કલ્કિ 2898 AD
- રાકેશ ઠક્કર
જે ‘કલ્કિ 2898 AD’ ને માત્ર પ્રભાસની ફિલ્મ તરીકે ઓળખવામાં આવતી હતી એ ખરેખર તો નિર્દેશક નાગ અશ્વિનની જ છે. એમની આ પહેલી એક્શન ફિલ્મ છે. અગાઉ કીર્તિ સુરેશ અને દુલકર સલમાન સાથે ઈમોશનલ ડ્રામા ‘મહાનટી’ બનાવી હતી.
‘કલ્કિ’ માં કોઈ એક પાત્ર એવું નથી જેને વધારે મહત્વ આપવામાં આવ્યું હોય. અલબત આઠ ફૂટના અમિતાભ બચ્ચનના ‘અશ્વત્થામા’ ના પાત્રની ચર્ચા સૌથી વધુ થઈ રહી છે. એ વાતનો દરેક દર્શકને અનુભવ થશે કે અમિતાભના ખભા પર જ ફિલ્મ ટકી છે. યુવા અભિનેતાઓ શરમ અનુભવે એવા એક્શન દ્રશ્યો કર્યા છે. 81 વર્ષની ઉંમરે આવું કામ કરવું માની ના શકાય એવું છે. અમિતાભને જેટલી સલામ થાય એટલી ઓછી છે.
પ્રભાસે એક્શનમાં કમાલ કર્યો છે. અને સાબિત કર્યું છે કે અભિનયથી નહીં એક્શનથી જ તેનું સ્ટારડમ ઊભું થયું છે. પણ તેનું પાત્રાલેખન એટલું દમદાર થયું નથી કે તેને ફિલ્મનો હીરો ગણી શકાય. પહેલી વખત પ્રભાસ વધારે પડતો માર ખાતો દેખાયો છે. ક્લાઇમેક્સમાં એ દિલ જીતી લે છે. એની પાસે નિર્દેશકે કોમેડી પણ કરાવી છે. અમિતાભ અને પ્રભાસના એક્શન દ્રશ્યો ફિલ્મની હાઇલાઇટ છે. એ લાંબા ખેંચવામાં આવ્યા હોવાથી એની અસર ઓછી રહે છે.
એ વાત માનવી પડશે કે પ્રભાસ પર આ વખતે ‘આદિપુરુષ’ ની જેમ માછલાં ધોવાવાના નથી. શરૂઆતની વીસ મિનિટ સુધી પ્રભાસનો ક્યાંય પત્તો દેખાતો નથી. એ પછી તે ખાસ કંઇ કરતો દેખાતો નથી. કેમકે એને આળસુ બતાવ્યો છે. પણ ક્લાઇમેક્સમાં પ્રભાસનું કામ એટલું દમદાર છે કે ફિલ્મની મોંઘી ટિકિટના પૈસા એમાં વસૂલ થઈ જાય છે. એ માટે ઇન્ટરવલ સુધી ફિલ્મ જોવાની ધીરજ જરૂર રાખવી પડશે.
ઘણા દ્રશ્યો કામ વગરના અને વધુ પડતા ખેંચવામાં આવ્યા છે. તે એટલી હદ સુધી કે આ દ્રશ્ય ખતમ કેમ થતું નથી? એવો સવાલ થશે. કઈ કડી કોની સાથે જોડાય છે એનો અંદાજ આવતો નથી. વળી એનો વાર્તાના મુખ્ય પ્લોટ સાથે સંબંધ હોતો નથી. કોમેડી અને પ્રેમકહાની બતાવી સમય પસાર કરવામાં આવ્યો છે. પાત્રોને સ્થાપિત કરવામાં સમય ગયો છે એવો બચાવ કરવામાં આવ્યો છે પણ પ્રથમ ભાગમાં અડધો કલાક એવો છે જેમાં કંટાળો જ આવે છે. ફિલ્મની લંબાઈ અડધો કલાક ઓછી કરી શકાઈ હોત.
ઇન્ટરવલ પછી ખરી ફિલ્મ શરૂ થાય છે. અંતમાં સીકવલનો ઈશારો થઈ ગયો છે. પહેલી ફિલ્મની વાર્તા પછી એમ લાગે છે કે સીકવલ વધુ જોરદાર બનશે અને એની કમાણી પહેલી કરતાં વધુ થશે. ‘કલ્કિ’ બોક્સ ઓફિસ પર પહેલા દિવસે સમગ્ર વિશ્વમાં રૂ.280 કરોડ મેળવીને 2024 ની સૌથી વધુ ઓપનિંગ મેળવનારી ફિલ્મ બનવા ઉપરાંત ગયા વર્ષની ‘જવાન’ કરતાં પણ વધુ આવકાર મેળવી ‘RRR’ અને પ્રભાસની ‘બાહુબલી 2’ પછી ત્રીજા સ્થાને આવી છે.
ફિલ્મની કેટલીક ખામીઓમાં વધુ પડતી લંબાઈ, ગીતોનું યોગ્ય જગ્યાએ ના આવવું, હોલિવૂડના દ્રશ્યોની નકલ વગેરે છે. પાત્રોના ઇમોશન ખાસ નથી. દીપિકા પોતાના બાળક માટે રડી રહી હોય છે પણ એની સાથે દર્શકની લાગણી જોડાતી નથી.
નિર્દેશક નામ મુજબ ઈસ્વીસન 2989 ની દુનિયાને બરાબર સમજાવી શક્યા નથી. યાસ્કીનનો પ્રયોગ પણ સ્પષ્ટ રીતે સમજાવી શક્યા નથી. વિઝ્યુઅલ્સ જ ફિલ્મને બચાવી લે છે. ફિલ્મનું બેકગ્રાઉન્ડ સંગીત નિરાશ કરતું નથી પણ સંતોષ નારાયણનના ગીતો મજેદાર નથી.
નાગ અશ્વિને એ બતાવી આપ્યું છે કે હોલિવૂડને ટક્કર આપવા ભારતીય નિર્દેશકો ક્ષમતા ધરાવે છે. એટલું જ નહીં આ ક્ષેત્રમાં એક નવી દુનિયા ઊભી કરી શકે છે. એમણે એક એવી અલગ દુનિયા રચી છે જે ભારતીય જ નહીં વિદેશી દર્શકોએ પડદા પર ક્યારેય જોઈ નથી.
હોલિવૂડના સ્તરનું VFX હોવાથી ફિલ્મ થિયેટરમાં જોવાલાયક બની છે. પ્રભાસનું પહેલું પોસ્ટર આવ્યું ત્યારે VFX ની બહુ ટીકા થઈ હતી. નિર્દેશકે એ વાત પર ધ્યાન આપીને VFX ને જ ફિલ્મનો સૌથી મોટો પ્લસ પોઈન્ટ લોકોને લાગે એવી મહેનત કરી છે. હવે પહેલા ભાગની ભૂલોને સીકવલમાં સુધારશે એવી અપેક્ષા રાખી શકાય એમ છે.
ફિલ્મની વાર્તા પૌરાણિક ઘટનાઓ સાથે છે. એમાં જે એક્શન અને ટેક્નોલૉજીનો ઉપયોગ સ્ટાર્સ સાથે થયો છે એ જબરદસ્ત છે. તેમ છતાં ફિલ્મના કોઈ સંવાદ કે ગીત વાયરલ થાય એવા બન્યા નથી. કેટલાક સંવાદ તો બકવાસ લાગશે.
દીપિકાની ભૂમિકા નાની છે પણ છાપ છોડી ગઈ છે. દુનિયા ઊલટપુલટ થઈ ગઈ હોય છે ત્યારે દીપિકાનું પાત્ર એક આશા લઈને આવે છે. તેને વધુ તક આપવાની જરૂર હતી. તે દરેક દ્રશ્યમાં માત્ર દુ:ખી દેખાય છે. ઇન્ટરવલ પહેલાનું એનું એક દ્રશ્ય એની કારકિર્દીનું શ્રેષ્ઠ લાગે છે. દિશા પટનીનું પાત્ર એટલું પ્રભાવક બન્યું નથી. એની ભૂમિકા જરૂર વગર રાખવામાં આવી છે. માત્ર બે દ્રશ્યોમાં કમલ હસન કમાલ કરી જાય છે. સીકવલમાં એમની ભૂમિકા મોટી હશે. પોતાની નાની ભૂમિકા માટે ટીકા થયા પછી કમલે આ જાહેરાત કરવી પડી છે.
ફિલ્મમાં અનેક અભિનેતાઓ અને નિર્માતાઓ મહેમાન ભૂમિકામાં દેખાય છે અને સરપ્રાઈઝ આપે છે. પરંતુ એકપણ કલાકારનું પાત્ર ફિલ્મની ગુણવત્તા વધારતું નથી કે વાર્તા માટે મહત્વનું લાગતું નથી. માત્ર દર્શકોને ખુશ કરવા કેમિયો રાખ્યા છે. એમના વગર પણ ફિલ્મ એવી જ રહેવાની હતી.
ફિલ્મનો ઇન્ટરવલ પહેલાંનો નબળો ભાગ ભૂલી જઇ બીજા ભાગને કારણે અને ખાસ તો ક્લાઇમેક્સમાં વાર્તાના ચોંકાવનારા વળાંક સાથે પ્રભાસને એક્શન કરતો જોવા માટે થિયેટરના મોટા પડદા પર ‘કલ્કિ 2898 AD’ એક વખત જરૂર જોઈ શકાય એવી છે. ‘મહાભારત’ માં જેને રસ હશે એને ફિલ્મ જોવાની વધારે મજા આવશે.