Featured Books
શ્રેણી
શેયર કરો

ઉડાન... એક સકારાત્મક વિચારોની - 21

અન્યાય ક્યાં સુધી...? ભાગ 2


પ્રદીપ : સુરેશિયા..ઉઠ..! એક..બે..ત્રણ..ચાર..પાંચ..હા, પાંચ કપ ચા બનાવ..કડક મસાલે દાર..ના છ કપ બનાવ..આ મદનીયાનેય પણ મરતા મરતા ચા પીવડાવીએ ને..!"

( પાંચેય મિત્રો જોર જોરથી હસવા લાગ્યા. મદન અધમુઇ હાલતમાં કંઇક બબડે જતો હતો. પણ સ્પષ્ટ સંભળાતું નહોતું. સુરેશ આંખો ચોળતો ઉભો થયો અને ચા બનાવવા લાગ્યો.)

" આયો મોટો મારા પરાક્રમને બહાર પાડવા વાળો..! મારા બાપને જઈ ને તારે બધું કહેવું હતું ને..? લે કહે હવે..!" કહી પ્રદીપે મદનને પગથી પાટુ માર્યું. મદન પડ્યો પડ્યો કણસતો હતો. તેનામાં ઉભા થવાના પણ હોશ નહોતા.

" અલ્યા, બસ...! બહુ ના માર.. મરી જશે તો લેવાના દેવા પડી જશે." પ્રદીપના મિત્રએ કહ્યું.

" ચિંતા ના કર..! મરી જશે તોયે કોઈ મારો વાળ પણ વાંકો નહીં કરી શકે.આખરે સરપંચનો બેટો છું..મનસુખ સરપંચનો એકનો એક દીકરો છું...સમજ્યો..?" રૂઆબથી પ્રદીપે કહ્યું.

"સુરેશ ચા પાટલી પર મૂકી જતો રહ્યો. એને એમ કે અડધી રાત્રે પીધેલ હાલતમાં, ભાન ભુલી બોલતા હશે આડુંઅવળું. એને બિચારાને ક્યાં ખબર હતી કે આ લોકો ખરેખર કોઈને મારવા તુલ્યા હતા. સરપંચના ખાતામાં ચાના જે લેવાના હતા તેટલા રૂપિયા લખી સુરેશ તો ફરી પાટલી પર આડો પડી સુઈ ગયો.
પણ મને કંઇક અણસાર આવી ગયો હતો. હું સાવચેત થઈ બધું સાંભળે રાખ્યું અને તેઓ પર નજર રાખી.તેઓને એમ કે મને કંઈ ખબર નથી પણ પૂનમની રાતે હું બધું સ્પષ્ટપણે જોઈ શકતો હતો."

" પછી શું થયું..કાકા..?"

" પ્રદીપે મદનને ચા પીવડાવી ને ફરી બે ચાર પાટા માર્યા. તેના મિત્રો પ્રદીપને વારંવાર આમ મદનને મારવાની ના પાડતા પણ પ્રદીપ પર અહમ..અભિમાન..અને અમીરીનો ઘમંડ સવાર હતો. એમ મિત્રએ મદનને ઊભો કરવાનો પ્રયત્ન કર્યો પણ તે ઉઠ્યો નહિ. બાકીના મિત્રો પણ તેના ગાલ થપથપાવવા લાગ્યા પણ મદન..મદનના પ્રાણ પંખેરુ તો ઊડી ગયા હતા. બધા મિત્રો ગભરાઈ ગયા. હવે શું થશે..? તેઓએ મદનને ઉઠાડવાનો પ્રયત્ન કર્યો પણ તે ના ઊઠ્યો દરેક સમજી ગયા કે મદન જીવતો રહ્યો નથી. બધા મિત્રો ગભરાઈ ગયા પણ પ્રદીપ માં સહેજે ગંભીરતા નહોતી. તેણે મદનના મૃતદેહને હાથથી પકડી ખેંચીને થોડે દૂર પીંપળાના ઝાડ નીચે નાખી દીધો. મિત્રોને ચિંતા ન કરવા કહ્યું. પોતે બધું સંભાળી લેશે એમ કહી બધા ચાલ્યા ગયા." સવજીકાકાએ કહ્યું.

" તો તમે આ બધી વિગતો પોલીસને કીધી કેમ નહિ..? અહીં પણ પોલીસએ બધાને સવારે પૂછપરછ તો કરેલી..!" રમણે પૂછ્યું.

" હું કામથી સવારથી બહાર ગયો હતો. હમણાં જ તો આવ્યો. વાયા વાયા સુરેશના સમાચાર મળ્યા મને..!"

" તો હવે શું કરશું..? સુરેશને કેવી રીતે બચાવશું ?" કિશોરે પૂછ્યું.

" જો બેટા.. પ્રદીપનું નામ લેવું આપણા માટે જોખમ ભરેલું છે. જો ભૂલથી પણ પ્રદીપને ખબર પડી કે આપણે આ બાબતે પોલીસને જાણ કરી છે તો સમજ આવી બને આપણું.. મદન જેવી આપણી હાલત કરતા તેને વાર ન લાગે દીકરા..!"

" તો સાવ નિર્દોષ એવા સુરેશને પોલીસસ્ટેશનમાં મરવા દેવાનો..? આ તો ખોટું છે ને કાકા..! આપણે કંઇક તો ઉપાય શોધવો જ પડશે." રમણે કહ્યું.

" જો સરપંચ અહીં હોત તો તેઓને વાત કરી શકાય.. તે સીધો અને ન્યાયી માણસ છે. પણ પ્રદીપ.. ના બાપ રે..!"

" કંઇક કરીને આ વિશે સરપંચને જાણ કરીએ તો..?" રમણે કહ્યું.

" પણ કરસનકાકા તો કહેતાં હતા કે તેઓ ચાર પાંચ દિવસે આવશે જાત્રાથી..ત્યાં સુધી..? ત્યાં કેવીરીતે જાણ કરવી." કિશોરે કહ્યું.

" તમને બધી સાચી ઘટના જણાવી. હવે તમારે જે કરવું હોય તે કરો..પણ ક્યાંય મારુ નામ ન આવવું જોઈએ." સવજીએ કહ્યું.

રમણ અને કિશોર લોકોમાં રહેલ પ્રદીપના ડરથી વ્યાકુળ થઈ ગયા. હવે સુરેશને બિચારાને થાણેથી છોડાવવો તો કેવી રીતે..?

" લોકોમાં જે પ્રદીપનો ડર છે તે દૂર તો કરવો જ પડશે. ક્યાં સુધી ગામમાં આમ, અનીતિ અને અન્યાય ચાલે જશે..? ક્યાં સુધી ડરવાનું..? ક્યાં સુધી આમ, નિર્દોષને સજા ભોગવવાની..? આખરે ક્યાં સુધી..? નહિ રમણ..! હવે બસ થયું.. હું પોતે જ પોલીસસ્ટેશનમાં જઈ આ ઘટના વિશે જણાવી દઉં છું. પ્રદીપને તેના કર્મોની સજા તો મળવી જ જોઈએ..!" કિશોરે કહ્યું.

" કિશોર..! શાંત..! આપણે જરૂરથી આપણા મિત્રને બચાવશું.. અને જરૂરથી પ્રદીપને સજા અપાવશું, પણ ઉતાવળે કંઈ પગલું ના ભરાય.. જે કામ બળથી ના થાય ત્યાં બુદ્ધિ વાપરવી પડે. હવે તો રાત પડી છે, પણ આપણે કંઈ પણ કરીને આવતી કાલ સાંજ સુધીમાં સુરેશને છોડાવી દઈશું અને પ્રદીપને પોલીસના હવાલે કરી દઈશું. પણ તેના માટે આપણે બહુ વિચારીને પ્લાનીંગથી કામ લેવું પડશે." રમણે કહ્યું.

આખી રાત બંને મિત્રોએ કેવીરીતે સુરેશને બચાવવો અને કેવીરીતે પ્રદીપને સજા અપાવવી તે વિશે વિચારતા રહ્યા. છેવટે તેઓને ઉપાય મળી ગયો.

સવારના ચાર વાગે કિશોરે તેના દાદાને ધીમેથી ઉઠાડ્યા.
" દાદુ..દવાખાનાની ચાવી ક્યાં છે..?" ધીમેથી કિશોરે તેના દાદાને જગાળ્યા.

" તારે શું કરવી છે ચાવી..?" પડખું ફેરવતા દાદાએ કહ્યું.

" કામ છે..દવા લેવી હતી..આપો ને..ચાવી..!"

" શાની દવા..? કોના માટે જોઈએ..? શું થયું છે.." દાદા બગાસાં ખાતા બેઠા થઈ બોલ્યા.

"મારું શરીર બહુ દુઃખે છે.. કળતરની દવા લઈ તમને ચાવી આપી જાઉં...!" કિશોરે કહ્યું.

" લે..દવા લઈ બરાબર દવાખાનું બંધ કરી મારા ઓશિકા નીચે ચાવી મૂકી જજે." દાદાએ ઓશિકા નીચેથી ચાવી કાઢી આપતા કહ્યું.

કિશોર અને રમણ ફટાફટ સંતાઈને દવાખાને ગયા અને બેભાન કરવાની શીશી લઈ આવ્યા. દવાખાનું બંધ કરી કિશોર કોઈને ખબર ન પડે તેમ ચાવી દાદાના ઓશિકા નીચે મૂકી આવ્યો.


🤗 મૌસમ 🤗