એક હતી કાનન... - 18 RAHUL VORA દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

એક હતી કાનન... - 18

એક હતી કાનન... – રાહુલ વોરા
(પ્રકરણ – 18)

કુદરતને હવે લાગ્યું કે ધૈર્યકાન્તની જીદને પોષનાર હવે નથી રહ્યા તો લાવ ને એને પણ એક પાઠ ભણાવી દઉં.
પિતાની ઉત્તરક્રિયા પતાવી ધૈર્યકાન્ત વડોદરા પહોંચ્યા કે સમાચાર મળ્યા કે એનું મેનેજર પદ છીનવી લેવામાં આવ્યું છે.જે બ્રાંચના એ મેનેજર હતા એ જ બ્રાંચમાં એકાઉન્ટન્ટ તરીકે બેસવું પડ્યું.
ઉપરાઉપરી આઘાત ની અસર એની તબિયત પર દેખાવા લાગી.ડાયાબીટીસ,બીપી એ પણ પોત પ્રકાશયું.
એક સાંજે થાકેલા પાકેલા ઘરે આવ્યા અને છાતીમાં દુખાવો ઉપડ્યો.
સરૂબેને તાત્કાલિક એમ્બ્યુલન્સ બોલાવી.એ જ એપાર્ટમેન્ટ માં રહેતા સુરેશભાઈ તથા અન્ય ની મદદથી હોસ્પીટલમાં દાખલ કર્યા.માઈલ્ડ હાર્ટએટેક હતો.
સરૂબેને સાંભળ્યું કે પોતાના પતિ ઘેનમાં સતત કાનન નું નામ બોલતા હતા.
બીજે દિવસે સવારે કાનન ને ફોન કર્યો.
“કાનન તારા પપ્પાને કાલે સાંજે માઈલ્ડ હાર્ટએટેક આવતાં હોસ્પીટલમાં દાખલ કર્યાં છે.જો કે સમયસર ટ્રીટમેન્ટ મળી જતાં તબિયત સુધારા પર છે.બે ત્રણ દિવસ રહેવું પડશે.તું ચિંતા ન કરતી.સમાચાર આપતી રહીશ અને અંતર ઘણું છે એટલે દોડીને આવતી પણ નહીં.”
પરંતુ કાનન નો જીવ હવે ઊંચો થઇ ગયો હતો.તેણે તરત જ મનનને ફોન કર્યો.
“મનન,પપ્પાને માઈલ્ડ હાર્ટએટેક આવ્યો છે અને હોસ્પીટલમાં દાખલ કર્યા છે.મને ચિંતા થાય છે અને મમ્મી પણ ત્યાં એકલી છે હું આજે જ વડોદરા જવા માગું છું.તારો શું વિચાર છે?”
કાનને સ્પષ્ટ જણાવ્યું નહીં પણ એને ઊંડે ઊંડે એવી ઈચ્છા ખરી કે મનન પણ આવે.
“કાનન,હું તો હમણાં નીકળી શકું એમ નથી.ઓફિસમાં કામ પણ ઘણું રહે છે.તારે જાવું જરૂરી છે?”મનને ઉત્તર વાળ્યો.
“હા હું તો આજે જ નીકળી જઈશ.”કાનને ટૂંકો જવાબ આપી ફોન કટ કરી નાખ્યો.
કાનન સમજી ગઈ કે કામનું તો બહાનું છે.કાનન એ પણ સમજી ગઈ કે મનન ને પણ પોતાનો પુરુષ તરીકેનો,પતિ તરીકેનો અહમ નડે છે.
કાનને આ અહમને પણ સ્વીકારી લીધો અને પોતે પપ્પાને જોવા રાતની બસમાં વડોદરા જવા નીકળી ગઈ.
દાદાજીના મૃત્યુ પ્રસંગે સરૂબેને વડોદરાનું સરનામું આપ્યું હતું અને મા દીકરી વચ્ચે પત્રવ્યવહાર પણ ચાલુ હતો.
રૂબરૂ મળેલાં ત્યારે એ જ એપાર્ટમેન્ટ માં રહેતા અને પપ્પા ની બેંક માં કામ કરતા સુરેશભાઈ અને નિશાબેન ફેમિલી અંગે વાત કરી હતી.મમ્મીએ એ પણ કહ્યું હતું કે એ બન્ને નો સ્વભાવ પણ સારો છે અને સપોર્ટ પણ.
કાનન ઘરે પહોંચી.પોતાનો ફ્લેટ તો બંધ હતો.પહોંચી ગઈ નિશાબેન ને ઘરે.
બેલ મારી.નિશાબેને જ દરવાજો ખોલ્યો.કાનને પોતાની ઓળખાણ આપી.આમ તો કાનનને જોઇને નિશાબેન ને અંદેશો આવી જ ગયો. કાનને ફ્લેટની ચાવી માગી.
“અરે,એમ તે કંઈ ચાવી અપાતી હશે.તું પહેલાં ઘરમાં તો આવ.ચા નાસ્તો કરીને પછી જ ચાવી મળશે.”નિશાબેને એને ઘરમાં ખેંચી જ લીધી.
“તું ફ્રેશ થા.હું તારી મમ્મીને મેસેજ મોકલું છું.”આમ કહી એણે પોતાના પતિને બોલાવી કાનનની ઓળખાણ કરાવી.
“અને મમ્મીને એ પણ પૂછી ને આવજો કે હું હોસ્પિટલ પપ્પાને જોવા આવું? મમ્મી કહેશે તો જ આવીશ નહીંતર આજે રોકાઇને સાંજે પાછી નીકળી જઈશ.”કાનનની આંખોની ભીનાશ નિશાબેનથી છાની ન રહી.
સુરેશભાઈએ સરૂબેન ને બહાર બોલાવી સમાચાર આપ્યા એટલે એ તરત ઘરે આવવા નીકળી ગયાં.
સરૂબેન સીધાં નિશાબેન ને ત્યાં આવ્યાં.પહેલાં તો માં-દીકરીએ આંસુવાટે પરસ્પર ઉભરો ઠાલવ્યો.
“કાનન,હું સમજી શકું છું કે તને પપ્પાને મળવાની,જોવાની ઈચ્છા હોય પણ એની અત્યારની પરિસ્થિતિ જોતાં મને ડર પણ લાગે છે.હા,એક સારી વસ્તુ એ નોંધી છે કે એની તારી તરફની લાગણી એનાં વર્તન પરથી દેખાઈ આવે છે ભલે હજી ખુલીને વ્યક્ત નથી કરતા.ઘેનમાં એકાદ બે વાર તારું નામ પણ બોલી ગયા હતા.તારા દાદાજીનું મૃત્યુ,બેંકની તકલીફો અને સતત સતાવતી તારી યાદ એને કારણે જ એટેક આવ્યો.”સરૂબેને વાત પૂરી કરી.
“તેમ છતાં વાંધો ન હોય તો એક સૂચન કરું.તું પપ્પાને ખાલી બહારથી જ જોઈ આવ.આવું કહેવું મને યોગ્ય નથી લાગતું પણ અત્યારના સંજોગો જોતાં એ જ રસ્તો મને દેખાય છે.”સરુબેને સૂચન કર્યું.
કાનન ને પણ મમ્મીની વાત યોગ્ય લાગી.નિશાબેને માં દીકરી ને પોતાને ઘરે જ જમાડ્યાં.બપોરે નિશાબેન સાથે હોસ્પીટલ જવા નીકળી ગઈ.
કાનન બારીમાંથી પપ્પાનો ચહેરો જોઇને હેબતાઈ જ ગઈ.ત્રણેક મહિનામાં જ કેટલા લેવાઈ ગયા હતા.દાદાજીના મૃત્યુ પછી અને આજે જે પપ્પા જોઈ રહી હતી તેમાં આસમાન જમીનનો તફાવત લાગતો હતો.પપ્પા ના ચહેરા પર હંમેશાં ખુમારીના ભાવો જોવા ટેવાયેલી તેની આંખો આવી તાણ યુક્ત અવસ્થા લાંબો સમય સહન ન કરી શકી.એક પળ તો એમ પણ થઇ આવ્યું કે પોતે દોડીને પપ્પાને વળગી પડે પણ માંડ માંડ જાત પર નિયંત્રણ રાખ્યું.જો કે વધારે સમય ત્યાં ઊભી ન શકી અને બાજુમાં પડેલા બેન્ચ પર બેસી પડી.
નિશાબેન કાનન ના બદલાતા ચહેરાના ભાવો પારખી ગયાં અને સમયસૂચકતા વાપરી ડોક્ટર આવતા લાગે છે એવાં બહાનાં હેઠળ કાનન ને ઘરે લઇ ગયાં.
ઘરે જઈને કાનને બધો ઉભરો ઠાલવી દીધો.કાનન ને છાની રાખતાં અને સમજાવતા સરૂબેન અને નિશાબેન ને બહુ જ તકલીફ પડી.કાનન ને પણ લાગ્યું કે આવી ને આવી રીતે મુશ્કેલીઓ આવતી રહેશે તો પોતે તૂટી પડશે.હવે સહનશક્તિની હદ આવી રહી છે એવું અનુભવ્યું.
એક દિવસ રોકાઈ ને કાનન માંડવી આવવા નીકળી ગઈ.બીજે દિવસે સરુબેને મનન ને ફોન કરી કાનન ની સ્થિતિ સમજાવી અને શક્ય હોય તો એકાદ આંટો મારી આવવાનું સૂચન પણ કર્યું.
મનને ઓફિસ આવી તાપસી ને બોલાવી
“તાપસી,મારે આજે સાંજે માંડવી નીકળવું પડે એમ છે બે એક દિવસ રોકાવું પણ પડશે.અહીનું જરા સંભાળી લેજે.”
“એનીથિંગ સિરીયસ?” મનન ને ચિંતામાં જોઈ તાપસીથી પૂછાઈ ગયું.
“એક્ચ્યુલી કાનન ના પપ્પાને હોસ્પીટલમાં દાખલ કર્યા હતા.કાનન નો જાણ કરતો ફોન પણ આવ્યો હતો.ભલે એણે સીધેસીધું કહ્યું ન હતું પણ એની એવી ઈચ્છા હતી કે હું પણ વડોદરા તબિયત જોવા અહીંથી જાઉં.પણ હું ન ગયો.કાલે મારાં સાસુનો કાગળ આવ્યો હતો એમાં એણે કાનન ને લાગેલા આઘાતની વાત જણાવી માંડવી જઈ આવવા સૂચન કર્યું છે.” મનને વાત પૂરી કરી.
“સર,તમારે વડોદરા જ જવું જોઈતું હતું.ગમે તેમ કાનનબેન ના પપ્પા છે. અને જયારે તબિયતનો મામલો હોય ત્યારે પોતાના ઇગોને બાજુમાં મૂકીને પણ જવું જોઈએ.”સ્પષ્ટ વક્તા તાપસીએ શબ્દો ચોર્યા વિના કહી જ દીધું.
મનન તો આટલી નાની ઉમરમાં તાપસી ની આ સમજદારીથી દંગ રહી ગયો.
સવારે મનન ને જોતાં જ કાનન ને નવાઈ લાગી.
“તને વડોદરા જવામાં સાથ ન આપવો એ મારી ભૂલ હતી. મોટામાં મોટી ભૂલ હતી.તું જે રીતે સંજોગો સ્વીકારી રહી છો,સંજોગો સામે લડી રહી છો તેમાં મારે સાથ આપવો જ જોઈએ.ફરીથી આવું નહીં થાય.”મનને ભૂલ સ્વીકારી અને માફી પણ માગી લીધી.
કાનનને મમ્મીની સમજણશક્તિ,પોતાની ચિંતા અને મનનની નિખાલસતા પર માન થયું.
એક દિવસ રોકાઇને મનન ચાલ્યો ગયો.
કાનનને માંડવી આવ્યે દશેક મહિના જેવો સમય થઇ ગયો હતો.પ્રયત્નો ચાલુ જ હતા તો પણ કોઈ રીતે બદલીનો મેળ પડતો ન હતો.હવે મનન ની અકળામણ પણ વધતી જતી હતી.તેની ધીરજ પણ ખૂટતી જતી હતી. એકવાર કાનન ગોંડલ આવી હતી ત્યારે વાત છેડી દીધી.
“કાનન,મને લાગે છે કે તારે રાજીનામું આપી દેવું જોઈએ.આમ ક્યાં સુધી અલગ અલગ રહેવું,લાંબી લાંબી મુસાફરીઓ કરવી,સતત તાણમાં જીવવું.એના કરતાં ક્યાંક પ્રાઇવેટ જોબમાં તું પણ ગોઠવાઈ જા. શાંતિથી જીવી તો શકાય.”
“તારી વાત સાચી છે.કંટાળો તો મને પણ આવે છે.બેંકની નોકરી છે એટલે થોડી લાલચ જાગે છે.તેમ છતાં છએક મહિના રાહ જોઈએ ત્યાં સુધી કશો મેળ ન પડે તો નોકરી છોડીને હું પણ ગોંડલ આવી જઈશ.”
કાનન નો માંડવી નો એક માત્ર સહારો માનસી જ હતી.બન્ને બેંકે સાથે જતાં અને વળતાં પણ સાથે.
કાનન નો દિવસ તો નોકરી ની દોડધામ માં નીકળી જતો પણ રાત પડતાં જ એકલતા કોરી ખાતી.ક્યારેક ઊંઘ મોડી આવે તો ક્યારેક સવારે વહેલી ઊંઘ ઉડી જાય. કાનને ફરી વાંચનનો સહારો લેવાનું નક્કી કર્યું.વાંચન ની સિઝન 2 એ એને વધુ પરિપક્વ બનાવી.
મનન આવતો ત્યારે ઘણીવાર એ ચર્ચા છેડી બેસતી.
“કોઈ પણ નિર્ણય સંજોગોને આધીન હોય છે. તો પછી ભૂતકાળના નિર્ણયો અંગે આપણી જાતને દોષી માનવાની ચેષ્ટા કેટલી સાચી કહેવાય?”
મનને એને સમજાવવાની કોશિશ કરતાં એક વાર કહ્યું પણ હતું.
“કાનન,તું બહુ વિચારશ.આટલું બધું વિચારવાનું છોડી દે.આપણે જે સમયમાં જીવીએ છીએ,જે સમાજમાં જીવીએ છીએ તેને પણ નજર સામે રાખવો પડે.તારી વાત સાચી છે પણ આપણે રાતોરાત સમાજને બદલી ના શકીએને.”
આચાર્ય રજનીશ ના ધ્યાન અંગેના વિચારોમાં એને વિશેષ રસ પડ્યો.રજનીશજી ના કહેવા પ્રમાણે વિચારોને જોયા કરશો,તટસ્થપણે જોયા કરશો તો ધ્યાનસ્થ અવસ્થા પ્રાપ્ત થશે. કાનને એ પ્રયોગ શરૂ પણ કર્યો અને
વહેલી સવારે વિચારોને જોતાં જોતાં વિચારોની પાર એક અવસ્થામાં પહોંચી જવા પણ લાગી. આ અનુભવ એના માટે નવો પણ હતો અને આહલાદક પણ.
વાંચનની વિવિધતા માં શરીર જે પાંચ મૂળભૂત તત્વોનું બનેલું છે એનાં પુસ્તકો હાથમાં આવ્યાં.જે પાંચ તત્વો તેજ,વાયુ,જળ,પૃથ્વી અને અગ્નિથી શરીર બનેલું છે તેની નજીક કેમ રહેવાય એના ઉપર એણે ધ્યાન કેન્દ્રિત કર્યું. શરીરની ભાષા સમજો તો જીવનશૈલી ખૂબ જ સરળ બની જાય છે.ભૂખ.તરસ,ઊંઘ એ બધી શરીરની ભાષા ને સમજવાના અને એ પ્રમાણે જીવવાના પ્રયોગો કરવાનું શરૂ પણ કર્યું.
પહેલો જ પ્રયોગ વહેલી સવારે ફરવા જવાનો શરૂ કર્યો.થોડું અજવાળું થતાં જ ફરવા નીકળી પડી.અને મોર્નિંગ વોકે એને એક નવા મિત્રનો ભેટો કરાવ્યો.કાનને થોડા દિવસોમાં જ અનુભવ્યું કે દરિયાદેવ ની એક વધુ કૃપા. આ નવી મિત્રતા તો જિંદગીના અંત સુધી ટકી રહી.
(ક્રમશ:સોમવારે)