કાંતા ધ ક્લીનર - 28 SUNIL ANJARIA દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કાંતા ધ ક્લીનર - 28

28.

કાંતા પોલીસ સ્ટેશનથી બહાર નીકળી પણ તેના પગ માંડ ઉપડતા હતા. પોલીસો દ્વારા તેને જે ચેતવણી આપી તેના પર આખો રસ્તો તે વિચાર કરતી રહી. વળી હવે નોકરી તો ન હતી. બીજે ગોતવી પડશે?

તેના પેટમાં સખત બળતરા થતી હતી. કદાચ કાલ રાત પછી, સવારે બનાવીને પીધેલી ચા સિવાય કશું ગયું ન હતું એટલે. પણ વધુ તો પોતે જે છુપાવી રહી છે અને પોલીસોને તેની ગંધ આવી ગઈ છે તે વિચારે. ખોટું તો છે પણ જેણે વખતોવખત પોતાને પૈસા આપી ઉપકાર કરેલો એ સરિતાદીદીની જાણકારી પોલીસને કેમ આપી દેવાય?

તેણે રસ્તામાં કોઈ લારીમાંથી બે કેળાં લઈને ખાઈ લીધાં. આટલામાં પણ તેને કાઈંક ઠીક લાગ્યું. સાથે તેણે મન મક્કમ કર્યું. તે ચાલતી જ ઘેર પહોંચી. સાંજ ઢળી ચૂકેલી. હજી સૂર્યાસ્ત હમણાં જ થયેલો એટલે દાદરામાં એ ડીમ લાઈટ કરવાની જરૂર ન હતી. તે સીધી મકાનમાલિકના ફ્લેટ પર ગઈ અને ડોરબેલ મારી. તેઓ ધોતી સંકોરતા બહાર આવ્યા. કાંતાએ પોતાની છાતી પાસે સંતાડી રાખેલ રૂપિયાની થોકડી કાઢી અને નોટો તેમને આપી.

"મારું ચાર મહિનાથી બાકી ભાડું. હમણાં મમ્મીનું અવસાન થયું એમાં રહી ગયું." તેણે કહ્યું

"લાંબો સમય થાય એટલે બે ચાર વખત યાદ આપવાની મારી ફરજ હતી. તારી મમ્મી પણ ખૂબ પ્રમાણિક હતી, તેં પણ તારું વચન પાળ્યું. હવેથી દર મહિને સમયસર આપતી રહેજે." કહેતા તેઓ અંદર જતા રહ્યા.

કાંતાએ પોતાના ફ્લેટનાં તાળાંમાં ચાવી ભરાવી અને એ કર્કશ કિચૂડાટ સાથે દરવાજો ખુલ્યો. તે અંદર આવી.

આ બધા દિવસોની માથાકૂટ વચ્ચે પણ તે મમ્મી સાથેનો પોતાનો ફોટો ક્રોપ કરાવી મમ્મીનો એકલીનો ફોટો મઢાવી આવેલી તે ફ્રેમ ટેબલ પર પડેલી તેની સામે જોઈ રહી.

"આવી ગઈ છું, મમ્મી! દિવસ ધમધોકાર ગયો." તેણે રોજ કહેતી તેમ મમ્મીના ફોટાને કહ્યું. થોડી વાર તેની પાસે માથું નાખી પડી રહી.

"બેટા, ચાલ, મસ્ત ચા પી લઈએ. થોડો નાસ્તો કરીએ અને હળવાં થઈએ એટલે દિવસ પૂરો." જાણે મમ્મીએ કહ્યું.

તેણે ઊઠીને ચા બનાવી. ફ્રીજ સાવ ખાલી હતું. એક ડબ્બામાંથી હવાઈ ગયેલાં બિસ્કીટ કાઢી તેણે ચા સાથે ખાધાં.

તે ખૂબ ડિસ્ટર્બ હતી. મનમાં વિચારોનું ઘમ્મરવલોણું ચાલતું હતું.

"સત્ય દાટી રાખો તો પણ ગમે ત્યારે ધૂળ ખંખેરીને બહાર આવે જ છે." ગીતાબાનું વાક્ય તેને યાદ આવ્યું.

થોડી ફ્રેશ થવા તે નહાઈ અને ઘરની વસ્તુઓ હાથમાં પકડી લૂછવા લાગી.

આખરે અર્ધો કલાક એમ કામ કર્યા પછી તેણે જાણે મમ્મીની સલાહ માંગતી હોય એમ ફોટા સામે જોયું અને સરિતાની વાત સ્વગત બોલી ગઈ.

"honesty is the only policy." તેની મમ્મી તેને અવારનવાર કહેતી તે વાક્ય તેને સ્ફુર્યું.

"અમુક વખતે આપણે કોઈને ખાતર આપણું બલિદાન આપી દેતાં હોઈએ છીએ, પણ એની પણ એક મર્યાદા હોય છે. અત્યારે પોલીસ 'ધૂળમાં દાટેલું સત્ય ' શોધી કાઢે તે પહેલાં જાતે જ જાહેર કરી દેવું જોઈએ." જાણે મમ્મી તેને સલાહ આપી રહી હતી. તેણે મન મક્કમ કરી સરિતા સાથેના સંબંધો વિશે જાણકારી આપી દેવા નક્કી કર્યું.

એ પહેલાં હોટેલમાં જે કર્યું એના સગડ મીટાવી દેવા જરૂરી લાગ્યા. પોતે તો નોકરીમાં હતી નહીં. આ કામ વ્રજકાકાને સોંપે તો તેઓ કરે જ નહીં, અને રાધાક્રિષ્નન સરને પણ કહી દે. તો કોને કહેવું?

તે વિચારી રહી.

થોડી વારમાં તેણે ફોન લગાવ્યો.

આમ તો રાતના દસ કે સાડા દસ થયા હશે. તરત ફોન ઉપાડ્યો.

"હાય કાંતુડી? શું કરતી હતી?"

"મનમાં ખૂબ ડિસ્ટર્બ છું. ચા બનાવીને પીધી, નહાઈ, વિચારો ભૂલવા સફાઈ કર્યા કરી.."

"ઘર ચકાચક ચોક્ખું થઈ ગયું ને? તું અત્યારે કેવી ચકાચક થઈ છો એ જોવું ગમે એવું હોત. તારી સાફસફાઈ તો બેનમુન હોય. કાંતા ધ ક્લીનર!" તે કહી રહ્યો.

કાંતા મનોમન ફુલાઈ. આ ટેલીફોનીક ફ્લર્ટીંગ થી પણ તેને મનમાં જાણે ગલીપચી થઈ.

"સાંભળ રાઘવ, મને નોકરીમાંથી ફરીથી કાઢી મૂકી છે. આજે ફરીથી પોલીસે મારી કડક પૂછપરછ કરી. હું મારાં બે કામ અધૂરાં છે તે તને પૂરાં કરવા ખાસ રિક્વેસ્ટ કરું છું."

"બોલ. દોસ્ત દોસ્તને કામ આવવો જ જોઈએ ને!"

"કામ જોખમી અને ખૂબ ખાનગી છે. સરિતાદીદીએ મને તેમણે બાથરૂમમાં સંતાડેલ રિવોલ્વોર લઈ લેવા કહેલું તે મેં શોધીને મારાં વેક્યુમ ક્લીનરની બોક્સમાં મૂકી તે મારાં લોકર પાસેના ખૂણામાં રાખ્યું છે તેમાંથી એ રિવોલ્વોર કાઢી હમણાં સલામત જગ્યાએ લઈ લેવાની છે.

બીજું, અગ્રવાલ સર અને સરિતાદીદી વચ્ચે ઝગડો થતાં સરે ગુસ્સામાં ફેંકી દીધેલી તે મોંઘી રીંગ મારે પૈસાની સખત જરૂર હતી એટલે મેં … જવેલર્સમાં ગીરવે મૂકી દીધી છે. એ હમણાં તારા પૈસાથી ગમે તેમ કરી છોડાવી લે. દીદી પૈસા આપશે જ અને તે તને આપી દઈશ."

થોડી વાર ફોનમાં કોઈ જ અવાજ ન આવ્યો. પછી રાઘવનો ઠંડો અવાજ આવ્યો. "ઠીક છે. એક ફ્રેન્ડ માટે થઈને બીજા પાસે તું બહુ વિચિત્ર કામ કરાવે છે. ભલે. હું કોશિશ.."

"ના, પ્લીઝ રાઘવ, કોશિશ નહીં, ગમે તેમ કરી એ બે કામ પૂરાં કર. મારો દોસ્ત છે ને?" કાંતા અવાજમાં થાય એટલું મધ રેડી બોલી રહી.

"ઠીક છે. કરી આપીશ. ચાલ. ગુડ નાઈટ હવે." રાઘવે ફોન કટ કર્યો.

ક્રમશ: