અ - પૂર્ણતા - ભાગ 23 Mamta Pandya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અ - પૂર્ણતા - ભાગ 23

રેના નદીમાંથી બહાર નીકળતા તેનો પગ લપસ્યો અને તેણે બૂમ પાડી , "વિકી..."
અવાજ આવતાં જ વિકીએ પાછળ ફરીને જોયું તો તેને લાગ્યું રેના નદીમાં નાહવાનાં મૂડમાં છે એટલે તે બોલ્યો, "રેના, નદીમાં નાહવા માટે પાછા આવશું, અત્યારે ચાલ, બહાર નીકળ. મોડું થાય છે યાર..."
રેના નદીના પાણીમાં ડૂબકીઓ ખાવા લાગી હતી કેમકે એ જ્યાં પડી હતી ત્યાં પાણી ઊંડું હતું અને તેને તરતાં આવડતું ન હતું આથી ફરી તેણે બૂમ પાડી,
"વિ....કી.... બ....ચાવ....પ્લીઝ..." રેના પાણી પર રહેવા માટે હાથ પગ મારી રહી હતી તો પણ એ પાણીની અંદર જઈ રહી હતી. હજુ પણ વિકીને લાગ્યું કે રેના મજાક કરે છે.
"સ્ટોપ ઇટ યાર ....મસ્તી બંધ કર અને જલ્દી બહાર આવ..."
રેના એકવાર તો આખી અંદર જતી રહી અને ફરી બહાર આવવા હવાતિયાં મારવા લાગી આ જોઈ વિકીને લાગ્યું કે રેના સાચું ડૂબી રહી છે આથી તેણે ફટાફટ પોતાનું બેગ કાઢી કિનારે મૂક્યું અને નદીમાં કૂદ્યો, "રેના...હું આવું છું...."
તે તરતો તરતો રેના સુધી પહોંચ્યો અને રેનાને તેણે પોતાની બાહોમાં પકડી લીધી. રેનાએ પોતાના બંને હાથ વિકીના ગળામાં વીંટાળી દીધાં. વિકી તેને પકડીને કિનારે લાવ્યો અને તેને સુવાડી. વહેતા પ્રવાહમાં તરવું અને એ પણ બીજી વ્યક્તિનું વજન ઊંચકીને એ થોડું ભારે પડી જાય. વિકી પણ હાંફી ગયો હતો પણ તેણે જોયું કે રેનાની આંખો બંધ છે આથી તે ગભરાઈ ગયો. તેણે રેનાના ગાલ થપથપાવી જોયા પણ રેના આંખો ખોલતી ન હતી. તેને લાગ્યું કે નદીનું પાણી રેનાના પેટમાં જતું રહ્યું લાગે છે આથી તેણે રેનાના પેટ પર વજન આપ્યું તો રેનાના મોં વાટે પાણી બહાર નીકળ્યું. તેણે ફરી રેનાને જગાડવાની કોશિષ કરી. ફરી પાણી બહાર કાઢવાની પ્રક્રિયા કરી. વિકી પણ ડરી ગયો કે જો રેનાને કઈક થઈ ગયું તો???
"રેના...પ્લીઝ ઉઠી જા...રેના...રેના...તને કઈ થઈ જશે તો હું શું કરીશ?" આટલું કહેતા તો તેની આંખમાં આંસું આવી ગયાં.
ફરી રેનાના ગાલ થપથપાવી જોયાં. "રેના....રેના..."
આ વખતે રેનાએ ઉધરસ ખાઈ આંખો ખોલી એ જોઈ વિકી ખુશ થઈ ગયો અને રેનાને ભેટી પડ્યો.
"ભગવાનનો ખૂબ ખૂબ આભાર રેના, તું સલામત છે. હું તો ડરી જ ગયો હતો." તેણે રેનાને જોરથી પોતાની બાહોમાં જકડી રાખી. રેના પણ પાણીમાં પડવાથી ડરી ગઈ હતી એટલે અત્યારે વિકીની બાહોમાં તે એક અલગ જ હૂંફ અનુભવી રહી હતી. ધીમે ધીમે તે નોર્મલ થઈ અને વિકીથી અળગી થઈ.
"આભાર વિકી, તે મારો જીવ બચાવ્યો. બાકી હું તો આજે ડૂબીને મરી જ...." રેનાનાં આટલું બોલતાં જ વિકીએ પોતાનો હાથ રેનાના મોં પર મૂકી તેને બોલતાં અટકાવી દીધી.
અત્યારે રેના વિકીની એટલી નજીક હતી કે તે વિકીના ગરમ શ્વાસ મહેસૂસ કરી શકતી હતી. રેનાના નદીના પાણીમાં ભીંજાયેલા વાળ અને તેમાંથી તેના ચહેરા પર નીતરતું પાણી જાણે ઝાકળની બુંદો શોભે એમ શોભી રહ્યું હતું. વિકી અપલક નજરે રેનાની સુંદરતાને જોઈ રહ્યો. રેનાએ તેનો હાથ પોતાના મોં પરથી ખસેડ્યો તો વિકી બોલ્યો,
"તને કઈ થઈ ગયું હોત તો મારું શું થાત?"
"કેમ? તારું શું થાત એટલે?"
રેનાના પ્રશ્નથી વિકીને લાગ્યું કે ન બોલવાનું બોલાઈ ગયું છે. હજુ આ સમય નથી રેનાને પોતાની લાગણી કહેવાનો. શું ખબર રેનાના મનમાં શું છે એ. આથી તેણે ફેરવી તોળ્યું. "એટલે કે તને કઈ થઈ ગયું હોત તો હેપ્પી તો મને જીવતો જ દાટી દેત. એના માટે પણ એને મહેનત ન કરવી પડત. ખાલી મારી ઉપર બેસી જાય તોય હું જીવતો દટાઈ જાત."
આટલું સાંભળતા તો રેના હસી પડી. તેને આમ હસતી જોઈ વિકીને ખૂબ ગમ્યું. રેના અને વિકી આખા ભીંજાઈ ગયાં હતાં. પાણી પણ ઠંડુ હતું તો બન્નેને થોડીક ઠંડી લાગી રહી હતી. છતાંય બન્નેને જલ્દી હેપ્પી અને પરમ પાસે પહોંચવાનું હતું. બંને ઊભા થયા અને પાણીના કેરબા અને પોતાની બેગ લઈ ચાલવા લાગ્યાં.
વિકીની નજર વારે વારે રેના પર ચોંટી જતી હતી કેમકે ભીના થવાને લીધે તેના કપડાં શરીર સાથે ચપોચપ ચોંટી ગયાં હતાં જેના લીધે રેનાના શરીરના વળાંકો અને ઉભારો સ્પષ્ટ ઉભરી આવીને વિકીને આકર્ષિત કરી રહ્યાં હતાં. જંગલનું મનમોહક વાતાવરણ, સામે કમનીય ભીની કાયા ધરાવતી સુંદરી હોય તો કોઈ પણ સંયમી પુરુષનું ધ્યાન ભટક્યા વિના ન જ રહે. તેમ છતાંય વિકીએ પોતાની જાત પર સંયમ રાખ્યો.
તેને હમણાં જ રેનાના વિચારો જાણવા મળ્યા હતાં એટલે તે કોઈ પણ ઉતાવળ કરવા માંગતો ન હતો. તે ચાલીને પરમ અને હેપ્પી જ્યાં બેઠાં હતાં ત્યાં પહોંચ્યા. બંનેને ભીંજાયેલા જોઈ હેપ્પી તો તરત જ સામે દોડી અને રેનાને ભેટી પડી.
"રેના તું ઠીક છે ને?? શું કર્યું આ વિકીડાએ તારી સાથે?" આવું સાંભળતા જ વિકી ભડક્યો.
"મે શું કર્યું એટલે? તું કહેવા શું માંગે છે હેપ્પી?મે રેના સાથે કઈ આડું અવળું...."
"હા તો, તું જ સાથે ગયો હતો અને તમે બન્ને આખા ભીંજાઈને આવ્યા છો તો..." હેપ્પી ગુસ્સામાં જ બોલી.
"રિલેક્સ હેપ્પી, વિકીએ કઈ નહિ કર્યું. તું કોઈ ખોટા આરોપ ન મુક. ઉલટાનું તેનો આભાર માન કે આજે એ ન હોત તો હું જીવતી ન હોત." રેના હેપ્પીને શાંત કરતાં બોલી.
"એટલે?" પરમ અને હેપ્પી બન્ને એક સાથે બોલ્યાં.
રેનાએ માંડીને બધી વાત કરી કે કેવી રીતે પોતે પાણીમાં પડી અને ડૂબવા લાગી અને વિકીએ તેનો જીવ બચાવ્યો. આ સાંભળી હેપ્પી તો વિકીને ભેટી જ પડી. હેપ્પી એટલી જોરથી તેને ભેટી કે તેના શરીરના ધક્કાથી વિકી પડતાં પડતાં બચ્યો. વિકી માટે હેપ્પીનું આમ ભેટવું થોડું નવાઈ ભર્યું હતું.
"સોરી...સોરી...સોરી...વિકી, મે તો કઈક ઊંધું જ ધારી લીધું હતું પણ તે તો મારી કોહિનૂરને બચાવી લીધી. તું ન હોત તો..."
"હું ન હોત તો કોઈ બીજું હોત હેપ્પી....ચિંતા ન કર. બધું ઓકે છે."
"ક્યાં શબ્દોમાં આભાર માનું તારો?"
"શબ્દોથી પેટ નહિ ભરાય. મને ભૂખ લાગી છે હેપ્પી , તારી બેગનો નાસ્તો આપીને આભાર માની લે..." આમ કહી વિકી હેપ્પીની બેગ લેવા ગયો કે હેપ્પીએ ઝડપથી બેગ લઈ લીધી.
"ના હો, એમાંથી તને કઈ નહિ મળે." નાનું બાળક જેવી રીતે કોઈ વસ્તુ વહેચીને ખાવાની ના પાડે એમ હેપ્પીએ ના પાડી દીધી.
"એ ભુખ્ખડ....ક્યારેક તો કોઈકને કશુંક આપતાં શીખ." વિકીએ કહ્યું.
આ જોઈ પરમ બોલ્યો, "વિકી, એમાં કંઈ વધ્યુ હશે તો આપણને મળશેને. કેમ હેપ્પી?"
આ સાંભળી રેના અને વિકી બન્નેના મોઢા આશ્ચર્યથી ખુલ્લા રહી ગયાં.
"હેપ્પી, તું લાવી હતી એ બધો નાસ્તો એકલી ખાઈ ગઈ?" વિકીએ પૂછ્યું.
"અરે, હેપ્પીએ અહી બેસીને સૌથી મોટું કામ કર્યું છે, ખાવાનું." પરમે થોડું ગુસ્સાથી કહ્યું.
"એમાં એવું છે ને કે ચાલી ચાલીને મને બઉ ભૂખ લાગી હતી તો ખવાઈ ગયો બધો નાસ્તો. હવે કઈ પેટને થોડી ના પડાય છે." હેપ્પી એટલી દયામણા મોઢે બોલી કે એ જોઈને પરમ અને રેના ખડખડાટ હસી પડ્યાં અને વિકી ફરી એકવાર હસતી રેનામાં ખોવાઈ ગયો.
( ક્રમશઃ)
હજુ પણ ટુરમાં કોઈ ધમાલ થશે કે?
શું હવે હેપ્પીની વિકી પ્રત્યેનું વલણ બદલાઈ જશે?
જાણવા માટે વાંચતા રહેજો.