નાયિકાદેવી - ભાગ 17 Dhumketu દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

નાયિકાદેવી - ભાગ 17

૧૭

અર્ણોરાજની રાજભક્તિ

જનારમાં પાટણની ભક્તિ હતી, આવનારમાં રાજની ભક્તિ હતી. જનાર પાટણને બચાવવા રાજાને પણ હણે, આવનાર રાજાને બચાવવા પાટણને છેલ્લી સલામ કરી લે. બંનેમાં એ મહાન તફાવત હતો – ચાંપલદે ને અર્ણોરાજમાં. એક માત્ર નારી હતી, બીજો જમાનાજૂનો જોદ્ધો હતો. મહારાણીબા અર્ણોરાજને આવતો જોઇને કુદરતી રીતે જ બંનેની વિશેષતાઓ મનમાં તોળી રહી.

અર્ણોરાજ પાસે આવ્યો. મહારાણીએ તેને પાસેનું આસન બતાવ્યું. અર્ણોરાજ નજીક આવ્યો. 

મહારાણીબાએ એની સામે જોયું. કોઈ  જાતની ગભરામણ એ ચહેરા ઉપર ન હતી. રાણી અર્ણોરાજનું મન માપી ગઈ. ભીમદેવ પાસેથી આ રીતે કામ લેવાશે, એવી ગણતરી ઉપર આ રમી રહ્યો હોવો જોઈએ. બાકી વિજ્જ્લદેવને હણવાની વાત એને પણ અવ્યવહારુ લગતી હોવી જોઈએ. રાણીને જરાક ધરપત થઇ.

‘અર્ણોરાજ!’ રાણીએ પૂછ્યું, ‘આ તેં શું ઉપાડ્યું છે?’

‘શું, બા?’

‘શું બા? જાણે કેમ તારાથી અજાણ્યું હોય? તેં મને વાત પણ કરી નહિ?’

‘શાની વાત છે, મહારાણીબા?’

‘ભાંગેલી બુર્જ પાસે આજ રાતે કોણ-કોણ ભેગા થવાના છો?’

‘અમે સૌ, કેમ?’ અર્ણોરાજ ઠંડી રીતે બોલી રહ્યો હતો. 

રાણીનો અવાજ તીખો બન્યો: ‘હજી તો તું પૂછે છે, કેમ? શું તને ખબર નથી કે આપણે અત્યારે આંતરવિગ્રહની દિશામાં પગલું ભરવું નથી? મહારાજ પ્રત્યેની ભક્તિ એક તમારામાં જ આવી ગઈ હશે! હું તો મહારાજની કાંઈ નથી, કેમ?’

અર્ણોરાજ ખડખડાટ હસી પડ્યો, અરે બા, આ વાત છે? પણ તમે જનેતા છો. તમારાથી ક્યાં અજાણ્યું છે કે મહારાજ ભીમદેવને એક-એક પળે, એક-એક લડાઈ જોઈએ છે. વિજ્જ્લ ઉપર એણે નહિ લઇ જાઓ, તો આભડ શ્રેષ્ઠી પર એ ખાબકશે. જે અટકાવવા માંગો છો, મહારાણીબા! એ સામે આવીને ઊભું રહેશે અને ત્યારે શું થશે? મહારાજ ભીમદેવનું ગૌરવ હણાઈ નહીં જાય? મને પાટણ વહાલું છે બા, પણ મહારાજ ભીમદેવના ગૌરવ વિનાનું પાટણ શા કામનું? એટલે મહારાજ ભીમદેવનું ગૌરવ પાટણમાં ન હણાય, માટે આ બખેડો ઊભો કર્યો છે. મહારાજ પાસે કોઈની કાંઈ વિસાત નથી. પાટણમાં ફરીને અંદર-અંદર જુદ્ધ થતું હું નહિ જોઈ શકું. મહારાજની દોડતી શક્તિ અગાધ છે. હું એમને માથે ભારતવર્ષનો સોનેરી મુગટ દેખી રહ્યો છું. આ તો કોઈ દૈવી અંશ પાટણમાં આવેલ છે. જો જેને વીજળી સામે લડવું હોય તો વીજળીને તલવારથી કાપે! આ પુરુષને અવ્યવહારુ આડે માર્ગે, દોરનારા દોરશે, તો પાટણ પડશે. હું મહારાજનો નમ્ર ભક્ત છું. એટલે મારી રીતે મહારાજને સાચવી રહ્યો છું.’

‘એટલે આ વિજ્જ્લ પર જવાનું તેં નક્કી કર્યું છે?’

અર્ણોરાજે નિ:શંકપણે જવાબ વાળ્યો, ‘હા, બા!’

રાણીએ વેગમાં પૂછ્યું, ‘એમાં કેટલું જોખમ છે એ તું જાણે છે?’

‘હા, એ પણ જાણું છું. પણ એક જ રસ્તો છે.’

‘શેનો? શેનો એક જ રસ્તો છે?’

‘પાટણને આંતરવિગ્રહથી બચાવવાનો. મહારાજ ભીમદેવ જેવો રણઘેલો રાજકુમાર, મહારાજ અજયપાલના જેવા ભગવાન રુદ્રાવતારનું ઘેટામૃત્યુ તમારા કહેવામાત્રથી સાંખી રહેશે, એમ? એને વેર નહિ લેવા દ્યો, તો એનામાં અશક્તિ આવશે. વેર લેવા દેશો તો આંતરવિગ્રહ આવશે. પસંદગી તમારે કરવાની છે, બા!’

રાણીને અર્ણોરાજની ભીમભક્તિ પ્રત્યે માન ને આકર્ષણ હતા, પણ આજે તો એણે જોયું કે અર્ણોરાજે વહાલસોયી માતાને પણ ભૂલાવી દે, એવી રીએત ભીમદેવના મનના ખૂણેખૂણાને સાચવ્યો હતો. વાત એની સાચી હતી. ભીમદેવ કદાપિ પણ વેર ભૂલી જ ન શકે. અને એમાં બાપણું આવું મરણ, એના જેવા શક્તિના સાગરને ન ખટકે, એમ કેમ  બને?

‘પણ તું આ રસ્તે ભીમદેવને ક્યાં દોરી જાશે?’

અર્ણોરાજે બે હાથ જોડ્યા, ‘બા! તમારી રાજનીતિ વિરુદ્ધ એક પગલું પણ કુમાર ભીમદેવ ભરવાના નથી એની ખાતરી રાખજો. તેથી તો બા મેં આ પગલું ભરાવ્યું છે.’

રાણી વિચારમાં પડી ગઈ. અર્ણોરાજને એણે જોદ્ધો ધાર્યો હતો, રણપુરુષ કલ્પ્યો હતો, પણ એ ભારતના જમાનાનો ભીષ્મ હતો. તેનું તેના પ્રત્યે વધુ આકર્ષણ થયું. અર્ણોરાજ આગળ બોલ્યો, ‘મહારાણીબા! કુમાર ભીમદેવની વયતમે શું ધારો છો?’

રાણીને નવાઈ લાગી: ‘કેમ એમ પૂછ્યું, અર્ણોરાજ? વય, એની ઉમ્મર?’

‘હા, બા.’

‘એ તો આખી દુનિયા જાણે છે!’

‘મહારાણીબા! કોઈ જાણતું નથી. રાજકુમાર ભીમદેવનું વય, રાજનીતિમાં પાંચ વર્ષનું છે. પણ લડાઈના મેદાનમાં તરુણ જોદ્ધાનું છે અને સો વર્ષના અનુભવી રણખેડનારાનું પણ છે. તો રાજવ્યવસ્થામાં ભાગ્યે જ પાંચ વર્ષનું છે. તો સેના દોરવામાં એને કોઈ વય જ નથી. જાણે કે એ સેનાની જ જન્મેલ છે. ત્યાં એને વય નથી, અને તેની કોઈ વડ પણ નથી. એ જશે, વિજ્જલ ઉપર પણ ઉતરશે, વિંધ્યવર્મા ઉપર!’

‘હેં?’ મહારાણીબાને અર્ણોરાજની રાજનીતિના આ ઊંડાણની કલ્પના પણ ન હતી. તે સાંભળી રહી.

મહારાણીબાએ મનમાં કાંઈક નિશ્ચય કર્યો હોય તેમ જણાયું. તેણે અર્ણોરાજને કહ્યું, ‘અર્ણોરાજ! ત્યારે તું આંતરવિગ્રહ વિશે જાગ્રત છે એટલે બસ. હવે તું તારે જા. તારો વખત થઇ ગયો હશે.’

અર્ણોરાજ નમીને ગયો. પણ તે સમજ્યો હતો. મહારાણીબાએ એટલી વારમાં કોઈક સંકલ્પ કરી લીધો હતો. 

પણ એ શું હશે – એ તો પછી જ જાણી શકાય.

અર્ણોરાજ ગયો, મહારાણીએ વિશ્વંભરને બોલાવ્યો.