"આવ બેટા..આવ..! કેટલા દિવસે તું આવી..? અને જમાઇરાજ ક્યાં રહ્યાં..? દેખાતાં નથી .?" આંગણામાં બેઠેલ મમ્મીએ મારા હાથમાંથી બેગ લઈ મીઠો આવકાર આપતાં કહ્યું.
હું તેઓને પગે લાગી ભેટી પડી. કેટલાય દિવસથી હું તરસતી હતી મમ્મીની હૂંફ માટે. મારી આંખોનાં ખૂણા ભીનાં થઈ ગયા. આંખો લૂછી મેં તેની સામે જોયું. તેનો હમેશાં હસતો રહેતો ચહેરો..આજ પણ મને જોઈ મલકાતો હતો. તેણે તેના વ્હાલસોયા હાથ મારા માથે ફેરવી મને ઘરમાં આવવા કહ્યું.
લગ્ન પછી હું ત્રણ વર્ષે આ ઘરમાં આવી. ઘરનાં ઉંબરે પગ મુકતા જ મને આ ઘર સાથે વિતાવેલ ખાટીમીઠી યાદો આંખ સામે તરવરવા લાગી.
આ જ ઉંબરે બેસીને હું ને મારી નાની બહેન છમછમ પડતાં વરસાદને જોતાં હતાં. અહીં બેસીને અમે બન્ને બહેનો પપ્પાની રાહ જોતા. જેવા દૂરથી પપ્પા આવતાં દેખાય અમે દોડતાં પપ્પાને વળગી પડતા. પપ્પા અમને બંને બહેનોને બે હાથે તેડીને ઘેર લાવતાં ને ચોકલેટ આપતાં.
હું ઉંબરો ઓળંગી ઘરમાં પ્રવેશી.બેઠકરૂમના સોફા પર પપ્પા બેઠાં બેઠાં છાપું વાંચી રહ્યાં હતાં. હું ધીમેથી તેઓની પાછળ ગઈ અને તેઓની આંખો દબાવી દીધી. છાપું વાંચવામાં મશગૂલ પપ્પાએ છાપું બાજુ પર મૂકી મારા હાથને સ્પર્શી બોલ્યા, "અરે કોણ આવ્યું મારા ઘરે..? મારા ઘરેથી ઉડી ગયેલ પંખી આજ રસ્તો ભુલ્યું કે શું..?"
" પપ્પા આવું ન બોલો પ્લીઝ..! હું રસ્તો નથી ભૂલી.હું સ્પેશિયલ તમને ને મમ્મીને મળવા આવી છું." તેઓને પગે લાગતા મેં કહ્યું.
" મજાક કરું છું દીકરા..!" કહી તેઓએ મારા માથાને ચૂમી લીધું ને મને ભેટી પડ્યા. જાણે વર્ષોથી સિવાયેલા તેઓના હોઠો પર આજ ફરી સ્મિત રેલાયું હતું અને ઘણા વર્ષે મને જોઈ તેઓની આંખો ભરાઈ ગઈ.
" બેસ બેટા..ઘણે દૂરથી આવી છે થાકી ગઈ હશે. અને જમાઇરાજ..? તેઓ દેખાતાં નથી..નથી આવ્યા..?" પપ્પાએ પૂછ્યું.
" તેઓ મને અહીં ઉતારી જરૂરી મીટીંગમાં ગયા છે.સાંજે મને લઈ જશે." સોફાના કવર પર પડેલી કરચલી સરખી કરતા મેં કહ્યું.થોડીઘણી વાતચીત કરી પપ્પા ફરસાણ અને મીઠાઈ લેવા બજારમાં ગયા. મમ્મી રસોડામાં રસોઈ બનાવતી હતી. હું સોફા પર જ થોડીવાર બેસી રહી.
"જ્યારે અમારા ઘરમાં આ સોફા આવ્યા ત્યારે હું ને બહેન કેટલા ખુશ થઈ ગયેલા. આ સોફા પર કેટલું કૂદતાં..!શરૂઆતમાં તો ખાવાનું પણ સોફા પર જ." આમ વિચારતા હું લાંબી થઈ.
તો ફરી વિચાર આવ્યો," અહીં સુતા સુતા જ હું વાંચતી હતી. ટીવી જોતી હતી. "
સોફાની બાજુમાં રહેલ કબાટ ખોલ્યું. મારા રમકડાં આજ પણ અકબંધ રીતે વ્યવસ્થિત રીતે ગોઠવાયેલા હતાં. તેમાંથી મેં મારી ઢીંગલી બહાર કાઢી.
" આ ઢીંગલી લેવા માટે મેં કેટલી બધી જીદ કરી હતી..? આખા દિવસના ઉપવાસ બાદ મને આ ઢીંગલી મળી હતી." ઢીંગલી જોઈ મારા ચહેરા પર સ્માઇલ આવી ગઈ. મેં તેને ફરી કબાટમાં હતી તેમ મૂકી દીધી. ઊભી થઈ તો બારીમાંથી પવન ફૂંકાયો ને મારા આખા શરીરમાં તાજીગી ભરી દીધી.
હું બારી પાસે ગઈ. દૂર દેખાતું મંદિર તેમનું તેમ હતું. પણ તેની આગળના ખુલ્લા ભાગમાં સુંદર બગીચો બની ગયો હતો. જ્યારે જયા પાર્વતીનું વ્રત હોતું ત્યારે આ બારીમાંથી ડોકિયું કરી જોઈ લેતાં કે પૂજા માટે બધી છોકરીઓ આવી કે નહીં..પછી અમે બંને બહેનો મંદિર જતા.
પછી હું મારા અને બહેનના બેડરૂમમાં ગઈ. ત્યાં જઈ બેડ પર સીધું પડતું જ નાખ્યું. ખુલ્લા હાથ રાખી થોડીવાર એમ જ સુઈ રહી. કેટલું શુકુન મળતું..? સ્કૂલેથી આવી રોજ હું થોડીવાર આમ જ સૂતી હતી.ઉભા થઇ હું સ્ટડી ટેબલ પાસે ગઈ..મારા પુસ્તકો..મારી નોટબુક..સ્ક્રેપબુક..ડ્રોઈંગબુક..જેમ હતું તેમ જ અકબંધ રીતે ગોઠવાયેલું હતું. બસ નવું એ હતું કે દીવાલ પર બન્ને બહેનોનો મોટો ફોટો ફ્રેમ કરી ટીંગાડ્યો હતો. આ રૂમ સાથે હું લાગણીથી બંધાયેલ હતી.આ ઘરમાં સૌથી વધુ સમય મેં અહીં જ તો વિતાવેલો.
" બેટા.. તારા માટે બટાકાવડા બનાવ્યાં છે. ચાખી જો તો, બરાબર બન્યા છે કે નહીં..?" હાથમાં બટાકાવડું લઈ આવતા મમ્મીએ કહ્યું.
" ક્યાં જરૂર હતી મમ્મી આ બધું કરવાની..! પપ્પા ફરસાણ લેવા તો ગયા છે."
" કેમ ન બનાવું..? તને બટાકાવડા બહુ ભાવે છે ને..!"
" મમ્મી બહુ જ મસ્ત બન્યા છે..ટેસ્ટી ટેસ્ટી..બહુ ટાઈમે આટલા ટેસ્ટી બટાકાવડા ખાધા." હું ને મમ્મી કિચનમાં ગયા.
"મમ્મી કિચન તો સાવ બદલાયેલું લાગે છે..!"
" હા, ટાઇલ્સ લગાવી અને ફર્નિચર બનાવડાવ્યું.."
"યાદ છે..એકવાર મારાથી દૂધ ઉભરાઈ ગયેલું ને તું મને બહુ વઢી હતી..?"
મમ્મીના હાથમાંથી ઝારો લઈ હું વડા તળવા લાગી.
" હા, યાદ છે..પણ એ પછી તારાથી ક્યારેય દૂધ ઉભયું નહોતું. મને તો એ પણ યાદ છે કે જ્યારે હું દૂધની તપેલી રસોડામાં મૂકતી તો તું છાનેમાને તેમાંથી એક ગ્લાસ જેટલું દૂધ પી જતી. હું કહેતી રોજ રોજ દૂધ ઓછું કેમ થઈ જાય છે, તો તું કહેતી કે બિલ્લી આવી હતી તેને તે દૂધ પીવડાવ્યું."
" મમ્મી..એ વખતે મને દૂધ કેટલું ભાવતું..અત્યારે તો પ્લાસ્ટિકની થેલીમાં આવતું દૂધ મને બિલકુલ નથી ભાવતું."
આખો દિવસ મમ્મી પપ્પા સાથે વાતોમાં ને જૂની યાદોમાં
પસાર થઈ ગયો. સાંજ ક્યાં પડી ખબર જ ન પડી. ફરી એ ઉંબરો ઓળંગીને મારે સાસરે જવાનું હતું. ખબર નહિ ફરી ક્યારે આ ઘરમાં આવવા મળશે..? એમ વિચારી હું મંદિર સમાન મારા ઘરના ઉંબરે નમીને તેની રજ શિરે ચડાવી. મમ્મી પપ્પાને ભેટીને તેઓના આશીર્વાદ લીધા ને હું મારા પિયરથી અળગી થઈ. ખાલી હૃદયે આવેલી, પણ અઢળક યાદો અને મમ્મીપપ્પાના અનમોલ આશિષને મારા દિલના ડબ્બામાં ખીચોખીચ ભરીને ભારે હૃદયે હું ગાડીમાં બેઠી. મમ્મીપપ્પા સાથે મારા એ નાનકડા ઘરને મેં અલવિદા કર્યું.
🤗 મૌસમ 🤗