એક હતી કાનન... - 17 RAHUL VORA દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

એક હતી કાનન... - 17

એક હતી કાનન... (રાહુલ વોરા)
(પ્રકરણ – 17)
“કદાચ અહીં તું જ એક એવી છો કે જેની સાથે આટલી ખુલીને વાત કરે છે.એટલે પ્લીઝ સંભાળ રાખજે મારા મનનની. અહીં બેઠેબેઠે મારી વધારે પડતી ચિંતા કર્યા કરે છે.” કાનને લાગણીશીલ અવાજે કહ્યું.
કાનન ના વિશ્વાસે તાપસી નું માન બન્ને તરફ ખૂબ વધી ગયું.
બીજે દિવસે કાનને પહેલું કામ ટપાલી રમણભાઈ નો આભાર માનવાનું કર્યું.બેંકની નોકરી એને કારણે જ શક્ય બની હતી. બેંકે જતાં પહેલાં મીઠાઈનું પેકેટ આપી આવી અને આભાર પણ માની આવી.સાંજે બેન્કમાંથી નીકળી મમ્મીને મળવા પહોંચી ગઈ.
કાનને ભલે પાછી ન ફરવાના નિર્ધાર સાથે ઘર છોડ્યું હતું પણ એ સમજતી હતી કે મમ્મીને પોતાના સાથની જેટલી જરૂર છે એટલી પોતાને પણ મમ્મીના સાથની જરૂર છે.
કાનન ને જોઇને સરૂબેન તો ખુશખુશાલ થઇ ગયાં.જો કે અપરાધભાવ અનુભવતાં હોવાને કારણે આંખ માં આંખ મેળવીને વાત કરવાનું ટાળી રહ્યાં હોય એવું લાગ્યું.
વાતાવરણ હળવું કરવા કાનને કહ્યું.
“મમ્મી,મારી ગેરહાજરીમાં તો તું જાડી થઇ ગઈ છો.મારી કચકચ અને ત્રાસ ઓછો થઇ ગયો એનું પરિણામ લાગે છે.”
ઊલટાની કાનનની આવી વાત સાંભળી સરૂબેન તો રડવા જ લાગ્યાં.
“મારી તોફાની,ચંચળ,તડ ને ફડ કરનારી દીકરી કેવી ગંભીર થઇ ગઈ છે? સંજોગોની થપાટે તને નાની ઉંમરે પરિપકવ બનાવી દીધી છે.કેટલું બધું વેઠયું છે,વેઠી રહી છો.ક્યારે અંત આવશે આ બધી વસ્તુનો.કુદરતને આખી દુનિયામાં એકલી તું જ મળી છો કસોટી કરવામાં.”
બે એક કલાક વાતો કરી કાનન નીકળી ગઈ.બહાર નીકળી તો આડોશી પાડોશીઓ ભેગાં થઈ ગયાં.એક તો કાનનનો સ્વભાવ મળતાવડો અને જે રીતે સંજોગો સામે અડીખમ ઊભી રહેતી હતી એને કારણે બધાંને એના ઉપર ખૂબ જ માન હતું.
દાદીબા ને પોતાની વહુ સરૂ સાથે ખૂબ જ ફાવતું પણ દાદાજી ને ત્યાં રોકી રાખવા માટે તે ગોંડલ જ રહેતાં હતાં.
ધૈર્યકાન્ત ને જયારે ખબર પડી કે કાનન ખાલી પોસ્ટ ઓફિસમાં જ નહીં પણ એના વિસ્તારના ટપાલીને પણ પોતાની ટપાલ રીડાયરેકટ કરવાનું કામ સોંપી ગઈ હતી ત્યારે પોતાની દીકરી ઉપર મનોમન માન થયું અને હવેથી તેને હેરાન ન કરવાનો નિર્ણય પણ લઇ લીધો.
મનોમન દાદ દેવાઈ ગઈ પોતાની દીકરીને,દીકરીની સમજદારીને.
કાનન માટે માંડવી નવું ન હતું પણ આ વિસ્તાર,ફળિયા કલ્ચર એ બધાનો અનુભવ પહેલો હતો.પપ્પા બેંકમાં ઓફિસર હોવાને કારણે સોસાયટી વિસ્તારમાં રહેવાનું વધુ બન્યું હતું.
જૈનપુરી,આઝાદ ચોક,માંડવી, એ કાનન નું નવું સરનામું હતું. આઝાદ ચોકમાં આવેલ જૈનપુરીના એક મોટા દરવાજામાં દાખલ થાઓ એટલે વચ્ચે ચોક આવે.સામેનો દરવાજો જૈનોની સમાજવાડી સાથે જોડાયેલો.ડાબી બાજુ પ્રાચીન મહાદેવ નું મંદિર.એકાદ બે સિવાય બધાં જ ઘર ગ્રાઉન્ડ ફ્લોર પર.
શરૂઆતમાં શાંતિપ્રિય કાનન ને મંદિરમાં થતી અવરજવર,ઘંટનાદ,ચોકમાં રમતાં બાળકો એ થોડું વિચિત્ર લાગતું હતું પણ પછી તો એને વસ્તી ગમવા લાગી.વહેલી સવારે અને સાંજે દરવાજે બેસતી ત્યારે આવતા જતા દર્શનાર્થીઓ,રમતાં બાળકો તેની એકલતાને દૂર કરતાં. એના મળતાવડા સ્વભાવને કારણે તેને પાડોશીઓમાં મિક્સ થતાં વાર ન લાગી.માનસીએ કાનન વિશેની ઉપર ઉપરથી જાણકારી આપી દીધી હતી જેથી કરીને લોકો એને પૂછી પૂછીને હેરાન ન કરે અને શંકાની દ્રષ્ટિએ પણ ન જુએ. બેન્કની નોકરીને કારણે લોકો તેની તરફ માનની નજરે જોતા હતા.એમાં પણ પિયર હોવા છતાં પણ એકલી વટથી રહેતી કાનન તો આસપાસની ગૃહિણીઓ માટે પ્રેરણામૂર્તિ સમાન હતી.પાડોશી સ્ત્રીઓ એની પાસે બેસવા આવતી,માર્ગદર્શન મેળવવા પણ આવતી.કાનન પણ બધાને શક્ય એટલી મદદરૂપ થવા પ્રયત્ન કરતી.
મનન પંદર દિવસે આવીને ત્રણ દિવસ રોકાઈ જતો.પહેલીવાર આવ્યો ત્યારે કાનને આજુબાજુમાં વિકસાવેલા સંબંધો જોઇને આશ્ચર્યમાં પડી ગયો હતો.એવી રીતે કાનન પણ રજાની ગોઠવણ કરી ગોંડલ જઈ આવતી.મનન આવ્યો હોય ત્યારે કાનન નાં રંગરૂપ કંઈક અલગ જ લાગતાં.પાડોશીઓ પણ એની મીઠી મશ્કરી કરવાની તક ચૂકતાં નહીં.અને કાનન ગોંડલ ગઈ હોય ત્યારે આખો ડેલો સૂનો થઇ જતો.કાનન અઠવાડિયે એકવાર મમ્મી પાસે પણ જઈ આવતી પણ પપ્પા ન હોય ત્યારે.કાનન ગોઠવાઈ ગઈ છે તે જોઇને સરૂબેન ને પણ સંતોષ હતો.એકવાર આવીને તે પણ માનસી અને તેનાં કુટુંબીજનો નો આભાર માની ગયાં હતાં.એમ તો કોલેજ સમયની બહેનપણીઓ,મમ્મીની બહેનપણીઓ અને પપ્પા સાથે નોકરી કરતા સ્ટાફ નાં ફેમીલી પણ હતાં.ક્યારેક ક્યારેક એમને ઘરે પણ જઈ આવતી.
જો કે બેંક સ્ટાફ સાથે પણ કાનન સારી રીતે ગોઠવાઈ ગઈ હતી.કાનન નો સ્વભાવ જ એવો હતો કે પ્યુન થી લઈને ઓફિસર સાથે એ સરળતાથી મિક્સ થઇ જતી.એમાં પણ એની કરમ કથની જાણ્યા બાદ એનું માન સ્ટાફમાં ખૂબ જ વધી ગયું હતું.
એકવાર કાનને માનસી ને કહેલું પણ ખરું
“તું માત્ર મારી સાથી કર્મચારી નથી પણ સખી,બહેન કે જે કહો તે સર્વસ્વ તું જ છો.તારો સાથ મને એવા સમયે મળ્યો છે કે ધારવા છતાં મારો પતિ મનન પણ મને સાથ આપી શકે તેમ નથી.”
અને માત્ર માનસી જ નહીં તેનાં ઘરનાં બધાં જ તેનું ધ્યાન રાખતાં.કાનન પણ ક્યાંય પણ જાય માનસીને ઘરે જાણ કરીને જ જાય.એમાં પણ વધારે પડતું મોડું થાય તો માનસી નાં સાસુ એનો ક્લાસ લઇ લે.
આમ કાનન ભૂતકાળને ભંડારી,વાસ્તવિકતા નો સ્વીકાર કરી નવી વ્યવસ્થા માં ગોઠવાઈ ગઈ હતી. જો કે કાનને પણ વધારે સંબંધ તો બે ઘર સાથે જ રાખ્યા હતા.એક માનસી અને બીજાં પહેલે માળે રહેતાં રમીલાબેન સાથે. કાનન ને એનો સ્વભાવ ખૂબ જ ગમતો.એકદમ આનંદી સ્વભાવનાં.રમીલાબેન ને ત્રણ દીકરા જ હતા તેથી કાનન ને દીકરી જેમ જ રાખતાં.કાનન પણ અવારનવાર એને ઘરે જતી.રમીલાબેન ને જયારે કાનન ની સંઘર્ષગાથા જાણવા મળી ત્યારથી તો કાનન નું ખૂબ જ ધ્યાન રાખતાં થઇ ગયાં હતાં.
કુદરતને લાગ્યું ચાલો વળી કંઈક રમત કરું.
ધૈર્યકાન્ત ની બદલી વડોદરા થઈ.વડોદરા એટલે ગુજરાતનું સાંસ્કૃતિક પાટનગર.શિક્ષણનું મોટું ધામ પણ ખરું.વડોદરામાં ગુજરાતીઓ જેટલા જ મરાઠી લોકો પણ વસે.મરાઠીભાષી લોકોની શાંત પ્રકૃતિ ને કારણે બે પ્રજા એકદમ અનુકૂળ થઈને રહેતી હતી.વડોદરા માં શહેરના લાભો પણ મળે અને અતિ મોટું ન હોવાને કારણે શાંતિનો અનુભવ પણ થાય.
કાનન ને માંડવી ખાતેનો સહારો પાછો છીનવાઈ ગયો.આઘાત તો સરૂબેન ને પણ એટલો જ લાગ્યો.દાદાજી ની તબિયત પણ હમણાં હમણાં થી સારી રહેતી ન હતી અને એમાં પણ માંડવીનું વાતાવરણ થોડું ભેજવાળું એટલે એ રીતે પણ અનુકૂળ ન આવે.નહીંતર દાદા-દાદી અહીં રોકાઈ શકે.
ધૈર્યકાન્ત માટે પણ હવે કપરા દિવસો ચાલુ થયા હતા.કુદરતે જાણે એનો કેસ હાથમાં લીધો હતો.નવી જગ્યાએ કામગીરી ખૂબ જ કપરી લાગતી હતી.મોટી બ્રાન્ચ ના પ્રશ્નો પણ મોટા.સ્ટાફ,મેનેજમેન્ટ અને ગ્રાહકો વચ્ચે બલેન્સ જાળવવામાં એને ખૂબ જ તકલીફ પડવા માંડી.
વડોદરામાં હજી એકાદ મહિનો થયો હતો. દાદાજીની તબિયત અચાનક બગડી જતાં ગોંડલ થી ફોન આવ્યો. ધૈર્યકાન્ત અને સરૂબેન પહોંચે તે પહેલાં દાદાજીએ વિદાય લઇ લીધી.કુદરતી રીતે કાનન ગોંડલ હતી.આગલે દિવસે દાદીએ કહ્યું પણ ખરું કે કાનન આજે જ માંડવીથી આવી છે.એને રોકાવા બોલાવી લઈએ.પણ દાદાજી એ કોઈ રસ ન બતાવ્યો.
દાદીબાને લાગ્યું કે પોતાના પતિએ મોત સુધારવાની તક ગુમાવી.કાનન ને પણ લાગી તો આવ્યું જ. જો કે દાદાજીની વિદાય ના સમાચાર મળતાં જ કાનન,મનન અને તેનાં કુટુંબીજનો પહોચી આવ્યાં હતાં અને સમય સાચવી લીધો હતો.
ધૈર્યકાન્ત માટે આ આઘાત અસહ્ય હતો. આખી જિંદગી બન્ને એકબીજાના પૂરક રહ્યા હતા.ધૈર્યકાન્તે એ પણ જોયું કે માત્ર કાનન અને મનન નહીં એનાં બધાં જ કુટુંબીજનો ખડેપગે હાજર હતાં.ધૈર્યકાન્તે પણ બધાનો સમય સાચવી લેવા બદલ આભાર માન્યો. સરૂબેનને પણ મનન નાં કુટુંબીજનોને મળી ને સંતોષ થયો.
કાનન ને પણ લાગ્યું કે દૂર દૂર ક્ષિતિજ માં અજવાળું દેખાઈ રહ્યું છે.
દાદીબા ગોંડલ જ રોકાયાં.તાત્કાલિક મુસાફરી થાય તેમ પણ ન હતી. થોડા સમય પછી તબિયત સારી હોય તો કાનન પાસે માંડવી જવું એવું પણ નક્કી થયું.
કુદરતને હવે લાગ્યું કે ધૈર્યકાન્તની જીદને પોષનાર હવે નથી રહ્યાં તો લાવ ને એને પણ એક પાઠ ભણાવી દઉં.
(ક્રમશ:શુક્રવારે)