નાયિકાદેવી - ભાગ 4 Dhumketu દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

નાયિકાદેવી - ભાગ 4

શું થયું હતું?

પણ જેમ-જેમ તેઓ આગળ વધતા ગયા, તેમ-તેમ માનવમહેરામણનો ખળભળાટ પણ વધતો ગયો. ઠેરઠેરથી હથિયારબંધ માણસો હજી એ તરફ આવી રહ્યાં હતાં.

આગળ વધવું કે અટકી જવું તેનો તાત્કાલિક નિર્ણય કરવો મુશ્કેલ હતો. 

રસ્તામાં કોઈક પણ અગત્યનો જાણીતો માણસ દેખાય, તો એને પૂછીને પછી નિર્ણય લેવાય એવું હતું. એ બધા આગળ ચાલ્યા પણ એમણે ગતિ એકદમ ધીમી કરી નાખી, કારણ કે એક તો હજી આ અવાજ શાનો હતો તે સ્પષ્ટ થતું હતું ન હતું. તેમની પોતાની અચાનક હાજરી લાભદાયી નીવડે કે નુકસાન કરી બેસે, એ જાણવાનું પણ કાંઈ સાધન ન હતું. એક માણસ દોડ્યો જતો હતો. તેને ઊભો રાખીને પૂછવાનું કર્યું, પણ તે ગભરાયેલો હતો. રાજભવનમાં કાંઈક છે, એટલું જ માત્ર સમજાયું. શું છે એની તો એને પણ ખબર ન હતી. 

લોકસમુદાય શા માટે ભેગો થયો છે એ જાણ્યા વિના આગળ જવાનો અર્થ પણ ન હતો. 

કેલ્હણજીએ અચાનક કહ્યું, ‘ધારાવર્ષદેવજી? શું કરવું છે? લોકસમુદાય તરફ જવું છે કે જાણવા માટે આંહીં જ થોભવું છે?’

‘હવે આંહીં થોભવા કરતાં તો પાછલા દરવાજે જઈને ઉતારાપાણીની સગવડ કરીએ અને પાછા નીકળીએ. અવાજ વધારે ને વધારે મોટો થતો જાય છે!’

ધારાવર્ષદેવને ચિંતા હતી. કેલ્હણજીની હાજરી આમાં શું પરિણામ લાવે એ નક્કી ન કહેવાય. એને થોભવામાં ડહાપણ લાગ્યું.

‘પણ હશે શું?’

‘એ પૂછવું કોને? આ કોઈક દોડતો આવે છે, એણે રોકીએ જરા?’

એક માણસ દોડતો આવી રહ્યો હતો. તે ભયનો માર્યો હાંફતો હતો.   

ધારાવર્ષદેવજીએ એને રોકી લીધો: ‘અલ્યા એ! ઊભો રે! કેવો છે?’

‘સથવારો છું બાપજી! મને જાવા દ્યો!’

‘પણ આમ જાય છે ક્યાં?’

‘બાપજી મને જાવા દ્યો, ઝટ જાવા દ્યો, વેજલભા મરણતોલ ઘાયલ થયા છે.’

‘વેજલભા?’ ધારાવર્ષદેવને બહુ નવાઈ લાગી. ‘વેજલભા કોણ?’

‘વેજલદેવ, બાપજી! મને જાવા દ્યો. એના ભાઈને કહેવા જાવું છે.’

ધારાવર્ષદેવ અને કેલ્હણ બંને આશ્ચર્યમાં ડૂબી ગયા. આ શી વાત હતી? વિજ્જલદેવ ઘાયલ થયો હતો એટલે શું? રાજભવનમાં લડાઈ થઇ રહી હતી એમ સમજવું? કાંઈ સમજાતું ન હતું. એવું શું થયું હતું કે વિજ્જલદેવ મરાયા હતા? નર્મદાતટના એ મહામંડલેશ્વરને મારનારો એવો કોણ બે માથાનો હોઈ શકે? અને તો પેલો ભાગ્યો તે કોણ? અનેક પ્રશ્નો એમના મનમાં આવી ગયા. ચારે તરફ હવામાં પણ લોકો વિજ્જલદેવનું નામ બોલતા જણાયા. એટલે હવે ચોક્કસ લાગતું હતું કે વિજ્જલદેવ જ હણાયેલ છે. 

પણ શા માટે, કોને અને ક્યારે એમને હણ્યા, એ વાત કોયડારૂપ હતી. આ ખળભળાટ તો એના અંગેનો જ હોવો જોઈએ. એ વિચાર કરતા રહ્યા, ત્યાં પેલો સથવારો તો ક્યારનો દોડી ગયો હતો. 

ધારાવર્ષદેવ મનમાં મંથન કરી રહ્યો: ‘રાજભવન તરફ જવું કે થોભીને પછી જવું? અને થોભવું તો હવે ક્યાં થોભવું?’ 

કવિ નરપતિને ત્યાં જવાનો હવે અર્થ જ ન હતો. 

આંહીં ઘણી મોટી વસ્તુ બની ગઈ હતી. વિજ્જલદેવ હણાયો હોય તો એની લાગવગ જેવીતેવી ન હતી. એમ હોય તો કદાચ મહારાજ સામે જ  મોટી ધમાલ થઇ રહે. આંહીં અને અત્યારે એ બની જાય. 

ધારાવર્ષદેવને કેલ્હણજીની હાજરીની મોટી ચિંતા થઇ પડી. 

કેલ્હણજી આંહીં છે એ વાત કેટલાકને ઉશ્કેરી મૂકે તેવી હતી. મહારાજ કુમારપાલ પ્રત્યેની એની એક વખતની અવજ્ઞાનીતિ તો જાણીતી હતી. આ વિજ્જલદેવ જ એમના નડૂલમાં એ વખતે દંડનાયક હતો. એમને હણવામાં કેલ્હણજીનો જ  હાથ હશે, એવી લોકમાન્યતા એક ઘડીના છઠ્ઠા ભાગમાં ફેલાઈ જાય તેવી હતી. એટલે કેલ્હણજી પણ અત્યારે કોયડારૂપ હતો. એણે આપેલું સોમનાથનું બહાનું એ વખતે બહાનું જ હોય, ને એ આ બધું જાણતો હોય, ને આંહીં સામેથી એટલા માટે જ ચાલી-કારવીને આવ્યો હોય, તો તે ઘડી બે ઘડીમાં આંતરવિગ્રહની જ્વાલા પણ ફાટી નીકળે. કેલ્હણજીની સાથે સંભાળીને રહેવામાં ધારાવર્ષદેવે અત્યારે સાર જોયો. 

‘કેલ્હણજી! ચાલો ત્યારે આભડ શ્રેષ્ઠીને ત્યાં જઈએ, ત્યાંથી પછી આ બાજુ નીકળી આવીશું. જરાક થાક ઊતરશે.’

પણ એટલામાં જાણે આકાશ ચિરાઈ જતું હોય એવો મોટો ગગનભેદી અવાજ આવતો જણાયો. લોકો પોકારતા હતા:

‘કોણે આ કર્યું છે? એને આંહીં લાવો! આંહીં લાવો! અમે એ રાક્ષસને મારી નાખીએ!’

ધારાવર્ષદેવને કેલ્હણજી હવે ખરેખર ભયજનક જણાયો.

આંતરવિગ્રહ એ પળ-બેપળનો સવાલ લાગ્યો. ગગનભેદી અવાજના પ્રત્યુત્તરમાં અનેક પ્રકારના મહાભયંકર ઘોષ આવી રહ્યા હતા.

‘ભલે હણ્યો! ભલે હણ્યો! એવા દુષ્ટને તો દંડ જ હોય!’

‘અરે! હણનાર કોણ છે? અમે એને ચીરી નાખીશું! બતાવો, કોણ છે?’

લોકો કોને દુષ્ટ કહેતા હતા તે કાંઈ સમજાયું નહિ, પણ સ્પષ્ટ રીતે લોકમાં બે પક્ષ હતા અને બંને પક્ષ પોતપોતાની વાતના પોકાર પાડતા હતા.

ધારાવર્ષદેવે ઉતાવળ કરી: ‘કેલ્હણજી! જલદી ચાલો. લોકટોળાથી આ બધું ઊભરાઈ જશે. જુઓ, સામેથી એક ટોળું આવે. આપણે દરવાજે જઈને શ્રેષ્ઠીને ત્યાં જઈએ. રસ્તો ત્યાંથી બારોબાર છે.