નાયિકાદેવી - ભાગ 10 Dhumketu દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

નાયિકાદેવી - ભાગ 10

૧૦

રાજકુમાર ભીમદેવ

કવિતા-કલાની સહચરી કલ્પના કેટલાકને ઉન્માદી તરંગો આપે છે, કેટલાકને ગાંડી ઘેલછા દે છે: ભગવાન શંકરને પ્રિય એવી વિજયાનું પાન કર્યાના દિવાસ્વપ્ન કોઈકને આપે છે. પણ હજાર ને લાખમાંથી કોઈક વિરલાને જ, એ સ્વપ્નસિદ્ધિનું મનોરથ સુવર્ણપાત્ર છલોછલ ભરી દે છે – જેમાં કાંઈ નાખવાનું ન રહે, કાંઈ લેવાનું ન રહે. ભારતવર્ષમાં એક વિક્રમને એ મળ્યું હતું, બીજો વિક્રમ ભારતવર્ષમાં આવ્યો નહિ અને બીજું સ્વપ્નસાફલ્ય પણ આવ્યું નહિ. વિક્રમના સ્વપ્નાં હજારોને આવ્યાં હતાં પણ ફળ્યાં કોઈને નહિ. ચૌલુક્ય વંશમાં મહારાજ સિદ્ધરાજને આ સ્વપ્ન આવ્યું હતું. ત્યારે નાનકડા કુમાર ભીમદેવને મળ્યું હતું. એને ‘અભિનવ સિદ્ધરાજ’ થવાના કોડ હતા. એને પોતાનું અપ્રતિમ શૌર્ય પ્રગટ કરવું હતું. એને રણહાકની ઘેલછા હતી. એને ભારતભરમાં નામના મેળવવી હતી. એના પ્રમાણમાં  યુવરાજ મૂલરાજ તો શાંત, વિનમ્ર હતો. કાંઈક નાજુક તબિયતનો એ કુમાર રાજજોગીસમો હતો. ભીમદેવ પ્રચંડ હતો. શરીરે પણ પ્રચંડ હતો. કિશોરવયે પણ એનું શરીર મોટાં અડીખમ જોદ્ધાને શરમાવે તેવું હતું. 

મહારાજ અજયપાલના ઘાતના સમાચાર રાજભવનમાં આવ્યા કે તરત એ ત્યાં દોડી ગયો હતો. ભૂમિ ઉપર મહારાજનો મૃતદેહ એણે જોયો. એની પાસે ઘીનો દીવો બળતો હતો. સર્વદેવ પંડિત શોકઘેરા અવાજે ત્યાં ગીતા વાંચી રહ્યા હતા. 

ભીમદેવ શોકપૂર્ણ આંખે કેટલાય સમય સુધી મહારાજ તરફ જોઈ રહ્યો. એટલામાં નાયિકાદેવી આવ્યા, ને એ એમની પાસે રડી પડ્યો. પણ પછી એના અંગેઅંગમાં તીવ્ર કોપ પ્રગટ્યો. એણે પોતાની શમશેર લીધી. અર્ણોરાજની તપાસ કરી. હજી એ વ્યાઘ્રપલ્લીથી આવ્યો ન હતો. તે ઉઘાડી શમશેરે બહાર દોડી ગયો. નાયિકાદેવી અશ્રુભીની આંખે એને જોઈ રહી. ત્યાર પછી તો ઠેર-ઠેર માણસો ઉભરાયાં. હત્યારાની તપાસની વાતો ચાલી. પક્ષો પડ્યા. ઉગ્ર ઘોષ ઊપડ્યા. નગર હાલકડોલક થઇ ગયું. રાજભવન પણ ઘેરાઈ ગયું. એકબીજા ઉપર વાણીપ્રહાર શરુ થયો. એ બધો વખત ભીમદેવ ત્યાં જ હતો. મહારાજ કુમાર ભીમદેવને જોતાં રાજસૈનિકોએ એને ઉમળકાભેર વધાવી લીધો હતો. ‘જૈનોનાં કામ છે, એમની હવેલીઓ લૂંટો.’ એવી વાત વહેતી થઇ ગઈ. પણ તત્કાલ મહારાણીબાએ, શોકને સમાવીને એકદમ જ કુમારદેવને બોલાવી સૈનિકોનો એક ગઢ રચાવી દીધો. એટલે વાત વધતી અટકી ગઈ. પણ હવામાં બધે લડાઈ જ લડાઈ હતી. 

આ બધી વાત થોડા વખત પહેલાં જ થઇ ગઈ. ભીમદેવ હજી ત્યાં નાગરિકો ને સૈનિકોમાં ઘૂમી રહ્યો હતો. રાજહત્યારો ક્યાં સંતાયો હશે એની જુદી-જુદી વાતો હજી પણ વહેતી હતી. એમાં ખાનગી દ્વેષ પણ કામ કરી રહ્યો હતો. પણ કુમારદેવનો બંદોબસ્ત ભારે હતો. એક ચકલું પણ હજી એણે ફરકવા દીધું ન હતું. નાયિકાદેવીને એનો પણ વિશ્વાસ હતો. લોકને શાંત પાડી પક્ષ ટાળવાનાં પગલાં એ વિચારી રહી હતી.

મહારાણીબાનો મોકલ્યો વિશ્વંભર, કુમાર ભીમદેવને ખોળતો રાજપૂતી ટોળામાં આવ્યો. ત્યાં સેંકડોની સંખ્યામાં રજપૂતો ભેગા થયા હતા. ‘આમ્રભટ્ટની હાથોહાથની લડાઈનું આ વેર લીધું છે, તો આપણે પણ વેર લ્યો!’ એવી ભયંકર વાત ચાલતી હતી.

વિશ્વંભર આવ્યો. રાજકુમાર ભીમદેવને વીંટળાઈને સેંકડો સૈનિકોને ઊભેલા ત્યાં તેણે જોયા.

‘પ્રભુ! મહારાણીબા યાદ કરે છે.’ વિશ્વંભરે સંદેશો આપ્યો.

‘મા ને કહી દે વિશ્વંભર! હત્યારો હાથ નહિ આવે તો મારું મોં તમે ભાળી રહ્યાં!’ ભીમદેવે આકરો, ઉતાવળો, શોકભર્યો જવાબ આપ્યો, ‘મારે નામોશી વો’રીને જીવવું નથી!’

‘પણ મહારાણીબાએ મને મોકલ્યો છે પ્રભુ! ચંદ્રાવતીથી પરમારરાજ આવ્યા છે.’

‘જે આવ્યા હોય તે આંહીં આવે.’ ભીમદેવે એ જ વ્યગ્રતામાં કહ્યું, ‘પાતાળમાં સંતાયો હશે, ને ગમે તેવા ધનિક શ્રેષ્ઠીઓએ રક્ષણ આપ્યું હશે, પણ પહેલો હત્યારો મરશે. પછી મહારાજનો દેહ નીકળશે. વચનસિદ્ધિ નહિ થાય તો હું અહીં જીવતો બળી મરીશ. બાકી હત્યારાને દેશભરના જૈનો પણ ભેગા થઈને રક્ષણ નહિ આપી શકે. હત્યારો ત્યાં છે, મા પાસે? તો હું આવું. પરમારરાજને ખબર છે?’

અચાનક એક અવાજ આવ્યો, ‘હત્યારો મારી પાસે છે, મહારાજ! મને ખબર છે!...’

‘કોણ એ બોલ્યું, ભા? કોણ બોલ્યું? કોણ છે? આમ આવો તો. બાર ગામનો યાવ્ચ્ચંદ્ર કપાળ ગરાસ તમારો...’ ભીમદેવે ઉતાવળે કહ્યું ને તે ટોળામાં જોઈ રહ્યો. 

એટલામાં ટોળામાં પડી ગયેલી કેડીએ આવતો એક રજપૂત સવાર દ્રષ્ટિએ પડ્યો. સૌ એને કુતૂહલથી જોઈ રહ્યા. એની છટા અને વીરવેષ ગમે તેવી બહાદુરીને પણ ઝાંખી પાડી દે તેવાં હતાં. એના મોં ઉપર વીરશ્રીએ પોતે પોતાને હાથે જ જાણે રૂપનો સાગર રેલાવ્યો હતો. એની વિશાળ, તેજસ્વી લાલ ખૂણાની આંખમાં છેલ્લાં પાંચસો વર્ષોનો ભયંકર, એકલરંગી, નીડરતાની પરિસીમા સમો, રજપૂતી વરસો બેઠો હતો. ભીમદેવની પાસે એ આવ્યો. એને જોતાં જ ભીમદેવ બોલી ઉઠ્યો: ‘ઓહો! આ તો ભા! તમે છો? કેલ્હણભા! તમે ક્યાંથી? બાપુએ તો ગામતરું...’ ભીમદેવનો અવાજ શોકથી રૂંધાઇ ગયો. તે બોલી શક્યો નહિ.

કેલ્હણજી એની પાસે આવ્યો, બથ ભરીને એને પોતાની પાસે ખેંચ્યો: ‘ભીમદેવજી મહારાજ! એમ કાંઈ મોળા પડાશે, ભા? આખો દેશ તમારી ઉપર નજર માંડીને બેઠો છે, ચાલો ભા! ચાલો, ઈશ્વરની માયા અકળ છે. આપણે મહારાણીબા પાસે જઈએ. હત્યારો મારી પાસે જ છે ભા! એની હવે ફિકર કરતાં નહિ.’

‘કોણ છે એ? ક્યાંનો છે?’

‘એ બધુંય તમને કહું ભા! પણ પહેલાં આપણે ચાલો, મહારાણીબા પાસે ચાલો. મારે એમને મળવું છે!’

‘કોણ છે, અમને કહો, અમને કહેતા જાઓ. અમે એને પીંખી નાખીએ!’ રાજપૂતી ટોળામાંથી મોટો ઘોષ આવ્યો.

‘આંહીંનો છે કે ક્યાંનો છે?’

‘તમને જ કહેવાનું છે ભા! તમારો જ ખપ છે.’ કેલ્હણભાએ જવાબ આપ્યો.

વિશ્વંભર ઊંચોનીચો થઇ રહ્યો હતો. મહારાણીબાએ એને ત્વરા કરવાનું કહ્યું હતું.

‘અમે પાંચસો જણા ઊપડીએ, ભા! તમે દ્રશ્ય બતાવો.’

ટોળામાંથી અવાજ આવતા હતા: ‘હા, હા, કેલ્હણભા! પ્રભુ! થવા દ્યો. સાળાં વાણિયાં બહુ ફાટ્યાં છે. જરાક આંગળી ચીંધી દ્યો ને, પછી અમે છીએ ને અમારું કામ છે.’

વિશ્વંભર કેલ્હણજી પાસે આવ્યો. તેમણે એને ધીમેથી કહ્યું, ‘પ્રભુ! મહારાણીબાની આજ્ઞા વિના અત્યારે એક શબ્દ પણ કોઈ બોલી શકતું નથી હોં. તમે વાતને પહેલાં ત્યાં રજૂ કરો. પછી બોલવું ન  બોલવું, તમે જાણો.’

‘તમને પળ બે પળમાં વાત કહેવરાવી દઉં. હું પોતે કહેવા આવું છું. હજી તો હું મહારાણીબાને મળ્યો જ નથી. આ આવ્યો. ચાલો મહારાજ ચાલો...’ વાતને એકદમ પ્રગટ કરવામાં રહેલ જોખમ કેલ્હણને સમજાઈ ગયું. ભીમદેવ મહારાજ પાસે વાત કરતો-કરતો કેલ્હણ રાજભવન તરફ ચાલ્યો. તેણે વિજ્જલદેવનું નામ ભીમદેવને આપી પણ દીધું.

પણ ભીમદેવ એ સાંભળતાં જ ઉતાવળો થઇ ગયો. પોતાની સાંઢણીને મારી મૂકવા માટે એ તલપાપડ થઇ રહ્યો હતો. એને હત્યારાને આણવો હતો, સાંઢણીએ બાંધીને આંહીં આજર કરવો હતો. પાટણમાં પોતાના નામનો વીરડંકો વાગી જાય એ તો ઠીક, મહારાજના હત્યારાને જનોઈવઢ કાપી નાખવા એનો કોપ ઊછળી રહ્યો હતો.

તે દોડતો જ મહારાણીબા પાસે ગયો. એની લગોલગ કેલ્હણજી આવતો હતો.

‘મા! મા!’ ભીમદેવે પ્રવેશ કરતાં જ કહ્યું, ‘હું જાઉં છું. હત્યારો મળી ગયો છે!’

નાયિકાદેવીએ શાંતિથી તેની સામે જોયું, ‘ભીમ! દીકરા! જો તો, આ કોણ આવ્યું છે? પરમારરાજ છે. શું કહ્યું તેં? કોણ મળ્યો છે? હત્યારો? કોણ છે?’ એટલામાં કેલ્હણજીએ પ્રવેશ કર્યો.

‘આ આવ્યા કેલ્હણજી! એમને ખબર છે.’ ભીમે કહ્યું.

કેલ્હણજી બે હાથ જોડીને મહારાણીને નમ્યો. તેણે શોકઘેરા અવાજે કહ્યું, ‘બા, આ તો ભારે થઇ છે! મેં તો આંહીં આવીને જાણ્યું, ઘરના એ જ ઘા કર્યો છે. વિજ્જલદેવે ભારે કરી છે. હત્યારો એ જ છે બા! મહારાજ સાથે હું ઊપડું તમે આજ્ઞા કરો.’

પણ કેલ્હણજીની વાત સાંભળતાં જ રાણી ચમકી ગઈ. એણે વીજળિક નિશ્ચય કરી લીધો.

‘કયો વિજ્જલદેવ, કેલ્હણજી? કોની વાત છે? તમારી વાતમાં વાઘ-વરુ બે ભેગાં થઇ જતાં લાગે છે.’

‘વિજ્જલદેવને અમે ભાગતો જોયો છે, બા! એને એ રસ્તે નીકળવું અને અમારે એ રસ્તે આવવું. પરમારરાજ પણ જાણે છે.’ કેલ્હણજી બોલ્યા.

ધારાવર્ષદેવની સમક્ષ રાત્રિનો પ્રસંગ આવી ગયો. પણ હમણાં મહારાણીબાએ કહેલી વાત એને સાચવવાની હતી. નાયિકાદેવી વાતને રોળીટોળી નાખવા માંગતી હતી. એણે મહારાણીબા સામે જોયું. ત્યાં એ જ નિશ્ચય હતો.

ધારાવર્ષદેવે ડોકું ધુણાવ્યું, ‘કેલ્હણજી! રાત અંધારી હતી. આપણે નેળમાં હતા. વાઘને બદલે વરુ સમજાય તેવો કાળો પડછાયો હતો. આપણે જોયો... પણ કોને જોયો? કોણ હતો એ કોને ખબર?’ 

‘કેમ કોને ખબર ભા? આપણને બંનેને ખબર!’ કેલ્હણજીએ દ્રઢતાથી કહ્યું.

ધારાવર્ષ વિચાર કરી રહ્યો. કેલ્હણજીની વાત સાચી હતી અને મહારાણીબા એ જાણતાં ન હતાં એમ પણ ન હતું. પણ કેલ્હણજીની વાત પ્રગટ થાય તો આંતરવિગ્રહની જ્વાલા લાગી જાય. એણે કેલ્હણજીને સ્પષ્ટતાથી નકારવાના જ હતા અને છતાં ધ્યાન પણ રાખવાનું હતું! ભીમદેવ એની હઠે ચડી ન જાય. 

એને સાંભર્યું: ગમે તેમ પણ કેલ્હણજી વીર યોદ્ધો હતો. એ પાટણનો રાજભક્ત હતો. એના જ વડદાદાએ માલવ જુદ્ધમાં મહારાજ જયસિંહદેવ જેવાને હાથે ખડ્ગયુદ્ધનો મહામાનભર્યો સુવર્ણકળશ મેળવ્યો હતો. વજ્જરની ભીંત સમ બનીને, મેવાડના જુદ્ધમાં એણે જ અજયપાલ મહારાજનું રક્ષણ કર્યું હતું. ભીમદેવ મહારાજનો સંબંધ એની ભત્રીજી સાથે થવાની વાત ચાલતી હતી. તુરુક સામે એ અડગ કિલ્લા સમો ઊભો હતો. પોતે તુરુકની વાત આંહીં મહારાણીબાને કરવા માટે ખરી રીતે આવ્યો હતો. એટલે તો કેલ્હણજી સાથે વજ્રલેપ મૈત્રી કરી લેવાની જરૂર હતી. આંહીં અત્યારે આ પ્રસંગ ઊભો થયો હતો. તેની મૈત્રી આમ જ તૂટી પડે અથવા મહારાણીબાની અવગણના થાય. ધારાવર્ષદેવ રસ્તો શોધવા મથી રહ્યો.

સામે ભીંત ઉપર તેની દ્રષ્ટિ પડી. કેલ્હણજીના વડદાદા અને મહારાજ જયસિંહદેવ સુવર્ણ કળશ આપતાં હતા. એવું એક ભીંતચિત્ર ત્યાં દેખાતું હતું. ધારાવર્ષ એ તરફ જોઈ રહ્યો.

‘કેમ બોલ્યા નહિ ભા? કે પછી વિજ્જલનો તાપ લાગ્યો?’ કેલ્હણજી પાસે તો સાચી વાત હતી. 

‘કેલ્હણદેવજી! જેમ તમારે, તેમ અમારે, આધાર તો, આ રાજકુટુંબનો છે. પેલું ચિત્ર જુઓ. એ વાત કહી જાય છે. ત્યાં અશ્વરાજ મહારાજ ને મહારાજ સિદ્ધરાજદેવ ઊભા છે. પણ ભાઈ! આ વાત કાંઈ જેવીતેવી છે, કે આપણે અનુમાને જે જોયું, એની ફટ લઈને હા ભણી દઈએ? વિજ્જલ હતો કે ન હતો, એની રાતના અંધારામાં શી ખબર? ને હોય તોય શું?’

‘ઊભા રો, ધારાવર્ષદેવજી! તમારા બંનેની વાત સાચી છે.’ મહારાણીબએ તાત્કાલિક નિશ્ચય કરી લીધો. એ વાત સમજી ગઈ. કેલ્હણે જોયો તે વિજ્જલદેવ જ હોવો જોઈએ. પણ અત્યારે રાજહત્યારાની વાત ત્વરાથી આગળ મૂકી દેવાની જરૂર હતી. તેણે એક તાળી પડી. પાસેનું બારણું ઊઘડ્યું. શોભન દેખાયો.

‘કેલ્હણજી! આ પાટણ નગરીમાં હજી તો આવા વીર નર પાકે છે. જુઓ, આ તમારી સામે ઊભો. એ વિજ્જલનો ભાઈ છે!’

વિજ્જલનો ભાઈ? કેલ્હણજીને નવાઈ લાગી. ‘આ કયો વિજ્જલ?’

વિજ્જલ બે છે, એનો આ ગોટો થયો, કેલ્હણજી!’ રાણીએ કહ્યું. ‘એમાં અત્યારે એકને બદલે બીજો હોમાઈ જાય છે. વિજ્જલ ખરો, પણ કયો વિજ્જલ? આ ઊભો છે, તે વિજ્જલ મહાપ્રતિહારીનો ભાઈ છે. શોભન એનું નામ છે. એણે નજરોનજર વાત જોઈ છે. તેણે વિજ્જલને અને ધાંગાને બેયને જનોઈવઢ કાપી નાખ્યા છે. પોતાને સગે હાથે, એણે પોતાના સગા ભાઈને માર્યો છે! પછી બીકનો માર્યો ભાગી ગયો હતો. આભડ શ્રેષ્ઠીને ત્યાં ભરાયો હતો. મેં એને બોલાવરાવ્યો. બંનેને કેમ કાપી નાખ્યા, શું થયું હતું – એ વાત એને મોંએ જ તમે સાંભળો. શોભન! આગળ આવ. ભગવાનને માથે રાખીને વાત કરી નાખ. જો ઉતાવળ કરજે હોં! વખત નથી, ભીમદેવ! તું આની વાત સાંભળી લે દીકરા! પછી ઉતાવળો થાજે. રાજા-રાજા કોઈ થાશો મા. રાજાને આવી વાતમાં પણ ઉતાવળ ન હોય.’

ધારાવર્ષદેવ રાણીનું છેલ્લું વાક્ય સાંભળીને ચોંકી ગયો. રાણીના હૈયામાં શું થાતું હતું એ વેદના એમાં હતી. શોભન આગળ આવ્યો તે ઉતાવળે બોલવા માંડ્યો, ‘મેં રસ્તામાં જતા સાંભળ્યું કે એક પ્રતિહારે મહારાજનો રાતે ઘાત કરી નાખ્યો છે. એ મેં સાંભળ્યું ને હું પણ મારે ઘેરથી તલવાર લઈને દોડ્યો. કોણ જાણે કેમ, મને થયું કે મારો સગો ભાઈ પ્રતિહાર છે. અને આ કોણ એની આવી વાત કરે છે? આંહીં આવ્યો. એટલામાં બે જણા ભાગતા જ સામે મળ્યા. હું વાત સમજી ગયો. મેં આડુંઅવળું જોયા વિના, એમને પૂરા જ કરી નાખવાનો સંકલ્પ કરી લીધો. એ મારો ભાઈ હોય તો એ ભાઈ કેવો? રાજહત્યારો મારો ભાઈ? બને જ નહિ. એટલે મેં જઈને ભાગનારા ઉપર પાછળથી જ જનોઈવઢ ઘા કર્યો, કોણ છે એ જોયું જ નહિ. એનો સાથી મારા ઉપર ફર્યો. મેં એને ધક્કો માર્યો, એ બીજાના ઉપર જઈ પડ્યો કે તરત એને પૂરો કરી નાખ્યો. પછી એમની હાલત જોવા ચકમક પાડી. અરરર! મનમાં અરેરાટી થઇ ગઈ. મહારાજ અજયદેવ, નરસિંહોના નરસિંહ, મારા જેવા અનેકના અન્નદાતા, ગુજરાતની ભૂમિના રક્ષણહાર એ પણ બા! ત્યાં પડ્યા હતા! અરરર!’ શોભનનો સાદ રૂંધાઇ ગયો. થોડી વાર એ અટકી ગયો: ‘મને થયું, આ કામો મારા ભાઈએ કર્યો! અરરર! પછી ભાગનારા ત્યાં પડ્યા હતા. તેના એક ઉપર નજર ફેરવી. મારો સગો ભાઈ ત્યાં હતો, બીજો ધાંગો હતો. હું તો આભો જ થઇ ગયો. શું કરવું એ સુઝ્યું નહિ. પહેલો વિચાર ભાગવાનો આવ્યો અને ભાગ્યો... મારા કમનસીબ કે હું મહારાજને બચાવવા જરાક જ વહેલો...’ શોભને બે હાથે મોં ઢાંકી દીધું, તે આગળ બોલી શક્યો નહિ.

‘મહારાજ ત્યાં નીચે ભોંયરાખંડ પાસે ક્યાંથી? શા માટે ગયા હતા? આની કાંઈ ખબર? ને આ વિજ્જ્લ પ્રતિહાર તો બરાબર છે, પણ વિજ્જલદેવ પોતે ત્યારે શું આંહીં ન હતો?’

‘ભીમદેવ!’ નાયિકાદેવીએ અડગ દ્રઢતાથી કહ્યું, ‘મેં તને કહ્યું નહિ દીકરા! આપણે હજી મહારાજનો વિધિ કરવો છે. બીજી તપાસ પછી થાય. આપણે જાણવા જેવું જાણી લીધું. વિજ્જલ પ્રતિહાર હત્યારો બન્યો છે. એ વિજ્જલ પ્રતિહાર વિશેની શોભનની આ વાત છે. પાટણના મહારાજ પાસે એ રજૂ કરે છે. આ મહારાજ બેઠા.’ નાયિકાદેવીએ મૂલરાજ સામે દ્રષ્ટિ કરી. ‘હવે મહારાજ ન્યાય આપશે આપણે ચાલો. મોડું થાય છે.’

અને તે તરત ઉતાવળે ઊભી થઇ ગઈ. એની સાથે જ સૌ ઊભા થઇ ગયા. ‘ભીમદેવ! તું પણ ચાલ. મેરામણ સમાં લોકટોળાં ભેગાં થયાં છે. રાજહત્યારો હાથ લાગ્યો છે એ વાત પહેલી એમને કરવી પડશે. તે પછી સૌ પોતપોતાને કામે લાગશે. શોભન! રાજહત્યારાને પાટણ છોડે તેમ નથી. લોકો તને હત્યારાનો ભાઈ ગણીને પીંખી નાખશે. રાજની સેવા પણ તને બચાવી શકશે નહિ. પાટણનું સૌભાગ્ય જેણે છીનવી લીધું એ તારો ભાઈ કેવો? નગરી પહેલી કે ભાઈ પહેલો? તેં એને જનોઈવઢ કાપી નાખ્યો છે, ને રાજહત્યારાને હણી નાખ્યા છે – એ વાત તું તદ્દન સ્પષ્ટ રીતે કહી નાખજે. સમજ્યો તું? એ વાત તું બરાબર કરજે. સમજ્યો કે? નહિતર લોકો તને રાજહત્યારાનો ભાઈ ગણીને પીંખી નાખશે.’

ધારાવર્ષદેવ રાણીની અડગ ધીરજને મનમાં ને મનમાં પ્રણમી રહ્યો.

એટલામાં સેનાપતિ કુમારદેવ આવતો દેખાયો.