વૈભવ અને રેનાનો ઝગડો સાંભળી રેવતીબહેન તેમના બેડરૂમ તરફ જતાં હતાં ત્યાં જ ડોરબેલ વાગી. મનહરભાઈએ ઊભા થઈ દરવાજો ખોલ્યો. દરવાજે એસીપી મીરા શેખાવત બે મહિલા કોન્સ્ટેબલ સાથે ઊભાં હતાં.
"આ રેના શાહનું જ ઘર છે?"
"હા, બોલો શું કામ છે રેનાનું?" મનહરભાઈને થોડીક નવાઈ લાગી કે એમના ખાનદાનનો દૂર દૂર સુધી કોઈ દિવસ પોલીસ સાથે ક્યાંય કોઈ સંબંધ નથી અને આજે પોલીસ તેમના દરવાજે ઊભી છે. એક ઈજ્જતદાર માણસના ઘરે પોલીસ આવે એટલે લોકો જાત જાતના તર્ક કરવા લાગે. શું સાચું શું ખોટું એ તો પછીની વાત છે પણ માણસોને ગોસીપ કરવાનો નવો મસાલો મળી જાય અને જ્યાં સુધી કોઈ બીજી ઘટના ન બને ત્યાં સુધી એ ગોસીપ ચાલ્યા જ કરે. અરે, ક્યારેક તો મૂળ ઘટના શું હતી એ સુધ્ધા ભુલાઈ જાય એટલી હદે વાત મસાલો ઉમેરાઈને એક કાનથી બીજા કાન સુધી પહોંચી ગઈ હોય
"તમે રેના શાહને બોલાવી આપશો? મારે વિક્રાંત મહેરાના મર્ડર કેસ બાબતે તેમની પૂછપરછ કરવી છે."
આ સાંભળી રેવતીબહેન અને મનહરભાઈ બંનેને આઘાત લાગ્યો.
"મર્ડર?? રેનાનો મર્ડર સાથે શું સંબંધ?" રેવતી બહેન મનહરભાઈ પાસે આવીને બોલ્યા.
"માજી, એ તો હવે રેના શાહને પૂછીશ ત્યારે જ ખબર પડશે. તમે અમારો સમય ન બગાડો અને રેના શાહને બોલાવી આપો પ્લીઝ."
"હા...હા... તમે અંદર આવો. હું રેનાને બોલાવી લાવું છું." આમ કહી મનહરભાઈ ફટાફટ દાદર ચડી વૈભવના બેડરૂમ સુધી પહોંચ્યા.
"વૈભવ, નીચે પોલીસ આવી છે અને રેના વિષે પૂછી રહી છે." મનહર ભાઈએ દરવાજામાં પ્રવેશતા જ કહ્યું. જો કે તેમની અનુભવી નજરે એક પળમાં બધું જ જોઈ લીધું. જે રીતે રેના રડી રહી હતી અને તેના ગાલ પણ સુજેલા હતાં. અત્યારે બીજી કોઈ માથાકૂટમાં પડવું જરૂરી ન સમજતાં તેમણે વૈભવ અને રેનાને ઝડપથી નીચે આવવા કહ્યું.
મનહર ભાઈના જતાં જ વૈભવ ફરી ઉકળી ઉઠ્યો, "હવે શું કાંડ કરીને આવી છે કે પોલીસને છેક ઘર સુધી આવવું પડ્યું?"
રેના હજુ કઈ બોલે એ પહેલા જ વૈભવ દરવાજા તરફ જતાં બોલ્યો, "તારો હિસાબ પછી કરી લઈશ. ઝડપથી આ તારું થોબડું સરખું કરીને નીચે આવ." આમ કહી ગુસ્સામાં જ દરવાજો પછાડી એ નીચે જતો રહ્યો.
રેના પણ ઝડપથી ઊભી થઈ મોઢું ધોઈને નીચે પહોંચી.
"હેલ્લો એસીપી, હું વૈભવ શાહ અને આ મારી પત્ની રેના શાહ. બોલો શું સેવા કરી શકું તમારી?" વૈભવએ બને એટલું સ્વસ્થ રહીને મીરાને આવકારી.
મીરાએ વિક્રાંતનો ફોટો બતાવી વૈભવને પૂછ્યું, "આને ઓળખો છો તમે?"
"હા, આ વિક્રાંત મહેરા છે અને મારી પત્ની તેની જ ઓફિસમાં જોબ કરે છે."
"એ જ વિક્રાંત મહેરાનું ગઈકાલે રાત્રે મર્ડર થઈ ગયું છે. તેના ઘરના સીસીટીવી ફૂટેજના હિસાબે એને સૌથી છેલ્લે મળનાર વ્યક્તિ તમારી પત્ની રેના હતી." આમ કહી એક નજર તે રેના પર ફેરવે છે. રેનાની હાલત તો કાપો તો લોહી પણ ન નીકળે તેવી હતી.
રેવતી બહેનને થોડો આઘાત લાગ્યો. "રેના, તે તો કીધુ હતું કે તું ઓફિસમાં છે અને આવતાં મોડું થશે."
"હા...મમ્મી...હું...હું...ઓફિસમાં જ હતી. એ તો કાલે બોસ આવ્યા ન હતાં અને તેમને એક ફાઈલ જોતી હતી તો હું તેમને આપવા તેમના ઘરે ગઈ હતી." રેનાએ માંડ માંડ જવાબ આપ્યો. આ બધા વચ્ચે વૈભવ એકદમ શાંતિથી ઉભો હતો. જાણે તેને આ બધી વાતોથી કોઈ ફેર પડતો ન હોય.
મીરાએ એક કટાક્ષ વાળું સ્મિત કર્યું. "મિસિસ રેના, આ તમારા બોસ અને તમારા સંબંધો કેવા હતાં?"
મીરાના પ્રશ્નથી મનહરભાઈ ગુસ્સે થઈ ગયા.
"એસીપી મેડમ, તમે મારા ઘરની વહુને આવો પ્રશ્ન કઈ રીતે પૂછી શકો? એ અમારા ઘરની ઈજ્જત છે."
"રિલેક્સ, હું તો ખાલી પૂછું છું. પ્રશ્ન પૂછવા મારી ફરજનો ભાગ છે અને તમે જવાબ દેવા બંધાયેલા છો મિસિસ રેના." મનહર ભાઈ તરફથી ફરી મીરાએ નજર રેના તરફ ઠેરવી.
"ઓફિસમાં એક બોસ અને કલીગ વચ્ચે હોય એવા જ અમારાં સંબંધો હતાં. ઓફિસની બહાર અમે સારા મિત્રો હતાં. અમારાં ઘર વચ્ચે ફેમિલી રિલેશન છે." રેનાએ થોડી સ્વસ્થતા કેળવી જવાબ આપ્યો. એ જાણતો હતી કે પોલીસની સામે ડરવું મતલબ સામે ચાલીને પોતાના પર શંકા ઊભી કરવી.
"મિસ્ટર વૈભવ, તમારા વિક્રાંત સાથે સંબંધો કેવા હતાં? "
"અમે સારા મિત્રો હતાં. વિક્રાંતની મોટાભાગની ફોરેન ડેલિગેટ્સ સાથેની મિટિંગ મારી ફાઈવ સ્ટાર હોટેલમાં જ થતી."
"તમારી કોઈ પર્સનલ દુશ્મની વિક્રાંત સાથે?"
"આ કેવો પ્રશ્ન છે મેડમ? મારી શું કામ એની સાથે કોઈ દુશ્મની હોય?" વૈભવનો અવાજ થોડો ઉંચો થઇ ગયો.
"અવાજ ધીમો રાખો મિસ્ટર વૈભવ." પછી તે રેના તરફ આગળ વધી.
"જેની વાઇફ આટલી સુંદર હોય એના પતિને દુશ્મનોની ફોજ હોય તો પણ નવાઈ નહિ."
વૈભવ કઈક બોલવા જતો હતો પણ મનહર ભાઈ આંખોથી જ તેને ચૂપ રહેવા કહ્યું.
"મિસ્ટર વૈભવ , મારે તમારા અને તમારી પત્ની રેના બેયના ફિંગર પ્રિન્ટ જોઈએ છે. વિક્રાંતની બોડી અત્યારે પોસ્ટમોર્ટમમાં ગઈ છે.રિપોર્ટ આવતાં જ બધું ક્લીઅર થઈ જશે. આમ પણ શંકાની સોઇ તો મિસિસ રેના તરફ આંગળી ચીંધે જ છે. અત્યારે તો મે ઔપચારિક પૂછપરછ કરી છે. જરૂર લાગશે તો હું તમને પોલીસ સ્ટેશન પણ બોલાવીશ. આઈ હોપ કે તમે કો - ઓપરેટ કરશો."
મીરાએ લેડી કોન્સ્ટેબલને ઈશારો કર્યો. તે તરત જ આગળ આવી અને વૈભવ અને મીરા બેયના ફિંગર પ્રિન્ટ લઈ લીધા.
"સી યુ સૂન મિસિસ રેના." આમ કહી મીરા ઝડપથી ત્યાંથી નીકળી ગઈ.
તેના જતાં જ રેવતીબહેન રેના પાસે આવ્યા અને તેના માથા પર વ્હાલથી હાથ ફેરવ્યો.
"બેટા, ચિંતા ન કર. તે કઈ ખોટું નથી કર્યું તો તારે કોઈથી ડરવાની પણ કઈ જરૂર નથી."
આ સાંભળતા જ વૈભવ ફરી ગરજી પડ્યો.
"મમ્મી, એણે જે કર્યું છે એ સાંભળવાની તો કદાચ તમારામાં હિંમત પણ નહિ હોય. એકવાર પૂછો તો ખરાં કે એક ફાઈલ દેવામાં એને વિક્રાંતના ઘરે કલાકો રહેવાની શું જરૂર હતી?"
રેના વૈભવના ગુસ્સાથી થર થર ધ્રુજી રહી હતી. ધીમે ધીમે ફરી આંસુએ વહેવાનું શરૂ કરી દીધું હતું.
"વૈભવ, ખોટી શંકા કરવાની જરૂર નથી. મને વિશ્વાસ છે રેના પર કે એ ક્યારેય કઈ ખોટું ન જ કરે." રેવતી બહેને ફરી રેનાનો પક્ષ લીધો.
"બસ, તમારા આ જ વિશ્વાસના તો એણે લીરેલીરા ઉડાડી દીધા છે."
વૈભવ રેના પાસે આવ્યો અને જોરથી તેનું બાવડું પકડ્યું, "બોલ રેના, તારી અને વિક્રાંત વચ્ચે કેટલા સમયથી અફેર ચાલતું હતું."
"વૈભવ પ્લીઝ, મને હર્ટ થાય છે. હું સાચું કહું છું મારું વિક્રાંત સાથે કોઈ અફેર નથી. અમે સારા મિત્રો છીએ બસ..." રેનાના ગાલ પર ફરી એક તમાચો પડ્યો. આ સાથે જ મનહર ભાઈની રાડ પડી, "વૈભવ...તારી હિંમત કેમ થઈ હાથ ઉપાડવાની? મે તને આ સંસ્કાર આપ્યા છે?" આમ કહી મનહર ભાઈએ વૈભવને રેનાથી દુર કરી દિધો. રેના ગાલ પર હાથ મૂકી ધ્રુસકે ધ્રુસકે રડતી ત્યાં જ બેસી પડી.
"મમ્મી, કાલે રાતે હું ફક્ત વિક્રાંતને ફાઈલ દેવા જ ગઈ હતી પણ ત્યાં તેણે મારી સાથે...બળજબરી કરવાની કોશિષ કરી હતી."
"શું???" બધાના મોઢામાંથી એક સાથે એક જ ઉદ્દગાર નીકળ્યો.
વૈભવ અને રેવતી બહેન સ્તબ્ધ થઈને ઊભાં હતાં.
( ક્રમશઃ)
શું રેના સાચું બોલી રહી છે?
કે પછી વૈભવને મળેલા મેસેજ સાચા છે?
જાણવા માટે મળીએ આગળના ભાગમાં.