ભીતરમન - 6 Falguni Dost દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ભીતરમન - 6

નવા દિવસનો સૂર્યોદય અનેક ઈચ્છાઓને વેગ આપતો મારામાં એક નવી જ તાજગી સાથે આવ્યો હતો. જેમ સૂર્યની હાજરી અંધકારને દૂર કરે છે, એમ ઝુમરી મારા અંધકારને દૂર કરવા જીવનમાં પ્રવેસી હોય એવું મને આજે લાગી રહ્યું હતું. ખરેખર પ્રેમ શું એ હું જાણતો જ નહોતો. મિત્રો વાત કરતા તો હંમેશા હું મજાકમાં જ એમની લાગણીને લેતો હતો. ઝુમરીને મળ્યા બાદ એ અહેસાસ, એ સ્પર્શ, એ ક્ષણ બધું જ અચાનક મારુ જીવન બની ગયું હતું. પ્રભુની મને પરવાનગી મળી હોય એમ એ સાપનું ત્યાંથી નીકળવું મને આશીર્વાદરૂપ લાગ્યુ હતું, આથી આવુ વિચારી હું ખુદને ભાગ્યશાળી સમજવા લાગ્યો હતો. જીવન એકદમ ગમવા લાગ્યું હતું. મેં બીડીનો સહારો લીધો નહોતો એનો આજે ત્રીજો દિવસ હતો. મન ખુશ હોવું અને મનને ખુશ રાખવા પ્રયત્ન કરવો એ વચ્ચેનો ભેદ મને ઝુમરી અનાયસે સમજાવી ગઈ હતી. ખરેખર દુનિયામાં પ્રેમ છે તો જ બધું છે, એ મને અહેસાસ થવા લાગ્યો હતો. હું ક્યારેક જ મંદિર જતો હતો અને એ પણ માની જીદ ના લીધે જ! પણ, આજે મને મંદિરે જવાનું મન થયું હતું. આજે મારે પ્રભુ પાસેથી આશીર્વાદ લેવા હતા, હું ઝુમરીને મારા જીવનમાં લાવી શકું એ પ્રભુના આશિષ વગર શક્ય જ નહોતું એ મારુ ભીતરમન સ્પષ્ટ જાણતું હતું, આથી જ આજે હું ભગવાનને શરણે ખુદને અર્પણ કરવા મંદિરે પહોંચી ગયો હતો.

સવારની મંગળા આરતી થઈ રહી હતી. હું મંદિરના દાદરા ચડતો ધીરે ધીરે મંદિરમાં પ્રવેશી રહ્યો હતો. મને રાધાકૃષ્ણના ચહેરાના દર્શન થઈ રહ્યા હતા. હું જેમ જેમ દાદરા ચડતો જતો હતો એમ એમ ભગવાનની પ્રતિમા મને સરખી દેખાઈ રહી હતી. મંદિરમાં થોડા લોકોની હાજરી હતી. મંદિરમાં ગૃહપ્રવેશની બારસાખની થોડે સાઈડમાં એક લાકડાનો નકશીકામ કરેલો અરીસો રાખેલ હતો, જેથી દરેક ભક્તો મંદિરના કંકુનું તિલક કરી શકે. આ અરીસો મારા સ્થાનથી એમ દેખાઈ રહ્યો હતો કે, મંદિરમાં હાજર ઝુમરી અને હું એકબીજાને અરીસામાં જોઈ શકીએ. કુદરતની ઈચ્છા સમજુ કે, અમારા નસીબ! એક જ ક્ષણે અમારા બંનેની નજર અરીસામાં મળી હતી. ભગવાનનાં દર્શનના મોહમાં હું આવ્યો હતો પણ નજર ઝુમરી પર જ અટકી ગઈ હતી. ઝુમરી પણ બધાથી નજર ચોરી થોડી થોડી વારે મને જોઈ રહી હતી. આરતી પતી ગયા બાદ હું ભગવાનનાં દર્શન કરી મનોમન એમની જ ઈચ્છા છે કે હું ઝુમરીને મારા જીવનમાં પ્રવેશવા દઉં એમ સમજી ફક્ત દર્શન જ કરીને હું મંદિરના પટાંગણમાં જ પલોંઠી વાળી બેસી ગયો હતો. થોડે દૂર ઝુમરી પણ બેઠી હતી. ઝુમરીનો ચહેરો ભગવાનની સમક્ષ હતો અને હું પિલરના ટેકે એમ બેઠો કે જેથી મને ઝુમરી આરામથી દેખાઈ શકે! આનંદ કંઈક અનેરો જ મળી રહ્યો હતો. 

આધેડવયના પુરુષો મંજીરા, ખંજરીને તબલા સાથે ભજન કરી રહ્યા હતા. ડોશીઓ પણ ભજનમાં સુર પુરાવતા રૂની વાટ અને ફૂલોની માળા બનાવી રહ્યા હતા. સ્ત્રીઓ મંદિરની પ્રદક્ષિણા ફરી રહી હતી તો કેટલીક સ્ત્રીઓ પીપળે પાણી રેડી પૂજા કરી રહી હતી. એમની જોડે આવેલ ટાબરિયાઓ એમની માનું અનુકરણ કરી પ્રસાદ ક્યારે હાથમાં આવે એની રાહ જોતા હોય એમ પ્રસાદની સામે થોડી થોડી વારે જોઈ રહ્યા હતા. હું આ દરેક પ્રવૃતિ અને વાતાવરણની ભાન ભૂલીને ઝુમરીને જ જોઈ રહ્યો હતો. 

હવે, ઝુમરી મંદિરમાંથી ઉભી થઈને મંદિરની બહાર નીકળી ગઈ હતી. હું પણ એની સહેજ વાર પછી ઉભો થઈ મંદિરની બહાર નીકળી ગયો હતો. મંદિર ગામમાં વચોવચ જ હતું. ત્યાંથી થોડે આગળ જતા જ પાઠશાળાનું મકાન હતું. ઝુમરી ત્યાં પહોંચી, એટલી જ વારમાં હું પણ એની પાસે પહોંચી ગયો હતો. ઝુમરી સહેજ હેબતાઈ ગયેલી અને થોડી ખુશી છલકતા મિશ્રિત ભાવ સાથે મને જોવા લાગી હતી.

મેં ઝુમરીને થોડીવાર પાઠશાળાના બગીચામાં મારી સાથે આવવાની એને વિનંતી કરી હતી. પહેલા તો 

એણે તરત ના જ પાડી દીધી હતી. પણ મેં કહ્યું, "આજ રજા હોવાથી પાઠશાળા બંધ છે. ત્યાં શાંતિથી પાંચ જ મિનિટ મારે તારી સાથે વાત કરવી છે." અનિચ્છાએ પણ એ આવવા રાજી થઈ ગઈ હતી.

એ દિવસે મેં ઝુમરી સાથે મારા મનની થનગનાટને જણાવામાં ઉતાવળ કરી દીધી હતી એ મને સમયાંતરે સમજાઈ રહ્યું હતું. કાચી ઉંમર અને પ્રથમ વખતના પ્રેમની આતુરતામાં હું ભાન ભૂલી ગયો હતો. ઝુમરીની સાથે વાત કરવાનો મારો આગ્રહ અયોગ્ય સમયે હતો. 

હું અને ઝુમરી બગીચામાં પહોંચી ગયા હતા. આસપાસ નાના ફૂલછોડ પર ઉડતા રંગબેરંગીન પતંગિયાને જોઈ ઝુમરી પોતાની મનઃસ્થિતિ જાળવી રહી હતી. મેં મારા મનની વાત એની મર્યાદા સાચવીને એનાથી થોડે દૂર બેસતાં કહ્યું, "મને તારી સાથે ગોળ ગોળ વાત કરતા નહીં ફાવે, હું હંમેશા સ્પષ્ટ વાત કરવામાં જ માનું છું. તને જ્યારથી જોઈ ત્યારથી હું તારા તરફ ખેંચાયા રાખું છું. તારા સિવાય મારા મનમાં બીજો કોઈ જ વિચાર નથી. તારી હાજરીથી મારામાં ઘણું પરિવર્તન છે જે અનાયસે જ આવી ગયું છે, જે મારે માટે હિતકારક જ છે. હું મારા જીવનમાં ક્યારેય કોઈ માટે આટલું ખેંચાયો નથી. બહુ જ ઓછા સમયમાં મારી મા પછીનું તરતનું સ્થાન તે લઇ લીધું છે. જો આને જ પ્રેમ કહેવાતો હોય તો હા, મને તારાથી અનહદ પ્રેમ છે. હું મારા જીવનમાં તું કાયમી રહે એવું ઈચ્છું છું. પણ.." આટલું બોલી હું અટકી 

ગયો હતો. આગળના શબ્દો ઉચ્ચારવાની મારામાં હિંમત જ નહોતી, કદાચ ઝુમરીને મેળવ્યા પહેલા જ ખોઈ બેસવાની બીક હતી.

"પણ.. પણ શું?" અત્યાર સુધી ચૂપ સાંભળી રહેલ ઝુમરીએ આગળ જાણવાની જંખના સાથે પૂછી જ લીધું.

"મારું માનવું છે કે, કોઈ પણ સંબંધમાં આગળ વધતા પહેલા હકીકત જણાવવી જરૂરી છે. તો એકબીજાનો વિશ્વાસ મેળવી શકાય છે. તને જે સ્થાન પર હું લાવવા ઈચ્છું છું એ સ્થાન મારા બાપુએ એમની મરજીથી બીજાને આપી દીધુ છે, મારા બાળપણમાં જ ઘોડિયા લગ્ન નક્કી કરી નાખ્યા છે. હું એ છોરીના નામ સિવાય કશું જ એનું જાણતો નથી. મેં હજુય એને જોઈ પણ નથી. બાપુનું વેણ મારે ફરજીયાત માનવું એવો માનો પણ આગ્રહ છે. હું મારો જીવનસાથી પસંદ કરવાનો નિર્ણય મારો જ ઈચ્છું છું. આપણે આપણા જીવનમાં કાયમી સાથ કોનો અપનાવવો એ હક તો આપણો જ હોવો જોઈએ ને!" મારે જે ઝુમરીને કહેવું હતું એ મેં સડસડાટ કહી દીધું હતું. ઝુમરી મારી વાત સાંભળી શું વિચારશે કે એના મનમાં મારે માટે શું ગ્રંથિ બંધાશે એ બધી જ વાતની ચિંતા કર્યા વગર મેં મારુ મન એ અજાણી છોરી પાસે હળવું કરી નાખ્યું હતું.

મેં હવે ઝુમરીની સામે જોયું હતું. એ નીચી નજર કરી બેઠી હતી. મારી વાત કદાચ એને પણ અસહ્ય દુઃખ આપી ગઈ હોય એ એના ચહેરા પરથી જણાઈ રહ્યું હતું.

"મેં મારા મનની વાત તો તને જણાવી દીધી. તું શું ઈચ્છે છે એ હું જાણવા ચાહું છું. તારો જે પણ નિર્ણય હશે એ મને સ્વીકાર્ય હશે પણ, એ વાત હવે મારા તરફથી નક્કી કે તારું સ્થાન મારા જીવનમાં કોઈ લઈ શકશે નહીં. તું શાંતિથી વિચારજે પછી મને કહેજે હું રોજ તને મળવા મંદિર આવીશ. તારા જવાબની હું રાહ જોઇશ." 

ઝુમરી અને મારી આ મુલાકાત એક પક્ષીય વાતે જ પૂર્ણ થઈ અને અમે બંને પોતપોતાના ઘર તરફઃ વળ્યા હતાં. 

ઝુમરી એના મનની લાગણી વિવેકને જણાવવામાં ક્યારે સફળ થશે?શું હશે ઝુમરીનો નિર્ણય?

વિવેકના જીવનમાં આવનાર ઉતારચઢાવને જાણવા જોડાયેલ રહો ભીતરમન સાથે... મિત્રો ફરી મળશું નવા પ્રકરણ સાથે તો ત્યાં સુધી જય શ્રી રાધેકૃષ્ણ.🙏