ઔરોં મેં કહાં દમ થા
- રાકેશ ઠક્કર
અજય દેવગનની નવી ફિલ્મ ‘ઔરોં મેં કહાં દમ થા’ (2024) અક્ષયકુમારની ‘સરફિરા’ ને સારી કહેવડાવે એવી છે. અક્ષયકુમાર સાથે ‘સ્પેશ્યલ 26’ જેવી ફિલ્મ આપનાર નિર્દેશક નીરજ પાંડે પાસે ‘ઔરોં મેં કહાં દમ થા’ જેવી ફિલ્મની આશા ન હતી. વાર્તા, પટકથા, ગીત કે સંગીતમાં પણ કોઈ દમ નથી. વારંવાર આવતા ગીતો ધીમી ચાલતી વાર્તામાં કંટાળો આપે છે.
ફિલ્મમાં કૃષ્ણા અને વસુધાની પ્રેમકહાની છે. બંને એકબીજાને હદથી વધારે પ્રેમ કરે છે. વિયોગની વાતથી થથરી જાય છે. પણ અચાનક એમના જીવનમાં એક ભૂકંપ આવે છે. વસુધા સાથે લગ્ન કરવાનું સપનું જોતાં કૃષ્ણાને એક ગુનામાં 25 વર્ષની સજા થઈ જાય છે. જેને જેલ કયા ગુનામાં થાય છે અને એની એ પછીની જિંદગી કેવી હોય છે એ ઉપરાંત જેલમાંથી છૂટયા પછી વસુધાને મળી શકે છે કે નહીં? અને એના જેલમાં જવાનું રહસ્ય શું છે એ જાણવા ફિલ્મ જોવી પડે એમ છે.
શરૂઆતમાં અજયને જેલમાં બતાવવામાં આવ્યો છે અને બેકગ્રાઉન્ડમાં ‘કિસી રોજ’ ગીત ચાલી રહ્યું છે. તે એટલું વિચિત્ર લાગે છે કે એના પરથી શંકા જશે કે નીરજ પાંડે સેટ પર નહીં હોય. ફિલ્મમાં સમય સાથે હીરો અને હીરોઇનના ચહેરા બદલાય છે પણ વિલનનો ચહેરો એવો જ રહે છે. જેલમાં ડ્રોનથી લેવામાં આવેલા શોટ્સ નકલી લાગે છે. એમાં મુંબઈની ચાલી અસલી લાગે છે પણ બહારનું જે વાતાવરણ છે એ બીજા રાજયનું લાગે છે.
નિર્દેશકે "ઔરોં મેં કહાં દમ થા" બે-ત્રણ વિદેશી ફિલ્મો ભેગી કરીને એવી બનાવી છે કે અડધી જોયા પછી એમ થશે કે હજુ પૂરી કેમ થઈ નથી. બીજા ભાગમાં પણ દર્શકોની ધીરજની પરીક્ષા લેવામાં આવી છે. દર્શકો કોઈ દ્રશ્ય સાથે જોડાઈ શકતા નથી. ત્રીસ વર્ષ પહેલાંના સમયની ચાર લીટીની વાર્તાને અઢી કલાક સુધી લંબાવવાની કળા માટે નીરજને એવોર્ડ મળી શકે છે. અઢી કલાક પણ પચીસ કલાક જેટલા લાગે છે.
ક્લાઇમેક્સ પર પહોંચીને વળી બાલિશ ટ્વીસ્ટ જોવા મળે છે. નિર્દેશક ફિલ્મને લંબાવવા માટે એક જ દ્રશ્યને જુદા જુદા એંગલથી ત્રણથી વધુ વખત બતાવે છે. ફિલ્મમાં જે ટ્વીસ્ટ છે એને પણ ત્રણ વખત બતાવી છે. ફિલ્મ શું કહેવા માગે છે એ સમજાતું નથી. ફિલ્મ કઈ તરફ જઇ રહી છે એનો શરૂઆતથી ક્લાઇમેક્સ સુધી અંદાજ આવી જાય છે. સસ્પેન્સ ઊભું કરવાનો પ્રયત્ન થયો એમાં નિર્દેશક નિષ્ફળ રહ્યા છે. ફિલ્મનો અંત આજની પેઢીને કદાચ ગમી નહીં શકે. આમ પણ ફિલ્મ 30 વર્ષ પહેલાં બનાવવામાં આવી હોત તો કદાચ પસંદ થઈ હોત. અજય દેવગનની ‘ઔરોં મેં કહાં દમ થા’ ના ટાઇટલથી જ ચેતવણી મળી ગઈ હતી કે ફિલ્મને અંત સુધી જોવાનો કોઈનામાં દમ નથી! સૌથી મોટો પ્રશ્ન એ છે કે કઈ બાબતે એમાં દમ હતો?!
અજય દેવગન અને તબ્બુ નબળી સ્ક્રિપ્ટને કારણે પોતાની અભિનય પ્રતિભા બતાવી શક્યા નથી. બાકી આ બંનેની જોડી વર્ષોથી કમાલની રહી છે. અજય બોડી લેન્ગ્વેજથી અભિનય કરી જાય છે. તબ્બુ સાથે અજયની જોડી ‘દ્રશ્યમ’ પછી વધુ ઉત્સુકતા જગાવતી રહી છે. પણ એમના કરતાં એમની યુવાનીના પાત્રોને વધુ ફૂટેજ આપવામાં આવ્યા છે. શાંતનુ અને સઈ માંજરેકરે પ્રભાવિત કર્યા છે. મહેમાન ભૂમિકામાં જિમી શેરગિલને સરખી તક જ મળી નથી.
ગીતકાર મનોજ અને સંગીતકાર એમ એમ કિરવાનીએ આજના જમાનાથી અલગ ધીમી ગતિના સારા ગીતો બનાવવાનો પ્રયત્ન કર્યો છે પણ ફિલ્મમાં એ જામતા નથી. સમીક્ષકોએ એમ કહ્યું છે કે અમને મફતમાં ફિલ્મ જોવા મળી ના હોત અને પૈસા ખર્ચવા પડ્યા હોત તો પાછા માંગ્યા હોત. કલાકારોને કેવી રીતે વેડફી શકાય છે એનું પણ આ ફિલ્મ ઉદાહરણ બની શકે છે.