અ - પૂર્ણતા - ભાગ 22 Mamta Pandya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અ - પૂર્ણતા - ભાગ 22

પાણી ભરવાનું અને લાકડાં ભેગા કરવાનું તો એક બહાનું હતું. હેપ્પીને તો જંગલમાં રખડવું હતું. એટલે ચારેય નીકળી પડયાં રખડપટ્ટી કરવાં. પરમ જ્યાં પણ થોડાક સૂકાં લાકડાં કે ડાળીઓ દેખાય તે એક બાજુ ભેગા કરતો જતો જેથી વળતાં એ લેતાં જવાય. ઘણું ચાલ્યા પછી હેપ્પી થાકી ગઈ.
"અરે, આ નદી કેટલી દૂર છે યાર? હું તો થાકી ગઈ." આમ કહી હાંફતી તે ત્યાં જ સાઇડમાં એક પથ્થર પર બેસી ગઈ.
વિકી તેની પાસે આવી બોલ્યો, "રખડવાનો શોખ તને જ હતો ને? તો હવે થાકી ગયે થોડું ચાલશે? ઊભી થા જલ્દી."
"ના હો, હું હવે એક ડગલુંય નહિ ચાલુ. જેને જવું હોય એ જાય. મને તો ભૂખ પણ લાગી છે." આમ કહી તેણે બેગમાંથી એક ચિપ્સનું પેકેટ કાઢ્યું.
પરમ ખિજાયો, "ચાલવું ન હતું તો આ જવાબદારી લીધી જ શું કામ?"
"લે, તો મારી એકલીની જવાબદારી થોડી છે. તમે લોકો જાવ, પાણી ભરી આવો. હું જો હવે ચાલી તો પાછા વળતાં તમારે મને તેડી ને લઈ જવી પડશે."
"સાત આઠ કિલોના બાળકને તેડી શકાય, નેવું કિલોની આ બાળકીને કેમ તેડવી?" વિકી હાથથી જ હેપ્પીનું વજન બતાવતાં બોલ્યો.
"હું ખાતાં પીતાં ઘરની છું, તારી જેમ કુપોષિત નથી ઓકે."
"હા, તો જવાબદારી લેતી વખતે અમને પૂછીને લીધી હતી જવાબદારી?" વિકી પણ ચિડાયો.
"અરે, આ બન્ને પાછા ચાલું થઈ ગયાં." રેના બોલી.
"પરમ, એક કામ કર. તું અને વિકી બન્ને જાવ અને પાણી ભરતાં આવો. હું અને હેપ્પી અહી જ રહીએ છીએ." રેનાએ કહ્યું.
"ના હો રેના, આવા જંગલમાં તમને બન્ને છોકરીઓને એકલાં ન મુકાય. કોઈ જાનવર આવી ચડ્યું તો?" પરમ આજુબાજુ જોતાં બોલ્યો.
"તો એને મજા પડશે. હેપ્પીમાં તો એને ભોજન અને સાંજનો નાસ્તો બન્નેનો પ્રબંધ થઈ જશે." વિકી વળી હેપ્પીને ચીડવતા બોલ્યો.
"રેના, એક કામ કરીએ, વિકી અને હેપ્પી ભલે અહી રે, હું અને તું પાણી ભરતાં આવીએ."
"ના હો પરમ, આ બન્ને ટોમ એન્ડ જેરીને સાથે એકલા રાખવાં જેવા નથી હો."
વિકી બોલ્યો, "તો પરમ અને હેપ્પી ભલે અહી રે, આપણે બન્ને પાણી ભરતા આવીએ."
"યેસ, આ આઇડિયા બરોબર છે." આમ કહી રેનાએ ખાલી કેરબા ઉપાડ્યાં અને ચાલવા માંડ્યું. વિકી તો ખુશ થઈ ગયો કે આજે પહેલી વાર રેના હેપ્પી વિના પોતાની સાથે એકલી છે. તેણે પણ રેનાની પાછળ ચાલવા માંડ્યું. જતાં જતાં એક સ્માઈલ તેણે હેપ્પી તરફ કરી લીધી. જે જોઈ હેપ્પીને ખૂબ ગુસ્સો આવ્યો પણ તે અત્યારે કઈ કરી શકે એમ હતી નહિ કેમકે આ રેનાનો આઇડિયા હતો અને પોતે તો ચાલવા માંગતી જ ન હતી. જેવા એ બન્ને ગયાં તે બોલી, "પરમ, ગમે તે હોય પણ મને આ વિકી સાથે હોય ને તો નેગેટિવ વાઈબ્સ જ આવે છે યાર. આઈ ડોન્ટ લાઈક હિમ."( મને તે જરાય નથી ગમતો.)
પરમે એના માથા પર ટપલી મારી અને બોલ્યો, "તારા દિમાગમાંથી આ બધાં ભુંસા કાઢી નાંખ. એ ખરેખર સારો છોકરો છે." હેપ્પીએ પણ પછી નાસ્તામાં ધ્યાન પરોવ્યું.
આ બાજુ રેના અને વિકી નદી તરફ ચાલવા લાગ્યાં. આમ તો વિકી બધા સાથે હોય તો અઢળક વાતો કરતો પણ આજે રેના એકલી હતી તો શું વાત કરવી એ જ વિકીને ખબર પડતી ન હતી.
વાત શરૂ કરવા જ તેણે રેનાને પૂછી લીધું, "રેના, આ હેપ્પીને મારી સાથે શું પ્રોબ્લેમ છે? હમેશા ઝગડવાના મૂડમાં જ હોય એ મારી સાથે તો."
આ સાંભળી રેના હસીને બોલી, "અરે, એવું તને લાગે છે. એ હમેશાથી મને લઈને થોડી વધુ જ પઝેસિવ છે એટલે. બાકી સ્વભાવની તો ખૂબ સારી છે. લોકો એના વજનને લઈને એની મજાક કર્યા કરે છે પણ એનું દિલ સાફ છે. મને વિશ્વાસ છે કે એનું આ સાફ દિલ સમજનાર કોઈક એને જરૂર મળશે."
"દિલની તો તું પણ એકદમ નિર્મળ છે. તને આજ સુધી કોઈ ન મળ્યું?" અચાનક જ વિકીના આવા પ્રશ્નથી રેના ઊભી રહી ગઈ અને તેની સામે જોવા લાગી. રેનાના આ રીતે જોતાં વિકીને લાગ્યું કે કઈક ખોટું પુછાઇ ગયું લાગે છે.
"એટલે...હું....તો...એમજ...એટલે જસ્ટ પૂછું છું કે...." વિકીની જીભ લોચા મારવા લાગી આ જોઈ રેના ખડખડાટ હસી પડી.
"તું એવું જ પૂછવા માંગે છે ને કે મારો કોઈ બોયફ્રેન્ડ છે કે નહિ એમ?"
"હા....એટલે કે ના....એમ નહિ...." વળી શું બોલવું એ સૂઝ્યું નહિ વિકીને. રેનાનું તો હસવું બંધ જ થતું ન હતું.
માંડ માંડ તે હસવું રોકીને બોલી, "મારો કોઈ બોયફ્રેન્ડ નથી. ન કોલેજમાં કે ન કોલેજની બહાર. બનશે પણ નહિ કેમકે મને એમાં કોઈ રસ નથી." આમ કહી તેણે ચાલવા માંડ્યું.
"રસ નથી એટલે? તું તો આટલી સુંદર છે, સ્માર્ટ છે. કે પછી ગે છે?? તારો કોઈ બોયફ્રેન્ડ નથી એ જ નવાઈ કહેવાય."
"ના, હું કઈ ગે નથી હો. તારા મત મુજબ બોયફ્રેન્ડ એટલે શું?"
"બોયફ્રેન્ડની કોઈ વ્યાખ્યા થોડી હોય રેના?"
"હોય ને લે. બોયફ્રેન્ડ એટલે જે તમારા નખરાં ઉઠાવે, તમારી પાછળ રૂપિયા ખર્ચે, લોકો વચ્ચે તમને પોતાની મિલકત સમજે, શારીરિક છૂટછાટ લેવાની તો જાણે એને બોયફ્રેન્ડનું ટેગ મળતાં પરમિશન મળી ગઇ હોય. જે ગમે ત્યારે તમને છોડી પણ શકે એને બોયફ્રેન્ડ કહેવાય."
વિકી તો રેનાના વિચારો સાંભળી અચંબિત જ થઈ ગયો. "ખરેખર આવું હોય??"
"લાગે છે તારે કોઈ ગર્લફ્રેન્ડ નથી. જો કે બધા બોયફ્રેન્ડ આવા જ હોય એવું જરૂરી નથી હો. અમુક સારા પણ હોય જે છોકરીની ચિંતા કરે, તેને માન આપે, તેની મર્યાદા ક્યારેય ભંગ ન કરે."
"તો તને કેમ ન મળ્યો આવો મર્યાદા પુરુષોત્તમ? અરે હા, હેપ્પી કોઈને તારી નજીક આવવા દે તો થાય ને!!!"
રેના હસી પડી, "અત્યારે તો આપણે હેપ્પીની મહેરબાનીથી જ નદીની નજીક પહોંચી ગયાં છીએ." આમ કહી તેણે આંખોથી જ સામેની તરફ જોવા ઈશારો કર્યો.
વિકીએ સામે જોયું તો ખળખળ કરતી એકદમ ચોખ્ખા પાણીની નદી વહી રહી હતી. તેનો ખળખળ અવાજ , જંગલના આ શાંત વાતાવરણમાં મધુર લાગતો હતો. વિકી અને રેના નદી પાસે ગયાં. પહેલા તો રેનાએ નદીનું પાણી ખોબામાં લઇ પીધું. એટલું મીઠું હતું એ પાણી!! પછી ઠંડા પાણીમાં પોતાના પગ બોળ્યા. પગની ઉપર અને નીચેથી ખળખળ વહેતું પાણી અનેરો આનંદ આપી રહ્યું હતું. વિકીએ બન્ને કેરબા ભર્યા. રેના થોડી નદીમાં આગળ ગઈ અને વિકી નદીની બહાર નીકળી બન્ને કેરબા કિનારે મૂકવા પાછો ફર્યો. રેનાને નદીનું પાણી આકર્ષતું હતું. તેણે હાથની છાલક મારી ચારેબાજુ પાણી ઉડાડ્યું. થોડું પાણી પોતાના ચહેરા પર પણ ઉડાડ્યું.
તે પાછી ફરવા જતી હતી કે અચાનક જ તેનો પગ નીચે રહેલા પથ્થર પરથી લસર્યો અને તે ધબાક કરતી પાણીમાં પડી. પાણી લાગતું હતું એના કરતાં ઘણું ઊંડું હતું. તેણે પડતાં વેંત જ બૂમ પાડી, " વિકી...."
( ક્રમશઃ)
રેનાને તરતાં આવડતું હશે કે?
વિકી રેનાને બચાવી તેને પોતાની તરફ ઢાળવામાં સફળ થશે?
જાણવા માટે વાંચતા રહેજો.