નાયિકાદેવી - ભાગ 16 Dhumketu દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

નાયિકાદેવી - ભાગ 16

૧૬

ભોળિયો ભીમદેવ

આથમતી સંધ્યા સમયે મહારાણીબાની અશાંતિનો પાર ન હતો. સવારે વિંધ્યવર્માનો સંધિવિગ્રહિક મળ્યો. તેને રોકી લેવાની યુક્તિ સફળ થઇ. પણ સાંજે વિશ્વંભરે એક બીજા સમાચાર આપ્યા અને મહારાણીબાને લાગ્યું કે પોતે ગમે તેટલું કરે, પાટણના પતનની શરૂઆત હવે થઇ જ ચૂકી છે. એને કોઈ જ રોકી નહીં શકે. એમને ઘડીભર નિરાશા થઇ ગઈ. કર્પૂરદેવીનું મહાભાગ્ય એને આકર્ષી રહ્યું. 

પણ એની ધીરજ મોટા-મોટા નરપુંગવોને હંફાવે તેવી હતી. વિશ્વંભર સમાચાર આપીને જતો હતો. તેને તરત જ એમણે પાછો બોલાવ્યો. વિશ્વંભર આવ્યો. મહારાણીબા પોતાના વિશાળ ખંડમાં આમતેમ આંટા મારી રહ્યાં હતાં. એનું મન અસ્વસ્થ હતું. ચિત્તમાં અશાંતિ જન્મી હતી. એને લાગ્યું કે જે પ્રશ્ન એણે માંડ-માંડ દફનાવ્યો હતો તે હજી ભોળિયો ભીમદેવ સજીવન રાખી રહ્યો હતો. એણે વિશ્વંભરને પૂછ્યું, ‘વિશ્વંભર! તેં કહ્યું, એ લોકો અરધી રાતે મળવાના છે, એમ? ખાતરી છે વાતની? ડાભીને સોઢા શું એટલા માટે આવ્યા છે?’

‘હા મહારાણીબા! મળવાના છે એટલું જ નથી, ઊપડવાના પણ છે.’

‘ઊપડવાના છે? ક્યાં ઊપડવાના છે? કોણ ઊપડવાના છે?’

‘બા, મહારાજકુમાર ભીમદેવના મનની એક વિશિષ્ટતા તમે જાણો છો.’

‘લીધી વાત ન મૂકવી તે, હા, એ હું જાણું છું.’

વિશ્વંભરે માથું નમાવ્યું, ‘ત્યારે એવા માણસો અપરાજિત રહેવા જન્મ્યા હોય છે. એ હાર સ્વીકારે નહિ, હાર માને નહી, હારને ગણે પણ નહિ.’

‘એ બધું ઠીક છે વિશ્વંભર! ભીમદેવ બહાદુર છે, પણ ભોળિયો છે. એને અર્ણોરાજે ચડાવ્યો લાગે છે. અર્ણોરાજ ક્યાં છે? એને તું બોલાવી લાવ. વિંધ્યવર્માનો સંધિવિગ્રહિક આંહીં બેઠો હોય, અને આવી સભાની એને સનસા આવે, એનો અર્થ ભીમદેવ તો ન સમજે – પણ આ ડોસો પણ નથી સમજતો? તું એને બોલાવી લાવ. જ, જ્યાં હોય ત્યાંથી આંહીં પકડી લાવ.’

વિશ્વંભર નમન કરીને જતો હતો ત્યાં રાણીએ કહ્યું, ‘પેલો કવિ આભડ શ્રેષ્ઠીને ત્યાં ક્યારે જવાનો છે?’

‘કાલે સવારે.’

‘તો આભડ શ્રેષ્ઠીને ત્યાં માણસ મોકલ. ચાંપલદે આંહીં આવી જાય. ભીમદેવના મનમાંથી હજી વાત જતી નથી.’

વિશ્વંભર પાછલું વાક્ય સાંભળીને વિચારમાં પડી ગયો. એને કુમારદેવે પોતાની શંકા કહી હતી કે મહારાજ અજયપાલના મરણ પહેલાં થારાપદ્રમાં એક સભા થઇ હતી. એમાં જૈન ધર્મદ્વેષી તરીકે અજયપાલને હણવાની અગત્ય ચર્ચાઈ હતી. એમાં આભડ શ્રેષ્ઠી હતા. એ વિશેની શંકા ઘર કરી ગઈ હતી.

એ સાચી હો કે ખોટી પણ કરોડો દ્રમ્મનો સ્વામી અત્યારે પાટણથી વિમુખ થાય તેમ કરવું, એમાં રાજનૈતિક ડહાપણ ન હતું અને આર્થિક પતન તો તત્કાલ હતું. આભડ શ્રેષ્ઠી એટલે આખું ધનિક પાટણ!

એટલે આ શંકાને કુમારદેવે મનમાં રાખી. મહારાણીબા પી ગયાં પણ ભોળિયો ભીમદેવ, એને તલવારની અણી ઉપર બાંધીને ફેરવતો હતો!

આજે એણે મધરાતે પોતાના જેવા શુદ્ધ રાજપૂતરંગી, વૈરશુદ્ધિમાં માનનારાઓનો એક મેળાવડો ગોઠવ્યો હતો. 

કોઈને ખબર ન હતી, પણ ભોળિયો ભીમદેવ રાજમાતાના મનની એક વાત જાણતો હતો. બિલ્હણ આંહીં હોય, ત્યાં જ મહારાણીબા કુમારદેવને માલવા મોકલવાનાં.

એટલે બરાબર મધરાતે, જ્યારે મહારાણીબા કુમારદેવને માલવપ્રયાણના આશીર્વાદ આપવા રોકાયાં હોય, ત્યારે આ અપ્તરંગી શુદ્ધ રાજપૂતી સુભટો પણ ઊપડવાના હતા. એ વિજ્જ્લદેવને હણવા જવાના હતા. વિજ્જ્લદેવ હણાવો જ જોઈ – એ એમની પ્રતિજ્ઞા હતી.

અને આભડ શ્રેષ્ઠીએ પાટણ છોડવું જોઈએ – એ ભીમદેવનો સંકલ્પ હતો.

મધરાતે પાટણના ભાંગી બુરજના ભોંયરામાં આ બધા યોજના માટે ભેગા થવાના હતા. એમાં અર્ણોરાજ પણ આવવાનો હતો.

રાણીએ અર્ણોરાજને એટલા માટે બોલાવરાવ્યો કે ભીમદેવના સાન્નિધ્યમાં રહેતા એકલરંગી વીર સૈનિકોમાં એનું ડહાપણ અનોખું હતું.

બાકી કુમાર ભીમદેવનો કોઈ સૈનિક ઉન્માદભરેલી લડાઈમાં કોઈને નમતું જોખે એમાં માલ ન હતો. એ એક-એક સૈનિક, સો-સો સૈનિક જેવો હતો અને એવા પોતાના એક શતવીરોની ઉપર ભીમદેવને ગજસેનાના કરતાં પણ વધારે વિશ્વાસ હતો. 

રાણીને ભીમદેવની આ બહાદુરી અકળાવનારી જણાતી હતી. એ આકરી લાગતી હતી, તો ક્યારેક એની વાતોથી એ ઉત્સાહમાં આવી જતી. એને પણ પાટણ ઉપર અભિનવ સિદ્ધરાજ આણવો હતો અને એ શક્યતા એને પોતાના આ ભીમદેવમાં જણાતી હતી! મૂલરાજ શૂરવીર હતો, છતાં પ્રમાણમાં ઘણો જ શાંત હતો, એટલે ભીમદેવનો સૈનિક જુસ્સો મરી ન જાય અને છતાં એ વિવેક રાખે – એ મહારાણીએ જોવું હતું.

વિશ્વંભર ગયા પછી રાણી, ચાંપલદેની પ્રતીક્ષા કરતી ત્યાં બેઠી. એને આ છોકરીમાં વિશ્વાસ હતો. બીજું એ ગમે તે કરે, પરંતુ જીવનના જોખમે પણ, પાટણનો દ્રોહ એ ન કરે, એટલી એને પાટણ નગરી વિશે પ્રીતિ હતી. એનામાં એ સચ્ચાઈ હતી. 

મહારાણી ચાંપલદે પાસેથી જ શ્રેષ્ઠીની વાત જાણવા માંગતાં હતાં. બાપની દીકરી વાત કહી દે, એ વસ્તુ અશક્ય હતી. પણ મહારાણી નાયિકાદેવીને વિશ્વાસ હતો. ચાંપલદે પાટણને નામે જીવ કાઢી આપે! પાટણના ગૌરવ માટે મરી ફીટવાની તમન્નાવાળાઓ જે થોડાઘણા હતા, તેમાં આ સત્તર-અઢાર વર્ષની છોકરીનું નામ સૌથી મોખરે હતું. એ છોકરી ન હતી, કોઈની પ્રેમિકા પણ ન હતી, આભડ શ્રેષ્ઠીની દીકરી પણ ન હતી, એ તો મૂર્તિમંત પાટણની જાણે પ્રેમભક્તિ હતી! ઘણી વખત લાગતું કે પાટણમાં અનેક જન્મ્યા હશે અનેક મર્યા હશે, પણ એની ધૂળના કણેકણમાં, સૌંદર્યસાગર નિહાળનારી તો આ એક જ હતી.

રાણીએ ચાંપલદેના સ્વભાવ ઉપર મદાર બાંધ્યો હતો.

ભોળિયો ભીમદેવ પાટણના રાજકારણ ઉપર આ એક લટકતી શમશેર રાખ્યા કરે, તો એ ખરે વખતે એના પોતાના ઉપર જ તૂટી પડે, અને એ ખરો વખત પણ હવે ક્યાં આઘે હતો?

રાજમાતા નાયિકાદેવી પાટણના ભૂતકાળના પાછલા દિવસો સંભારી રહી. મહારાજ અજયપાલની વીરતાભરેલી રુદ્રમૂર્તિ, અને સોમનાથ કાવડ લઈને જતા મહારાજ સિદ્ધરાજને કલ્પનામાં દેખી રહી. તે જરાક આંખો મીંચીને દિવાસ્વપ્નમાં હોય તેમ શાંત થઇ ગઈ.

પગનો ઘસારો થયો ને તે જાગી.

દીપીકાઓ પ્રગટતી હતી. પ્રગટાવનારાના પગનો અવાજ હતો. તે પાછી શાંત થઇ ગઈ.

એમ કેટલી વાર ગઈ એની એને ખબર ન રહી. પણ એટલી વારમાં તો એ પોતાના બાળપણના ગોપકપટ્ટામાં ફરી આવી. રુદ્રમાળ દેખી આવી. વહાણમાં સોમનાથના સમુદ્રકિનારે જઈ આવી. સેંકડો ને હજારો શંકરભક્તોની ભીડ વચ્ચે ઘૂમી આવી, ભગવાન સોમનાથના ચરણે કમળ ધરી આવી, અને છેલ્લે છેલ્લે કર્પૂરદેવીની અગ્નિશિખાના સ્પર્શે ઝબકીને જાગી ગઈ. એણે જોયું તો એની સામે ચાંપલદે બે હાથ જોડીને ઊભી હતી.

‘મહારાણી બા! મને યાદ કરી?’

‘આવ, આવ, ચાંપલદે! હા, તને યાદ કરી છે. પણ તે શું કહું? મહારાણીબા? ના, મહારાણીબાએ તને યાદ નથી કરી.’

ચાંપલદે નવાઈ પામી ગઈ. એણે મહારાણીબાની વાણીનો પ્રભાવ જોયો હતો. આજે એમાં કાંઈક જુદી જ વસ્તુ હતી.

‘શું છે, બા? મને કેમ યાદ કરી છે?’

‘જો તું પાટણની પુત્રી છે. હું પણ પાટણની પુત્રી છું.મોટી બહેન નાની બહેનને બોલાવે એમ મેં તને બોલાવી છે. આંહીં મારી પાસે બેસ. મારે થોડી પેટછૂટી વાત કરવી છે. તું ભીમદેવને ઓળખે છે? એટલે કે કોઈ દિવસ એને ખરેખર મળી છે?’

ચાંપલદે હવે સાચેસાચ ચમકી ગઈ. એને થયું હાય રે! ક્યાંક અર્ણોરાજના લવણના ઘરસંસાર જેવી વાત આમાંથી નીકળી પડે નહિ! રાજાના છોકરાના મનનું શું ઠેકાણું?

‘ચમકી ગઈ નાં?’ નાયિકાદેવીએ હસીને કહ્યું, ‘ચમકતી નહિ.. હું તારી મા પણ છું. તને કોઈ અઘટિત વેણ નહિ કહું. પણ રાજકુમાર ભીમદેવ સેંકડો હાથીઓની વચ્ચે એકલો યુદ્ધ કરે તેવો છે. આજ જમાનો લડાઈનો છે. ત્રણ-ત્રણ તરફથી પાટણ ઘેરાયું છે. એ વખતે આપણે આંગણે શાંતિ જોઈએ અને આવા મહારથીઓના મન ઉત્સાહથી ભરેલાં રહેવા જોઈએ.’

રાણીએ શું કહેવું હતું તે ચાંપલદે હજી સમજી શકી ન હતી. એટલું જ સમજી કે કોઈ અટપટી વાતની આ પ્રસ્તાવના છે.

તેણે બે હાથ જોડ્યા, ‘મહારાણીબા! જે હોય તે કહી નાખો. વિશ્વાસ રાખો, હું તમને કોઈ દી દગો નહિ દઉં!’

‘તું દીકરી! મને કે પાટણને દગો દેશે, ત્યારે હું ધરતી પર કોઈનો વિશ્વાસ નહીં કરું. પછી તો  ભગવાન સોમનાથને કહીશ કે તું મને થોડું ગાંડપણ દે, તે વિના આવો ઘા સહી નહિ શકાય!’

‘અરે બા! એવું કાંઈ હોય? તમારે જે કહેવું હોય તે ખુશીથી કહો!’

‘આ ભીમદેવ, દીકરી! જેવો શૂરવીર છે, એવો વહેમી છે, હઠીલો છે, લીધી વાત એ મૂકે તેવો નથી. એની શૂરવીરતાની આ મોટી મર્યાદા છે.’

ચાંપલદે એક ક્ષણમાં સમજી ગઈ. વાત આવી આવીને મહારાજ અજયદેવની ઘાતની શંકા ઉપર અટકવાની હતી. 

તેણે બે હાથ જોડ્યા, ‘મહારાણીબા! અમારા ઘર ઉપર રાજકુમારને શંકા છે, એની વાત છે ના?’

‘હા દીકરી! એમાં સત્ય કેટલું એ તું મને કહે, તો મને ખબર પડે. બોલ, તું કહીશ! કહી શકીશ? પણ જો હું મા, તને દીકરીને પૂછું છું અને એટલા માટે પૂછું છું કે તારા ભોળિયા ભાઈનું મન શંકાથી પર થઇ જાય, તો પાટણને એની અનોખી બહાદુરીનો રંગ જોવા મળે અને શ્રેષ્ઠીજીની અઢળક સંપત્તિ પાટણનો વૈભવ વધારતી રહે, તું સાચું બોલજે. આપણે બીજો ઉપાય પણ કરી શકી શું. આભડ શ્રેષ્ઠી ધારાપ્રદ્ર ગયા હતા એ સાચું કે ખોટું?’

‘એ સાચું!’ ચાંપલદે એ નિર્ભયતાથી કહ્યું. રાણી તેની તેજસ્વી નિર્મળ મોટી આંખો સામે જોઈ રહી. એમાં ક્યાંય ભય ન હતો. 

‘તો-તો દીકરી! ત્યાં મહારાજના ઘાતનો નિર્ણય થયો, એમ કુમારદેવ કહેતો હતો. પણ હવે આપણે શું કરવું છે દીકરી? પાટણમાં દરેક પટ્ટણી હોવો જોઈએ.’

‘મારા પિતા અત્યારે હવે શ્રેષ્ઠ પટ્ટણી છે. જે વાત થઇ ગઈ તે થઇ ગઈ!’

‘ત્યારે તું કહે દીકરી! ભીમદેવની શંકા જાય તો જ આભડ શ્રેષ્ઠીજી આંહીં ઠરીઠામ રહે. તું એ માને છે?’

‘હા.’

‘એ શંકા હવે એક જ રીતે જાય.’

‘કઈ રીતે?’

‘જો દીકરી! તારે કાંઈક એવું પગલું ભરવું ઘટે છે કે તમારું ઘર શંકાથી પર થઇ જાય. એમાં પાટણનો જયવારો, મેં તને આટલું કહેવા માટે બોલાવી હતી. અત્યારે એનો સમય છે. તમારે ત્યાં પ્રહલાદનદેવજી છે. એમના પ્રત્યે જૈનોનો તિરસ્કાર જાણીતો છે. એ વિદ્વાન કવિ છે. એટલે બિલ્હણ ત્યાં આવશે. બિલ્હણ રાજકવિ છે. તમને એ પરિચિત પણ છે. બિલ્હણ રાજદ્વારી લાભ ઉઠાવવાનું કહેશે.’

‘હા...’ ચાંપલદેને મહારાણીબાની અગમબુદ્ધિનો પ્રભાવ હવે સમજાયો. તે છક્ક થઇ ગઈ. બિલ્હણ પોતાને ત્યાં આવે, ત્યારે જ સંભવિત હતું કે એ પાટણનું કાંઈ ને કાંઈ જાણવા મથે, અથવા તો માલવા સાથે આ તરફના કોઈનો સંપર્ક સ્થાપવા પ્રયત્ન કરે. 

આ પ્રયત્ન શ્રેષ્ઠીજીના ઘરમાં થાય. તેવી જો શ્રેષ્ઠીની સહાય વડે આવો કોઈ પ્રયત્ન પકડી શકાય, તો સૌ જાણે કે શ્રેષ્ઠીજી આમાં ભળવા માગતા નથી. એ પાટણના જ છે. શ્રેષ્ઠીનું ઘર તરત શંકાથી પર થઇ જાય. 

ભોળિયા ભીમની શંકા એ રીતે જાય!

મહારાણીબાની વાતમાં આટલું બધું ઊંડાણ હતું, એ જોઇને ચાંપલદે નવાઈ પામી. 

એને લાગ્યું કે જેની પાસે આટલી આગમ-બુદ્ધિ ભરી વાતો હોય તે ધાર્યું પરિણામ લાવી શકે.

પાટણની એક મહાન રાણીને પોતે મળી રહી છે એ વિચાર આવતાં એને ઉત્સાહ આવી ગયો. તેણે બે હાથ જોડ્યા, 

‘મહારાણીબા! હું પાટણની છું ને પાટણની રહીશ. અત્યારના પ્રસંગે જે યોગ્ય હશે, તે થશે જ. મહારાણીબા! તમે નિશ્ચિત રહેજો. બિલ્હણજીની એવી જે કોઈ વાત હાથ આવશે, તે તરત આંહીં આવી જશે. એમાં અમારું પણ હિત છે.’

નાયિકાદેવીએ તેના માથા ઉપર હાથ મૂક્યો, ‘દીકરી! તારા જેવી પુત્રીઓ પાટણમાં પાકે છે, ત્યાં સુધી તો હું નિશ્ચિંત જ છું. કોઈ કસોટીમાં તું ઓછી નહિ ઉતરે. હવે તું તારે જા!’

ચાંપલદે પ્રણામ કરીને જતી રહી, એટલામાં જ અર્ણોરાજે પ્રવેશ કર્યો.