Featured Books
શ્રેણી
શેયર કરો

ઉડાન... એક સકારાત્મક વિચારોની - 20

અન્યાય ક્યાં સુધી..? ભાગ 1

"બોલ..સાચું બોલ..કોણે..મદનને મારી નાખ્યો..બોલ..!" એક ઇન્સ્પેક્ટર જેલમાં બંધ કરેલ 17-18 વર્ષની ઉંમરના એક છોકરાને દંડાથી માર મારી પૂછે જતા હતા. છોકરો સાવ સાધારણ અને ગરીબ પરિવારનો લાગતો હતો. તેના શરીરનો બાંધો સાવ પાતળો હતો. પોલીસ ઇન્સ્પેક્ટરએ એક પાટુ માર્યું ને તે છોકરો સામેની દીવાલે ભટકાઈ નીચે પછાળાયો.

" સાહેબ..! મને કંઈ ખબર નથી..મને જવા દો સાહેબ..!" હાથ જોડી છોકરો તે નિર્દયી ઇન્સ્પેક્ટરને કરગરવા લાગ્યો.

" તારી દુકાન આગળ મદનનું મર્ડર થયું છે. પોસ્ટમોર્ટમમાં પણ 'ચા' નીકળી છે. મતલબ ચા તારી દુકાનની જ પીધી હશે. સાચું બોલ..નહીંતર મારી મારીને અધમુવો કરી દઈશ." ઇન્સ્પેક્ટરએ ફરી દંડો ફટકારતા પૂછ્યું.

" હા, સાહેબ તે દિવસે અડધી રાત્રે કોઈ ચાર પાંચ માણસો ચા લેવા આવેલા, મેં ચા બનાવી આપી હતી પણ અંધારું બહુ હતું. આથી તેઓ કોણ હતા તે મને ખબર નથી સાહેબ.. સાહેબ.. મહેરબાની કરી મને જવાદો. મેં કંઈ નથી કર્યું. હું કોઈને ઓળખતો પણ નથી." રડતાં રડતાં છોકરો બોલ્યો.

" અલ્યા કિશોર..! આ તો આપણા ભાઈબંધને મારી મારીને અધમુવો કરી દેશે. જલ્દી કંઈક કરવું પડશે." થાણાની બારીમાંથી ડોકિયું કરી રહેલા રમણે કિશોરને કહ્યું.

" ચાલ, કરસનકાકાને જઈ વાત કરીએ." બંને સુરેશની ચાની કીટલી પર ગયા. કરસનકાકાને પોલીસથાણાની બધી વાત કરી. તેમ છતાં કરસનકાકા ચુપ હતા.

" કાકા તમે કંઈ કરતા કેમ નથી..? આપણો સુરેશ વગર વાંકે માર ખાય છે બિચારો.. તમને તમારા દીકરા પર થોડી પણ દયા નથી આવતી..?" કિશોરે અકળાઈને કહ્યું.

" અરે તે મારો વ્હાલસોયો દીકરો છે. કયો બાપ પોતાના દીકરાને મોતના મુખમાં મોકલે..? પણ હુંયે મજબૂર છું..મારી હાલાતથી.. મારી ગરીબીથી..મારી રોજીરોટીથી..! " કરસનકાકાએ પ્રાઇમસ પર ચા ઉકાળતા ઉકાળતા ધીમેથી કહ્યું.

" તો શું મરવા દેશો સુરેશને..? એ નિર્દયી પોલીસવાળો બિચારા સુરેશને દંડે ને દંડે ફટકારે છે.." રમણે કહ્યું.

" મોટા માથા સાથે બહુ લમણા ન લેવાય રમણ..! એ સરપંચનો છોકરો પોલીસકેસ થયોને..! તે દિવસે ઘેર આવી ધમકી આપી ગયો હતો. કહેતો તો કે,' જો તારા છોકરાએ પોલીસ આગળ મોઢું ખોલ્યું તો તેની હાલત પેલા મદનીયા જેવી કરી દેશે અને ચાની દુકાન પણ વેર વિખેર કરી દેશે.' હવે તું જ કહે મારે શું કરવું..? આ ધમકીવાળી વાત મેં સુરેશને કીધી હતી. એટલે તે ચૂપ છે ને બિચારો પોલીસના હાથનો માર ખાયે જાય છે." કરશનકાકાએ કહ્યું.

" પણ કાકા તમે સરપંચને વાત કરો ને.. ! આપણો સુરેશ વગર વાંકે.. અધમુવો થઈ ગયો છે..હું મારા મિત્રની આવી હાલત નથી જોઈ શકતો...કંઇક કરો કાકા..!" કિશોરે કહ્યું.

" સરપંચ દસ દિવસની યાત્રા પર ગયા છે. એમને ઘેર આવતા હજુ ચાર પાંચ દિવસ લાગી જશે." કરસનકાકાએ કહ્યું.

" ત્યાં સુધીમાં તો સુરેશ બિચારો..ના..ના..! કિશોર..!! આપણે જ કંઈક કરવું પડશે." રમણે કહ્યું.

બંન્ને મિત્રો દુકાનથી થોડે દૂર ગયા ને સવજી ઠાકોર મળ્યા. તેઓના ચિંતિત ચહેરા જોઈ તે ઉભા રહ્યા અને બોલ્યા,

" શું થયું સુરેશનું..? કંઈ સમાચાર મળ્યા..? " સવજીએ પૂછ્યું.

" અરે સવજીકાકા..પોલીસવાળાએ સુરેશને મારી મારીને અધમુવો કરી દીધો છે. કરસનકાકા કહે છે કે સરપંચનો છોકરો ધમકી આપીને ગયો છે કે સુરેશ તેઓનું નામ દેશે તો તેની હાલત પણ મદન જેવી કરી દેશે. આથી સુરેસ કાંઈ બોલતો નથી ને માર ખાયે જાય છે." રમણે કહ્યું.

" સવજીકાકા..! તમને કંઈ ખબર છે કે ખરેખર શુ ઘટના બની હતી..?" કિશોરે પૂછ્યું.

" ચાલો ઘરે.. આમ, રસ્તે વાત નહીં થાય..!" ત્રણેય સવજીકાકાના ઘરે ગયા.સવજીકાકાનું ઘર દુકાનની બિલકુલ બાજુમાં જ હતું. સવજીકાકાએ શરૂઆતથી વાત કહેવાની શરૂ કરી.

" શરદ પૂનમની તે રાતે લગભગ બે અઢી વાગે મનસુખભાઈ સરપંચનો છોકરો પ્રદીપ તેના ચારપાંચ ભાઈબંધ સાથે મદનીયાને મારતા મારતા આવ્યા. એ વખતે હું ઘરની બહાર જ ઊંઘેલો..આખી ઘટના મારી સામે જ બનેલી. પણ મારી તે દિવસે તબિયત ઠીક ન હોવાથી હું ખાટલામાં જ પડ્યો રહ્યો."

"તો આ બધા પાછળ સરપંચના છોકરા પ્રદીપનો હાથ છે..?પણ તેઓ મદનને મારતા કેમ હતા..? કોઈ ઝગડો થયો હતો.." રમણે પૂછ્યું.

" મદન પ્રદીપના બધા કારસ્તાન જાણતો હતો. તે કોઈથી ડરતો નહોતો. કોઈ છોકરીના લફડા બાબતે મદન અને પ્રદીપ વચ્ચે થોડી બોલચાલ થઈ હતી. તો મદને પ્રદીપને ધમકી આપી હતી કે તેના બધા કાળા કામ વિશે તે આખા ગામને જણાવશે. બસ સરપંચ યાત્રા પરથી પાછા આવે તેની રાહ જોતો હતો."

"આ વાતની તમને કેવીરીતે ખબર પડી કાકા..?" કિશોરે પછ્યુ.

" તેઓની વાતચીત પરથી..સાંભળો..!" સવજીએ માંડીને વાત કરી.