બડે મિયાં છોટે મિયાં Rakesh Thakkar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

બડે મિયાં છોટે મિયાં

બડે મિયાં છોટે મિયાં

- રાકેશ ઠક્કર

અક્ષયકુમાર અને ટાઈગર શ્રોફની ફિલ્મ બડે મિયાં છોટે મિયાં ને સમીક્ષકોએ ઊંચી દુકાન ફિકા પકવાન કહ્યા પછી દર્શકોને ખ્યાલ આવી ગયો કે નિર્દેશક અબ્બાસ અલી જફર સલમાન સાથે જ સફળ ફિલ્મ આપી શકે છે. અલીએ ઈદ પ્રસંગે દર્શકોને ભવ્ય ફિલ્મ આપવાનો પ્રયત્ન કર્યો છે. એમાં પડદા પર કશું નવું આપી શક્યા નથી. સલમાન સાથે ઈદ પર આપી હતી એવી ફિલ્મની ભેટ આપી શક્યા નથી.

ફિલ્મનું ટ્રેલર રજૂ થયા પછી એની વાર્તાની ખબર પડી ગઈ હતી. તેથી ફિલ્મ જોવાની કોઈ ઉત્સુકતા પેદા થઈ ન હતી. અક્ષયકુમાર અને ટાઈગરની ફ્લોપ ફિલ્મોની યાદી લાંબી જ થઈ રહી છે. એક સારી મસાલા એક્શન ફિલ્મમાં દમદાર સ્ક્રિનપ્લે, ધમાકેદાર એક્શન અને હાસ્યનો ડોઝ હોવો જોઈએ. માત્ર મુખ્ય કલાકારોના એક્શન બાબતે જ કહી શકાય એમ છે કે બડે મિયાં તો બડે મિયાં છોટે મિયાં સુભાનલ્લાહ!

ફિલ્મની શરૂઆતમાં બતાવવામાં આવે છે કે એક બહુ કીમતી પાર્સલ લઈને સેનાના જવાનો જઈ રહ્યા છે. એ પાર્સલ જો કોઈ ખોટી વ્યક્તિના હાથમાં જતું રહે તો યુદ્ધ થઈ શકે એમ છે. કેમકે એમાં એક એવું કવચ હોય છે જે યુદ્ધ વખતે દુશ્મનોની મિસાઈલોનો નાશ કરીને ભારતને સલામત રાખી શકે છે. ત્યારે જવાનો પર હુમલો થાય છે અને એક માસ્ક મેન એને લૂંટી લે છે. આ સંજોગોમાં કર્નલ આઝાદ (રૉનિત રૉય) માને છે કે કોર્ટ માર્શલની સજા પામેલા બે જવાન ફિરોઝ ઉર્ફે ફ્રેડી (અક્ષયકુમાર) અને રાકેશ ઉર્ફે રૉકી (ટાઈગર શ્રોફ) એમની પાસેથી કવચવાળું પાર્સલ પાછું મેળવી શકે છે. એ બંને પાર્સલ પાછું મેળવી શકે છે કે નહીં એની એક્શન સાથેની વાર્તા ચાલતી રહે છે. એમાં કેપ્ટન મીશા (માનુષી) અને ટેકનીશીયન પૈમ (અલાયા) જોડાય છે. પછી ખબર પડે છે કે માસ્ક મેન કબીર (પૃથ્વીરાજ) છે અને તે કોઈ કારણથી બદલો લેવા માગે છે.

સ્ક્રિનપ્લે જ નહીં સંવાદ પણ નબળા છે. સમીક્ષકોએ એટલે જ કહ્યું છે કે સૌથી કંટાળાજનક કે સૌથી ખરાબ ફિલ્મના ઓસ્કાર એવોર્ડ માટેની સ્પર્ધામાં આ ફિલ્મ ઘણી આગળ રહી શકે એવી છે. બે સૈનિક દેશ માટે લડી રહ્યા છે એમનું પાત્ર કોઈ ટપોરી કે ગુંડા જેવું બતાવ્યું છે. એમની પાસે ગીતો ગવડાવવામાં આવ્યા છે. એમાં પણ દમ નથી. આધુનિક હથિયારો સાથે ધૂમધડાકા છે. એમાં વાર્તા જ ગાયબ છે.

અક્ષયકુમાર અને ટાઈગર એવા હીરો છે જે પોતાના શરીરને દાવ પર લગાવીને ખતરનાક એક્શન કરતા આવ્યા છે. પરંતુ બહુ ઓછા દ્રશ્યો હતા જેમાં દર્શકો સીટી કે તાળી મારીને પોતાની ખુશી જાહેર કરી શકે. ટાઈગર પાસે અભિનયની અપેક્ષા કોઈ રાખતું નથી. ટાઈગર પાસે ચહેરાના દ્રશ્ય પ્રમાણે હાવભાવની અપેક્ષા રાખવાનો મતલબ નથી. ટાઈગરના સંવાદ બોલવાનો અંદાજ પણ પરેશાન કરે એવો છે.

અક્ષયકુમાર કોમેડીમાં માહિર હોવા છતાં સારા કોમેડી પંચ નથી. અક્ષયકુમારે રૂટિન રીતે ભૂમિકા ભજવી છે. કોઈ ખાસ મહેનત કરી નથી. માનુષી છિલ્લર સતત એ વાત સાબિત કરી રહી છે કે એને અભિનેત્રી તરીકે પસંદ કરનાર નિર્દેશક ભૂલ કરી રહ્યા છે. કેમકે તે ચહેરા પર એકસરખા ભાવ જ રાખી શકે છે. અલાયા એફ. પણ અભિનયમાં ખાસ પ્રભાવિત કરતી નથી. સોનાક્ષી સિંહાને તો ખાસ તક જ મળી નથી. દક્ષિણના પૃથ્વીરાજ સુકુમારનનું કામ સારું છે. તેનો વિલન તરીકે યોગ્ય ઉપયોગ થઈ શક્યો નથી. ઇન્ટરવલ પછી તેના પાત્રનું રહસ્ય ખૂલે છે. તે વધુ પડતો બોલતો હોય એમ લાગશે.

એમ લાગે છે કે ફિલ્મમાં એક્શન નહીં એક્શનમાં ફિલ્મ જોઈ રહ્યા છે. જે દર્શકો માત્ર એક્શનના જ દિવાના છે અને વાર્તાને મહત્વ આપતા નથી એમના માટે આ એક સારી ટાઇમપાસ ફિલ્મ જરૂર બની શકે છે. નિર્દેશકે બીજી બાબતો પર ધ્યાન આપવાનું ટાળીને માત્ર એક્શન દ્રશ્યોમાં જ મહેનત કરી છે. દેશને બચાવવાના નામ પર પહેલાથી છેલ્લા દ્રશ્ય સુધી એક્શનનું તાંડવ છે. ચાર ફિલ્મોમાં હોય એટલા બધા એક્શન દ્રશ્યો છે.

કેટલીક જગ્યાએ વાર્તાને સમજવાનું મુશ્કેલ છે. એમાં ક્લોનિંગ, એઆઈ વગેરેની ટેક્નિક વિશેની વાતો સામાન્ય દર્શકોને સમજમાં આવે એવી નથી. અક્ષયકુમારને મિશન વિશે જાણકારી હતી અને એમાં ભાગ લેવા તૈયાર હતો. તેમ છતાં એણે શરૂઆતમાં પોતાને ખબર ન હોવાની વાત કરી અને એમાં જોડાવાની ના પાડી દીધી એ વાત હજમ થાય એવી નથી. સૌથી મોટું આશ્ચર્ય ટાઈગરના પાત્રમાં છે. એ મોટા તર્ક વગર ભારત વિરુધ્ધ થઈ જાય છે એ લેખનની નબળાઈ છે.

ખરેખર તો અક્ષયકુમાર અને ટાઈગરની કેમેસ્ટ્રી જબરદસ્ત હોવી જોઈતી હતી. બંને ભારતને બચાવવાની કોશિશ કરી રહ્યા છે પણ મજા જ આવતી નથી. બંનેના વનલાઇનર્સ સામાન્ય જ છે.

પહેલો ભાગ કંટાળો આપે છે. બીજો ભાગ થોડો સારો છે. ફિલ્મ લાંબી બનાવી દીધી છે પણ ક્લાઇમેક્સ બહુ ઝડપથી પતાવી દીધો છે. એમાં એક જોરદાર ટ્વિસ્ટ જરૂર છે. હથિયારની ચોરી કોણે કરી છે એ જાહેર કરવામાં બહુ સમય લગાવ્યો છે.

વિશાલ મિશ્રાના સંગીતવાળા ગીતો છેલ્લે ચોંટાડી દીધા છે. યાદ ના રહે એવા ગીતોના શુટિંગમાં ભારે ખર્ચ કરવામાં આવ્યો છે. ભલે એક સંદર્ભ આપીને નિર્દેશકે અમિતાભ- ગોવિંદાની હિટ ફિલ્મનું ટાઇટલ વાપર્યું છે પણ એના ટાઇટલ ગીતનું સત્યાનાશ કેમ કરી દીધું છે એ વાત સમજની બહાર રહે છે. બે હીરો અને બે હીરોઈન હોવા છતાં એમનો રોમાન્સ જ નથી. જે છે એ ગીતો દ્વારા જબરદસ્તી ઘુસાડવામાં આવ્યો છે.