અ - પૂર્ણતા - ભાગ 4 Mamta Pandya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અ - પૂર્ણતા - ભાગ 4

મીરાએ દેવિકા પાસે સીસીટીવી ફૂટેજ માંગી અને દેવિકાએ તે આપી. ફૂટેજમાં સૌથી છેલ્લી જે વ્યક્તિ વિક્રાંતને મળવા આવી હતી તે એક સ્ત્રી હતી. મીરાએ ફૂટેજ દેવિકને બતાવી અને પૂછ્યું,
"આ સ્ત્રીને તમે ઓળખો છો?"
દેવિકા ફૂટેજ જોઈ સ્તબ્ધ થઈ ગઈ. તેના ગળામાંથી માંડ અવાજ નીકળ્યો,"આ તો...આ તો...વિક્રાંતની ફ્રેન્ડ છે...પણ આ રાતે અહી...એટલે કે..." દેવિકાને શું બોલવું ખબર ન પડી. પોતાના પતિને રાતે કોઈ સ્ત્રી મળવા આવે એનો શું મતલબ થાય એટલું તો દેવિકા અને મીરા બેય સમજતાં હતાં. જો કે હમેશા જે દેખાય એ જ સત્ય હોય એવું જરૂરી નથી.
મીરાએ દેવિકાને પાણીનો ગ્લાસ આપ્યો. "રિલેક્સ મિસિસ મેહરા. પહેલા પાણી પીઓ અને પછી મને પૂરી વાત કરો."
દેવિકા એક શ્વાસે આંખો ગ્લાસ પાણી પી ગઈ. પછી તેણે એક ઊંડો શ્વાસ લીધો અને બોલવાનું શરુ કર્યું.
"આ રેના છે. વિક્રાંતની ફ્રેન્ડ. તે વિક્રાંતની જ કંપનીમાં કામ કરે છે. મેનેજર કમ પર્સનલ સેક્રેટરી તરીકે. ગઈ કાલે વિક્રાંત ઓફિસ જવાનો ન હતો. ઘરેથી જ ઓફિસનું કામ કરવાનો હતો. મે પૂછ્યું પણ ખરું કે કેમ ઓફિસ નથી જવું? તબિયત તો સારી છે ને? તો એણે મૂડ નથી ઓફિસ જવાનો એમ કહી વાત ત્યાં જ ઉડાવી દીધી."
દેવિકા અટકી તો મીરાએ આંખોથી જ તેને વાત આગળ વધારવા કહ્યું.
"હું કાલે મારી ફ્રેન્ડના ઘરે જવાની હતી અને રાત ત્યાં જ રોકાવાની હતી. અમે બધી ફ્રેન્ડ ઘણા સમય પછી મળવાની હતી એટલે ઘરે જ ડિનર અને મૂવી જોવાનો પ્લાન કરેલો. આમ તો મોટા ભાગે આવી કોઈ પાર્ટી હું મારા જ ઘરે રાખું છું પણ આ વખતે એક બીજી ફ્રેન્ડએ જીદ કરી કે પાર્ટી એના ઘરે જ કરવી એટલે મે પણ હા પાડી દીધી. મારા ઘરે તો આશા જ બધું જ કામ અને રસોઈ પણ કરે છે આથી વિક્રાંતની જમવાની કોઈ ચિંતા હતી નહિ. હું લગભગ સાંજે પાંચ વાગ્યે અહીથી નીકળી. રાતે લગભગ આઠ વાગ્યે મારી વિક્રાંત સાથે વાત થઈ હતી. એ પછી તો ઇન્સ્પેક્ટર અને આશા બેયનો ફોન આવ્યો ત્યારે જ ખબર પડી કે..." આમ કહી દેવિકા ફરી રડવા લાગી.
"મિસિસ દેવિકા, તમે જે ફ્રેન્ડના ઘરે ગયેલા તેનું નામ , એડ્રેસ, ફોન નંબર અને ત્યાં બીજી જેટલી પણ ફ્રેન્ડ આવી હતી તે બધાના નામ અને ફોન નંબર કિશનને લખાવી દો."
"કિશન, બધાના નામ નંબર નોંધી લે." કિશન તરત જ નોટ પેન લઈને કામે લાગી ગયો.
"મિસિસ દેવિકા, આ રેનાનો નંબર અને એડ્રેસ પણ આપજો." દેવિકાએ હકારમાં માથું હલાવ્યું.
"કિશન, જ્યાં સુધી આ કેસ સોલ્વ ન થઈ જાય ત્યાં સુધી આ ઘરને સિલ કરી દે."
આ સાંભળી દેવિકા ગુસ્સે થઈ ગઈ. "વોટ? તમે ઘર સિલ કરી દો તો હું ક્યાં જાવ? આ ઘર મારું પણ છે તમે આવી રીતે..." દેવિકાનો અવાજ થોડો ઉંચો થઇ ગયો.
"મિસિસ દેવિકા, તમે દરેક વાત પર આટલા હાઇપર કેમ થઈ જાવ છો? તમારું ઘર અત્યારે એક ક્રાઇમ સ્પોટ છે. જ્યાં સુધી ગુનેગાર પકડાઈ ન જાય ત્યાં સુધી અહીંની એક પણ વસ્તુ આઘી પાછી થવી ન જોઈએ."
"હા, તો હું થોડી કોઈ પણ સાબિતી કે કોઈ પણ વસ્તુને બગાડવાની છું. મારા પતિનું ખૂન થયું છે અને તેના કાતિલને શોધ્યા વિના તો હું પણ ચૂપ નહિ જ બેસું." દેવિકાની આંખમાં ક્રોધ સળગી ઉઠયો.
"ગુનેગારને શોધવાનું કામ કાનૂનનું છે અને રહી વાત તમારા પતિના મૃત્યુની, તો તમે આટલી સહેલાઈથી કઈ રીતે કહી શકો કે એમનું ખૂન જ થયું છે? અકસ્માત પણ હોય શકે ને?"
"તમે મારા પતિના મૃત્યુને અકસ્માતનું રૂપ આપીને કેસને રફેદફે કરવા માંગો છો? "
દેવિકાની વાતથી મીરાના મગજનો પારો છટક્યો, "મોઢું સંભાળીને વાત કરજો મિસિસ દેવિકા, એ યાદ રાખો કે તમે એક ઓન ડ્યુટી પોલીસ ઓફિસર સાથે વાત કરી રહ્યાં છો. મને મારું કામ સારી રીતે કરતાં આવડે છે એટલે એમાં દખલ દેવાની કોશિષ તો જરાય ન કરતાં. બાકી મને કેસ રફેદફે કરતાં આવડે એવું જો તમારું કહેવું હોય ને તો મને આરોપી તમે છો એવું સાબિત કરતાં પણ વાર નહિ લાગે. સમજ્યા?"
મીરાની વાત સાંભળી દેવિકા ત્યાં જ ઠંડી પડી ગઈ. આમાં તો પોતે જ ફસાઈ જશે એવું લાગ્યું એને.
"ઓફિસર, હું તો...બસ...એટલે કે.... તમે ઘર સિલ કરી દેશો તો હું ક્યાં જઈશ?"
દેવિકાને થોથવાતી જોઈ મીરા હસી પડી. "મિસિસ દેવિકા, આ બંગલો જોતાં હું એટલું તો કહી જ શકું કે તમારા પતિ કરોડપતિ તો હશે જ. હવે જે કરોડપતિ હોય એની કઈ એક જ પ્રોપર્ટી ન હોય ને. આવા તો કઈક બંગલા કે ફ્લેટ તમે લઈ રાખ્યા હશે. ત્યાં જ ક્યાંક થોડા દિવસ શિફ્ટ થઈ જાવ."
હવે દેવિકા પાસે બોલવાં જેવું કશું બાકી રહ્યું ન હતું. કમને પણ તેણે હા પાડી.
"ઓફિસર, શું હું થોડો જરૂરી સામાન તો લઈ શકું ને?"
"તમારા બેડરૂમ સિવાયના કોઈ રૂમમાંથી તમારે જે પણ લેવું હોય તે મારી હાજરીમાં જ લઈ લો. બાકી કોઈ જ વસ્તુ આઘી પાછી ન થવી જોઈએ. હું તો કહું છું કે કપડાં જેવી વસ્તુ તો તમે નવી પણ લઈ શકો છો. શું કામ અહી તમારા હાથની છાપ છોડવા માંગો છો?" મીરાએ એટલા કટાક્ષમાં છેલ્લું વાક્ય કહ્યું કે દેવિકા સમસમી ગઈ. મીરાના વાક્યનો અર્થ ન સમજે એટલી નાસમજ તો હતી નહિ તે.
"હું મારા પેન્ટ હાઉસની ચાવી લઈ લઉં." આટલું કહી તે પૂજા ઘરની બાજુમાં રહેલ રૂમ તરફ ચાલી. મીરા મનોમન જ હસી અને તેણે કિશનને ઈશારો કર્યો કે તે દેવિકાની પાછળ જાય.
દેવિકા ચાવી લઈને આવી. "ઓફિસર , જેમ બને એમ જલ્દી ગુનેગારને સજા અપાવજો. મને વિક્રાંત..." ફરી તેની આંખમાં ઝળઝળીયાં આવી ગયાં. દેવિકાના ગળે ડૂમો બાઝી ગયો અને અધૂરું વાક્ય તેના ગળામાં જ અટવાઈ ગયું.
"ડોન્ટ વરી મિસિસ દેવિકા, પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવી જશે એટલે તરત જ અમે વિક્રાંતની બોડી તમને સોંપી દેશું." આમ કહી મીરા કિશનને જરૂરી સુચના આપી ત્યાંથી નીકળી ગઈ. દેવિકા પણ તરત જ ત્યાંથી જતી રહી.
મીરા ગાડીમાં બેસી રહી હતી. તેની નજર દેવિકાને જતાં જોઈ રહી. કિશન ઘરને સિલ કરીને આવ્યો કે તરત જ મીરાએ તેને કહ્યું,
"કિશન, મિસિસ દેવિકાની જનમ કુંડળી તો કઢાવ. સાથે સાથે આ વિક્રાંત મહેરાની પણ. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવે એટલે મને તરત જ મોકલ. હું ઘરેથી ફ્રેશ થઈને પછી પોલીસ સ્ટેશન પહોંચુ છું. તું પણ બધું કામ પતાવીને આવી જજે. આ વિક્રાંતના ચક્કરમાં સવારની એક ચા પણ નસીબ નથી થઈ. આ મોટા માથાના દુશ્મનો ઝાઝા હોય અને ભાગદોડ આપણા માથે પડે." આમ કહેતાં જ મીરાના ચહેરા પર થોડો અણગમો આવી જ ગયો.
મીરાની ગાડી સડસડાટ તેના ઘર તરફ ભાગી અને સાથે તેના વિચારો તો બમણી ગતિએ દોડ્યા. તે મનોમન જ બબડી, "આ દેવિકા જેવી દેખાય છે એવી લાગતી તો નથી જ. આની બરાબર તપાસ કરવી પડશે." આ સાથે જ તેના મગજમાં દેવિકાએ કહેલું નામ ઝબક્યું, "રેના."
(ક્રમશઃ)
શું ખરેખર વિક્રાંતનું ખૂન થયું છે?
આ બધામાં રેના ફસાવવાની છે કે શું?
જાણવા માટે ચોક્કસથી મળીએ આવતાં ભાગમાં.
મિત્રો, પ્રતિભાવ જરૂર આપજો. સારો પ્રતિભાવ પ્રોત્સાહન વધારશે અને સૂચન કરતો પ્રતિભાવ કઈક નવું શીખવશે.