નાયિકાદેવી - ભાગ 30 Dhumketu દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ખજાનો - 77

    " શું થયું મિત્ર...! તમારા ચહેરા પર આ ડર અને ચિંતા કેમ વર્તા...

  • પ્રિય સખી નો મિલાપ

    આખા ઘર માં આજે કઈક અલગ જ વાતાવરણ ઉભુ થયુ છે સામન્ય રીતે ઘરની...

  • ધ્યાન અને જ્ઞાન

        भज गोविन्दम् ॥  प्राणायामं प्रत्याहारं नित्यानित्य विवेक...

  • સંઘર્ષ - પ્રકરણ 11

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • ફરે તે ફરફરે - 37

    "ડેડી  તમે મુંબઇમા ચાલવાનુ બિલકુલ બંધ કરી દીધેલુ છે.ઘરથ...

શ્રેણી
શેયર કરો

નાયિકાદેવી - ભાગ 30

૩૦

સમાચાર મળ્યા

દેવકુમાર જેવા પૃથ્વીરાજની વાતો સાંભળતાં ગંગ ડાભી ડોલી ઊઠ્યો હતો અને ઘડીભર એમ લાગ્યું કે આ પૃથ્વીરાજ ને પાટણના ભીમદેવ મહારાજ, એ બે જો ભેગા થાય, તો આખું ભારતવર્ષ સાથે ઉપાડે! પણ એવાં મોટાં સ્વપ્નાંને એ ટેવાયેલો ન હતો, એટલે એ વિચાર આવ્યો ને ગયો એટલું જ. એણે મનમાં ગાંઠ વાળી કે એ વાત કુમારદેવને કહેવી. અજમેરથી નીકળતાં પહેલાં મહારાણીબા કર્પૂરદેવીને એ ફરીને મળ્યો. એ વખતે એણે પેલા ઘોડાની વાતને જરાક છેડી પણ ખરી, પણ કોઈને એ વાત કરવાનું મન લાગ્યું નહિ. સુરત્રાણની વાતને સાંભળીને રાજમાતાએ વચન આપ્યું. મહારાજ સોમેશ્વરે પણ એ વાત ઉપાડી લીધી. અજમેરમાંથી સુરત્રાણને રસ્તો નહિ મળે, એ ચોક્કસ હતું. વળી અજમેરવાળા પોતાનું રેઢું મૂકવા માગતા ન હતા એટલે વિંધ્યવર્મા કે વિજ્જલને પણ મદદ આપવા કોઈ દોડે તેમ ન હતા. આ બંને વાતની ખાતરી લઈને પછી ગંગ ડાભી ઊપડ્યો. પણ એને આખે રસ્તે હજી એક વિચાર સતાવી રહ્યો હતો: ‘પેલા નાચણિયા ઘોડાનું શું થયું હશે?’

સોદાગરને ફરીને મળવાને ઈરાદે એ ગયો, તો ત્યાં સોદાગર જ હતો નહિ! એ માથું ખંજવાળતો ઊભો રહ્યો. આસપાસ તપાસ કરી, તો કોઈ જાણે કાંઈ કહેવા માગતા ન હતા.

ગંગ ડાભીને નવાઈ લાગી. એ સમજી ગયો કે ઘોડાની વાત ઉપર એક પડદો પડી ગયો છે. પણ શું બન્યું તે એ સમજ્યો ન હતો.

વખતે એમ ન બન્યું હોય કે પોતાની વાત ઉપરથી સોદાગરને દબડાવવામાં આવ્યો હોય ને એ ભાગી છૂટ્યો હોય, કે પછી પેલો ઘોડો ધાબડીને પ્રગટ થઇ જવાની બીકે નાસી છૂટ્યો હોય કે પછી અજમેરવાળાએ એ ઘોડાને અદ્ભુત ધારીને લઇ લીધો હોય ને વાત છુપાવતા હોય. ગમે તે હોય, પણ આખી વાત ઉપર જાણે એક પ્રકારનો અંધારપટ છવાઈ ગયો. રાજદરબારમાં કોઈને એ વિશે એણે પૂછ્યું, સાંભળનાર એની સામે શંકાથી જોઈ રહ્યો. ને પછી માથું ધુણાવીને ચાલતો જ થઇ ગયો ને બોલતો ગયો: ‘પાટણના લાગો છો!’

આમાંથી ગંગ ડાભીને જે અર્થ કાઢવો હોય તે અર્થ કાઢવાની છૂટ હતી. પણે  મુત્સદ્દી ન હતો. એટલે એણે એ માથાકૂટને છોડી દીધી. અજમેર છોડ્યું ત્યાં સુધી એ વાત ફરીને સંભારી જ નહિ.

પણ હવે જ્યારે રસ્તે પડ્યો, રૂપમઢી એક પછી એક ગામડાં વટાવતી ખેડબ્રહ્માને પંથ ચડી, અને એને ને સોઢાજીને બધા અનુભવો સંભારવાનો વખત મળ્યો, ત્યારે કુદરતી રીતે જ આ વાત એના મગજમાં ફરીને આવી. એ અચાનક આગળ જતો અટકી ગયો. ‘રૂપમઢી’ને જરાક થોભાવી. સોઢાજી પાછળ જ આવી રહ્યો હતો.

‘કેમ થોભ્યા ભા! છે કાંઈ?’

‘અરે! સોઢાજી! આ તો ભારે થઇ લાગે છે.’

‘શું છે વળી?’

‘મને અચાનક સુઝી આવ્યું.’

‘પણ શું સુઝ્યું છે?’

‘મને લાગે છે, પેલો સોદાગર ઘોડો ધાબડી ગયો ને પાછો મહારાણી કર્પૂરદેવીના મનમાં વહેમ પણ નાખતો ગયો!’

‘શેનો વહેમ?’

‘આ એમ કે પાટણવાળા વાત જાણે નહિ, એ સંભાળજો!’

સોઢાજી પણ વાત સાંભળતાં થંભી ગયો: ‘અલ્યા ભા! તમારી વાત તો સો ટચના સોના જેવી છે. એમ જ થ્યું હશે ભા! વાતને દાટી દીધી એનું ઈ કારણ હવે સમજાયું.’

‘પણ તો-તો ભારે થાશે, કોક દી ખરે ટાણે આ અજમેરવાળાને દગો મળશે.’

‘એ તો ભૈ! પેલાં પરધાને શું કહ્યું હતું કે યાદ કરો ને! એણે નહોતું કહ્યું કે ભોળિયા રાજાને બચાવવા નીકળાશે, એને કાં અગ્નિ, કાં પાણી ને કાં રાખોડી, ત્રણ જ આધાર રહેશે! કહ્યું’તું નાં?’

‘હા કહ્યું’તું!’ ગંગ ડાભી બોલ્યો ને આકાશ સામે જોઈ રહ્યો. ‘સોઢાજી! ત્યારે તો આ સૌથી મોટું લાગે છે, આ આકાશ! ત્યાં ચીઠી ઊતરે એમ થાતું હશે! આવો કામદેવના કુમાર જેવો કુમાર, કાંઈ આટલી વાત ન સમજે એમ બને? પણ જુઓ, એમ બન્યું ના? વિધિને કોઈ નહીં પહોંચે, સોઢુભા!’

બંને જણા મૂંગા-મૂંગા ચાલતા રહ્યા. ભવિષ્યની કોઈ ભયંકર આગાહીના પડઘા ગંગ ડાભીને કાને આવતા હોય તેમ એ પળે-પળે માથું ધુણાવી દેતો હતો.

એમ ને એમ ગંગ ડાભી અને સારંગદેવ સોઢો રાતદી જોયા વિના જઈ રહ્યા હતા. હવે તો એમની એક જ નેમ હતી. કુમારદેવ મળી જાય તો એને વાત કરી નાખીને પાટણ તરફ જવું. સંદેશો મોકલવા કરતાં પોતે જાતે જે જોયું હતું, અનુભવ્યું હતું, એ બધું આ સ્થિર શાંત પરાક્રમી સેનાપતિને કહી નાખવાની પ્રથમ જરૂરિયાત હતી. પછી એ કહે તે પ્રમાણેનો સંદેશો લઈને એમણે તરત પાટણ જવાનું હતું. જેમ બને તેમ વખત બચાવવાનો હતો.

એ એમ જઈ રહ્યા હતા ત્યાં ખેડબ્રહ્માની નજીક એક નદીને કિનારે એમણે સોલંકી સેનની છાવણી નિહાળી. ગંગ ડાભીને લાગ્યું કે કુમારદેવની આગલી કે પાછલી હરોળનો કેટલોક ભાગ હોવો જોઈએ.

બંને એ તરફ ચાલ્યા. એ એમ જોઈ રહ્યા હતા ત્યાં રસ્તામાં જ ઓળખીતાઓ મળી ગયા. કુમારદેવની છાવણીનો થોડો ભાગ આંહીં પડ્યો હતો. કુમારદેવ પોતે તો ઘણો છેટે હતો. ગંગ ડાભીએ વધુ તપાસ કરી એને ખબર મળ્યા કે અર્ણોરાજ આંહીં છે. બંને ત્વરાથી એને મળવા ગયા. 

એક નાના સરખા તંબુમાં અર્ણોરાજ બેઠો હતો. ત્યાં કેટલાક ભીલ ઊભા હતા અને ચારે તરફથી બીજા ભીલ આવતા જણાતા હતા. ડાભીને લાગ્યું કે સુરત્રાણના કાંઈક સમાચાર આવતા હશે. તે વિના અર્ણોરાજ પોતે આ તરફ આવે નહિ.

સાંઢણીને તંબુ બહાર ઝોકારી, ઉપરથી ગંગ ડાભી ને સારંગદેવ સોઢો ઊતર્યા. સૌ જોઈ રહ્યા. ડાભી આગળ વધ્યો. એક ભીલે એને અંદર જતાં રોક્યો. ડાભીએ તરત તલવાર કાઢી. પણ એટલામાં અર્ણોરાજ પોતે કાંઈક કામે બહાર આવ્યો. તેની નજર ડાભી પર પડી તે એકદમ બોલી ઊઠ્યો: ‘અરે ડાભી! ડાભી! અલ્યા એ બાલુડા! જો તો ખરો કોણ છે!’

‘કુણ હૈ?’

‘અરે કુણ શું? ગંગ ડાભી! આવવા દે એણે. ડાભી! આંહીં અંદર આવો!’

ડાભીને સોઢો અંદર ગયા.

‘બોલો શા સમાચાર છે તમારા? ગર્જનકનો પત્તો મળ્યો?’

‘હા,’ડાભીએ કહ્યું. ‘ગર્જનક મુલતાન પાસે પડ્યો છે. લાવલશ્કર એકઠું કરીને એ પાટણ ઉપર જ આવવાનો છે.’

‘ચોક્કસ?’

‘સોએ સો ટકા વાત છે. ત્યાં સુરત્રાણની છાવણીમાં જઈ તેને સંદેશો આપી, તેનો સંદેશો લઇ પાછા વળતા કાશીનગરના રાજઅધિકારીઓને પકડીને, એમની પાસેથી વાત કઢાવી છે!’

‘શું કહો છો?’

‘હા, પણ એ વાત નિરાંતે કરીશું. અત્યારે તો અમારે સેનાપતિને મળવું છે. મળીને જલદી પાટણ પહોંચવું છે.’

‘સેનાપતિ પડ્યા છે ઈલદુર્ગ પાસે, તમે વાત જાણી હશે નાં?’

‘શી વાત છે?’

‘નથી ખબર?’

‘અમને ક્યાંથી ખબર હોય? અમે તો રેત ખૂંદીને આવીએ છીએ. પણ અમારી હકીકત નક્કર છે. સેનાપતિને એ પહોંચાડીને સંદેશો લેવાનો છે. અમારી હકીકત જાણવાથી આંહીં શી રીતે કામ લેવું તેનો તાત્કાલિક નિર્ણય થઇ શકશે.’

‘તો તમે ઈલદુર્ગ પહોંચો. ત્યાં પાટણનાં સેંકડો માણસો આવ્યાં છે. તમારે પાછા ફરતાં આખે રસ્તે માણસ મેદની મળતી જશે.’

‘એવું શું થયું છે?’

‘વિંધ્યવર્માને ભાગી જવું પડ્યું છે.’

‘હેં?... ભાગી જવું પડ્યું છે? વિંધ્યવર્માને?’ ડાભી ઊભા જેવો થઇ ગયો.

‘વિંધ્યવર્મા ભાગી ગયો. કુમારદેવે એવી ભયંકર હાર ત્યાં માલવીઓને આપી છે કે હવે એ વર્ષો સુધી ઊભા થાય તેમ નથી!’

‘ચાલો ત્યારે આ તો વિજયમાળાની શરૂઆત થઇ. પણ તમે આંહીં ક્યાંથી?’

‘આંહીં વખતે મારી જરૂર પડે એમ ધારીને આવ્યો હતો. પણ આસપાસ જે નાનામોટા ઊભા થવાનું કરતાં હતા, તે તમામ કુમારદેવનું નામ સાંભળીને હવે બેસી ગયા છે. રાજમહાલયનું મેદાન થયું છે. કોઈ દિવસ કોઈ ત્યાં ઊભું રહે નહિ એવું કુમારદેવે કરી નાખ્યું છે!’

ગંગ ડાભી તો સાંભળીને છક્ક જ થઇ ગયો. એને થયું, એણે તત્કાળ કુમારદેવને મળવું જ જોઈએ. એને સુરત્રાણના બધા સમાચાર આપવાથી એ તત્કાલ નિર્ણય લઇ શકશે.

‘પણ તમે આંહીં કેમ આવ્યા છો?’

‘માલવાની સંપત્તિનાં ગાડાંના ગાડાં આ રસ્તે પાટણ જઈ રહ્યાં છે. એટલે ઈલદુર્ગ, ખેડબ્રહ્મા એમ ને એમ આ આખી હદ ઉપર ઠેકાણે-ઠેકાણે ભીલોની ચોકીદારી મૂકી દેવાની છે. સુરત્રાણ આ રસ્તે આવે તો તે વખતે તેને આંહીં રોકી લેવાય. એ ખાતરી પણ કરવાની હતી. આંહીં અર્બુદમાં ધારાવર્ષદેવજી છે અને માલવવિજય પછી સિંહ, ચૌહાણ ને વિજ્જલ એટલા નરમ પડી ગયા છે કે એમના સંદેશા આંહીં વારંવાર આવે છે. એટલે હવે આપણે એક રેતમાર્ગ જ સંભાળવાનો રહેશે. સુરત્રાણ ત્યાંથી આવશે? તમને શું લાગે છે?’

‘મરવું હોય તો આવે. એ રસ્તે ક્યાંય પાણીનું ટીપું નથી.’

‘તમે ક્યાં સુધી ગયા હતા?’

‘ગડા સુધી. ત્યાંથી અમને જોઈતા સમાચાર મળી ગયા ને અમે પાછા ફર્યા. હવે અમે બે જણા એકદમ સેનાપતિને મળીએ લઈએ. એમને વાત થઇ જાય.’

અર્ણોરાજ સાથે ગંગ ડાભીને જે વાતો કરવાની હતી તે થઇ ગઈ. છેવટે ડાભી બોલ્યા: ‘અર્ણોરાજ! એક દ્રશ્ય જોયું છે તે ભુલાતું નથી!’

‘હા, એવું શું જોયું છે?’

‘અજમેર થઈને આવ્યા, સોમેશ્વર મહારાજના પૃથ્વીરાજને જોયા. ઘડીભર તો મનમાં થઇ આવ્યું કે જો આપણું ભાવિ હોય ને આ બે ભેગા થાય.’

‘કોણ બે?’

‘ભીમદેવ મહારાજ ને પૃથ્વીરાજ!’

‘તો?’

‘તો આખું ભારતવર્ષ એક કરે!’

‘અરે! ગંગ ડાભી, જે સ્વપ્નું તમને આવે છે. તે અનેકને આવે છે. પણ જે થવાનું નથી તેની શી વાત કરવી? સોમેશ્વર મહારાજ છે. કર્પૂરદેવીબા છે ત્યાં સુધી ઠીક છે. બાકી તો અજમેર આથડવાનું, યાદવ આથડવાનો, માલવ આથડવાનું, ગુજરાતને ચારે તરફથી પીંખવાની વાત છે. ભીમદેવ મહારાજે જીવનભર જુદ્ધ કરવાનું છે. એમ મને લાગે છે.’

અર્ણોરાજ બોલીને સામેની પર્વતમાળા તરફ જોઈ રહ્યો: ‘ડાભી! મને લાગે છે, ગુજરાતમાંથી નરશાર્દૂલો હવે ગયા. હવે આ બોડીબામણીનું ખેતર છે, એમ ધારીને સૌ એને પીંખવા આવવાના છે. આ એક કુમાર છે, મહારાણી મક્કમ છે. ભીમદેવ મહારાજ રણઘેલા છે. પણ છતાં લાગે છે, કાંઈક નથી! ભગવાન સોમનાથ જે દી’ દેખાડે તે જુઓ. પણ હમણાં તો સુરત્રાણનું કરો.’

‘તમે બપોરા ગાળીને ઊપડો. સેનાપતિ ત્યાં દોહાપદ્ર પાસે મુકામ રાખીને પડેલ છે. વિજ્જલને ત્યાં બોલાવ્યો છે!’

ગંગ ડાભીને આ સમાચાર મળતાં ઘણી રાહત લાગી. એને માલવવિજેતાને મળવાની હોંશ થઇ આવી. આંતરવિગ્રહની જેણે શક્યતા ટાળી નાખી હતી, કદાચ એ જ વધારે વિશાળ સ્વપ્ન સિદ્ધિ કરશે!