નાયિકાદેવી - ભાગ 28 Dhumketu દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભાગવત રહસ્ય - 149

    ભાગવત રહસ્ય-૧૪૯   કર્મની નિંદા ભાગવતમાં નથી. પણ સકામ કર્મની...

  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

શ્રેણી
શેયર કરો

નાયિકાદેવી - ભાગ 28

૨૮

અજમેરના પંથે

થોડી વાર પછી ગંગ ડાભીનો કાફલો ઊપડ્યો. ગંગ ડાભી વિદ્યાધરની વાત સાંભળીને આવાક જેવો થઇ ગયો હતો. સોઢાએ એ જોયું. એણે પૂછ્યું: ‘ગંગ ડાભી! શી વાત હતી? કેમ બોલતા નથી ભા?’

ડાભીએ નિશ્વાસ નાખતાં કહ્યું, ‘વાત તો સોઢાજી! આંખ ઉઘાડી નાખે એવી છે. આપણે સોરઠના ભોથાં રહ્યાં. પણ આંહીં તો જ્યાં નજર કરીએ ત્યાં બધે જ સળગ્યું છે! એને ત્યાં પણ ઘરકજિયા છે. અજમેરમાં છે. આપણે ત્યાં છે! ઘરકજિયામાં કેટલા દી ટકવાનાં?’

‘અરે ભૈ ડાભી! તમને વળી આ ડહાપણનું પડીકું ક્યાંથી વળગ્યું? આપણે આપણા પગ નીચેનું ઠારો ને! અજમેરવાળો આપણો સગો. એને ચેતવ્યો હોય તો એ એના કામમાં ગૂંથાઈ જાય, વિજ્જલ જેવો અદકપાંસળીનાને ઉશ્કેરે નહિ. લાટમાં નજર નાખે નહિ. આપણે એ વાત ઉપર મદાર બાંધો ને! ઝાઝી વાતનાં ગાડાં ભરાય! આપણે અજમેરવાળાને કહેવાનું કહી દઈએ. ને આબુ પંથકથી પાછા ફરી જઈએ. કાં તો કુમારદેવજી રસ્તામાં ભેગા થઇ જાય છે. બહુ વિચાર કરીએ તો ગંગ ડાભી! આપણા જેવાને મફતનો વિચારવાયુ થઇ જાય. આપણે આપણું કામ કરો ને! વચાર કરવાવાળા વચાર કરશે!’

ગંગ ડાભીને જરાક મનમાં નિરાશાજનક હવા આવી હતી, તે સોઢાના વાક્યે ઉડાડી મૂકી. એ પાછો રૂપમઢીનો સવાર થઇ ગયો. એણે અજમેરની દિશા માંડી, ને સાંઢણીને હંકારી મૂકી.

અજમેર એ પહોંચ્યા, તે દિવસે સાંજ પડવા આવી હતી. એમને તો રાતની રાત ધર્મશાળામાં ગાળીને સવારે સંદેશો દઈ દેવો હતો. ને પાછું પંથકે ચડી જવાનું હતું. 

વહેલી સવારમાં ડાભીને સોઢો જાગ્યા ત્યાં એમણે સરોવરને કાંઠે સેંકડો ઘોડાની કતાર લાગેલી જોઈ. બંનેને નવાઈ લાગી. ડાભીને પહેલો વિચાર આવ્યો કે કાં તો મીરાન પહોંચી ગયો હોવો જોઈએ.

એટલે બંને જણા પરવારીને આ કતાર કોની છે ને શી વાત છે એ જાણવા માટે નીકળ્યા. 

ડાભીને આશ્ચર્ય થયું. કોઈ ઘોડાનો સોદાગર આંહીં પણ મુકામ નાખીને પડ્યો હતો! એમણે બંનેને ઘોડા ધરાઈ-ધરાઈને જોયા. એક જુઓ ને બીજો ભૂલો. એવા જાતવંત ઘોડા એ લાવ્યો હતો. 

એમ કરતાં-કરતાં તેઓ એક ઝૂંપડી જેવો ભાગ દેખાતો હતો ત્યાં આવ્યા. ડાભીને તરત મીરાનનો નાચણિયો ઘોડો યાદ આવ્યો. આંહીં આ ઝૂંપડીમાં અંદર એક ઘોડો હતો. એ મૂલ્યવાન ઘોડો જોવા માટે કોઈક જ જઈ શકતા હતા. 

ડાભી ને સોઢો એમાં જુક્તિથી પ્રવેશ મેળવી શક્યા. ડાભીની નજર ત્યાં ઘોડા ઉપર પડી ને એ છક્ક થઇ ગયો!

પહેલાં તો એને લાગ્યું કે એની આંખ દગો દઈ રહી છે. પછી એણે વધારે ઝીણવટથી જોવા માંડ્યું જાણે મીરાનનો જ બીજો ઘોડો! રૂપે, રંગે, રૂંવાટીએ તમામેતમામ બાબતમાં આ ઘોડો, પેલા નાચણિયાનું પ્રતિબિંબ હોય તેવો દેખાતો હતો!

ગંગ ડાભી વિચારમાં પડી ગયો: મીરાન આવ્યો હતો કે પેલા જેવો જ આ બીજો ઘોડો હતો? શું હતું?

એટલામાં તો સોદાગર પોતે જ આવી ચડ્યો. આ સોદાગર મુલતાન તરફનો જણાયો. પણ એનો વેશ એને ભારતવર્ષનો જણાવી રહ્યો હતો. ગંગ ડાભીને થયું કે ઘોડા વેચવા માટે સુરત્રાણનાં ઘણાં માણસો ફરતાં હોવા જોઈએ. આ દેખાય છે આંહીંનો, પણ એ એમના તરફનો જ માણસ હોવો જોઈએ. ડાભીએ પૂછ્યું, ‘ભા, તમે ક્યાંના?’

સોદાગર મહાચતુર હતો. તેણે જવાબ આપવાને બદલે ડાભીને જ કહ્યું: ‘તમે આંહીંના જણાતા નથી! સોરઠથી આવો છો?’

‘તમે કેમ જાણ્યું?’ 

‘સોરઠમાં ઘોડાના ખરા જાણકારો પડ્યા છે. રા’ જુનાગઢના અમારા ઘરાક છે!’

‘એમ? તમે ક્યાંના? મુલતાનના?’

‘એમ તો હું કાશ્મીરનો છું. આ સોદાગરી માટે મુલતાન રહેવું પડે છે. મોટું બજાર ત્યાં રહ્યું નાં?’

‘મુલતાન છોડ્યે કેટલુંક થયું?’

સોદાગર વિચારમાં પડ્યો જણાયો: ‘એમ તો ઠીક થયું!’ એણે નિશ્ચિત જવાબ ન વાળ્યો.

‘આ ઘોડો...’ ગંગ ડાભીને પેલાં ઘોડાને બતાવતાં કહ્યું, ‘આવો ઘોડો મેં ક્યાંક જોયો છે.’

‘આવો ઘોડો? હોય નહિ! આવો ઘોડો ક્યાંય મળે જ નહિ ને! આ તો દેવપંખાળી જાત છે. રાજદરબારની ચીજ છે. જે દિવસે જરૂર પડે તે દિવસ આ પવનની માફક જાય. કૈંક રાજકુટુંબોને સંકટ સામે આ જાતે ઉગાર્યા છે. ને લડાઈમાં? સિંહ જોઈ લ્યો. એની હેવળ સિંહ જેવી. હવે તો આ જાત છે જ ક્યાં?

ગંગ ડાભીને મીરાનની વાત યાદ આવી ગઈ.

એટલામાં સોદાગરનો નોકર ઉતાવળે આવતો લાગ્યો. તેણે આવીને સોદાગરના કાનમાં કાંઈક કહ્યું. સોદાગરે  ઉતાવળે-ઉતાવળે કહ્યું: ‘પોતે જાતે આવ્યા છે! ખરેખર?’

‘ત્યારે નહિ? હમણાં આવ્યા બતાવું!’

સોદાગરે વિનયથી ડાભી સામે હાથ જોડ્યા: ‘તમે આ બાજુથી નીકળી જાઓ. પછી આવજો ને! ક્યાં ઊતર્યા છો?’

‘આ પડખેની ધર્મશાળામાં.’

‘તો-તો જરૂર આવજો. અમારે સોરઠ જ વાનું છે. તમારા જેવાની ઓળખાણ હોય તો ફેર પડે.’ તે ઉતાવળે પાછો ફર્યો. 

ડાભીએ બીજી તરફથી બહાર નીકળતાં જરાક પાછી દ્રષ્ટિ કરી અને એ આશ્ચર્યમાં થંભી ગયો!

કોઈક દેવાંશીકુમાર આવતો હોય એમ એને લાગ્યું: ‘રૂપાળો, મોહન જાણે કનૈયાની બંસીનો છૂટો પડેલો સૌંદર્ય-સ્વર હોય એવો, સ્વરૂપના ભંડાર સરખો, એક રાજકુમાર ત્યાં આવી રહ્યો હતો!

ડાભીએ સોઢાને જરાક હાથ અડાડ્યો પરંતુ એટલામાં તો ઝૂંપડીનું દ્વાર બંધ થઇ ગયું હતું. ડાભીની આંખમાં પેલું મનમોહન રૂપ રહી ગયું. એના હ્રદયમાં એ બેસી ગયું. સ્વપ્ન હતું કે સત્ય એની ભ્રમણામાંથી એ તદ્દન મુક્ત થઇ શકતો ન હતો. એને હજી લાગતું હતું કે એણે જે જોયું તે દિવાસ્વપ્ન હોવું જોઈએ. કોઈ માનવને આટલો રૂપધારી એણે જોયો ન હતો, અને કલ્પ્યો પણ ન હતો! 

પડખે ચાલી રહેલા સોઢાજીને તેણે પૂછ્યું, ‘સોઢાજી! તમે જોયું કે?’

‘શું?’

‘ત્યાં ઝૂંપડીમાં કોઈ દેવાંશી રાજકુમાર આવી રહ્યો હતો એ, કે પછી મને એવી ભ્રમણા થઇ?’

‘ના, ના. ભ્રમણા શેની? રાજકુમાર હશે, સોમેશ્વરનો કુમાર જ હશે!’

‘કોણ? પ્રથમિરાજ કહે છે તે?’

‘એ જ હોય, બીજું તો કોણ હોય?’

‘પણ તો તો સોઢાજી! હદબેહદની વાત થઇ ગઈ.’

‘કેમ? શાની હદબેહદની વાત?’

‘અરે! શાની શું?’ તમને શી રીતે સમજાવું? મેં જે રાજકુમાર જોયો તે તો નર્યો કામદેવનો અવતાર  હતો! આપણે કૈંક રજવાડાં જોયાં છે. આવું રૂપ ક્યાંય જોયું નથી!’

સોઢાજી બોલ્યો: ‘કેમ ન હોય ભા? એની મા, ડાભી! નર્મદાકાંઠે અરસાના ડુંગરની પેદાશ છે! ચેદીના મહારાણી સોમનાથમાં આવ્યાં ત્યારે સોનેરી કમળો લાવ્યાં હતાં. ભગવાન સોમનાથની કૃપાથી એની કૂખે કર્પૂરદેવીનો જન્મ થયો હતો. એના ઉપર ભોળાશંકરના ચારે હાથ છે!’ 

ડાભી ને સોઢો ઉતારે આવ્યા. એમને રાજદરબારમાં જવાનું હતું. તે તૈયાર થઇ ગયા. સોદાગરની વાત જાણ્યા પછી હવે તો જલદી સૌને ચેતવી દેવાના હતા.

ગંગ ડાભી ને સારંગદેવ સોઢા બંને રાજદરબારમાં આવ્યા. દેવડીએથી પોતાના આવવાના સમાચાર અંદર કહેવડાવ્યા. ત્યાં રાહ જોતા ઊભા. ડાભીએ એક દ્રષ્ટિ કરી તો ચારે તરફ લડાઈની તૈયારી થતી હોય તેમ જણાયું. માણસો, ઘોડા, હથિયાર, ગજ, ઊંટ, રથ આમથી તેમ અવરજવર કરી રહ્યાં હતાં. આ તૈયારી કોને માટે છે એ જાણવાની ગંગને તાલાવેલી લાગી. એકાદ કોઈ સોદાગર જેવો આમથી તેમ જતો હતો તેને થોભાવ્યો: ‘ચૌહાણજી! કાંઈ બહુ તૈયારીમાં પડી ગયા છો! મહારાજ દિગ્વિજય કરવા ઊપડવાના છે કે શું?’

ચૌહાણ શંકાથી તેની સામે જોઈ રહ્યો હતો: ‘આંહીં તો આવું હંમેશાં ચાલે છે. તમે ક્યાંથી આવો છો?’

‘પાટણથી!’

‘બરાબર ત્યારે તમારે ત્યાં હથિયારને કાટ ચડ્યા પછી ઉજાળાતાં હશે. આંહીં તો કાટ ચડવા દેવાનો નહિ! આ તો શું છે?’

એટલામાં અંદરથી એક બીજો જોદ્ધો આવતો જણાયો: ‘ઓહો ડાભી! તમે આવ્યા છો? ને સાથે કોણ સોઢાજી છે? આવો, આવો, મહારાજે તમને યાદ કર્યા છે. આવો.

આગળ પેલો યોદ્ધો, ને ગંગ ડાભી, ને પાછળ સોઢાજી, એમ ત્રણે જણા રાજમહાલયમાં ગયા.