ચંદુ ચેમ્પિયન Rakesh Thakkar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ચંદુ ચેમ્પિયન

ચંદુ ચેમ્પિયન

- રાકેશ ઠક્કર

ફિલ્મ ચંદુ ચેમ્પિયન (2024) નો કાર્તિક આર્યનનો અભિનય કારકિર્દીની આજ સુધીની ફિલ્મોમાં શ્રેષ્ઠ ગણાયો છે. કાર્તિકે મુરલીકાંત પેટકરના જીવન પરની બાયોપિકના પાત્રમાં પોતાનો જીવ રેડી દીધો છે. એણે પહેલવાન, સૈનિક, બોક્સર કે સ્વીમર તરીકે જ નહીં વૃધ્ધ પેટકર તરીકે પણ એવું કામ કર્યું છે કે એ કાર્તિક લાગતો જ નથી. હલ્કીફુલ્કી ભૂમિકા કરતા કાર્તિકે આવી ભૂમિકા પહેલી વખત કરી છે. અલબત્ત પાત્રના શારીરિક રૂપ પર મહેનત કરવા સાથે ઈમોશનલ દ્રશ્યોમાં વધારે મહેનત કરવાની જરૂર હતી. તે મરાઠી ઉચ્ચાર પકડવામાં થોડો કાચો સાબિત થયો છે. છતાં એણે ફરી એ વાત સાબિત કરી છે કે તે નિર્દેશકનો પોતાના પરનો ભરોસો સાચો સાબિત કરે છે. એ સ્વીકારવું પડશે કે ફિલ્મ જોવાનું એકમાત્ર કારણ કાર્તિક જ બન્યો છે.

કાર્તિકના બાળપણની ભૂમિકા અયાને એવી ભજવી છે કે એમ થશે કે એ જલદી મોટો ના થાય. કાર્તિકના ભાઈ તરીકે અનિરુધ્ધ જામે છે. રાજપાલ યાદવની ભૂમિકા ટૂંકી છે. તે હાસ્ય પૂરું પાડે છે. શ્રેયસ તલપડે સરપ્રાઈઝ આપે છે. વિજય રાજનું કોચ તરીકેનું કામ સારું છે. એ તાપસીની શાબાશ મિઠૂમાં આવી ભૂમિકા કરી ચૂક્યો છે. પત્રકાર તરીકે સોનાલી કુલકર્ણીની નોંધ લેવી પડે એમ છે.

સલમાન સાથે ફિલ્મો બનાવતા આવેલા નિર્દેશક કબીર ખાને રણવીર સિંહ સાથે ‘83’ બનાવ્યા પછી વધુ એક સ્પોર્ટ્સ ડ્રામા ચંદુ ચેમ્પિયન પર મહેનત કરી છે. બાકી મોટાભાગની બાયોપિકમાં વ્યક્તિની સ્તુતિ જ વધારે થતી હોય છે. રોમેન્ટિક- કોમેડી ફિલ્મો કરતા કાર્તિક સાથે મોટા બજેટની આ ફિલ્મ બનાવવી એ મોટો પડકાર હતો. રોમાન્સ અને રોમેન્ટિક ગીતો ન હોવા છતાં ફિલ્મ કંટાળો આપતી નથી. કબીરે કોઈ અસામાન્ય ફિલ્મ બનાવી નથી. અગાઉ આવી ફિલ્મો આવી ચૂકી છે. છતાં એમાં નવું ઘણું છે. 1950 થી 2018 સુધીના સમયને બહુ વાસ્તવિક દ્રશ્યો સાથે બતાવ્યો છે. યુદ્ધ અને બોક્સિંગના દ્રશ્યો પ્રભાવ મૂકી જાય છે. એમાં નાટકીય સાથે ભાવનાત્મક ક્ષણો છે. ઇન્ટરવલ વખતનું એક જ શૉટમાં લેવાયેલું દ્રશ્ય છાપ છોડી જાય છે.

કોઈ સ્પોર્ટ્સ ફિલ્મમાં એક રમત વિશે વાત હોય છે. ચંદુ ચેમ્પિયન માં કાર્તિકને ત્રણ રમતોમાં ભાગ લેતો બતાવ્યો છે એ એક વિશેષતા બને છે. મુરલીકાંત દગડુને હરાવે છે અને ટાઈગર અલી સાથેની મુલાકાત જેવા દ્રશ્યો ઉલ્લેખનીય છે. ઓલિમ્પિક સંઘના સભ્યો સામે મુરલીકાંતનો મોનોલોગ જોરદાર છે. કેટલાક મોનોલોગ વળી વધારાના લાગશે. તુઝે ગાંવ સે નહીં ભગાયા ગયા, તેરે સપને કી ઔર દૌડાયા હૈ અને ઇતની બડી કુર્સી ઔર ઇતની છોટી સોચ જેવા ઘણા વનલાઇનર સંવાદ સારા છે.

ચંદુ ચેમ્પિયન ની નકારાત્મક બાબતોની વાત કરીએ તો ભલે એને અવગણી શકાય પણ એના કારણે થોડી અસર થાય છે. અઢી કલાકની લંબાઈ સત્યાનાસ જેવા ગીતો વગર ઓછી થઈ શકે એમ હતી. અને રૂ.120 કરોડનું બજેટ ના થયું હોત. હવન કરેંગે જબરદસ્તી ઘૂસાડવામાં આવ્યું છે. બીજા ભાગની ગતિ ધીમી છે. બાયોપિક પર ફિલ્મી રંગ થોડો વધારે ચઢી ગયો છે. સિનેમાની છૂટ લેવાથી કબીર બચી શક્યા નથી. દરેક વખતે ચંદુ આટલી સરળતાથી ચેમ્પિયન કેમ બની જાય છે એ સમજવું મુશ્કેલ બને છે. એના સંઘર્ષને બરાબર બતાવ્યો નથી.

કાર્તિક કુશ્તી લડતો હોય છે ત્યારે વચ્ચે ઇનામના પૈસા પણ જોઈ લે છે. એના શારીરિક પરિવર્તનની જ વધારે વાત થાય છે. ફિલ્મમાં મુરલીકાંતની અંગત જિંદગી કે એમના પરિવાર વિશે ખાસ કંઇ બતાવવામાં આવ્યું નથી. એના પરિવારને ખબર જ ન હતી કે તે ઓલિમ્પિકની ફાઇનલમાં પહોંચી ગયો છે. યુધ્ધના દ્રશ્યો હજુ દમદાર હોવા જોઈતા હતા.

ફિલ્મ મોટા સપના જોવાની પ્રેરણા આપે એવી સ્પોર્ટ્સ ડ્રામા હોવાથી પરિવાર સાથે એક વખત જોવા જેવી જરૂર છે. કેમકે મુરલીકાંતના જીવન વિશે બહુ ઓછા લોકો જાણે છે. પદ્મશ્રી એવોર્ડથી સન્માનીત આ એક એવા હીરોની વાર્તા છે જેને ભૂલાવી દેવામાં આવી હતી. નિર્દેશક કબીર ખાને એમના જીવન વિષે બે વર્ષ સુધી સંશોધન કર્યું હતું. એમણે ફિલ્મ પર પકડ જમાવી રાખીને વિષયને સંભાળ્યો છે. રમતના દ્રશ્યોમાં ફિલ્મ વધારે જકડી રાખે છે અને મનોરંજન પૂરું પાડે છે. સમીક્ષકોનું કહેવું છે કે એનિમલ અને પુષ્પા સાથે બોક્સ ઓફિસ માટેની ના હોય એવી ચંદુ ચેમ્પિયન જેવી ફિલ્મો પણ બનતી રહેવી જોઈએ અને દર્શકોએ એને જોવી જોઈએ.