અ - પૂર્ણતા - ભાગ 1 Mamta Pandya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અ - પૂર્ણતા - ભાગ 1

એસીપી મીરા શેખાવતની ગાડી સડસડાટ રસ્તા પર દોડી રહી હતી. રવિવાર હોવાથી રસ્તા પર ટ્રાફિક થોડો ઓછો હતો. એસીપી મીરા શેખાવત પાંચ ફૂટ નવ ઇંચની હાઇટ ધરાવતી સ્ત્રી હતી. એક પોલીસ ઓફિસરના ચહેરા પર હોવી જોઈએ એવી કડપ ન હતી પણ એક સૌમ્યતા હતી. શરીર કસાયેલું હતું, પોલીસની આકરી તાલીમ જો લીધી હતી.
એક ખૂન કેસના વહીવટમાં રવિવાર સવારની ચા પણ પીવાની રહી ગઈ હતી. ફટાફટ ઘટના સ્થળે પહોંચવાની ઉતાવળમાં તેણે ડ્રાઈવરને ગાડી થોડી વધુ સ્પીડ ચલાવવાની સૂચના આપી. સાથે સાથે એમ્બ્યુલન્સ અને ફોરેન્સિક ડિપાર્ટમેન્ટને પણ ઘટના સ્થળે જલ્દીથી પહોંચવાની સૂચના ફોન કરીને તેણે આપી દીધી.
એસીપી મીરાની ગાડી સુરત શહેરના પોશ વિસ્તાર ગણાતા એરિયાના એક બંગલા પાસે આવીને ઊભી રહી. બંગલાને બહારથી જોતાં જ અંદાજ લગાવી શકાય કે બંગલાનો માલિક ખૂબ પૈસાવાળો હશે. પોલીસની ગાડી જોતા જ ચોકીદારે તરત જ દરવાજો ખોલી આપ્યો. મીરાની ગાડી બંગલાના પ્રવેશદ્વારથી અંદર પ્રવેશી વચોવચ રાખેલા ગોળ ફુવારાથી ફરતે બનાવેલા રસ્તે બંગલાના મુખ્ય દરવાજે જઈને ઊભી રહી.
મીરા ગાડીમાંથી ઉતરી કે તરત જ એક સબ ઇન્સ્પેક્ટર દોડતો મીરા પાસે પહોંચ્યો અને સેલ્યુટ કરી.

" કિશન, ઘટના સ્થળ પર કોઈ કઈ આડા અવળું અડ્યું તો નથી ને?" મીરા એ પૂછ્યું.
" ના મેડમ, ઘરમાં બીજું કોઈ છે જ નહિ. આ કામવાળી બહેન આવી અને તેણે જ ફોન કરીને ઘટનાની જાણ કરી. એને મે રસોડામાં જ બેસાડીને રાખી છે. થોડીક ડરેલી છે એ."
" ઓકે. પહેલા ઘટના ક્યાં બની છે અને શું છે એ જોઈ લઈએ."
" યેસ મેમ." આમ કહી કિશન મીરાને બંગલાની અંદર લઇ ગયો.
બંગલામાં એન્ટર થતાં જ મોટો ડ્રોઈંગ રૂમ હતો. જેમાં વચોવચ વિશાળ યુ આકારના સોફા ગોઠવેલા હતાં. વચ્ચે એક મોટી કાચની ટિપાય હતી. ડ્રોઈંગરૂમમાં બરોબર વચ્ચે એક વિશાળ કાચનું ઝુમર લટકતું હતું. ડ્રોઈંગ રૂમની ડાબી બાજુએથી રસોડા તરફ જવાનો રસ્તો પડતો હતો. જમણી બાજુએ એક પૂજા રૂમ હતો. એ સિવાય પણ બે રૂમ નીચે હતાં. જે બંધ હતાં અત્યારે. જમણી બાજુથી જ એક સીડી અર્ધગોળ આકારે ઉપર પહોચતી હતી.
કિશન મીરાને લઈને સીડી ચડી ઉપર લઈ ગયો. ઉપર જતા જ પહેલો બેડરૂમ હતો જ્યાં અત્યારે એક કોન્સ્ટેબલ ઉભો હતો. તેણે મીરાને સેલ્યૂટ કરી અને મીરાને હેન્ડગ્લોવઝ આપ્યા. મીરા ગ્લોવ્ઝ પહેરી રૂમમાં પ્રવેશી.
કદાચ આ બંગલાનો સૌથી વિશાળ અને સુંદર બેડરૂમ આ જ હશે એવું મીરાને લાગ્યું. કોઈ લકઝરીયસ હોટેલનો સ્વીટ હોય એવો એ બેડરૂમ હતો. વચ્ચે એક કિંગ સાઇઝનો બેડ હતો. બેડની પાછળની દીવાલ પર એક વિશાળ ફોટો ફ્રેમ હતી જેમાં એક કપલ હાથમાં હાથ રાખીને ઊભું હતું. બેડરૂમમાં દરવાજાની બરાબર જ સામે એક ગેલેરી પડતી હતી જેમાં ઘણા બધા છોડના કુંડ દેખાઈ રહ્યા હતાં. ગેલેરી કાચની સ્લાઈડિંગ વિંડોથી અત્યારે બંધ હતી. દરવાજાની ડાબી બાજુ એક દરવાજો હતો જે ઍટેચડ ટોયલેટ બાથરૂમ હતું. બેડની ડાબી બાજુ એક ડ્રેસિંગ ટેબલ હતું જેના પર મોંઘી બ્રાન્ડનો મેકઅપ અને પરફ્યુમની બોટલ પડી હતું. બેડની સામેની દીવાલ પર એક ૪૮ ઇંચનું સ્માર્ટ ટીવી હતું. ટીવીની નીચે એક શો કેસ બનાવેલું હતું. જેની પર બે સરસ ડિઝાઇનના ફ્લાવર વાસ હતા જેમાં ગઈકાલ ના ફૂલો કરમાઈ ગયા હતા. રૂમમાં જાત જાતની પેઇન્ટિંગ પણ હતી. બેડ અને ટીવી ની વચ્ચે એક મોટી કાચની ટિપાઈ હતી જેની બાજુમાં એક વ્યક્તિનો મૃતદેહ પડ્યો હતો.
મીરા એ વ્યક્તિની નજીક ગઈ. તેના માથાના પાછળના ભાગેથી લોહી નીકળેલું હતું. જે ફર્શ પર રેલાઈને જામી ગયું હતું. આથી મીરાએ અનુમાન બાંધ્યું કે વ્યક્તિનું મૃત્યુ થયું એનો ઘણો સમય વિતી ગયો હશે. તેણે એક નજર આખા રૂમમાં ફેરવી. કોઈ શંકાસ્પદ વસ્તુ દેખાઈ નહિ.
" કિશન, આ વ્યક્તિની જનમ કુંડળી કઢાવ. એના ફેમિલી મેમ્બરને કૉલ કરી દે. બાકી ફિંગર પ્રિન્ટ લેવાઈ જાય ત્યારબાદ બોડીને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલી દે."
" યેસ મેડમ. ફોરેન્સિક ટીમ આવી જ ગઈ છે."
" કિશન, ચાલ પહેલા કામવાળી બાઈને મળી લઈએ." આમ કહી મીરા ફટાફટ બહાર નીકળીને દાદર ઉતરી ગઈ. કિશન પણ તેને અનુસર્યો. ફોરેન્સિક ટીમ આવીને તેના કામ પર લાગી.
મીરા ડ્રોઈંગ રૂમમાં સોફા પર બેઠી. કિશન કામવાળી બાઈને ત્યાં લઈ આવ્યો. કામવાળી બાઈ હજુ પણ ડરેલી હતી.
મીરાએ તેને ઇશારાથી સોફા પર બેસવા કહ્યું છતાંય તે ન બેઠી.
" કિશન, પાણી લઈ આવ."
કિશન પાણી લઈ આવ્યો એટલે મીરાએ પાણીનો ગ્લાસ કામવાળીને આપ્યો. તે એકજ શ્વાસે આંખો ગ્લાસ પાણી પી ગઈ.
" શું નામ છે તારું?"
" આ...આશા...આશા નામ છે મારું."
" હા તો આશા, કેટલા સમયથી તું અહી કામ કરે છે?"
" હું...હું....લગભગ પાંચ વર્ષથી...." આશા હજુ પણ ધ્રુજી રહી હતી.
" તે જ પોલીસ સ્ટેશન ફોન કર્યો હતો?"
" હા..મેડમ...પણ મને કઈ નથી ખબર...હું...તો...." આટલું બોલતાં જ આશા રડી પડી.
" રિલેક્સ આશા. તને જે ખબર હોય તે શાંતિથી કે. તું અહી કેટલા વાગે આવી? તે શું જોયું? વગેરે...."
આશા ડુસકા ભરતી બોલી, " હું રોજ સવારે સાત વાગે અહી આવું છું. આખા ઘરનું કામ અને રસોઈ બધું હું જ કરું છું. આંખો દિવસ અહી જ હોવ. રાતે રસોઈ કરીને મારા ઘરે જાવ. આજે સવારે આવી તો ઘરનો દરવાજો અડધો ખુલો હતો. મને એમ કે મેડમ આવી ગયા હશે..."
" મેડમ રાતે ઘરે ન હતા?"
" નહિ. પછી હું મારું કામ પતાવીને નાસ્તો બનાવવા લાગી. સાહેબ ૭.૩૦ વાગ્યે નીચે આવી જ જાય નાસ્તો કરવા, પણ આજે ન આવ્યા. મે આઠ વાગા સુધી રાહ જોઈ પછી ઉપર ગઈ. સાહેબનો રૂમનો દરવાજો સહેજ ખુલો હતો. તોય મે બહારથી જ ટકોરા મારી બૂમ પાડી પણ સાહેબ કે મેડમ એકેયનો અવાજ ન આવ્યો. મે દરવાજાને સહેજ ધક્કો મારતાં તે ખુલી ગયું. મે અંદર આવીને જોયું તો સાહેબ નીચે પડેલા હતા અને એમના માથામાંથી લોહી...." આટલું કહેતા આશા ફરી રડવા લાગી.
મીરાએ થોડી વાર તેને રડવા દીધી.
આશા થોડીવાર રહીને બોલી,
" પછી...પછી...મે તરત જ નીચે આવીને પોલીસને ફોન કર્યો. પોલીસ આવી ત્યાં સુધી હું અહી બહાર દરવાજે જ ઊભી હતી."
મીરાએ કિશન સામે જોયું કે આશા સાચું બોલે છે કે. કિશને પણ હકારમાં માથું હલાવ્યું. મીરા હજુ આશાને કઈ વધુ પૂછે એ પહેલા બહાર એક ગાડી ઊભા રહેવાનો અવાજ આવ્યો અને થોડીક જ વારમાં એક સુંદર યુવતી વાવાઝોડાની જેમ અંદર ધસી આવી અને આવતાં વેંત સીધી મીરા પર વરસી પડી.
" એસીપી, તમે અહી શાંતિથી બેસીને આ કામવાળી સાથે શું માથાકૂટ કરી રહ્યા છો?? મારા પતિ સાથે શું થયું એ શોધવાની જગ્યાએ તમે...." હજુ તો એ યુવતીનું વાક્ય પૂરું થાય એ પહેલા મીરાની રાડ પડી.
" જસ્ટ શટ અપ યોર માઉથ."
રાડ એટલી જોરદાર હતી કે આવનારી યુવતી બે મિનિટ સહેમી જ ગઈ.
" હું આર યું?"
" માય સેલ્ફ મિસિસ દેવિકા વિક્રાંત મહેરા."
( ક્રમશઃ)
જે વ્યક્તિનું મૃત્યુ થયું છે એ ખૂન છે કે અકસ્માત?
દેવિકા શું વાવાઝોડું લાવશે?
કેવો હશે મીરાનો રિસ્પોન્સ?