વિકીની ફૂલ સ્પીડમાં જતી બાઈક અને સાથે તેના વિચારો, કોલેજમાં પ્રવેશતાં જ રેનાને જોઈ અટકી ગયાં. રોજે ભારતીય પહેરવેશમાં રહેતી રેના આજે બ્લેક જીન્સ અને તેના પર લાઈટ ગુલાબી કલરની શોર્ટ કુર્તીમાં હતી. તેના પર શોર્ટ ભરત ભરેલી કોટી પહેરેલી હતી જે વચ્ચેથી દોરીથી બાંધેલી હતી. વાળને ઊંચી પોનીમાં બાંધેલા હતાં. એક લટ ગાલને સ્પર્શીને લહેરાતી ખુલી મુકેલી હતી. હોઠો પર આછી ગુલાબી લિપસ્ટિક હતી. કામણગારી આંખો કાજળથી શોભતી હતી. પીઠ પાછળ એક બેગ લટકતું હતું. હાથમાં વોચ અને બીજા હાથમાં નાની પાંદડીની ડીઝાઈનવાળું સિલ્વર બ્રેસ્લેટ શોભતું હતું. આજ પહેલા રેનાને ક્યારેય જીન્સ પહેરતાં જોઈ ન હતી એટલે વિકી તેને અપલક નયને જોઈ જ રહ્યો. સામે રેનાની નજર પણ વિકી પર પડતાં તે પણ તેને જોઈ રહી. આજે વિકી રોજ કરતાં વધુ જ હેન્ડસમ લાગી રહ્યો હતો. વિકી તો પલકારો મારવાનું પણ જાણે ભૂલી ગયો હતો.
રેના નજીક આવી અને વિકીની આંખ આગળ ચપટી વગાડી, "ઓ હેન્ડસમ, આજ પહેલા છોકરી નથી જોઈ ક્યારેય??"
વિકી તંદ્રામાં જ બોલ્યો, "જોઈ છે ને, પણ તારા જેવી નહિ."
"શું કહ્યું?" રેનાએ આંખો મોટી કરી પૂછ્યું.
"હે?? કઈ નહિ. તું આજે સરસ લાગે છે એમ."
"એમ તો તું પણ આજે હેન્ડસમ લાગે છે."
"સાચું?"
"હા, તો વળી હું ખોટું શું કામ બોલું."
"હા પણ રેના તો ખોટું જ બોલે છે વિકી. એક નંબરનો નમૂનો લાગે છે તું." હેપ્પી નજીક આવીને બોલી.
"તોય તારા કરતાં તો સારો જ લાગુ છું જા..." વિકી બોલતાં અટકી ગયો એટલે હેપ્પીએ નેણ ઊંચા કરીને એની સામે જોયું.
"એટલે કે જા....જા....તારા કરતાં તો સારો જ લાગુ છું એમ." આમ કહી વિકીએ વાત વાળી લીધી, એ જોઈ રેના હસી પડી.
"આ ટોમ એન્ડ જેરી નહિ સુધરે."
એટલામાં પરમ અને મિશા પણ આવી ગયાં. મિશાએ પણ આજે બ્લૂ જીન્સ અને તેના પર વ્હાઇટ ટીશર્ટ અને બ્લેક શ્રગ પહેર્યું હતું. પગમાં વ્હાઇટ શૂઝ અને ખુલ્લા વાળમાં તે મસ્ત લાગી રહી હતી. મિશા અને પરમ પાસે પણ બેગ હતાં. સૌથી મોટું બેગ હેપ્પી પાસે હતું. આ જોઈ પરમ પૂછ્યા વિના ન રહી શક્યો,
"હેપ્પી, તારે ત્યાં ચાર પાંચ દિવસ રોકાવાનું છે?"
"ના , કેમ?"
"તો આ આવડાં મોટા બેગમાં શું ભર્યું છે?"
"અરે , મે બધા માટે ઘણો બધો નાસ્તો લીધો છે."
"બધા માટે કે તારા માટે?"
"હું એકલી થોડી ખાવાની કઈ? બધા માટે જ હોય ને."
"હા પરમ, પણ એમાંથી આપણા નસીબમાં કેટલું આવશે એ તો ભગવાન જાણે." આમ કહી વિકી હસ્યો.
"ભગવાન નહિ, હેપ્પી જાણે કે આપણા નસીબમાં કેટલું આવશે." મિશા બોલી. આ સાંભળી બધા હસી પડ્યાં.
પ્રોફેસરની બુમ પડતાં બધા એક પછી એક બસમાં ગોઠવાઈ ગયાં. ટુર જતી હોય અને અંતાક્ષરી ન રમાય એવું તો બને જ નહિ ને!! સૌ બે ટીમમાં વહેચાઈ ગયાં. એક ટીમ છોકરાની અને બીજી એક ટીમ છોકરીઓની અને ચાલુ થઈ અંતાક્ષરીની રમઝટ. બધા એક પછી એક ગીતો ગાઇ રહ્યાં હતાં. આ બધા વચ્ચે રેના આ બધાથી અલિપ્ત થઈ બારીની બહાર કુદરતી સૌંદર્ય જોવામાં મગ્ન હતી તો બીજી બાજુ વિકી, એ વિચારવામાં મગ્ન હતો કે રેનાને પોતાની નજીક કેમ લાવવી.
વિકીને એ રીતે વિચારમાં જોઈ પરમ બોલ્યો, "હેપ્પી, આ વિકી શું આટલા ઊંડા વિચારમાં પડ્યો હશે?"
હેપ્પીએ એક ચિપ્સ મોઢામાં મૂકી અને વિકી તરફ જોઈ બોલી, "પરમ, વિચાર તો મગજ હોય એને આવે ને?"
પરમને આ સાંભળી ખૂબ હસવું આવ્યું. "એટલે તું એમ કહેવા માંગે છે કે એને મગજ નથી એમ?"
હેપ્પીએ ખભા ઊલાળ્યા, "હું ક્યાં આવું બોલી. એવું તો તું બોલ્યો."
પરમ ઉભો થઈને વિકીની સીટ પાસે ગયો અને એને જોરથી હલાવ્યો. "વિકી, ક્યાં ખોવાઈ ગયો તું?"
"અરે, ક્યાંય નહિ... એ તો બસ એમજ."
"આ હેપ્પી કે છે કે તારે મગજ નથી એમ." આમ કહી પરમ મનમાં જ હસ્યો.
"હેપ્પી, તું આવું કેય છે મને?"
"અરે, એમ તો કેમ કહેવાય મારાથી કે તારે મગજ નથી એમ."
"હા, તો બરાબર હો. ધ્યાન રાખજે બોલવામાં."
"મગજ તો છે જ તારે પણ....તું એનો ઉપયોગ નથી કરતો." આમ કહી હેપ્પી હીહીહી કરતી હસી પડી. વળી બન્ને વચ્ચે ટોમ એન્ડ જેરીની લડાઈ ચાલુ થઈ ગઈ. આ જોઈ મિશાએ રેનાને બૂમ પાડી.
"રેના, આ બન્નેનું કઈક કર નહિ તો ટૂરમાં મગજ ખાઈ જશે યાર." મિશા થોડા કંટાળા સાથે બોલી.
રેના ઊભી થઈ અને બન્ને પાસે ગઈ. "તમારે બન્નેને અહી અધવચ્ચે જ ઉતરી જવું હોય તો હું પ્રોફેસરને કહી દઉં." આટલું કહેતાં જ બંને ચૂપ થઈ ગયા. હેપ્પીએ એવી કરડાકી નજરે વિકી સામે જોયું ને કે જાણે કહેતી હોય કે મારું ચાલે તો આ વિકીને તો અહી જ ઉતારી દઉં.
લગભગ ચારેક કલાકની મુસાફરી પછી બધા ગીરના જંગલમાં પહોંચી ગયાં. ત્યાં એક સપ્તેશ્વર મહાદેવનું મંદિર હતું. આજુબાજુ સરસ લીલી વનરાજી હતી. મંદિરથી થોડુક આગળ ચાલતાં એક સરસ ખળખળ વહેતી નદી હતી. વાતાવરણ એટલું શાંત હતું કે મન પ્રસન્ન થઈ જાય. સૌએ સૌથી પહેલા મહાદેવના દર્શન કર્યા. ત્યારબાદ મંદિરની આજુબાજુ જ સૌ પોતપોતાની રીતે સેલ્ફી લેવા તો કોઈક એમજ આંટા મારવા લાગ્યાં.
થોડીવાર વાર બાદ પ્રોફેસર તરફથી સૂચના મળી કે અહીથી થોડે આગળ એક મેદાન જેવી જગ્યા છે ત્યાં જઈ સૌએ ટેન્ટ બનાવવાના છે અને ત્યાં જ રસોઈની તૈયારી પણ કરવાની છે. બધા પોતાનો સામાન લઈ બતાવેલી દિશામાં ચાલવા લાગ્યા. વાતાવરણમાં થોડીક ઠંડક હતી પણ જંગલના હિસાબે હવા થોડી ભેજ વાળી હતી એટલે થોડોક બાફ પણ હતો.
થોડું ચાલતાં જ એક મોટું મેદાન જેવું આવ્યું જ્યાં આજુબાજુ સરસ વનરાજી હતી પરંતુ વચ્ચે ટેન્ટ બાંધી શકાય એવી ખાલી જગ્યા પણ હતી. પ્રોફેસરે અમુકને ટેન્ટ બાંધવાની જવાબદારી સોંપી તો અમુકને રસોઈ માટે રસોયાને મદદ કરવાની જવાબદારી સોંપી. સૌ પોતપોતાના કામે લાગી ગયાં. હેપ્પીએ રખડવા માટે થઈને પાણી અને રસોઈ માટે થોડાં સૂકાં લાકડાં શોધી લાવવાની જવાબદારી લીધી જેમાં પરમ , રેના અને વિકી પણ જોડાયા. મિશાને તો પહેલેથી જ રસોડામાં જવાબદારી મળી હતી. જો કે મિશાને પણ પોતાના ગ્રુપ જોડે જવું હતું પણ પ્રોફેસરની સામે કંઈ બોલી ન શકી તે. હેપ્પી અને રેનાએ પાણી ભરવા માટેનાં ખાલી કેરબા લીધા અને ચારેય નદી જે તરફ હતી તે તરફ ચાલવાનું શરૂ કર્યું.
જંગલમાં ચાલવાની મજા અલગ જ હોય છે. આજુબાજુ ચહેક્તા પક્ષીઓ, વૃક્ષોનો ઠંડો છાંયડો, ઊડતાં પતંગિયા અને દોડતી ખિસકોલીઓ આ બધું મન પ્રસન્ન કરી દે. એમાય ગીરના જંગલોમાં તો ક્યારેક દોડતાં હરણ અને કૂદતાં વાંદરાઓ, મોર અને ઢેલ પણ દેખાઈ આવે. જો કે સિંહની પણ થોડીક બીક રે, પણ દિવસના સમયે સિંહ ઓછા દેખાય. હેપ્પીએ રખડવા માટે આ જવાબદારી તો લીધી પણ એ જ એને ભારે પડવાની હતી.
( ક્રમશઃ)
શું થવાનું છે જંગલમાં?
ટુર મજા બનશે કે સજા??
જાણવા માટે જોડાયેલા રહેજો.