નાયિકાદેવી - ભાગ 6 Dhumketu દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • મૃગજળ

    આજે તો હું શરૂઆત માં જ કહું છું કે એક અદ્ભુત લાગણી ભરી પળ જી...

  • હું અને મારા અહસાસ - 107

    જીવનનો કોરો કાગળ વાંચી શકો તો વાંચજો. થોડી ક્ષણોની મીઠી યાદો...

  • દોષારોપણ

      अतिदाक्षिण्य  युक्तानां शङ्कितानि पदे पदे  | परापवादिभीरूण...

  • બદલો

    બદલો લઘુ વાર્તાએક અંધારો જુનો રૂમ છે જાણે કે વર્ષોથી બંધ ફેક...

  • બણભા ડુંગર

    ધારાવાહિક:- ચાલો ફરવા જઈએ.સ્થળ:- બણભા ડુંગર.લેખિકા:- શ્રીમતી...

શ્રેણી
શેયર કરો

નાયિકાદેવી - ભાગ 6

આભડ શ્રેષ્ઠીની વાતો

આભડ શ્રેષ્ઠી શી વાત કરે છે, એ સાંભળવા સૌ અધીરા થઇ ગયા હતા. શ્રેષ્ઠીએ જરા સ્વસ્થતા મેળવી તકિયાને અઢેલીને એનો આધાર લીધો. શોકઘેરા મંદ અવાજે કહ્યું, ‘પ્રભુ! મહારાજ અજયપાલની રાતમાં હત્યા થઇ ગઈ છે! આભ તૂટી પડ્યું છે.’

‘અરરર! હત્યા થઇ ગઈ છે? મહારાજની? પણ કરનારો કોણ? કોણે હત્યા કરી?’ કેલ્હણજીનો અવાજ ફાટી ગયો હતો. ‘કોનું મોત ભમે છે?’

‘કહે છે વિજ્જ્લદેવે!’

‘હેં? વિજ્જ્લદેવે? પેલું નર્મદાકાંઠાનું ભોડકું? હાં! ત્યારે જ એ ભાગ્યું’તું ધારાવર્ષદેવજી! તમે આંહીં રહો, હું ખંખેરી મૂકું છું જાંગલી ઉપર! આજ સાંજ પહેલાં એને પાટણમાં લટકાવી દઉં! ભોડકું ઘા મારી જાશે, તો-તો થઇ રહ્યું બાપ! રજપૂતી પરવારી જશે, મહારાજ અજયદેવનું લૂણ અમારા લોહીના બુંદે-બુંદમાં ખડકાણું છે. અને આનો બદલો લેશું જ, પછી ભલે ઈન્દ્રદેવ એની રક્ષા કરતો હોય! કેમ શ્રેષ્ઠીજી?’

કેલ્હણ વિશે ધારાવર્ષદેવને જે ચિંતા હતી તેમાં વધારો થઇ ગયો. તે સાવધ થઇ ગયો. કેલ્હણ મહારાજની હત્યાનો ચોક્કસ લાભ ઉઠાવશે અને એમ આંહીં અગ્નિ પ્રગટી જાય. શ્રેષ્ઠીજીએ નામ કહી દેવામાં ઉતાવળ કરી હોય એમ એને લાગ્યું. 

એટલામાં એની દ્રષ્ટિ ચાંપલદે ઉપર પડી. ધારાવર્ષને આ સ્ત્રીમાં કાંઈક અનોખું તેજ જણાયું. તેની આંખનો એક ખૂણો સહેજ ઈશારત કરતો એને જણાયો. શ્રેષ્ઠીજીએ વાત પકડી લીધી લાગી. આંહીં બે પક્ષ પડે તો એમાં પોતાનું સર્વસ્વ જાણી જશે એનું કેલ્હણજી માને. અને આને વાતનું વતેસર કરવાની તક ન દેવાય. એ તો પછી વાંદરાને નિસરણી બતાવ્યાં જેવું થાય! રાજકુમારો હજી નાના છે. એટલે તેણે તરત વાત પલટાવી: ‘હજી ખબર કોઈને નથી કે આ વિજ્જ્લદેવ કયો?’

‘કેમ કયો? બીજો વળી કયો છે?’ કેલ્હણ બોલ્યો. 

‘અમારો મહાપ્રતિહાર વિજ્જ્લ ખરો નાં?’

‘હવે એ બિચારું, આ કામ કરે?’

‘કામ કરે કે નો કરે, એનું ખૂન કેમ થઇ ગયું? એનું પણ ખૂન થયું છે?’

‘કોણ? વિજ્જલનું?’

‘કહે છે, વિજ્જ્લનું ને ધાંગાનું બેયનું. સાચું તો જે નીકળે તે ધાંગો એની સાથે હતો, રાતની એમની ચોકી હતી.’

‘કરનારે ત્રણ હત્યા કરી! એમ ન થાય?’

‘એ તો હવે જે નીકળે તે. અત્યારે મહારાણીબા ચિંતામાં છે. કર્પૂરદેવીબા સતી થવાનાં છે!’

‘હેં!’

‘ત્યારે એજ વાત છે કેલ્હણજી! રાજભવનનો પ્રતિહાર બેવફા નીવડે એમ કોણ ધારે? ને એ બેવફા નીવડે, પછી એને બીજા જાવા દે? વિજ્જ્લ એ પડ્યો, રાજભવનમાં એને કાંઈ કોઈ જીવતો જાવા દ્યે?’ શ્રેષ્ઠીએ કહ્યું.

‘કેલ્હણજી! થઇ છે ભારે.’ ધારાવર્ષદેવની શોકઘેરી વાણી સંભળાણી. ‘આખું આકાશ નીચે પડ્યું છે. પણ હવે જુઓ, મહારાજની હત્યા કરનારને જો ત્રણ દીમાં જનોઈવઢ હું કાપી ન નાખું, તો મા અંબાભવાની મને પૂછે! બસ?’

‘અને મને પણ!’ કેલ્હણજી ઉત્સાહમાં આવી ગયો.

ધારાવર્ષે છુટકારાનો દમ ખેંચ્યો. પણ ખરી વાત હજી  બાકી રહી હતી. 

‘શ્રેષ્ઠીજી! મહારાણીબા શું કરે છે?’

‘અત્યારે તો કર્પૂરદેવીને સમજાવે છે. એમને સતી થવું છે. મહારાણીબા રોકી રહ્યાં છે. કે’ છે, ભીમદેવને તમે પુત્ર કરો, મૂલરાજદેવ મારો.’

‘મહારાણીબાને જબ્બર આઘાત લાગ્યો હશે!’

‘જબ્બર? એ તો સહ્યાદ્રિના છોકરાં આ ઘા સહન કરીને માથે માથું રહેવા દ્યે, બીજી કોઈ રાણી હોત તો અત્યારે ગાંડી થઇ જાત! પ્રતિહારી જેવો વિશ્વાસુ માણસ આમ ઘા કરી જાય એ કોણે ધાર્યું હોય? અત્યારે તો એક તરફથી લોકટોળાં એક માગણી કરે છે, સૈનિકો બીજી માગણી કરે છે.’ 

ધારાવર્ષદેવે વાતને ધીમી પાડી દીધી હતી, પણ કેલ્હણ ચેતી ગયો. અત્યારે પોતે રાજમાં કર્તાહર્તા થઇ જાય એવી તક હતી. એવી પળે એ આહીં આવી ગયો હતો. એના વિશે એ મનમાં ને મનમાં વિચાર કરી રહ્યો. થોડી વાર પછી તે અચાનક ઊભો થઇ ગયો. આભડ શ્રેષ્ઠીને આગામી ભયના ભણકારા સંભળાયા. આંહીં એણે અત્યારે વાત કરી ન હતી, પણ લોકમાં તો મારનાર જૈન છે, માટે જૈનોને મારો, ત્યાં સુધીની અફવા ચાલી રહી હતી. 

અને એની પોતાની સામે પણ એક પક્ષ તૈયાર થતો હતો. આભડ શ્રેષ્ઠી આ બધું જોઇને જ આવ્યા હતા અને કેલ્હણજીનું આંહીં હોવું એ અત્યારે નાચકણામાં કુદકણા જેવું લાગ્યું હતું. પણ ત્યાં તો એની હાજરી વધુ ભયંકર હતી. પણ તેને જતો શી રીતે અટકાવી શકાય?

છેવટે એણે મન વાળ્યું કે એ તો એને માપી લેવાશે. હમણાં દોડી લેવા દો. 

કેલ્હણે રજા લીધી: ‘ત્યારે શ્રેષ્ઠીજી! મહારાણીબા પાસે હું જઈ આવું. ધારાવર્ષદેવજી! આવો છો હમણાં કે પછી આવશો? હું તો જઈ આવું?’

‘હમણાં તો હું આંહીં જ રહું.’ ધારાવર્ષે કહ્યું, ‘સ્મશાનયાત્રામાં સામેલ થઇ જઈશ!’

કેલ્હણદેવની કલ્પના એ સમજી ગયો હતો. 

કેલ્હણદેવ ઊપડ્યો. ધારાવર્ષદેવને એ ગમ્યું નહિ. એને મન, કેલ્હણજીનું જવું આગમાં ઘાસ લઇ જવા જેવું હતું. પણ અત્યારે, આભડ શ્રેષ્ઠીએ કહ્યું તેમ આભ ફાટ્યું હતું, ત્યાં થીગડાં કેટલાં કામ આવે?

એણે આભડ શ્રેષ્ઠી સામે જોયું, ચાંપલદે તરફ દ્રષ્ટિ કરી. આ પિતા-પુત્રીની જોડી કાંઈ વધુ પ્રકાશ ન આપી શકે?