ધારાવાહિક:- મારા અનુભવો
ભાગ- 6
શિર્ષક:- પગે ફોલ્લા પડ્યા.
લેખક:- શ્રી સ્વામી સચ્ચિદાનંદ
રજૂ કરનાર:- શ્રીમતી સ્નેહલ રાજન જાની
નમસ્તે વાચકો.
અગાઉનાં પાંચ ભાગમાં આપ સૌનો જે પ્રતિસાદ મળ્યો એ બદલ આભાર. તમને આ ધારાવાહિક પસંદ આવી રહી છે એ બદલ ધન્યવાદ. સ્વામી સચ્ચિદાનંદજીએ લખેલ તમામ પુસ્તકો ખૂબ જ સરસ છે. પ્રવાસ વર્ણન હોય કે, કોઈનું જીવનચરિત્ર હોય કે પછી હોય અધ્યાત્મ વિશે - સ્વામીજીનાં તમામ પુસ્તકો એક ઉત્તમ પ્રેરણા પૂરી પાડે છે.
'મારા અનુભવો' - આ પુસ્તકમાં સ્વામીજીએ એમને પોતાને થયેલાં અનુભવો વિશેની ચર્ચા કરી છે. એક એક પ્રકરણ એક પ્રેરણા છે અને ઉત્તમ માર્ગદર્શક છે. આ પુસ્તકનાં તમામ ભાગો તમે આ ધારાવાહિકમાં વાંચી શકશો.
મારા અનુભવો…
પ્રકરણઃ…6. "પગે ફોલ્લા પડ્યા."
🙏 સ્વામી શ્રીસચ્ચિદાનંદજી.
મને બરાબર યાદ નથી, પણ વ્યારાથી પગપાળા સોનગઢ પહોંચતાં મને તકલીફ પડી. ધીમે ધીમે ડગલાં ભરતો ભરતો હું છેક સંધ્યા સમયે સોનગઢ પહોંચ્યો. ગામથી થોડે જ દૂર એક હનુમાનજીના મંદિરમાં રાત્રિવાસ કર્યો. મંદિરના મહારાજ અભણ હતા પણ ભલા હતા. મારો અનુભવ છે કે ભણેલા કરતાં અભણ સાધુઓ અપેક્ષાકૃત વધુ નમ્ર તથા સત્કારપ્રિય હોય છે. વહેલી સવારે જ્યારે હું ઊઠ્યો ત્યારે મારા પગ જમીન ઉપર મંડાતા નહોતા. એક પગમાં ત્રણ અને બીજા પગમાં બે ફોલ્લા – બોર જેવડા – પડી ગયા હતા. દાઝવાથી જેમ ચામડી ઊપસી આવે તેમ પરપોટા જેવા ફોલ્લા જોઈને હું નિરાશ થઈ ગયો.
સોનગઢ ગુજરાતનું છેલ્લું સ્થળ હતું. અહીંથી આગળ મહારાષ્ટ્ર શરૂ થતું હતું. મને વાલોડમાં બ્રાહ્મણોએ કહેલું કે મહારાષ્ટ્રમાં તકલીફ પડશે, તમે કહો તો અમે તમને પ્રયાગરાજની ટિકિટ લઈ આપીએ. પણ મેં પગે ચાલતાં જ જવાની હઠ ચાલુ રાખેલી. રેલવેની બાજુએ ઉઘાડા પગે સતત ચાલવાથી મારા પગની આ દશા થઈ હતી. સંડાસ જવા માટે થોડે દૂર જંગલમાં જવાનું હતું પણ પગ મંડાતો જ ન હતો. હવે શું કરવું ? ઘણી વાર માનસિક ઉત્સાહને શારીરિક અક્ષમતા લાચાર બનાવી દેતી હોય છે. હું જેમ તેમ કરીને સંડાસ તો જઈ આવ્યો, પણ હવે શું કરવું ?
મંદિરના પૂજારી વગેરેએ મારી હાલત જોઈ. સૌને લાગણી થઈ. સૌ એમ સમજતા હતા કે આ નાદાન છોકરો છે, ખોટી હઠ લઈને નીકળ્યો છે. આમ તો કદાચ બે-પાંચ દિવસ જો હું રોકાઈ જાઉં તો પગે ઠીક થઈ જાય, પણ નિયમ હતો કે એક દિવસથી વધુ રોકાવું નહિ. અંતે સૌની વિદાય લઈને હું લંગડાતો લંગડાતો નીકળ્યો. રેલવે સ્ટેશન દૂર હતું. ત્યાં પહોંચ્યો. સ્ટેશનમાસ્તરને મારા પગની દશા બતાવી અને કહ્યું કે મારે પ્રયાગરાજ કુંભમેળામાં જવું છે. હું પૈસો પાસે રાખતો નથી. મને રેલવેમાં બેસવાની વ્યવસ્થા કરી આપો.
સ્ટેશન માસ્તર ભલો માણસ હતો, અથવા પરમેશ્વર તેના હૃદયમાં વસી ગયો એટલે એક ટ્રેનમાં મને બેસાડી દીધો. રહી રહીને પગના ફોલ્લા તરફ મારું ધ્યાન જતું હતું. અરેરે શું ધાર્યું હતું ને શું થઈ ગયું ? પ્રયાગરાજ સુધી પગપાળા જવા વિચારેલું પણ ઉત્સાહની ઘેલછાએ હું એટલું અને એવું ચાલ્યો કે પગમાં ફોલ્લા પડી ગયા. જીવનમાં પણ આ જ નિયમ કામ કરે છે.મધ્યમમાર્ગથી ચાલો તો ઠેઠ લક્ષ્ય પહોંચાય. પણ જો દોડવા માંડ્યા તો કદાચ અધવચ્ચે પણ ન પહોંચાય. પછી એ દોટ પરમેશ્વર તરફ હોય કે ભોગો તરફ હોય, દોટ એ દોટ છે. કોઈ વાર કોઈ પ્રસંગે જરૂરી પણ હોય છે, પણ જીવનની સમતુલા તો મધ્યમમાર્ગમાં જ રહેલી હોય છે. ઉત્સાહ વિના મહત્ત્વનું કાર્ય ન થઈ શકે, પણ ઉત્સાહ ઉપર વિવેકનું નિયંત્રણ જરૂરી છે.
ટ્રેન ચાલી રહી હતી અને હું મારા ગુજરાતની સીમા પૂરતા પગપાળા પ્રવાસનું પુનરાવલોકન કરી રહ્યો હતો. ત્યાં સ્ટેશન આવ્યું ને ટ્રેન ઊભી રહી.નામ વાંચ્યુંઃ ડેડાણ્યાચે.
આભાર.
સ્નેહલ જાની