કર્તમ ભુગતમ Rakesh Thakkar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કર્તમ ભુગતમ

કર્તમ ભુગતમ

- રાકેશ ઠક્કર

શ્રેયસ તલપડે અને વિજય રાજની ફિલ્મ કર્તમ ભુગતમને સમીક્ષકોએ ઠીક ગણાવી છે. પાંચમાંથી અઢી સ્ટાર એની હકારાત્મક બાબતોને કારણે આપ્યા છે અને અઢી સ્ટાર નકારાત્મક બાબતો ગણાવી કાપ્યા છે. વાર્તા રસપ્રદ હોવા છતાં સોહમ શાહનું નિર્દેશન ખાસ નથી અને નિર્માણમાં વધુ ખર્ચ કરવામાં આવ્યો નથી તેથી દર્શકોને એમાં બહુ રસ પડ્યો નથી. ફિલ્મની વાર્તા એનું જમા પાસું છે.

દેવ જોશી (શ્રેયસ) ન્યુઝીલેન્ડથી ભારત આવે છે. પિતાના અવસાન પછી એમની બધી મિલકત વેચીને એણે દસ દિવસમાં પાછા ફરવાનું હોય છે. એક જ્યોતિષ અન્ના (વિજય) એને કાહે છે કે તે પાછો જઈ શકશે નહીં. એ વાત મનમાં ઘૂમરાયા કરે છે. જમીનથી લઈ બેન્ક સુધીના કામો અટકી જાય છે ત્યારે એ અન્નાની શરણમાં જાય છે. અન્નાના કહ્યા મુજબ એ કર્મકાંડ કરે છે, એ એને કઈ તરફ લઈ જાય છે એ માટે ફિલ્મ જોવી પડશે.

પહેલા ભાગમાં ફિલ્મ ધીમી છે પરંતુ પછી જમાવટ કરે છે. એમાં એવા રહસ્ય હોય છે કે દર્શક કલ્પના કરી શકે એમ નથી. નામ પરથી જ ખબર પડી જાય છે કે જેવું કરશો એવું ભોગવશો નો સંદેશ આપતી ફિલ્મ છે. ફિલ્મ દ્વારા ઢોંગી જ્યોતિષીઓથી દૂર રહેવાનો અને અંધવિશ્વાસમાં ના ફસાવાનો બોધ આપવામાં આવ્યો છે. જ્યોતિષના કાળા ધંધાથી શરૂ થતી વાર્તા દગા અને બદલાના ટ્રેક પર ભટકી જાય છે. આ સાયકોલોજિકલ ફિલ્મનો વિષય મજબૂત હતો. ધર્મમાં કોઈને પણ વિશ્વાસ કરાવવાનું જેટલું સરળ છે એટલું જ લોકોને ઠગવાનું પણ છે. એક વ્યક્તિને કેટલી હદ સુધી મૂરખ બનાવી શકાય એની કલ્પના કરવાનું મુશ્કેલ છે. એની વાતને નિર્દેશક સ્ક્રિનપ્લેમાં બરાબર ઢાળી શક્યા નથી.

રહસ્યમય રીતે વિજય રાજનું અન્ના નું પાત્ર આવે છે પણ પછી પુનરાવર્તન વધી જાય છે. તે વારંવાર થોડી ધીરજ ધરવાનું કહે છે. અસલમાં એ વાત દર્શકોને પણ લાગુ પડે છે. દર્શકોને વારંવાર ચોંકાવી દેવાના ચક્કરમાં વાર્તા યોગ્ય માર્ગ પર ચાલતી નથી. અન્નાની પત્ની બનતી મધુ વારંવાર પાણી પી લો કે ચા પી લોનો રાગ આલાપતી જોવા મળે છે. શ્રેયસની સાથીદાર અક્ષાનો વિડીયો કોલ પણ એક જ બાબત પર હોય છે. ઘણા એવા પ્રશ્નો છે જેનો ઉત્તર મળતો નથી.

અભિનયમાં શ્રેયસ અલગ ભૂમિકામાં દેખાયો હોવા છતાં સારું કામ કરી જાય છે. હાસ્ય ભૂમિકાઓમાં વધારે દેખાતા શ્રેયસે પહેલી વખત ગંભીર ભૂમિકા કરી છે. શ્રેયસનો અભિનય અત્યાર સુધીનો શ્રેષ્ઠ નથી. કોમેડીનો ચહેરો ગણાતો શ્રેયસ ટ્રેજેડીમાં પણ કમાલ કરે છે.

વિજય રાજ પોતાના અંદાજ અને સંવાદ અદાયગીથી પ્રભાવિત કરે છે. કેટલાક દ્રશ્યોમાં એ પોતાના ચહેરાથી જ છાપ છોડી જાય છે. તેની ભૂમિકામાં ઘણા શેડ્સ છે. છતાં એમ લાગશે કે શ્રેયસ અને વિજયની પસંદગી કદાચ ખોટી હતી. શ્રેયસનો ચહેરો માસૂમ છે. તેથી મનોવૈજ્ઞાનિક થ્રીલર માટે તે યોગ્ય ગણાય નહીં. વિજય રાજ પણ જ્યોતિષ તરીકે દેખાવમાં જામતો નથી.

રોજા ફેમ મધુ ઘણા વર્ષો પછી મોટા પડદા પર દેખાઈ છે. વચ્ચે એણે અભિનય કરવાનું બંધ કરી દીધું હતું. એના વગર ચેન ના પડ્યું એટલે પાછી આવી છે અને હવે સામે ચાલીને રોલ માંગી રહી છે. માની ભૂમિકામાં તે શ્રેષ્ઠ કામ કરી શકે એમ હોવાની સાબિતી આપી ગઈ છે. એના પાત્રનું ટ્રાન્સફોર્મેશન ચોંકાવી દે એવું છે.

ફિલ્મમાં કલાકારોના સારા અભિનયને બાદ કરતાં સંગીત, એડિટિંગ, પ્રોડકશન વગેરે તકનીકી પાસા સામાન્ય છે. કાલ જેવી મોટા બજેટની મલ્ટીસ્ટારર ફિલ્મ બનાવનાર નિર્દેશક સોહમ શાહે બહુ સીમિત બજેટમાં ફિલ્મ બનાવવાનો પડકાર ઝીલી બતાવ્યો છે એ માનવું પડશે. શ્રેયસ- વિજયની કર્તમ ભુગતમ બોક્સ ઓફિસ પર નિષ્ફળ રહી છે. એ કેવું કહેવાય કે જ્યોતિષના વિષય પરની ફિલ્મનું ભવિષ્ય પણ નિર્માતા- નિર્દેશક જાણી શક્યા ન હતા!