‘મા! આપણે ત્યાં શું ઘોડાના જાણકાર નથી પડ્યા કે એને પૂછીએ? ખાતરી કરવી હશે તો આપણે જાણકારને પૂછીશું. બાકી હું તો કહું છું, પાટણમાં પત્તો પણ લાગવા ન દેવો કે આવો ઘોડો આપણે ત્યાં છે! એટલે વાત તદ્દન ગુપ્ત રાખવી જોઈએ. ચંદબારોટ દાદાજીની વાત કરે છે, ત્યારે પેલા સિંહનાદ ત્યાગ ભટ્ટની વાત નથી કહેતા? સિંહનાદે કેટલી વખત ગજસેનાને પછી હઠાવી દીધી હતી? એટલે આપણી વાત આપણે ત્યાં ભંડારાઈ જાય, તો જ એ કામની. હું તો કહું છું, સોદાગરને પણ રાતોરાત ઊપડી જવાનું કહેવું. એટલે કોઈને ખબર જ ન પડે કે, ઘોડો આંહીં રહ્યો છે કે દખ્ખણમાં ગયો છે!’ પૃથ્વીરાજ ઘણા ધીમે અવાજે રાજમાતાને વાત કહી રહ્યો હતો. 

સોદાગર એ બધો વખત શાંત ઊભો રહ્યો હતો. તેને લાગ્યું કે એણે જે વાત અનુમાને કરી હતી તે સાચી લાગે છે. પેલાં બે જણા ઘોડાનો ભેદ પામી ગયેલા હોવા જ ઓએ. પણ એ પાટણના છે એટલું સારું છે. એટલે એમની વાતને રોળી-ટોળી નખાશે. તે મહારાણીબાના પ્રત્યુત્તરની રાહ જોતો ઊભો રહ્યો.

કર્પૂરદેવી મહારાજ સોમેશ્વર તરફ જોતી રહી: ‘મહારાજ! શું કરવું છે?’

‘લઇ તો લ્યો બીજા લઇ જાય એ રસ્તો બંધ કરી દેવો, પછી જોઈ લેવાશે?’

સોદાગર પાછળથી પણ વાતનો ભેદ ફૂટી ન જાય, એનો બંદોબસ્ત કરવાની વિચારણા કરી રહેલો લાગ્યો. તે બે હાથ જોડીને બોલ્યો: ‘મહારાજ! તમારે ત્યાં કોઈ અમૂલખ ચીજ હોય, ને એ જો તમે પ્રગટ કરો. તો એનું મૂલ્ય બે કોડીનું થઇ જાય. ખટસવાદીયા એની ધૂળ કાઢવામાં આનંદ માને. આ વાત પણ એવી છે. પૃથ્વીનાથ જો મને જવાની રજા આપો તો હું દખ્ખણના પંથે ચડી જાઉં!’

કર્પૂરદેવીએ કહ્યું: ‘સોદાગરજી! સંધ્યા ટાણે ઘોડો આંહીં લાવીને રાખી દેવાનો છે. તમારું મૂલ્ય લઇ જવાનું છે, પણ એક શરત છે!’

‘શી?’

‘તમારે રાતોરાત આહીંથી નીકળી જવું જોઈએ!’ સોદાગર સમજી ગયો. ઘોડો ક્યાં ગયો એની ખબર કોઈન ને ન પડે એ માટે આ જુક્તિ હતી.

‘મહારાજ! જવાની ના નથી, પણ રાતે હું જોખમ ખેડું ને બધું ખોઈ બેસું તો?’

‘સોદાગરજી!’ પૃથ્વીરાજ બોલ્યો, ‘તમે આંહીં અજમેરમાં છો હો! એની હદ પૂરી થાય ત્યાં સુધી ઉઘાડાં સોનાં લઇ જાઓ, ને કોઈ નજર પણ કરે તો આ હાથ મારે છેદી નાખવો!’ પૃથ્વીરાજે પોતાનો જમણો હાથ બતાવ્યો. 

સોદાગર પણ આ વીરશ્રદ્ધાને સાંભળતાં ડોલી ગયો લાગ્યો.

પણ એને તો પોતાનું કામ જડબેસલાખ કરવું હતું. ‘જેવી મહારાજની ઈચ્છા!’ તેણે બે હાથ જોડ્યા. ‘પણ જ્યારે આવી દેવભૂમિની જાત મહારાજ મારી પાસેથી લે છે, ને મને મોં માંગ્યા દામ આપે છે, ત્યારે એ જાતને સંભાળવાની એક-બે વાત, મહારાજની ઈચ્છા હોય તો હું કહેતો જાઉં.’

‘શું છે બોલો ને?’

‘મહારાજ! આ દેવપંખાળી જાતને બહુ દેખાડવાની ન હોય. એ તો એનું પારખું ખરે ટાણે કરવાનું હોય. તે દી એની કિંમત. બાકી તો મહારાજ! જેમ ઓછા માણસની નજરે પડે તેમ સારું. કોઈકની કરડી નજરનો મફતનો ભોગ થઇ પડે. રાજવંશી ચીજ છે. રાજવંશી રીતે એની સાચવણ હોય. એની ખાતર-બરદાસમાં જરાક પણ ખામી હશે તો મહારાજ! આ તો દેવનગરીની ઔલાદ છે. પોતાનું પાણી ખોઈ બેસે, બસ, હવે હું રજા લઉં, મહારાજ ખાતરી આપે છે એટલે... બાકી તો હું જોખમ ન ખેડું.’

સોદાગરને તરત, રાતોરાત, વગર રોકટોક જવા દેવાનો મુદ્રાપત્ર હાથોહાથ આપવામાં આવ્યો ને એણે નમીને રજા લીધી.