30.
"કાયદાની રીતે કહું તો હું આ બધા આરોપો નકારું છું. મેં મિ.અગ્રવાલની હત્યા કરી નથી, મેં તેમને ડ્રગ આપી નથી અને મારી પાસે કોઈ ડ્રગ નથી." કાંતાએ કહ્યું.
"ઉપરથી કહીશ કે બેબુનિયાદ આરોપો ટીવી પર વહેતા થયા એમાં આઘાત થી મારી માતાનું મૃત્યુ થયું." તેણે ઉમેર્યું.
"મેં તને ચેતવેલી કે ખોટું બોલતી નહીં કે છુપાવતી નહીં. તેં તારા અને સરિતાના સંબંધોની વાત છુપાવી. ખુદ સરિતાએ અમને કહ્યું કે કામ પૂરું કર્યા પછી પણ તું એમના સ્યુટ પાસે આંટા માર્યા કરતી, તેમની સાથે પરાણે અંગત વાતો કરતી. એમણે જ કહ્યું કે તેં અગ્રવાલના વોલેટ માંથી પૈસા લીધા છે."
"પૈસા લેવા અને સામેથી આપવા એ બે માં ફેર છે. એમણે એમને હાથે પૈસા આપ્યા કર્યા જે મેં સ્વીકાર્યા કર્યા. એ મારી પર ચોરીનો આરોપ લગાવી શકે જ નહીં." કાંતાના હાથ ધ્રુજવા લાગ્યા. ચા તેના પજામા પર ઢોળાઇ.
"હવે એક સ્પષ્ટતા કરી દઉં. સરિતા પોતે મારી પર વિશ્વાસ મૂકતાં અને આ મિનિટ સુધી હું એમને મારી મોટી બહેન માનતી. એટલે જ અગાઉ એમના વિશે કાઈં કહેલું નહીં. હા, કોઈના મર્યા પછી એમને વિશે ઘસાતું બોલવું ખોટું પણ અગ્રવાલ સારા માણસ નહોતા. સરિતા પર પાશવી અત્યાચાર ગુજારતા. સરિતાએ ખુદ મને એના ઘા બતાવ્યા છે."
"હં.. એટલે જ તેં એમને છૂટાં થઈ જવા કહેલું."
કાંતા શું કહે? એ ઘા જોઈ પોતે આશ્વાસન આપતાં કોઈ આશય વગર એમ કહેલું.
"અમે તારા કો વર્ક્સ પાસે પણ તારા વિશે તપાસ કરી. તને ખબર છે તેઓ તારે માટે શું કહે છે?"
કાંતાએ ના માં ડોક ધુણાવી.
"તારું વર્તન અસામાન્ય, ધુની છે. તું મન પર ભૂત સવાર થાય તો કાઈં પણ કરી શકે. કોઈ સારું કહેતું નથી."
કાંતાને ગળે ડૂમો ભરાઈ ગયો.
"એ લોકો જ કહે છે, તું કોઈની ચડાવેલી થઈને કે આવેશમાં ખૂન પણ કરી શકે."
"ના. એવું તો મારી દુશ્મન મોના પણ ન કહે. તમે વ્રજલાલ ગાર્ડને પૂછ્યું?"
"એમણે જ કહ્યું કે છોકરી ખોટા રવાડે ચડી ગઈ છે, માનતી નથી. જો કે એમણે એ પણ કહ્યું કે અગ્રવાલને મળવા ગમે તે ટાઈમે, રાત્રે પણ મળવા લોકો આવતા અને એ સારા નહોતા. કહે કે તમે તેની પણ તપાસ કરો. પણ એટલે તું થોડી નિર્દોષ સાબિત થાય?"
"તમે રાઘવ, કિચનમાં શેફ છે એને પૂછો."
"એણે તો કહ્યું કે તું કાઈં પણ કરી શકે. ખૂન પણ."
આ સાંભળી કાંતાની આંખોમાંથી શ્રાવણ ભાદરવો વહી રહ્યા. તેણે આંખો લૂછી.
અધિકારી બોલ્યા "અને તારાં ફિંગરપ્રિન્ટ અગ્રવાલનાં ગળાં પર પણ મળ્યાં છે."
"સરિતા નહાવા ગયેલાં અને તેઓ શાંત થઈ ઊંધા પડેલા. વિચિત્ર લાગ્યું એટલે હળવેથી એમને ગળે હાથ મૂક્યો, તાવ કે પલ્સ જોવા. પછી તેમના કોલર નીચેથી હળવેથી નેપકીન કાઢેલો."
"હવે હું કહું. તેં નશીલી દવાથી એ ન મરે તો મારવા પિસ્તોલ પણ રાખીને સંતાડેલી. પછી સરળ રસ્તો, ગૂંગળાવી મારી મોત નિપજાવ્યું. કોણ કહે છે સરિતાએ ફોન કરી બોલાવેલી? તું જ ગયેલી." ગીતાબાએ કહ્યું.
અધિકારી ટટ્ટાર થઈને કહે "અમે તારી રૂમ સર્વિસ ટ્રોલી પણ તપાસી. કોકેઇનના અવશેષો મળ્યા. ખાલી તારી જ ટ્રોલી પરથી. એ જ ડ્રગના અવશેષો અગ્રવાલના પેટમાંથી પણ મળ્યા."
ગીતાબા એકદમ નજીક આવી કહે "કહી દે કે તું અગ્રવાલ સાથે મળેલી હતી. તેઓ પૈસા આપી તારી પાસે કોકેઇનની હેરાફેરી કરાવતા. એમણે પૈસા ન આપ્યા એટલે, કે પછી સરિતાએ તેનું દુઃખ કાયમ માટે દૂર કરવા તારે હાથે આ કરાવ્યું."
બેય શાંત રહ્યાં. અધિકારી કહે "તારી પાસે બે રસ્તા છે. એક, તું બધા આરોપો કબૂલ કરી લે, જજ હળવી સજા કરશે. અથવા અમે વધુ પુરાવા એકઠા કરીએ અને પછી કોર્ટ જે નક્કી કરે એ. બોલ, શું કરવું છે?"
કાંતા વિચારી રહી. એકદમ બોલી ઊઠી, "હું તો બિચારી ક્લીનર અને હવે અનાથ. મને શું ખબર પડે? મેડમ, તમે જ કહેલું કે હું કોઈ વકીલ રાખી શકું છું. તો હવે રાખું?"
"લે, રાખ ત્રેવડ હોય તો." ગીતાબા રોષે ભરાયાં.
"મને મારો ફોન આપો." કાંતાએ કહ્યું.
બેલ મારી કોન્સ્ટેબલને બોલાવી ગીતાબાએ કાંતાને તેનો.મોબાઈલ આપ્યો.
કાંતાએ વ્રજલાલને ફોન લગાવ્યો.
"બોલ દીકરી. મને ખબર છે તું મુશ્કેલીમાં છે."
"વ્રજકાકા, એકવાર તમે તમારી દીકરી વકીલ છે તેની વાત કરેલી. અત્યારે હું અગ્રવાલનાં ખૂનના આરોપસર પોલીસ સ્ટેશનમાં છું. એ લોકો.."
"હું આવ્યો દીકરી." કહેતાં ફોન મુકાઈ ગયો.
ગીતાએ એ સાથે ફોન ઝુંટવી લીધો. પોલીસો અને કાંતા કેટલીયે વાર એમ જ બેસી રહ્યાં.
રૂમના બંધ દરવાજા પર નોક થયું.
"અહીં કોણ આવ્યું?" કહેતી ગીતાબાએ ઊભા થઈ ડોર ખોલ્યું.
વ્રજલાલ એમની દીકરી સાથે અંદર આવી ગયા.
ક્રમશ: