એક હતી કાનન... - રાહુલ વોરા
(પ્રકરણ – 26)
શું કરતો હશે મનન?એને ઊંઘ આવતી હશે?છેલ્લે છેલ્લે તો કેટલો આધારિત થઈ ગયો હતો મારા ઉપર.શું અમે બે ફરી ક્યારેય એક નહીં થઇ શકીએ?મુક્તિએ ખાલી માં ના પ્રેમ થી જ ચલાવવું પડશે? પિતાના પ્રેમથી વંચિત તો નહીં રહી જાય ને?
કાનન ધ્રુસકે ધ્રુસકે રડી પડી.પહેલીવાર એને પોતાનું ભાવિ આટલું અંધકારમય દેખાતું હતું.
“ગુડ મોર્નિંગ,મનનભાઈ.”તાપસીએ રૂટીન પ્રમાણે કહ્યું.
પહેલાં તો મનનથી આસપાસ જોવાઈ ગયું.તાપસી એ માંડ માંડ પોતાના હાસ્યને કાબુમાં રાખ્યું.પછી મનને પણ પ્રતિભાવ આપ્યો.મનન ને સારું પણ લાગ્યું.
થોડી વાર પછી મનને તાપસીને કેબીનમાં બોલાવી.ઓફિસના કામની વાતો ચાલી.તાપસી સમજી ગઈ કે મનન માં-દીકરીના સમાચાર જાણવા માંગે છે પણ પૂછી શકતા નથી એટલે એણે જ આપી દીધા.
“મનનભાઈ, માં-દીકરી બન્ને બરાબર છે.કામચલાઉ વ્યવસ્થા પ્રમાણે મેં એને મારી નજીક જ ઘર લઈ દીધું છે.જરૂરી સામાન પણ આપ્યો છે અને જરા પણ તકલીફ ન પડે એનું ધ્યાન રાખું છું.”
મનન ને તાપસીની સમજદારી પર માન થઈ ગયું.સામેની વ્યક્તિની લાગણીને ચહેરા પરથી જ વાંચી લેવાની કુદરતી બક્ષિશ નારી જાતિને મળેલી છે એવી એની માન્યતા વધુ દૃઢ થઈ.
“તાપસી,તારે મારું એક કામ કરવાનું છે.અત્યારે કાનન પાસે તું જ છે.એકલતા પણ અનુભવતી હશે.સાચવી લેજે.માં-દીકરીને જરા પણ તકલીફ ન પડે તે જોતી રહેજે.”
ખડખડાટ હસી પડાયું તાપસીથી.મનન થોડો ગૂંચવાયો પણ ખરો.
“ખરાં છો તમે બન્ને જણા.અલગ હોવા છતાં પણ સતત એકબીજાનો જ વિચાર કરો છો,એકબીજાની જ ચિંતા કરો છો. એક બાજુ કાનનબેન મને તમને સાચવી લેવાની ભલામણ કરે છે બીજી બાજુ તમે.hats off.”
તાપસીએ જાણે રહસ્ય ખોલ્યું હોય એવી રીતે કહ્યું.તાપસી હવે થોડી ગંભીર થઈ ગઈ.
“હવે તમે બન્ને એ મને મિત્ર જ માની છે,વિશ્વાસ મૂક્યો છે ત્યારે એક સૂચન કરું છું.મુક્તિ નાની હોવાથી અને ઘરનાં સંજોગો જોતાં કાનન અત્યારે તમને મળવા આવી શકે તેમ નથી.તો તમે ઓફિસેથી છૂટીને રોજ આવો એવું ન થઈ શકે?તમે જે રીતે એને ઓળખો છો તે જોતાં એને પણ આ ગમશે.વિચારી જોજો.”
મનન ને લાગ્યું કે કાનન ભેગી રહીને તાપસી પણ કેટલી સમજદાર થઈ ગઈ છે.કાનન ના વિચારે મનન થોડો ખિન્ન પણ થઈ ગયો.તાપસી મનન નાં મનમાં શું ચાલી રહ્યું છે તે સમજી ગઈ અને બોલી.
“તમારી પત્નીના સહવાસની અસર છે આ.”તાપસીએ કહ્યું.
“કે પછી કોઈ માંડવીના મિત્રના સહવાસની.”મનન નો ઈશારો તાપસી સમજી ગઈ અને શરમાઈ પણ ખરી.જો કે તપન તરફ નો ઈશારો એને ગમ્યો પણ ખરો.
સાંજે ઓફિસેથી નીકળતી વખતે મનન તાપસી પાસે આવ્યો અને કહ્યું.
“ચાલો,આજથી જ હુકમનો અમલ શરૂ કરીએ.”તાપસી તો ખુશ થઇ ગઈ.
તાપસી એ દૂરથી જ ઘર બતાવી થોડી વાર પછી આવું છું એમ કહીને સરકી ગઈ.
કાનન હજી બાલઘર માંથી આવી જ હતી ને દરવાજે બેલ વાગી.
દરવાજો ખોલ્યો તો સામે મનન હસતે ચહેરે ઉભો હતો.એક પળ તો એવો વિચાર પણ આવી ગયો કે માં-દીકરીને લેવા તો નહીં આવ્યો હોય ને.
કાનન તો ખુશીમાં ને ખુશીમાં ભેટી જ પડી.મનન પણ સીધો મુક્તિ પાસે પહોંચી ને એમાં ખોવાઈ ગયો.
“ચા બનાવું?”
“હું તો જમવાની ગણતરીએ આવ્યો હતો.”મનને કહ્યું.
“અરે વાહ,તો તો મારાં ઉઘડી ગયાં.”કાનને જવાબ આપ્યો.
“કાનન,આજથી રોજ સાંજે ઓફિસેથી છૂટીને હું અહીં તમારા બન્ને પાસે આવીશ અને જમીને જઈશ.શનિ-રવિ આપણે સાથે જ પસાર કરશું.”મનન નો આ ફેરફાર કાનનને ગમ્યો.
‘ઓહો,મનનભાઈ તમે અત્યારે?”તાપસીએ પ્રવેશતાં જ નાટક શરૂ કર્યું.
“રહેવા દે,રહેવા દે.આ બધાં તારાં જ કારસ્તાન છે.”કાનન રસોડામાંથી બહાર આવી.
“પણ થેન્ક્સ.”બન્ને એક સાથે બોલી ઉઠ્યાં.
તાપસી બન્ને ને ખુશ જોઈ ખુશ થઇ.
રૂટીન બરોબર ગોઠવાઈ તો ગયું જ હતું.પણ કાનન ની રજા એકાદ વીકમાં પૂરી થવામાં હતી અને એની ચિંતા પણ હતી અને તાપસીને પણ એની ચિંતા હતી.
એણે આખરે કાનન નાં મમ્મી-પપ્પાને જાણ કરવાનો નિર્ણય લઇ લીધો.ગમે તેમ કરીને વડોદરાનું સરનામું મેળવી અહીંની સ્થિતિની જાણ કરી.સાથે એ પણ જણાવ્યું કે તમને જાણ કરવાની બાબતમાં કાનન હજી પણ થોડી અવઢવમાં છે. જો કે એણે આવવા અંગે સ્પષ્ટ લખ્યું ન હતું.સાંજે પતિ બેંકથી ઘરે આવતાં જ સરૂબેને તાપસીનો પત્ર વાંચવા આપ્યો.ધૈર્યકાન્તે પત્ર વાંચ્યો,ફરી ફરી વાંચ્યો. સરૂબેન ને પતિના પ્રતિભાવો જોવા હતા.તેઓ એકીટસે પતિ સામે તાકી રહ્યા હતા.
“આ તાપસી તો કોઈ દેવી લાગે છે દેવી,આપણી દીકરીનું આટલું બધું ધ્યાન રાખે છે? તૈયારી કર.આપણે કાલે સવારે જ ગોંડલ જવા નીકળી જશું.”પોતાના પતિના આ શબ્દો સાંભળીને સરૂબેન નાં હૈયે તો હરખની હેલી ચડી.
“અને લાંબુ રોકાણ થાય તો એની પણ તૈયારી રાખજે.”ધૈર્યકાન્તે ઉમેર્યું.
સવારે જ ટેક્ષી કરી ગોંડલ જવા માટે નીકળી ગયાં.ધૈર્યકાન્તે રજાની વ્યવસ્થા રસ્તામાં થી કરી દીધી.
તાપસીનું સરનામું તો હતું જ.ચાવી પણ તાપસીને ઘરે જ રહેતી હતી.તાપસીને ઘરે જઈ પોતાની ઓળખાણ આપી પહોંચી ગયાં કાનન ને ઘરે.
કાનન તો મુક્તિને લઈને બાલઘર ગઈ હતી.તાપસીનું ઘર આવે એનાં પહેલાં પોતાનું ઘર આવતું. પોતાનું ઘર ખુલ્લું જોઇને નવાઈ પણ લાગી.દરવાજો અટકાવેલો જ હતો.દરવાજો ખોલીને જોયું તો હેબતાઈ જ ગઈ.સામે મમ્મી પપ્પા બેઠાં હતાં. કાનન તો આશ્ચર્ય અને આનંદમાં ગાંડી ગાંડી થઇ ગઈ.મુક્તિને પોતાના પપ્પાના ખોળામાં આપી પોતે પપ્પાના પગ પાસે બેસી ગઈ.ધૈર્યકાન્તનો એક હાથ મુક્તિના માથાં પર ફરતો હતો,બીજો હાથ કાનન નાં માથાં પર ફરતો હતો અને આંખમાંથી છલકાતો હતો શ્રાવણ-ભાદરવો.
જાણે કે વર્ષો વર્ષો ની કઠોરતા,પૂર્વગ્રહો,અહમ બધું જ ઓગળી રહ્યું હતું.દીકરીને મારેલા તમાચાથી માંડીને લગ્ન પછી આશીર્વાદ લેવા આવેલી કાનન સાથેનાં પોતાનું વર્તન આજે પશ્ચાતાપ રૂપી આંસુઓમાં વહી રહ્યું હતું. કાનનનાં આંસુઓનો બંધ પણ તૂટી પડ્યો.હમણાં જ આવેલી તાપસી અને સરૂબેન ની આંખો પણ ભીની થઈ ગઈ.
થોડીવારમાં બધાં સ્વસ્થ થઇ ગયાં અને છવાઈ ગઈ નિરવ શાંતિ.ધૈર્યકાન્ત અને સરૂબેને એ પણ નોંધ્યું કે કાનન થોડી કરમાઈ ગઈ હતી. કાનન હજી પણ અવઢવમાં હતી.મમ્મી-પપ્પા ને મારા સરનામાંની ખબર કેમ પડી?પરંતુ તરત જ સમજી ગઈ અને તાપસી સામે જોયું.
“કાનન,સાચી વાત છે.અમને તાપસી એ જ પત્ર લખીને જાણ કરી હતી.આ બધું જાણ્યા પછી અમારાથી રહી શકાય?”ધૈર્યકાન્તે સ્પષ્ટતા કરી.
“મારી નાની બહેન ઉંમર કરતાં ઘણી સમજદાર થઇ ગઈ છે.”કાનન લાગણીશીલ થઇ ગઈ.
“શિષ્યા કોની છું.”તાપસી એ પણ બે હાથ જોડી હસતાં હસતાં ઉમેર્યું.
“કાનન,હવે અમે અહીં જ છીએ.તું નોકરી જોઈન કરી જ દેજે. જરૂર જણાયે હું વધારે રજા પણ લઇ લઈશ અને પછી સરૂને તો અહીં જ રોકી જાવાનો છું.”
તાપસીએ ઘરે જઈ પહેલું કામ ઓફિસમાં મનન ને ફોન કરવાનું કર્યું. મનન નાં પ્રતિભાવ મિશ્ર હતા.એ નક્કી ન કરી શક્યો કે રાજી થાવું કે નહીં.ક્યાંક આ પરિસ્થિતિ પોતાના દાંપત્યજીવન માટે ખતરારૂપ તો નહીં બની જાય ને?
“તાપસી,હું ઓફિસથી છૂટીને રોજની જેમ જ તારી સાથે કાનન નાં ઘરે આવીશ.હવે મારે કારણે કાનન ની જીંદગીમાં કોઈ નવું તોફાન તો નહીં જ સરજાવા દઉં.”
મનન ની આ વાત પર તાપસીને ખૂબ જ માનની લાગણી અનુભવી.
કુદરતને લાગ્યું કે હવે કાનનની ઘણી બધી પરીક્ષા લેવાઈ ગઈ છે.હવે એને શાંતિ થી જીવવા દેવી જોઈએ.
બધાં ચા નાસ્તો કરી બેઠાં હતાં.અલકમલકની વાતો ચાલતી હતી.ત્યાં જ ફરી બેલ વાગી.
(ક્રમશ:)