ભીતરમન - 11 Falguni Dost દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ભીતરમન - 11

મારી વાત માને ખુબ વેદના આપી રહી હોય એવું મને લાગી રહ્યું હોય મેં માને પૂછ્યું, "માં શું થાય છે? માને કદાચ ચક્કર આવી રહ્યા હોય એવું મને લાગ્યું. હું તરત જ માના ખોળા માંથી ઉભો થઈ ગયો અને માને ખાટલા પર ઊંઘાડી, ઝડપભેર હું પાણી લઈને આવ્યો. હું માને પાણી આપું એ પહેલા જ મા આંખ મીંચી લાકડા જેમ ખાટલા પર પડી હતી. મેં મારા જીવનમાં આમ ક્યારેય કોઈને જોયું નહોતું, હું જોઈને ખુબ ગભરાઈ ગયો હતો. હું જોરથી બાપુ નામનો સાદ આપવા ઈચ્છતો હતો, પણ અવાજ ગળામાં જ અટવાઈ ગયો હતો. હું બાપુ પાસે દોડી ગયો, બાપુને કઈ કહું કે બોલું એવી અવસ્થામાં હું નહોતો. આજે બાપુ પણ મારુ મૌન સમજીને  ફળીયા તરફના મારા ઈશારે એ પણ મારી પાછળ ધસી આવ્યા હતા. મેં માને પુઠ્ઠા વડે હવા નાખવાનું ચાલુ કર્યું અને બાપુ તરત પરિસ્થિતિ ભાળી ગયા હોય એમ ડેલીને આખી ખોલીને અમારી ગાડીને ફળીયા સુધી લઈ આવ્યા હતા. ગાય અને ભેંસ પણ એની જગ્યાએ ઉભા થઈ ગયા હતા. ગાય પણ જોરથી ભાંભરવા લાગી હતી. મૂક જાનવરની પણ મા સાથે જે અનન્ય લાગણી જોડાયેલી હતી, એ અત્યારે આવી પરિસ્થિતિમાં પણ મારી નજરે નોંધી જ લીધી હતી. 

પડોશીઓ તરત જ એકઠા થઈ ગયા હતા. શું થયું વીણાબેનને એમ બધા બાપુને પૂછી રહ્યા હતા. બાપુએ બધાને કીધું કે, "એ તો દવાખાને જઈએ તો ખબર પડે!" એમ કહેતા બાપુએ લાલચોળ આંખે એક તીરછી નજર મારી તરફ કરી હતી. મેં માને ઉંચકીને ગાડીમાં પાછળની સીટ પર ઉઘાડી હતી. અને બાપુએ સીધા જ સરકારી દવાખાના તરફ કારને હંકારી હતી.

ઘડીક વારમાં જ અમે દવાખાને પહોંચી ગયા હતા. દવાખાને દાક્તર સાહેબ હાજર નહોતા. તુરંત જ એમને બોલાવવા એક ચોકીદાર એના ઘર તરફ દોડ્યો હતો. આખી શેરીના લોકો પણ દવાખાને બાપુને સાથ આપવા પહોંચી ગયા હતા.

માને શું થયું હશે? એ ભય મને ખુબ અકળાવી રહ્યો હતો. મને આવો મુંજારો મારા જીવનમાં ક્યારેય થયો નહોતો. માને કંઈક થઈ જશે તો? અથવા મા.. 

મારા મનમાં ખોટા વિચારો વધુ ઘૂમી રહ્યા હતા. માની આ પરિસ્થિતિ મારે લીધે જ થઈ હતી. મારુ મન આપોઆપ કુદરતનું સ્મરણ કરવા લાગ્યું હતું. આંખ બંધ કરી ભગવાનને મનોમન પ્રાર્થના કરી કે, "પ્રભુ મારી માને સાચવી લે, મને જે સજા આપો એ મને મંજુર છે. મારી મા સાવ નિર્દોષ છે." હું માને એકી નજરે જોઈ રહ્યો હતો.

દાક્તર સાહેબ એક પેટી લઈને તાબડતોબ આવી ગયા હતા. એમણે એક મશીન કાઢ્યું અને માને તપાસવા લાગ્યા હતા. દાક્તર સાહેબે બાપુને પૂછ્યું કે, "શું થયું હતું?" 

બાપુએ મારી સામે જોઈને મને બોલવા કહ્યું હતું. મેં જે બીના બની હતી એ દાક્તરને જણાવી હતી. એમણે નર્સને અમુક સૂચનાઓ આપી અને માની સારવાર શરૂ કરી હતી. દાક્તર સાહેબે બાપુને એમની કચેરીમાં બોલાવ્યા હતા. હું પણ બાપુ સાથોસાથ કચેરીમાં ગયો હતો. 

દાક્તર સાહેબે બાપુને સૂચના આપતા કહ્યું કે,"બેનને બીપી ખુબ વધી ગયું હોવાથી એમને હૃદયરોગનો હુમલો આવી ગયો છે. એમને ભાન આવે પછી સાચી પરિસ્થિતિની ખબર પડે, હજુ અડતાલીસ કલાક એના માટે ખુબ ભારી છે. એમની સામે કોઈ એવી વાત ન કરવી કે, જેથી એમને ચિંતા થાય."

બાપુએ દાક્તર સાહેબને હાથ જોડીને કહ્યું, "જી સાહેબ! અને સાહેબ વીણાને જીવનો જોખમ તો નથી ને?"

"ના, અત્યારના હુમલાએ તો બહુ નુકશાન પહોચાડ્યું નથી. પણ જો થોડી વારમાં ભાન ન આવે તો જામનગર મોટા દવાખાને લઈ જવા પડશે! આપણે પૂરતા મશીનો અહીં નથી, આથી વધુ સારવાર માટે જામનગર જવું પડશે! ચિંતા ન કરો બીપી કન્ટ્રોલમાં આવી જશે તો સહુ સારા વાના થશે!" દાક્તરસાહેબે દિલાસો આપતા કહ્યું હતું.

હું તો બાપુના પ્રશ્નથી જ ચોંકી ઉઠ્યો હતો. બાપુના પ્રશ્ને મને એ વિચારવા મજબુર કર્યો કે, "બાપુ પણ માની ચિંતા કરે છે!" આ વિચારથી એક હાશકારો થયો. ભૂતકાળનો એક કિસ્સો મારી આંખ સામે તરવરવા લાગ્યો હતો. ત્રણ વર્ષ પહેલા ની આ વાત છે. હું બાપુ સાથે ખેતરે ગયો હતો, ત્યારે ત્યાંથી બાપુને કહ્યા વિના જ મારા ભેરુઓ જોડે મસ્તીની મોજમાં ફરવા ઉપડી ગયો હતો. એ વાતનો ગુસ્સો બાપુએ મા પર એટલી ખરાબ રીતે ઉતાર્યો હતો કે, આજે પણ એ વાતની યાદ મને બાપુ માટે નફરત જ જન્માવે છે. એ દિવસે પણ મા સાવ નિર્દોષ હતી, છતાં બાપુએ માને ખુબ જ મારી હતી. બસ, ત્યારથી હું ખેતરે જતો જ નહોતો. મને બાપુ પર ત્યારથી નફરત થઈ ગઈ હતી. મારી વિચાર ધારા એક કંસારીના અસહ્ય અવાજે તોડી હતી. મેં મારા હાથમાં રહેલ વિટામિન કાપડથી કંસારીને દૂર ધકેલી હતી. આજે બાપુના પ્રશ્નમાં મને બાપુની મા માટે થતી ચિંતા દેખાઈ હતી. આથી મનમાં થોડી રાહત થઈ હતી.

આજે માની આવી પરિસ્થિતિ વખતે બાપુના ચહેરા પર દેખાતા ફેરફાર મારા મનમાં બાપુની જે છાપ હતી એ ખરેખર સાચી જ હતી કે, મારી ધારણા ખોટી હતી એ વિચારવા મને મજબુર કરવા લાગ્યા હતા.

બાપુ પણ આજે થોડા કૂણાં પડ્યા હોય એવું મને લાગતું હતું. બાપુ મારી બાજુમાં આવીને બેઠા હતા. હું અને બાપુ છેલ્લે ક્યારે સંગાથે બેઠાં હતા, એ પણ મને યાદ નથી. ઘડીક તો થયું કે, હું જ બાપુને ખોટા સમજતો આવ્યો છું. હજુ તો હું આવું વિચારતો જ હતો ત્યાં જ બાપુએ પેલી કંસારીને એના ખાસડાંથી કચડીને મારી નાખી. કંસારીના મરી જવાથી વાતાવરણમાં એકદમ એકાએક સન્નાટો છવાઈ ગયો અને મારો બાપુ માટેનો ક્ષણ પહેલાનો ભ્રમ તરત દૂર થઈ ગયો હતો.

અંદાજે એકાદ કલાકમાં જ એક નર્સ અમે બેઠા હતા ત્યાં આવી અને બોલી, વીણાબેનને ભાન આવી ગયું છે એ વિવેકને બોલાવે છે. હું તરત જ ઉભો થયો અને મા પાસે પહોંચી ગયો હતો. માને બાટલો ચાલુ હતો. મને જોઈને મા પથારીમાં બેઠા થવાનો પ્રયત્ન કરવા લાગી, નર્સે એને સુતા રહેવાની સૂચના આપતા કહ્યું, "જો હાથમાં વજન આવશે તો સોયની આસપાસ સોજો આવે જશે!"

મા કઈ બોલે એ પહેલા જ એની આંખ ઘણું બધું કહેવા માંગતી હોય એ આંસુ આંખમાંથી સરવા લાગ્યા હતા. માના જમણા હાથમાં બાટલો ચાલુ હતો એજ હાથ મારા તરફ લંબાવતા મારો હાથ એના હાથમાં રાખી માએ પૂછ્યું,"બેટા તું બાપુનું વેણ તો નહીં લજવે ને? તું તુલસીને તારા જીવનમાં જીવનસાથીનું સ્થાન આપીશ ને? બેટા તારા બાપુએ મારા સંસ્કાર પર આંગળી ઉપાડી છે. હું જાણું છું દીકરા કે, તું મને ક્યારેય ઠેસ પહોંચે એવું ડગલું નહીં જ ભરે છતાં મારા કલેજાંની ટાઢક માટે મને વચન આપ ને દીકરા કે, તુલસીને જ તું પરણીશ!".

માએ માંગેલ વચનથી મારા કલેજા પર અજાણતાં જ માંથી ઘા થઈ ગયો હતો. મારો હાથ એમના હાથમાંથી અનાયસે જ મેં હટાવી લીધો હતો. મારી આંખમાં અંધારા આવી ગયા હતા. હું માને ઝુમરીની  જાણ કરું એ પહેલા જ મા મારી પાસે વચન માંગવા લાગી હતી. હું એક ડગલું પાછળ ખસી ગયો હતો.

શું વિવેક માને વચન આપશે? 

શું ઝુમરી અને વિવેકે નક્કી કરેલ આયોજનને એ બંને અંજામ આપી શકશે?

વિવેકના જીવનમાં આવનાર ઉતારચઢાવને જાણવા જોડાયેલ રહો ભીતરમન સાથે... મિત્રો ફરી મળશું નવા પ્રકરણ સાથે તો ત્યાં સુધી જય શ્રી રાધેકૃષ્ણ.🙏