29.
કાંતા હોટેલ ટુરિસ્ટ હેવનનો મુખ્ય દાદર સાફ કરી રહી હતી. બધાં પગથિયાં સાફ કરી તેણે લાલ કાર્પેટ પર વેક્યુમ ક્લીનર ફેરવ્યું. દાદરનો કઠોડો પોલિશ કરી રહી. ઓચિંતા એ કઠોડા ફરતે શોભા માટે વીંટળાયેલા સોનેરી સર્પો તેની તરફ ફૂંફાડો મારી રહ્યા. એકની જીભ લબકારા મારતી હતી. એકની ડોક ઊંચી થઈ ઉછળવાનું કરતી હતી. તેનું મોં બદલાઈને સ્ત્રીનું થઈ ગયું. મોના મેથ્યુ! તે તરત થોડી ઉપર જતી રહી. બીજો સર્પ સળવળ્યો. એની આંખો નીલી લાગી. આ તો વિકાસ! તેને લૂંટીને ભાગી ગયેલો. એ ફરી નીચે ભાગવા લાગી. પોતાનાં કપડાંથી ઝાપટ મારી તો એક સર્પ તેને હાથે વીંટળાઈને ફૂંફાડા મારી રહ્યો. અરે! જીવણ. તેનાથી રાઘવને બચાવવાની બૂમ પડાઈ ગઈ. કઠોડા પરથી એક સાથે બે સાપ તેની ઉપર કૂદી તેને ભરડો લેવા લાગ્યા. તે સુન્ન પડી ગઈ. બેયના અવાજો સાંભળ્યા - સરિતા અને રાઘવ. તે બેય આગળથી તેને ભરડો લેતા પાછળ દાદર પર પુંછડી ઠોકી રહ્યા. ઠક.. ઠક..
કાંતા એકદમ જાગી ગઈ. એને તરત થયું કે આ સ્વપ્ન હતું. પણ ઠક.. ઠક.. અવાજ ચાલુ હતો. તેનું ડોર કોઈ ઠોકતું હતું.
"ભાડું તો કાલે આપી દીધું. મકાનમાલિકને. હવે શું છે?" કહેતી તે સ્વપ્નમાં જોયું તે ભૂલવા પ્રયત્ન કરતી માંડ બેડમાંથી ઊઠી ડોર તરફ ગઈ .
ડોર ખોલે ત્યાં ત્રણ ત્રણ પોલીસો. તેઓ ડોર આડા ઊભી ગયા. વચ્ચેનો ઇન્સ્પેકટર જેવો આગળ આવ્યો.
"સોરી, તમને આટલાં વહેલાં જગાડવાં પડ્યાં. વાત એમ છે કે તમારી ધરપકડ કરીએ છીએ." કાંતા આંખો ચોળી રહી. ફરીથી બીજું દુઃસ્વપ્ન?
ના. આ સાચું હતું.
ઇન્સ્પેકટર આગળ આવી વોરંટ ધરતાં કહે "મિસ કાંતા સોલંકી, તમારી મિ. અગ્રવાલનું ખૂન, ગેરકાયદે હથિયાર ધરાવવું અને નશીલી પ્રતિબંધિત ડ્રગની હેરાફેરી અને ડ્રગ રાખવાના ગુનાઓ હેઠળ સરકારશ્રી ના આદેશ મુજબ ધરપકડ કરવામાં આવે છે."
કાંતાના પગ નીચેની જમીન સરકી રહી. તેને ચક્કર આવવા લાગ્યાં.
તે નજીકનાં ટેબલનો ટેકો લેતી ઢળી પડી. તેની આંખે અંધારાં આવી ગયાં. તે ત્યાં જ બેભાન થઈ પડી ગઈ.
તેને એટલો જ ખ્યાલ આવ્યો કે કોઈએ તેને બે હાથમાં ઊંચકી છે.
થોડી વાર પછી તેને એટલો ખ્યાલ આવ્યો કે તે રૂમમાં એન્ટ્રી પાસે પડી છે અને તેને મજબૂત હાથો ઢંઢોળી રહ્યા છે. તે જાગી. એ સાથે જ મોખરે રહેલા ઇન્સ્પેકટરે સાથી પોલીસને ઈશારો કર્યો. તેણે કાંતાનો હાથ પકડી હાથકડી પહેરાવી દીધી. એ તેને લઈ ચાલવા લાગ્યો. પાછળ બીજો અને છેલ્લે ઇન્સ્પેકટર. પોલીસો તેને હાથકડી પહેરાવી દાદરા ઉતરવા લાગ્યા. દાદર જેમતેમ ઉતરી તે પોલીસો સાથે સફેદ એમ્બેસેડર માં બેસતાં ફરીથી બેહોશ થઈ ગઈ.
તે ભાનમાં આવી ત્યારે એક ગંદી કોટડીમાં પુરાયેલી હતી. તે એક ખૂબ ડાઘાઓ, ન જાણે શેના હશે, તેની વિચિત્ર ગંધ વાળી ગોદડી પર પડેલી. જેલની એ સેલની બહાર પોલીસ ચોકી કરતો ફરતો હતો.
સેલનું ડોર ખૂલ્યું. હવે તેને સવારવાળા ઇન્સ્પેકટર એસ્કોર્ટ કરતા લોબી ક્રોસ કરાવી રહ્યા. અન્ય સેલમાંથી રીઢા ગુનેગારો આ કામણગારી યુવાન ગુનેગાર સામે જોઈ રહ્યા.
તેને ફરી એ રૂમમાં લઈ જવાઈ જ્યાં તે અગાઉ ગયેલી. ગીતાબા અને એ અધિકારી મોજૂદ હતા. ફરીથી એ જ લાલ લાઈટ, વિડિયો ચાલુ. આ વખતે તેની ઉપર આંખો આંજતી એકદમ બ્રાઈટ લાઈટ ફ્લેશ થઈ રહી.
"બેસ. તને તો હવે આ જગ્યા જાણીતી થઈ ગઈ. હવે તો તારા ઘર જેવી લાગતી હશે, કેમ?" ગીતાબા કટાક્ષ કરી રહ્યાં.
કાંતા એ જ ખુરશી પર બેઠી. ટેબલ પર કોણી, તેની પર દાઢી ટેકવી ગીતાબાએ શરૂ કર્યું.
તેમણે બેલ મારી. એક કોન્સ્ટેબલ એક ડિશમાં કોરું બન અને એક પેપર કપમાં ચા લઈ આવ્યો.
" ખાઈ લે. આજે તો લાંબું ચાલશે." તેમણે કહ્યું. કાંતા ડૂચા ભરી બન ખાઈ ચા ગળચી ગઈ. જેવું હતું એવું. પાણી આધાર તો થયો!
"તું સમજી છો ને, તારી પર ક્યા આરોપો છે?"
"એ વખતે હું સમજવાની સ્થિતિમાં નહોતી. એટલું સમજી કે અગ્રવાલજીના મૃત્યુ સાથે સંબંધિત આરોપો હતા."
"તારી પર આરોપો છે એક, ગેરકાયદે પિસ્તોલ રાખવાનો. બીજો, ડ્રગની હેરાફેરી અને પાસે રાખવી. ત્રીજો અને અતિ ગંભીર આરોપ છે અગ્રવાલનું ખૂન કરવાનો."
કાંતા ખુરશીમાં ઊભી થઈ ગઈ.
"મેં ક્યારેય કોઈ પર હાથ પણ ઉપાડ્યો નથી. ખૂન કઈ રીતે કરી શકું?" કહેતાં તે થોથવાઈ ગઈ.
"અમે એ નિષ્કર્ષ પર આવ્યાં છીએ કે કાં તો તેં એ હત્યા કરી છે, કાં તો તું ગાઢ રીતે એ હત્યામાં સંડોવાયેલી છો અને કાં તો તને ખબર છે કે એ કોણે કરી છે. " અધિકારી કહી રહ્યા.
"ઓટોપ્સી રિપોર્ટ મુજબ એમની હત્યા ગૂંગળાવીને કરવામાં આવી છે. દરેક રૂમમાં ચાર ઓશીકાં હોય છે. અહીં ત્રણ હતાં. ચોથાંનો પત્તો નથી. છેલ્લે તું એમની નજીક ગયેલી. એમના હાથ પાસે અને ચાદર પર પણ તારાં ફિંગર પ્રિન્ટ મળ્યાં છે જ્યારે તેં કહેલું કે તું નજીકથી સાફ કરી ચાલતી થયેલી. એટલે અત્યારે તો સ્પષ્ટ છે કે તેં એમને ઓશીકાંથી ગૂંગળાવી મારી નાખ્યા છે."
બેય ઓફિસરો કાંતા પર ઝળૂંબી રહ્યા.
ક્રમશ: