કામ ચાલૂ હૈ Rakesh Thakkar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કામ ચાલૂ હૈ

કામ ચાલૂ હૈ

- રાકેશ ઠક્કર

એક સમય પર કોમેડી ફિલ્મોમાં ધૂમ મચાવતા રાજપાલ યાદવને OTT પર આવેલી ફિલ્મ કામ ચાલૂ હૈ માં એકદમ ગંભીર ભૂમિકામાં જોઈને નવાઈ લાગવા સાથે આનંદ થશે કે એને સારું કામ મળી રહ્યું છે. કોમેડીની જેમ ટ્રેજડીમાં કમાલ કરી ગયો છે. એનામાં દર્શકોને હસાવવાથી વધુ ક્ષમતા રડાવવાની છે. કાર્ટૂન પ્રકારના કોમેડી કલાકારની ઈમેજમાંથી તે બહાર આવી રહ્યો છે. હાથમાં પુત્રીના અસ્થિનો કળશ લઈને યે મેરી બેટી હૈ, મર ગઈ હૈ સંવાદ બોલે છે ત્યારે દર્શકની આંખમાં પણ પાણી આવી જાય છે.

ફિલ્મમાં મહારાષ્ટ્રના એક વ્યક્તિની વાર્તા છે. એ તેની પત્ની સાથે આનંદમય જીવન જીવે છે. એમની પુત્રી અભ્યાસમાં હોશિયાર છે. એ સાથે ક્રિકેટ ટીમની ખેલાડી પણ છે. માતા-પિતા ક્રિકેટમાં એના સારા ભવિષ્યનું સપનું જોઈ રહ્યા હોય છે ત્યારે એક ઘટના બને છે. પિતા મનોજ પાટિલ (રાજપાલ યાદવ) સ્કૂલમાંથી પુત્રીને સ્કૂટર પર લઈ ઘરે આવી રહ્યા હોય છે ત્યારે એક ખાડામાં પડી જાય છે. મનોજ હેલ્મેટ હોવાથી બચી જાય છે પણ પુત્રી મૃત્યુ પામે છે. અચાનક પુત્રીને ગુમાવી બેઠેલો મનોજ સિસ્ટમ સામે બદલો લેવા માગે છે પણ પછી એવું કંઈક થાય છે કે તે રસ્તાના ખાડા ભરવાનું કામ કરવા લાગે છે.

સત્ય ઘટના પર આધારિત વાર્તાનો વિષય જરા હટકે છે પણ એનો એક અલગ અંત હોવો જોઈએ જે ગાયબ છે. એક સામાજિક કાર્યકરના સંઘર્ષને હજુ વધુ સારી રીતે બતાવી શકાયો હોત. એક રીત આ બાયોપિક છે. અંતમાં અસલ મનોજ પાટિલને બતાવવામાં આવ્યા છે. તેમ છતાં મોટા બજેટની બહુ પ્રચાર થાય છે એવી ફિલ્મોથી સારી ગણવામાં આવી છે. આતંકવાદ કરતાં સડકના ખાડાથી લોકો વધારે જીવ ગુમાવે છે. આતંકવાદ પર અનેક ફિલ્મો બને છે પણ ખાડા પર પહેલી વખત કોઈએ ફિલ્મ બનાવવાનું સાહસ કર્યું છે.

ફિલ્મોમાંથી રાજપાલ અચાનક ગાયબ થઈ ગયો હતો. તે પહેલાંની જેમ કામ કરતો દેખાતો નથી. એમ લાગતું હતું કે અભિનય પ્રતિભા ધરાવતા રાજપાલને કામ મળતું નથી. ફિલ્મ કામ ચાલૂ હૈ જોયા પછી એમ કહેવું પડશે કે એને પસંદગીનું કામ ઓછું મળે છે. એની અભિનય પ્રતિભાનો પૂરો ઉપયોગ થયો નથી. ગયા વર્ષે આવેલી અપૂર્વા માં રાજપાલ ખલનાયક તરીકે અલગ છાપ છોડી ગયો હતો. આજકાલ એવી ફિલ્મો બની રહી છે કે અભિનેતાને અભિનય સિવાય બધું જ કરવાની તક આપે છે. રાજપાલ યાદવે પુનરાગમન કરવા જેવું કામ કર્યું છે. એક પિતાની વ્યથાને એણે બહુ બારીકાઈથી વ્યક્ત કરી છે. રાજપાલની પત્ની તરીકે જિયા માણેક પ્રભાવિત કરે છે.

શરૂઆત સારી થાય છે. ઇન્ટરવલ પછી વાર્તા નબળી પડે છે. નિર્દેશકને મુખ્ય મુદ્દા પર આવતા સમય લાગે છે. મુદ્દાને યોગ્ય રીતે રજૂ કરી શક્યા નથી કે એના મૂળમાં જઈ શક્યા નથી. વાર્તામાં એ મુદ્દો મુખ્ય છે કે પિતા પોતાની પુત્રીના દુ:ખમાંથી બહાર કેવી રીતે આવે છે. વિષય એવો છે કે જો આ ફિલ્મ થિયેટરમાં રજૂ થઈ હોત તો કોઈ જોવા ગયું ન હોત. કેમકે બોલિવૂડ સાથે આ ફિલ્મના વિષયને કોઈ લેવા દેવા નથી. એમાં એક્શન, કોમેડી, ડાન્સ કે બીજા કોઈ મસાલા નથી. દોઢ કલાક સુધી મુખ્ય વિષય પર જ વાર્તા રહે છે. ફાલતૂ મસાલા જેવું કશું જ નથી. પરંતુ ફિલ્મને બે કલાકની બનાવીને નિર્દેશક પલાશ મુચ્છલ હજુ અસરદાર બનાવી શક્યા હોત. જીવન મેં જો ભી બનના હૈ બનો, સબસે પહલે નેક ઇન્સાન બનો જેવા સંવાદ છે પણ ફિલ્મનો આશય કશું શીખવવાનો કે બદલવાનો નથી. કેટલાક ઈમોશનલ દ્રશ્યો એવા જરૂર છે જે હચમચાવી નાખે છે. એક સાફસૂથરી અને પરિવાર સાથે જોઈ શકાય એવી નાની અવધિની આ કોઈ ચીલા ચાલુ ફિલ્મ નથી.