રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ
આજે ટેકનોલોજી ની જરૂરિયાત દરેક ક્ષેત્રમાં છે. ટેકનોલોજી નું મહત્વ ફક્ત વિજ્ઞાન પૂરતું મર્યાદિત ન રહેતા દેશને આગળ વધારવાના દરેક કાર્યમાં છે. આજે દરેક વ્યક્તિ કોઈ ને કોઈ ટેકનોલોજી સાથે જોડાયેલી હોય છે. ભારતને ડિજિટલ કરવા માટે ટેકનોલોજી નો સિંહ ફાળો છે.જે રીતે દરેક વિકસિત અને વિકાસશીલ દેશ પોત પોતાના પરમાણુ પરીક્ષણ કરીને પોતાની શક્તિઓ દુનિયાને બતાવી રહી છે તેવી જ રીતે ભારત દેશ પણ રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ મનાવીને પોતાના વૈજ્ઞાનિકો તેમજ તેમના કાર્યોને સન્માન પ્રદાન કરે છે.
દેશને શક્તિશાળી બનાવવામાં ટેકનોલોજીનું બહુ મોટું યોગદાન છે. તેથી જ 11 મે ના દિવસે આપણા દેશમાં ટેકનોલોજી દિવસ મનાવવામાં આવે છે. ઇતિહાસના પાના પર સુવર્ણ અક્ષરે લખાઈને આ દિવસ અમર બની ગયો છે. પોખરણમાં શ્રેણીબદ્ધ નિયંત્રિત પરિક્ષણો દ્વારા અણુ આયુધ ટેકનોલોજીમાં (પોખરણ ૧૧) મેળવેલી નિપુણતા, સ્વદેશી ત્રિશૂળ મિસાઇલનું પરીક્ષણ, સ્વદેશી વિમાન હંસ-૩નું પરીક્ષણ-ઉડ્ડયન જેવી ટેકનોલોજીની સિદ્ધિઓને બિરદાવવા આ દિવસ ઉજવવામાં આવે છે. આજના દિવસે જ 1998 માં બીજી વખત પરમાણુ પરીક્ષણ કરવામાં આવ્યું હતું. વર્ષ 1998માં તત્કાલિન વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના નેતૃત્વમાં ભારતે એક પછી એક 5 પરમાણુ બોમ્બ પરીક્ષણ કર્યા હતા. આ પોખરણ-2 હતું. પ્રથમ પરમાણુ પરીક્ષણ મે 1974માં કરવામાં આવ્યું હતું. પોખરણ-2ની સફળતા પર, સરકારે 11 મેને રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ તરીકે જાહેર કર્યો.
દર વર્ષે રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ માટે નવી થીમ હોય છે.આ વર્ષ ૨૦૨૪નિ આજના દિવસની થીમ છે: ‘સ્કૂલ ટુ સ્ટાર્ટઅપ્સ-ઇગ્નીટીંગ યંગ માઇન્ડ્સ ટુ ઇનોવેટ!’ આ થીમનો ઉદ્દેશ્ય યુવા પેઢીને ટેક્નોલોજીમાં રસ લેવા માટે પ્રોત્સાહિત કરવા, પ્રેરણા આપવા અને પ્રોત્સાહિત કરવા માટે એક નોંધપાત્ર પહેલ કરવાનો છે.
રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ મનાવવા પાછળનો ઉદેશ એ જ છે કે લોકો વધુ ને વધુ ટેકનોલોજી વિશે જાણે, તેના પ્રત્યે જાગૃત થાય. આજે ટેકનોલોજી ના કારણે જ પૂરી દુનિયા એક બીજાથી જોડાયેલી છે. શિક્ષા, વેપાર, સંચાર વગેરેને સરળ અને સંભવ બનાવવાવાળી ટેકનોલોજી જ છે. આપણો દેશ વિકાસની હરણફાળ ભળતું રહે અને ટેકનોલોજી ક્ષેત્રે હજુ વધુને વધુ આગળ વધતું રહે તે માટે જનતા જાગૃત થાય તેથી જ રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ મનાવાય છે. 1999 માં પ્રધાનમંત્રી શ્રી અટલ બિહારી વાજપેયી દ્વારા વૈજ્ઞાનિકો અને એન્જિનિયરોના કાર્યોને બિરદાવવા રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ મનાવાય છે.
આમ, ભારતના વૈજ્ઞાનિકો અને તેમની સિદ્ધિઓના સન્માનમાં દેશમાં દર વર્ષે 11 મેના રોજ રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ ઉજવવામાં આવે છે. રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ આપણને યાદ અપાવે છે કે વિશ્વ કેવી રીતે વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રમાં આગળ વધી રહ્યું છે, ખાસ કરીને ન્યુક્લિયર ટેક્નોલોજીના વિકાસમાં અને કેવી રીતે ભારતે ધીમે ધીમે તેમાં પોતાનું સ્થાન બનાવ્યું છે. આ દિવસ દેશના વિકાસમાં યોગદાન આપનારા વૈજ્ઞાનિકો અને એન્જિનિયરોને સન્માનિત કરવા માટે ઉજવવામાં આવે છે.
વર્ષ 1998માં ભારત પરમાણુ પરીક્ષણ કરનાર વિશ્વનો છઠ્ઠો દેશ બન્યો. જો કે આ પછી અમેરિકી સરકારે ભારત પર ઘણા નિયંત્રણો લાદી દીધા હતા. પરંતુ ભારતે પશ્ચિમી દેશોના દબાણમાં આવીને ટેસ્ટ ચાલુ રાખ્યો. 11 મેના દિવસે રાજસ્થાનમાં પોખરણ પરીક્ષણમાં ભારતે બીજી વખત સફળતાપૂર્વક પરમાણુ પરીક્ષણ કર્યું હતું. આ પોખરણ પરીક્ષણનુ નેતૃત્વ ડો. એપીજે અબ્દુલ કલામે કર્યું હતું. આ પરીક્ષણને “ઓપરેશન શક્તિ” કે “પરમાણુ – 2” કહેવાય છે. આ પોખરણ પરીક્ષણની સફળ ઉપલબ્ધિને યાદ કરવા માટે આજનો દિવસ મનાવવામાં આવે છે.બે દિવસ પછી દેશમાં બીજા બે પરમાણુ હથિયારોનું પરીક્ષણ થયું. આ પરીક્ષણ પછી ભારત દેશ દુનિયાના એવા છ દેશમાં શામિલ થઈ ગયો કે જેની પાસે પરમાણુ શક્તિ છે.
ઉપરાંત, ભારતના વિમાન “હંસે” 11 મે 1998 ના દિવસે જ પ્રથમ ઉડાન ભરી હતી. હંસ 3 વિમાનને નેશનલ એરોસ્પેસ લેબોરેટરી એ બનાવ્યું હતું. તે બે સીટ વાળું ઓછા વજનનું વિમાન હતું. તેનો ઉપયોગ પાયલટોને પરીક્ષણ દેવા માટે, હવાઈ ફોટોગ્રાફી કરવા માટે તેમજ નજર રાખવા માટે થતો હતો. પર્યાવરણને ધ્યાનમાં રાખીને યોજનાઓ બનાવવા માટે પણ હંસ 3 નો ઉપયોગ થતો હતો.આ સિવાય 11 મે 1998 ના દિવસે જ ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (DRDO) એ ત્રિશુલ મિસાઈલનું અંતિમ પરીક્ષણ કર્યું હતું. ત્યારબાદ ત્રિશુલ મિસાઈલને ભારતીય વાયુસેના અને ભારતીય ભૂમિ સેના માં શામિલ કરવામાં આવ્યું હતું. ત્રિશુલ જમીન પરથી હવામાં મારવાની મિસાઈલ છે. આ થોડા અંતર વાળી નજીકની મિસાઈલ છે, જે પોતાના લક્ષ્ય પર તેજીથી હુમલો કરે છે.
રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસની ઉજવણી અંતર્ગત આજના દિવસે દર વર્ષે બાળકો અને યુવાનોને ટેકનોલોજી બાબતે વધુ પ્રોત્સહિત અને જાગૃત કરવા સાયન્સ એન્ડ ટેકનોલોજી થીમ પર અમદાવાદ ઇસરો, સ્પેસ એપ્લિકેશન સેન્ટર સહિત વિવિધ વિજ્ઞાન કેન્દ્રો પર અંતરિક્ષ પ્રદર્શન સહિતની વિવિધ વૈજ્ઞાનિક પ્રવૃતિઓ કરવામાં આવે છે.
ચાલો આપણે પોખરણના જુસ્સાને યાદ કરીએ અને આપણા દેશને વધુ મજબૂત બનાવવા માટે ટેકનોલોજીના ક્ષેત્રોમાં આગળ વધીએ.