અ - પૂર્ણતા - ભાગ 3 Mamta Pandya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અ - પૂર્ણતા - ભાગ 3

રેના જે કેટલાય સમયથી વૈભવની રાહ જોઈ રહી હતી પણ જ્યારે વૈભવ આવ્યો ત્યારે જાણે કેમ વાવાઝોડું લઈને આવ્યો હોય એવી પ્રતીતિ થઈ રેનાને.
વૈભવએ રેનાને બાવડેથી પકડી અને ગુસ્સામાં હલબલાવી, "સમજવા માટે બાકી જ શું રહ્યું છે રેના? તારા કાળા કરતૂતના પુરાવા છે મારી પાસે. તે ખૂબ છેતરી લીધો મને, પણ હવે નહિ. આ વૈભવ શાહ દગો કરનારને ક્યારેય માફ નથી કરતો. લે આ ડિવોર્સ પેપર. મારી જિંદગીમાં તારા દિવસો અહી જ પૂરા. મારા પરિવાર અને મારી પરીને હું સાચવી લઈશ." વૈભવ ડિવોર્સ પેપર રેનાના મોં પર ફેંકીને ત્યાંથી જતો રહ્યો.
રેના તેની પાછળ દોડી, "વૈભવ , પ્લીઝ સાંભળ....તું સમજે છે એવું કંઈ નથી. હું તને ખૂબ જ પ્રેમ કરું છું...ખૂબ જ....." દોડતાં દોડતાં રેના ત્યાં જ ફસડાઈ પડી. એક પળમાં જાણે બધું ખતમ થઈ ગયું.
વૈભવના શબ્દો જાણે તેના કાનમાં ગુંજવા લાગ્યા, "હું તને ક્યારેય માફ નહિ કરું...."
તેણે જોરથી પોતાના બેય કાન પર હાથ મૂકીને જોરથી આક્રંદ કર્યું, "વૈભવ....."
આ સાથે જ તેની આંખ ખુલી ગઈ. તેણે આજુબાજુ નજર ફેરવી. પોતે પોતાના જ એસી બેડરૂમમાં સૂતી હતી. બેડરૂમમાં આછા લેમ્પના અજવાળામાં તેણે બાજુમાં જોયું તો પોતાનો પતિ વૈભવ શાંતિથી સૂતો હતો.
પોતે પોતાના જ બેડરૂમમાં છે એ જોઈ રેનાને હાશ થઈ. આટલા ચિલ્ડ એસીમાં પણ તેના કપાળે પરસેવાના બુંદ જામી ગયાં હતાં. શ્વાસ તો જાણે ધમણની જેમ ચાલતો હતો.
તે મનોમન જ બબડી, "હાશ, આ એક સપનું હતું. પણ જો હકીકત હોત તો?"
એક નજર તેણે વૈભવ તરફ ફેંકી. તેના શરીરમાંથી એક આછી ધ્રુજારી નીકળી ગઈ. વૈભવ અને પરી વિના તે પોતાની જિંદગી વિચારી પણ શકે એમ ન હતી. તે ફરી એકવાર વૈભવ સાથે વાત કરવાની કોશિષ કરશે એવા દ્રઢ નિર્ણય સાથે તેણે સૂવાની કોશિષ કરી. રેનાની આંખ ક્યારે લાગી ગઈ ખબર ન રહી તેને.
સૂર્યનારાયણ તેમના સોનેરી કિરણો રેલાવતા ફરી ધરતીને નવપલ્લવિત કરી રહ્યા હતાં પણ રેનાની સવાર રોજ કરતાં કઈક અલગ હતી. આંખો પર થોડો ઉજાગરાનો ભાર હતો. મનના ઘોડા તીવ્ર ગતિથી દોડી રહ્યા હતાં અને સાથે જ હાથ સવારનો નાસ્તો અને ચા બનાવવામાં વ્યસ્ત હતાં.
રેવતી બેન એટલે કે વૈભવના મમ્મી પુજાઘરમાં પૂજા કરી રહ્યાં હતાં. ઘરમાં તેમની ટોકરીનો મધુર અવાજ અને અગરબત્તીની ખુશ્બૂ પ્રસરીને વાતાવરણને જાણે વધુ પવિત્ર બનાવી રહી હતી. રોજ તો પરી તેમની સાથે જ પૂજા કરતી હોય પરંતુ આજ હજુ રવિવાર હોવાથી તે સૂતી હતી.
મનહરભાઈ પેપર વાંચવાનો આનંદ લઇ રહ્યા હતા. રસોડામાંથી મસ્ત સુગંધ આવતાં તેમણે કિચન તરફ જોઈને પૂછ્યું,
"રેના, આજ તો અપ્રતિમ સુગંધ આવી રહી છે નાસ્તાની. ઈડલી સાંભાર બન્યા છે કે શું?"
"પપ્પા, તમારા નાકનું તો કહેવું પડે હો." રેનાએ રસોડામાંથી જ જવાબ આપ્યો.
"હા રેના, આ તારા પપ્પાને ઘરડે ઘઢપણ ખાવાનો ચટાકો છૂટતો નથી. બેય બાપ દીકરો સરખા છે." રેવતી બહેને પૂજા ઘરમાંથી જ અણગમો પ્રદર્શિત કર્યો.
"અત્યાર અત્યારમાં કોણે મને યાદ કર્યો?" આમ કહેતો વૈભવ ઝડપથી આવીને ટેબલ પર ગોઠવાયો.
"આ તારી મમ્મીને આપણો ખાવાનો શોખ ચટાકો લાગે છે. બોલ, શું કહેવું મારે એને?" મનહર ભાઈએ વૈભવને મીઠી ફરિયાદ કરી જ દીધી.
"પપ્પા, કરવાનું શું હવે એમાં. ભગવાને બે કાન બધું સાંભળવા માટે જ થોડા આપ્યાં છે. ક્યારેક એક કાનથી સાંભળી બીજા કાને કાઢી નાખવાનું. જમવાની બાબતમાં કોઈનું સાંભળવાનું જ નહિ." આમ કહી બેય બાપ દીકરો ખડખડાટ હસી પડ્યાં.
રેવતી બહેને પૂજા પૂરી કરી અને તે પણ ટેબલ પર આવીને બેઠા.
"હા, હા, અમારું તો ક્યાં કોઈ સાંભળે જ છે. એક આ રેના છે જે મારી વાત સાંભળે છે. સુધરી જાવ બેય. એક ઘરડું થયું ને બીજો એક દીકરીનો બાપ થયો."
હજુ મનહરભાઈ કઈ બોલવા જાય એ પહેલા જ રેના નાસ્તાની ટ્રે લઇને આવી, "મમ્મી, ભગવાને જમવાનું દીધું છે તો ભલેને જમે. મને એમ પણ ક્યાં આળસ છે રસોઈ બનાવવાની. મને તો નવું નવું બનાવવું ખૂબ ગમે ખબર ને તમને." આમ કહી રેનાએ ઈડલી સાંભાર સાથે કોકોનટ ચટણી અને ચા બધું ટેબલ પર મૂક્યું.
"હા, તું ચડાવ હજુ માથા પર બેય ને. જોવો, બેય કાન ખોલીને સાંભળી લો, રેના નહિ હોય ત્યારે મારી પાસે કોઈ ફરમાઈશ કરવી નહિ. હું જે બનાવું એ ચૂપચાપ જમી લેવાનું." રેવતી બહેને ઓર્ડર કરી દિધો.
"હું ક્યાંય જવાની નથી. થોડાં દિવસ પિયર જાવ ત્યારે પણ એટલે જ રસોઈ કરવા એક બહેન મૂકતી જાવ છું." રેનાનું મન થોડું વ્યગ્ર હતું પણ છતાંય તેણે રોજ જેવું સ્મિત ચહેરા પર સજાવી દીધું હતું.
આ જ તો સ્ત્રીની ખાસિયત છે. એક સાથે કેટલીય લાગણીઓને એ મેનેજ કરી લે છે. એક નજર રેનાએ વૈભવ તરફ ફેંકી અને બધાને નાસ્તો પીરસવા લાગી. તેણે નક્કી કર્યું કે નાસ્તો કરીને વૈભવ બેડરૂમમાં આવશે એટલે એ તેની સાથે વાત કરીને ચોખવટ કરી લેશે.
હા, પોતે ક્યાંક ખોટી હશે અને વૈભવ ગુસ્સો કરશે તો પોતે સહી લેશે એમ વિચારી તે પોતે પણ નાસ્તો કરવા લાગી.
વૈભવએ જેવી નાસ્તાની ચમચી મોઢામાં મૂકી કે એ બોલી પડ્યો, "આટલા વર્ષ થયા રેના તને આ ઘરમાં આવ્યા એને પણ હજુ પણ મમ્મી જેવો સાંભાર બનાવતા ન આવડ્યો. ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મર."
મનહરભાઈ વૈભવ પર થોડા ગુસ્સે થઈ ગયા, "વૈભવ, બોલવામાં ધ્યાન રાખ. શું વાંધો છે સાંભરમાં? આટલો સરસ તો બન્યો છે."
"હા તો, મારા કરતાં પણ વધુ સારો બનાવ્યો છે. જેના હાથના રોટલા આખી જિંદગી ખાવાના હોય ને વૈભવ, એના ટેસ્ટને પણ સ્વીકારતા શીખવું જોઈએ. દરેક સ્ત્રી એક સરખી રસોઈ ન બનાવી શકે." રેવતી બહેને પણ રેનાનો જ પક્ષ લીધો.
"જો ફરી ઊભા રહી ગયા તમે બેય રેનાની પડખે." આમ કહી વૈભવએ મોઢું બગાડ્યું.
"હા, તો એમાં ખોટું જ શું છે? રેનાની ભૂલ હોય તો એને કઈક કહીએને. તું તો હમેશા...." મનહરભાઈ કઈ આગળ બોલે એ પહેલા જ રેનાએ ઇશારાથી તેમને બોલવાની ના પાડી દીધી.
"વૈભવ, હું બીજી વાર મમ્મીને સાથે ઊભા રાખીને સાંભાર બનાવીશ." રેનાએ પણ વાત વધે નહિ એટલે સીધો દાવ લઈ લીધો.
વૈભવએ મોઢું મચકોડ્યું, "આટલા વર્ષોમાં ન આવડ્યું એ હવે શું આવડવાનું."
"વૈભવ , અન્નનો અનાદર કર્યા વિના ચૂપચાપ ખાઈ લે." રેવતી બહેને થોડાં ઊંચા અવાજે કહ્યું.
રેનાને થોડો ડર લાગ્યો કે જો વૈભવનો મૂડ બગડ્યો તો પોતાને જે વાત કરવી છે એ કેમ થશે. હજુ એ કઈ બોલવા જાય એ પહેલા જ વૈભવના ફોનમાં મેસેજ ટોન ગુંજ્યો. વૈભવએ ફોન હાથમાં લીધો અને મેસેજ જોઈ તેના ચહેરાનો રંગ ફરી ગયો. બધાની હાજરીમાં વધુ ફોન હાથમાં નહિ રાખી શકાય એ વિચારે તેણે ફોન લોક કરીને મૂક્યો અને ફટાફટ નાસ્તો કરી બેડરૂમમાં જતો રહ્યો. વૈભવના ચહેરા પર આવેલું પરિવર્તન જોઈ રેના ફફડી ઊઠી.
( ક્રમશઃ)
વૈભવના ફોનમાં કોનો મેસેજ આવ્યો ?
રેના શું વાત કરવા માંગે છે વૈભવ સાથે?
જાણવા માટે જોડાયેલા રહેજો વાર્તા સાથે.